તથાગત – સંકલિત

[ ગુજરાતી સામાયિકો પૈકી એક ઓછું જાણીતું પરંતુ સુંદર સામાયિક છે ‘તથાગત’. આ સામાયિક દ્વિમાસિક છે. જ્ઞાન સાથે સંસ્કારનું સિંચન કરતા આ સામાયિકના તંત્રી શ્રીમતી રેણુકાબેન દવે છે. અમદાવાદથી પ્રકાશિત થતા આ સામાયિકનું પ્રકાશન ‘તપનસ્મૃતિ ટ્રસ્ટ’ કરે છે. તેમાંથી આપણે અગાઉ કેટલાક લેખ માણ્યા હતાં. આજે સંકલિત સ્વરૂપે વધુ લેખોનું આચમન કરીએ. રીડગુજરાતીને આ સામાયિક ભેટ મોકલવા માટે રેણુકાબેનનો ખૂબ ખૂબ આભાર. આ સામાયિકના લવાજમની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] વરસાદ – અજ્ઞાત
(રશિયાની આ એક જૂની વાર્તા છે.)

ગઈકાલે રાત સુધી પહાડી વિસ્તારમાં એકધારો ધોધમાર વરસાદ વરસતો રહ્યો હતો. રશિયાની ખાચેન નદી બંને કાંઠે વહી રહી હતી તેની પશ્ચાતમાં ઊભેલા પહાડોમાંથી નીકળતી પાણીની ફેનિલ ધારા નદીને વધુ તોફાની બનાવી રહી હતી. એના કાંઠે વસેલા એક અંતરિયાળ ગામના રસ્તા પર એક માલધારક ટ્રક જઈ રહી હતી. ટ્રકનો જુવાન ડ્રાઈવર આજે કંઈ જુદી જ મસ્તીમાં હતો. તેની બાજુમાં બેઠેલી યુવતી એની શાંત મસ્તીનું કારણ હતી.

ખરી છે આ જિંદગી ! ડ્રાઈવર વિચારી રહ્યો – હજુ દસ દિવસ પહેલાં તો એકબીજાને ઓળખતાં પણ ન હતાં અને આજે જાણે કે….. ‘હજુ રસ્તો બહુ લાંબો છે. મને લાગે છે કે હજુ ત્રણેક કલાક થશે.’ ડ્રાઈવરે વાત કરવાના ઈરાદાથી યુવતી સામે જોઈને કહ્યું.
‘કંઈ વાંધો નહીં….!’ યુવતીએ થોડી બેફિકરાઈથી કહ્યું. અને પછી મનોમન બોલી કે તમે સાથે છો તો હું ગમે તેટલે દૂર જવા તૈયાર છું. યુવાનની નજર સામે તે દિવસની ઘટના આવી ગઈ. રસ્તાની વચ્ચોવચ્ચ ચાલી રહેલી આ યુવતીને હટાવવા વારંવાર હોર્ન વગાડવા છતાં તેણે સાંભળ્યું નહીં. ગુસ્સાથી બબડતો તે નીચે ઊતર્યો ને યુવતીને બૂમ પાડીને કહ્યું :
‘અરે, બહેરી થઈ ગઈ છે કે શું ? સાંભળતી નથી, આટલા બધા હોર્ન મારું છું તો પણ….!?’
યુવતીએ તેની સામે જોયું તો યુવાન તેના રૂપાળા ચહેરાને આંખ ફાડીને જોઈ રહ્યો, ‘શું કહ્યું તમે….?’ યુવતીએ પૂછ્યું.
‘કંઈ નહીં બસ, તું ક્યાં જાય છે ?’
‘પૂછો છો તો એ રીતે, જાણે મને તમારી લોરીમાં બેસાડી દેવાના હો.’ યુવતીએ તરત જવાબ આપ્યો.
‘અરે…. કેમ નહીં…. કેમ નહીં ! હું તને જ્યાં જવું હશે ત્યાં પહોંચાડી દઈશ, તું કહે તેના સમ !’ યુવાને ઉત્સાહથી કહ્યું અને ટ્રકનો દરવાજો ઉઘાડીને ઉભો રહ્યો. યુવતી હસતાં હસતાં નજીક આવી અને સ્ફૂર્તિથી તેની બાજુની સીટમાં ગોઠવાઈ ગઈ.

‘ક્યાંથી આવે છે ? અહીંની તો લાગતી નથી.’ યુવકે પૂછ્યું.
‘કેમ જાણે અહીંના બધાંને તમે ઓળખતા હો….!’ યુવતીએ મજાકના અંદાજમાં કહ્યું.
‘હા….હા… એમ જ છે. હું અહીંનો જ છું અને લગભગ અહીંના બધાને ઓળખું છું.’
યુવતીએ ઓળખાણ આપતા કહ્યું, ‘હું શહેરના એક સર્વેક્ષણદળ સાથે અહીંના પહાડોમાં સર્વે કરવા આવી છું.’
‘ઓ…હો, તો તું ભૂસ્તરશાસ્ત્રી છે ?’ યુવકે પ્રભાવિત લહેકામાં કહ્યું. પછી નાની નાની વાતો થતી રહી. દસેક દિવસથી તેઓ મળતાં હતાં. વાતવાતમાં યુવતીએ કહી પણ દીધું, ‘કાશ….! આપણે આમ જ સફર કરતાં રહીએ અને તે સફરનો ક્યારેય અંત જ ન આવે !’ યુવાને અનેક પ્રયત્નો કર્યા પણ આ વાતનો સુંદર જવાબ શોધી ન શક્યો.

આજે પણ વાતાવરણ વરસાદી જ હતું. ઈશાન દિશામાં જામેલો અંધકાર ધીરે ધીરે ઊતરી રહ્યો હતો. અચાનક લોરીના છાપરા પર ટપ ટપ અવાજ આવવા લાગ્યો. ઠંડી હવા જોરથી ફૂંકાવા લાગી. યુવાને કહ્યું, ‘બારી બંધ કરી દે…. ઠંડી લાગશે !’ યુવતીએ આમતેમ હેન્ડલ હલાવ્યું પણ તેને ફાવ્યું નહીં. યુવાને ગાડી બાજુમાં ઊભી રાખી બારી બંધ કરી દીધી. તેની વણકહી લાગણીથી ભીંજાયેલી યુવતી વિચારી રહી, સર્વેક્ષણનું કામ શરૂ કર્યું ત્યારે જરાયે ખબર ન હતી કે આવો પ્રેમાળ સાથીદાર મળશે. બહાર અંધારું જામવા લાગ્યું હતું. તેણે અંદરની લાઈટ ચાલુ કરી. અચાનક તેને લાગ્યું કે રસ્તા પર કોઈ હેટ હલાવી રહ્યું છે. યુવતીએ આ જોયું તો તરત જ બોલી ઊઠી :
‘અરે, ગાડી ઊભી રાખો અને તેને કહો કે બેસી જાય.’
યુવાનની ઈચ્છા ન હતી પણ ગાડી ઊભી રાખી. પેલો માણસ વરસતા વરસાદમાં માથે હેટ ધરીને દોડતો દોડતો તેની નજીક આવ્યો, ‘ક્યાં જવું છે ?’ યુવાને થોડા અણગમાથી પૂછ્યું. પેલા યુવાને ગામનું નામ આપ્યું અને કહ્યું :
‘બે કલાકથી ઊભો છું. પણ કોઈ ગાડી અહીંથી નીકળી નહીં. મહેરબાની કરીને મને લઈ જશો, ભાઈ ?!’ તેનાં કપડાં, છત્રી, બૂટ બધું જ પાણીથી તરબરતર હતું. યુવાને તેના તરફ જોઈને કહ્યું :
‘ભાઈ, હું એ બાજુ જતો હોત તો તને ચોક્કસ લઈ જાત, પણ અમે બીજી તરફ જઈએ છીએ, સોરી…!’ અને પછી પેલાનો જવાબ સાંભળ્યા વિના બારણું બંધ કર્યું અને ટ્રક ચાલુ કરી દીધી. છોકરી વળી વળીને પેલા મુસાફરને જોઈ રહી. તે ભીંજાઈ રહ્યો હતો.
‘એને બેસવા દીધો હોત તો સારું હતું.’ યુવતીએ સંવેદનાથી કહ્યું.
‘અરે પણ ક્યાં બેસાડું ? પાછળ તો લોરી ઠસોઠસ સામાનથી ભરી છે.’
‘પણ આપણી સાથે તો બેસી શકત ને !’ યુવતીએ ચિંતાથી કહ્યું.
‘તે જોયું નહીં ? તેનાં કપડાં, બૂટ, છત્રી બધામાંથી પાણી ટપકતું હતું. લોરી બગડી જાત કે નહીં !’ વાત સાંભળીને યુવતી જાણે કે બેહોશ થઈ ગઈ હોય તેમ ચૂપ થઈ ગઈ. ખાસ્સો સમય તે કંઈ બોલી નહીં.
‘શું થયું તને ?’ યુવાને શંકાથી પૂછ્યું.
‘કંઈ નહીં….!’ તેણે ટૂંકો જવાબ આપ્યો. ચારેક કિલોમીટર પછી યુવાને લોરીનો વેગ ઓછો કર્યો અને કહ્યું, ‘અહીં રસ્તો પૂરો થાય છે. બાકીનો રસ્તો કાચો છે.’ યુવતીએ સાંભળ્યું જ ના હોય તેમ બેસી રહી. યુવકે ગુસ્સામાં એક્સીલેટર દબાવ્યું અને જોરથી ટ્રક કાદવમાં ખાબકી. તેનું પાછલું પૈડું કીચડમાં ફસાઈ ગયું. પછી યુવકે ખૂબ પ્રયત્ન કર્યો પણ પૈડું ટસનું મસ ન થયું. રાતનો સમય હતો. વરસાદ વરસી રહ્યો હતો.

એ જ વખતે સામેથી કોઈ દરવાજો ખુલ્યો અને રસ્તા પર અજવાળું પથરાયું. અંદરથી એક વૃદ્ધનો અવાજ આવ્યો, ‘કોણ છે ?’
છોકરીએ કહ્યું : ‘અમે અહીં એક સર્વેક્ષણની ટીમ સાથે છીએ. રસ્તામાં વરસાદ આવ્યો અને ટ્રક કીચડમાં ફસાઈ ગઈ છે.’
‘આવું તો અહીં અવારનવાર બને છે. આવામાં મુસાફરી કરવી જોખમી બની જાય છે. તમે અંદર આવો. અહીં ખુશીથી રહો. સવારે લોરી માટે કંઈક કરીશું.’ યુવતી ડરતાં ડરતાં વૃદ્ધની પાછળ ગઈ. યુવાન ડ્રાઈવર પણ તેની પાછળ ગયો. ઘરમાં એક યુવતી અને તેનાં બે બાળકો હતાં તે જાગી ગયાં. બધાંએ હસીને પ્રેમપૂર્વક તેમનું સ્વાગત કર્યું. અડધી રાત થઈ ગઈ હતી. બધાંની ઊંઘ બગડી હતી. પણ કોઈના ચહેરા પર એવું વરતાતું ન હતું. બાળકો પણ ખૂબ સહજતાથી તેમની સાથે ભળી ગયાં. યુવતી નિશ્ચિંતપણે ઊંઘી ગઈ. યુવાન ત્યાંના દીવાનખંડમાં જ ઊંઘી ગયો હતો.

સવારે સરસ તડકો નીકળી આવ્યો. ઘરની ગૃહિણીએ બધાંને ‘ગુડ મોર્નિંગ’ કરી નાસ્તા માટે બોલાવ્યાં. સહુ નાસ્તાના ટેબલ પર ગોઠવાયાં. એ જ વખતે એક યુવાન માણસ ઘરમાં દાખલ થયો. ગૃહિણીના અને બાળકોના ચહેરાના ચમકારા પરથી લાગ્યું કે તે આ ઘરનો માલિક હતો. પેલી યુવતીએ તેના ચહેરા સામે જોયું અને તે ચોંકી ગઈ ! આ એ જ માણસ હતો જેણે રસ્તામાં તેમને લોરીમાં બેસાડી દેવા વિનંતી કરી હતી ! યુવતી એકદમ ઊભી થઈ ગઈ. ટેબલ પર મૂકેલો પોતાનો સ્કાર્ફ લીધો અને ઘરની બહાર દોડી ગઈ. કોઈ કંઈ કહે તે પહેલાં જ તે ચાલી ગઈ. અચાનક ડ્રાઈવરને સ્થિતિનો ખ્યાલ આવ્યો. તે ઊછળીને ઊભો થઈ ગયો અને પેલી યુવતી ભણી દોડ્યો. અને વારંવાર તેને બૂમો પાડવા લાગ્યો. પણ…. પેલી યુવતી ચાલી ગઈ…. અને કદી પાછી ન ફરી. (‘લેવોન આદ્યાન’ની વાર્તા પરથી.)
.

[2] મારે શીખવું છે….. – પ્રજ્ઞા મહેતા

શારદાગ્રામમાં અમારે ઘેર એક કાઠિયાવાડી છોકરી કામ કરવા આવતી. નામ એનું મધુ. બધાં એને મધી કહેતાં. એની સગાઈ થઈ ગઈ હતી અને લગ્ન થવાનાં હતાં. અમારી બાળમંડળીને એ વાતનું વધુમાં વધુ કૌતુક હતું કે મધીનો વર કેવો હશે ? એને પૂછીએ તો એ તો સાડલાનો છેડો મોઢા પર ખેંચીને મીઠું હસી લેતી.

એકવાર એણે મને કમ્પાઉન્ડની છેક બહાર લઈ જઈને પૂછ્યું : ‘મને લખતાં શીખવીશ ?’ હું ત્યારે આઠમા ધોરણમાં હતી. મને એટલી નવાઈ લાગી કે આવડી મોટી છોકરીને લખતાંય નહિ આવડતું હોય ?
‘તારે કેમ શીખવું છે ?’
એ કહે, ‘બસ, કામ છે.’
‘પણ લખતાં શીખીને તારે શું કરવું છે એ તો કહે. કાલે સવારે તો તું સાસરે જતી રહેવાની.’
‘એટલે જ મારે લખતાં શીખવું છે. તું કોઈને કહે નહિ તો એક વાત કહું ?’
‘કહે ને, કોઈને નહિ કહું, બસ ?’ બહુ જ અચકાતાં ને બહુ જ શરમાતાં તેણે ભોંય સામે જોતાં જોતાં કહ્યું, ‘મારા વરનું નામ લખતાં શીખવું છે.’ એમ કહીને અવળી ફરી ગઈ ને મલકાવા લાગી ને શરમાવા લાગી.
મેં કહ્યું : ‘ઓહો, એમાં શું ? પણ એટલા માટે તારે બધું જ લખતાં શીખવાની શી જરૂર ? તું ખાલી તારા વરનું નામ લખતાં પાકું શીખી જા ને !’
‘હા, એ વાત પણ હાચી. પણ તું મને જલ્દી જલ્દી શીખવીશ ને ? પછી મારું તો લગન આવી જશે.’
‘અરે, એક નામ જ શીખવવાનું છે ને ? બે જ દિવસમાં, તને શીખવી દઈશ, બસ ?’
‘ખા મારા ગળાના.’
‘તારા ને મારા બેઉના ગળાના. બસ ?’ પછી મેં પૂછ્યું, ‘સિલેટ-પેન છે તારી પાસે ?’
‘ના ભઈ, એવું તો કાંય નથી. અને તું મને ઘરમાં બેહાડીને ન શીખવીશ. બધાંને ખબર પડી જાય !’ એમ કહીને હસતી હસતી ભાગી ગઈ.

બીજે દિવસે બધું કામ પતાવીને સાંજે ફરી મારી સામે આવીને હસવા લાગી. હું એને કમ્પાઉન્ડમાં લઈ ગઈ. ત્યાં નદીની રેતી પાથરેલી હતી. ટી (T) આકારની લાંબી પટ્ટીથી રોજ એ રેતીને અમે સમતલ કરતાં અને પછી એના પર નાની નાની પગલીઓની ભાત પાડતાં. મેં મધીને કહ્યું, ‘જો, આ રેતીમાં હું તને આંગળીથી લખતાં શીખવું છું. પણ તારા વરનું નામ તો બોલ !’ પહેલાં તો તેણે ખાલી હોઠ ફફડાવ્યા. પછી નીચું જોઈને બોલી ગઈ – ‘દિલીપ’ મેં પહેલાં રેતીમાં દિલીપ લખ્યું. પછી એની આંગળી પકડી તેના પર ફેરવાવી. મધી તો જાણે સામે દિલીપ ઊભો હોય એટલું શરમાતી હતી ! પછી એને એક એક અક્ષર શીખવ્યો. મારી ને એની આંગળી છોલાઈ ગઈ. એટલે ઝાડની નાની સાંઠકડી લઈને શીખવ્યું. ખરેખર, બે દિવસમાં તે જાતે જ, જોયા વિના ‘દિલીપ’ લખતાં શીખી ગઈ, રોજ સાંજે ઘેર પાછી જાય ત્યારે એકવાર અચૂક એ લખીને મને બતાવતી. થોડા દિવસમાં એ આવતી બંધ થઈ ગઈ. એનાં લગ્ન પણ થઈ ગયાં હશે. ઘણીવાર એમ થાય છે કે ‘દિલીપ’ નામની આ બારીએથી એના પતિની સાચી ઓળખ એ મેળવી શકી હશે ? ‘દિલીપ’ અક્ષરોના અજવાળે એ આગળ કંઈ ભણી શકી હશે ? એની નામ લખતાં શીખવાની ધગશની પાછળ એનાં જે મનોગત કામ કરતાં હશે તે હશે. પણ આમ એક એક અક્ષરથી, એક એક પગલે નિરક્ષરતાને દૂર હડસેલી દઈ શકાય એવું તો ચોક્કસ લાગ્યું.

મારી આથી પણ નાની ઉંમરે રાધા નામની ભીલ સ્ત્રી અમારે ત્યાં કામે આવતી. પાતળી, મધ્યમ ઊંચાઈની અને અતિશય કાળી. પણ જેને ત્યાં કામે જાય તેનાં બાળકોને એ ખૂબ વહાલ કરતી. એના પતિએ પોતાનાં માતાપિતા સાથે ઉગ્ર ઝઘડો થતાં આવેશમાં ટ્રેનની નીચે કપાઈને આપઘાત કરેલો. આ વાત ક્યારેક મોટાંઓ સાથે નીકળે તો રાધા ઉંચા સ્વરે બોલતી, ‘મૂઓ મરતો ગયો ને મારતો ગયો. પાસે કંઈ ની મલે. મારે તો એનાં માબાપને પાલવવાનાં ને મારા છોરાને મોટો કરવાનો. કંઈ વિચાર ની આયો એને ?’ પણ ઘડી વાર પછી હસતી હસતી કામે વળગી જતી. એનો છોકરો કાન્તિ ભણવામાં સામાન્ય હતો. નજીકમાં એક વકીલસાહેબને ત્યાં રાધા કામ કરતી. એમણે છોકરાનો હાથ ઝાલ્યો. કાન્તિની ફી, પુસ્તકો, ગણવેશ – બધો ખર્ચ એ કરતા. કાન્તિ મેટ્રિક પાસ થયો કે તરત વકીલે એને આઈટીઆઈમાં ઈલેક્ટ્રિકનું કામ શીખવા મોકલ્યો. કાન્તિને આ કામ ને આ ભણવાનું બહુ જ ગમવા લાગ્યું. દિવસરાત એ ભણવાનું જ કામ કર્યા કરતો. પાસ થતાંમાં જ વકીલે તેને ઈલેક્ટ્રિકની એક દુકાનમાં કામે રખાવી દીધો. દુકાનના શેઠની જોડે તે કામે જતો. કાચા મકાનની બહાર મ્યુનિસિપલ લાઈટની નીચે વાંચીને તે ભણ્યો હતો. એટલે મહેનત કરવામાં તે પાછો પડે તેમ નહોતો. શેઠ પણ તેનું કામ બહુ વખાણતા. બે-પાંચ વર્ષે તેણે વકીલની મદદથી પોતાની દુકાન કરી. મોટી મોટી કૉલોનીઓ બનતી હોય ત્યાં તેને ઈલેક્ટ્રિકના કામનો કૉન્ટ્રાક્ટ મળવા માંડ્યો. અને આમ મહેનતના જોરે ને નસીબના સહારે તે આગળ વધતો ગયો. પછી તો રાધા ચારધામ જાત્રા કરી આવી. આવીને કહે કે હવે મેં કામ કરવાનાં છોડી દીધાં છે. હવે તો છોરાને પયણાવું ને ભગવાનનું નામ લઉં એવી જ મરજી છે.

વખતના વાયરામાં બધાં વેરવિખેર થઈ ગયાં. આજે તો રાધા છે કે કેમ તેય ખબર નથી. કાન્તિ શું કરે છે તેય ખબર નથી. પણ સાયકલ પર લાંબી લાંબી લાકડાની પટ્ટીઓ ને સામાનના થેલા લટકાવીને રસ્તેથી પસાર થતા વીસેક વર્ષના કાન્તિનું ચિત્ર મનમાં સ્થિર થઈ ગયું છે. મધીની જેમ એકાદ શબ્દ શીખવાનો હોય કે કાન્તિની જેમ જીવનનું ભણતર શીખવાનું હોય પણ શીખવા માટે રસ, ઉત્સાહ અને મહેનત અનિવાર્ય છે. પીડાદાયક ને અર્થહીન ગોખણપટ્ટીની વાત જ જવા દો. દિલની તીવ્ર ઈચ્છાથી ને આનંદપૂર્વક શીખેલું જ સંતોષનો ને સુખનો ઓડકાર આપે છે. પરિસ્થિતિને સંજોગો ભલે ગમે તે હો. પણ નવું શીખવા પ્રત્યેનો લગાવ જ ધાર્યા સુખ ભણી દોરી જાય છે.
.

[3] તુલસીદાસજીની ચોપાઈ, ગણિતમાં રોપાઈ…! – ગૌરાંગ વીરજીભાઈ પટેલ

સંત તુલસીદાસજી તેમની એક ચોપાઈમાં સમજાવે છે કે દરેક જીવમાં રામનો વાસ છે, આ ચોપાઈ નીચે મુજબ છે :

નામ ચતૂર્ગેન પંચયુગ કૃત, ધૈ ગુની બસુભખી
જીવ ચરાચર જગતમેં, તુલસી રામ હી દેખો

પરંતુ આ પંક્તિને ગાણિતિક ભાષામાં ફેરવીએ તો ગમ્મત થાય છે. અહીં નીચે મેં મારા નામ પ્રમાણે ગણતરી કરી છે. તમે તમારું નામ લખીને ગણતરી કરી જુઓ, મજા પડશે !

[અ] ચોપાઈનો પહેલો શબ્દ છે : ‘નામ’ (એટલે કે તમારા નામના અક્ષરો ગણો.) મારું નામ ગૌરાંગ છે, માટે કુલ અક્ષર થયા = 3

[બ] ચોપાઈનો બીજો શબ્દ છે : ‘ચતૂર્ગેન’ (એટલે કે ઉપરના અક્ષરોને ચાર વડે ગુણો.) 3 x 4 = 12

[ક] ચોપાઈનો ત્રીજો શબ્દ છે : ‘પંચયુગ’ (એટલે કે ઉપરોક્ત પરિણામમાં પાંચ ઉમેરો.) 12 + 5 = 17

[ડ] ચોપાઈનો ચોથો શબ્દ છે : ‘કૃત ધૈ ગુની’ (એટલે કે ઉપરોક્ત પરિણામને બે વડે ગુણો.) 17 x 2 = 34

[ગ] ચોપાઈનો પાંચમો શબ્દ છે : ‘બસુભખી’ (એટલે કે ઉપરોક્ત પરિણામને 8 વડે ભાગતાં શેષ (Remainder) મેળવો.) 34 / 8 = શેષ 2 વધશે.

અહીં મારા નામનું પરિણામ 2 આવે છે. તમારા નામની ગણતરી કરી જુઓ. પરિણામ એ જ આવશે. ‘રામ’ના નામના અક્ષર 2 છે. એટલે કે આ પૃથ્વી પરની દરેક વ્યક્તિમાં રામનો વાસ છે, એટલે જ એ પછીની પંક્તિમાં એમ લખાયું છે કે : ‘જીવ ચરાચર જગતમેં, તુલસી રામ હી દેખો.’

[ ‘તથાગત’ સામાયિક. ‘તપનસ્મૃતિ’ જે-201, કનક કલા-2, શ્યામલ ચાર રસ્તા, મા આનંદમયી માર્ગ, સેટેલાઈટ. અમદાવાદ-380015. ફોન : +91 79 26931633. ઈ-મેઈલ : editortathagat@gmail.com સામાયિક લવાજમ ભારતમાં : રૂ. 80 વાર્ષિક, રૂ. 210 ત્રણ વર્ષનું, રૂ. 350 પાંચ વર્ષનું.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “તથાગત – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.