તમારા બાળકના સારથિ બનો, ચોકીદાર નહિ ! – જયકિશન લાઠીગરા

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે, કૉલેજમાં અભ્યાસ કરી રહેલા યુવાસર્જક શ્રી જયકિશનભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. લેખનક્ષેત્રે તેઓ સતત પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ. આપ તેમનો આ સરનામે jplathigara@gmail.com સંપર્ક કરી શકો છો.]

આપણે રોજિંદા વ્યવહારમાં ઘણીવાર એવું સાંભળીએ છીએ કે માતા-પિતા પોતાના બાળકો માટે સારા-સારા સપનાં જુએ છે. જેમ કે મારા બાળકને વાર્ષિક 8-10 લાખનું સેલેરી પૅકેજ મળે, મારું બાળક ડૉક્ટર-ઈજનેર-ડાન્સર-સિંગર કે બિઝનેસમેન બને, હું મારા બાળકને વિદેશ ભણવા કે નોકરી કરવા મોકલું, વગેરે વગેરે… આમ વિચારવામાં જોકે કંઈ ખોટું નથી.

આ સપનાં પૂરા કરવા માટે વડીલો બાળકને M.Tech, MBBS, MBA, M.Sc, CA વગેરે જેવા મસમોટા ડિગ્રી કોર્સમાં દાખલ થવાનું કહે છે. તેને માટે બાળકને શરૂઆતથી જ ઊંચામાં ઊંચું અને શ્રેષ્ઠ શિક્ષણ અપાવે છે. બાળકને નાનપણથી જ પ્રિ-નર્સરી, નર્સરી, L.KG, H.KG વગેરે જેવા કલાસમાં દાખલ કરાવે છે. વાલી એમ વિચારે છે કે મારું બાળક બધા કરતા આગળ હોવું જોઈએ. બાળકને સારામાં સારા ટ્યુશન, સ્કૂલ, કલાસિસ, અને પુસ્તકો વગેરે અપાવે છે. બાળકનાં શિક્ષણ બાબતે ક્યારેક જરૂર કરતાં વધારે કાળજી લેવાનું શરૂ કરી દે છે. આવા સમયે વાલી કુંભાર બની જાય છે અને પોતાના બાળકને માટી સમજી બેસે છે. તેઓ પોતાની ઈચ્છા અનુસાર બાળકના ભવિષ્યને આકાર આપવા માંડે છે પરંતુ આ વાલીઓએ સમજવું જોઈએ કે પોતાનું બાળક એ કંઈ માટી નથી. બાળકની પોતાની પણ આગવી ઈચ્છાશક્તિ અને સર્જનાત્મકતા હોય છે.

કોઈ પણ ખ્યાતનામ અથવા સફળ ડૉક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન, એકટર, ડાન્સર, પેઈન્ટર, કવિ, લેખક, સંગીતકાર, હાસ્યકલાકાર કે વેપારી – આ બધા ધંધાદારી લોકો કોઈ મોટા કોર્ષ કે ડિગ્રીના સહારે સફળ નથી થતા. આ બધી જ વ્યક્તિઓ પોતાની ઈચ્છાશક્તિ અને આવડતને કારણે આગળ વધી શકે છે. તેઓ પોતાના કામને જ પોતાની હોબી માને છે અથવા તો પોતાની હોબીને જ ધંધાકીય સ્વરૂપ આપે છે. ધારો કે તેઓનું કામકાજ તેમને ગમતું ન હોય, તો તેઓ સફળ ન થઈ શકે. તેઓને પોતાના કામમાં કદી કંટાળો આવતો નથી. ઉલ્ટાનું તેઓ પોતાની પ્રવૃત્તિમાંથી જ મજા માણતાં હોય છે. કલાના ક્ષેત્રે જોડાયેલી વ્યક્તિઓને તો ડિગ્રીની પણ જરૂર રહેતી નથી. તેઓ પોતે જ પોતાની ડિગ્રી હોય છે. હવે ધારોકે ઉપરોક્ત કલાના ક્ષેત્રમાં રહેલી બધી વ્યક્તિઓને તેમના માતાપિતાએ જો એમ કહ્યું હોત કે ડાન્સરને બદલે એન્જિનિયર બન, બિઝનેસ કરવાને બદલે નોકરી કર, લેખક બનવાની જગ્યાએ ડૉક્ટર બન – તો વિચાર કરો કે શું આ વ્યક્તિઓ પોતાના ક્ષેત્રમાં આટલી સફળ થઈ શકી હોત ? તમારા બાળકનું ભવિષ્ય એક ક્રિકેટમેચ જેવું છે. તમે સ્ટેડિયમમાં મેચ જોવા જાઓ છો ત્યારે આપણા દેશનો કોઈ ક્રિકેટર સારું રમતો હોય કે ન રમતો હોય, તે છતાં તમે તેને પ્રોત્સાહન આપો છો. તમે કોઈ બોલર-બેટ્સમેનને એમ ન કહી શકો કે તમારે આ રીતે રમવું જોઈએ ! તેઓ પહેલેથી જ તેમના વિષયમાં શ્રેષ્ઠ હોય છે. ધારો કે તેઓ બરાબર ન રમી શકે તો પણ તમે તેને પ્રોત્સાહિત કરો છો જેથી તેઓ વધારે ને વધારે સારું રમી શકે. બાળકના વિષયમાં પણ આમ જ છે. તે જે કોઈ પણ કાર્ય કરે છે તેમાં તેને પ્રોત્સાહન મળવું જોઈએ. એનાથી તેની સર્જનાત્મકતા બહાર આવે છે. તેનાથી તે વિકસી શકે છે અને શક્ય છે કે આગળ જતાં એ કાર્ય જ તેનું પ્રોફેશન પણ બની જાય.

બાળકને અભ્યાસના બધા જ વિષયમાં સારા માર્ક્સ મળવા જોઈએ એ વાત જરૂરી નથી. જે રીતે કોઈ કંપનીના મેનેજર, માર્કેટિંગના વ્યક્તિઓ, મેન્યુફેકચરિંગ કે રિસર્ચ-ડેવલપમેન્ટના કર્મચારીઓ પોતાની અંગત આવડતને અનુરૂપ યોગ્ય પદ ધરાવે છે તેમ વિદ્યાર્થી પણ કોઈ એક વિષયમાં વધારે અભ્યાસ કરીને નિષ્ણાત બની શકે છે. આજે તો દેશ-વિદેશના વૈજ્ઞાનિકોએ પણ સાબિત કરી બતાવ્યું છે કે વ્યક્તિની સમજણશક્તિ અને યાદશક્તિ બંનેમાં તફાવત હોય છે. જે વિદ્યાર્થીની યાદશક્તિ સારી હોય તેને હોશિયાર કે સમજદાર ન પણ કહી શકાય. જેમ કે કોઈ વિદ્યાર્થી તીવ્ર યાદશક્તિથી 300 પાનાંનું પુસ્તક યાદ રાખી શકે છે, જ્યારે યોગ્ય સમજણશક્તિવાળો વિદ્યાર્થી પોતાની આવડતથી 300 પાનાનું પુસ્તક લખી પણ શકે છે ! તો જે લખી શકે છે એ વ્યક્તિને આપણે વધારે હોંશિયાર અને સમજદાર ગણી શકીએ કારણ કે તેમાં સર્જનાત્મકતા છે. એટલે જ આજે કહેવાય છે કે ‘Use your mind like processor, not a harddisk.’ હા, એ પણ છે કે દરેક વ્યક્તિ વૈજ્ઞાનિક ન બની શકે. ફક્ત વિજ્ઞાનના મોટા થોથાં વાંચવાથી વૈજ્ઞાનિક નથી બની શકાતું. એ માટે સર્જનાત્મક દષ્ટિકોણ કેળવવો પડે. કંઈક નવું બનાવવાની કે સંશોધન કરવાની તીવ્ર ઈચ્છાશક્તિ હોવી જોઈએ. મોબાઈલ એ આધુનિક વિજ્ઞાનની શોધ છે પરંતુ એ મોબાઈલ કોઈ વૈજ્ઞાનિકની સામે મૂકવામાં આવે તો એ તુરંત વિચારવા લાગશે કે હું એવી કઈ શોધ કરું જેથી આ પ્રકારના સાધનો વગર પણ વાત થઈ શકે ? – આ રીતે વિચારવાની પદ્ધતિને જ સર્જનાત્મક વિચારસરણી કહે છે. આ કોઈ સ્કૂલ કે યુનિવર્સિટી ન આપી શકે. આ કંઈ બજારમાં વેચાતી નથી મળતી. એ દરેક વ્યક્તિમાં હોય જ છે, માત્ર પ્રોત્સાહનની જરૂર હોય છે. સર્જનાત્મકતા કોઈ કોઈને આપી શકતું નથી કે કોઈ કોઈની લઈ શકતું નથી. એ સ્વયં સ્ફૂરિત હોય છે. દુઃખની વાત એ છે કે આપણે આ સર્જનાત્મકતાના અંશને એક સામાન્ય શોખ કે ટાઈમપાસથી વધુ ગણતા નથી. કોઈપણ બાળકને આવી સર્જનાત્મકતાનો માહોલ ન મળવા માટે મુખ્ય જવાબદાર તેના માતા-પિતા છે અને આજની શિક્ષણ વ્યવસ્થા છે.

આજના માતા-પિતા એવું માને છે કે જો મારા બાળક પાસે ઊંચી ડિગ્રી નહીં હોય તો એ જીવન નહીં જીવી શકે. તે દુનિયામાં પાછળ રહી જશે, ડિગ્રી વગરનું જીવન નકામું છે…. વગેરે વગેરે… હું આવા વાલીને માત્ર એટલું જ કહેવા માગું છું કે આપણે જો આપણને ન ભાવતું શાક ખાતા નથી, તો બાળકના ખભા પર ભણતરનો આટલો ભાર શા માટે ? પહેલા તો વિદ્યા વિનયથી શોભતી, આજે હવે તે ડિગ્રીથી શોભતી થઈ ગઈ છે. આજની શિક્ષણ વ્યવસ્થામાં પ્રેક્ટિકલ શિક્ષણનો અભાવ છે, પરિણામે વિદ્યાર્થીઓને માત્ર બે જાડા પૂઠાં વચ્ચેનું જ જ્ઞાન આપવામાં આવે છે. જે રીતે સ્વિમિંગ થિયરીથી ન શીખી શકાય, એની માટે પાણીમાં પડવું જરૂરી છે, એમ શિક્ષણના દરેક વિષયને શીખવા માટે જે તે વિષયનું પ્રેક્ટિકલ જ્ઞાન જરૂરી બને છે. શિક્ષણમાં એવા ઘણા વિષય છે જેનું પ્રેક્ટિકલ જ્ઞાન જરૂરી હોવા છતાં તે માત્ર થિયરીથી જ શીખવવામાં આવે છે. જેમ કે વનસ્પતિનું કાર્યકરણ, લેન્સ કે અરીસામાં પરાવર્તનની પ્રક્રિયા, ખેતીની પદ્ધતિ, વૈજ્ઞાનિક સિદ્ધાંતો વગેરે. આ બધા વિષયો માત્ર થિયરીથી સમજવા મુશ્કેલ છે, જો તેને પ્રાયોગિક રીતે કરીને બતાવવામાં આવે તો તેની છાપ વિદ્યાર્થીના મગજમાં અંકિત થઈ જાય છે અને તે તેને કદી ભુલી શકતો નથી. પ્રેક્ટિકલને અભાવે વિદ્યાર્થીઓને આ વિષય બોરીંગ લાગે છે. પરિણામે તેઓ વિષય પ્રત્યે બરાબર ધ્યાન આપતા નથી અને ધીમે ધીમે તેમને તે વિષય પ્રત્યે નફરત થઈ જાય છે.

આ બધાની સાથે શાળાના શિક્ષકો અને માતા-પિતા તો બાળકને કેમ કરીને વધારે માર્ક્સ મળે એ રેસમાં જ લાગી ગયા હોય છે. વાલીગણ પણ એવું ઈચ્છે છે કે મારું બાળક બીજા બાળક કરતાં વધારે માર્ક્સ લાવે અને 85%, 90% કે 95% માર્કસ મેળવે. આને લીધે વિદ્યાર્થી પર ભણતરનો બોજ વધતો જાય છે. તે પોતાની સર્જનાત્મકતાને દબાવીને અન્ય લોકોને અનુસરવા લાગે છે. ધીમે ધીમે વિદ્યાર્થીને એમ લાગવા માંડે છે કે આ દુનિયામાં તેના વિચારોને સમજવાવાળું કોઈ નથી. બધા જ તેનો જાણે કે ઉપયોગ કરે છે. શિક્ષણ વ્યવસ્થામાં ખામી, વાલીનું દબાણ અને પોતાની મૂંઝવણને કારણે આવો વિદ્યાર્થી આત્મહત્યા કરવા પ્રેરાય છે. જે વિદ્યાર્થી અભ્યાસમાં નબળો હોય અને તેનો કોઈ ભાઈ, મિત્ર કે કોઈ અંગત વ્યક્તિનું બાળક પરીક્ષામાં સારા માર્કથી પાસ થાય ત્યારે આ વિદ્યાર્થી પર તેના માતા-પિતાની આશા વધી જતી હોય છે. પરિણામે આ નબળો વિદ્યાર્થી માનસિક દબાણમાં આવી જાય છે. એ કારણે તે ભણવામાં ધ્યાન નથી આપી શકતો અને એથી પરીક્ષામાં તેનું પરિણામ નીચું જાય છે. ઉપરથી, માતાપિતા બાળક સાથે ખરાબ વર્તન કરે છે એથી એને આત્મહત્યા એ આ તમામ મુશ્કેલીનો ઉપાય હોય એમ લાગે છે. જ્યારે કોઈ વિદ્યાર્થી આત્મહત્યા કરે ત્યારે સમાજના લોકો એમ કહે છે કે એણે તો સાવ નજીવા કારણથી આપઘાત કરી લીધો… જો કે એ વિદ્યાર્થી માટે પણ એ કારણ તો સાવ નજીવું જ હતું પરંતુ માતા-પિતા અને શિક્ષકોએ તેને મસમોટા ગુના જેવડું કરીને વિદ્યાર્થીના મનમાં ખોસી દીધું હતું. આજકાલ નીચા પરિણામને લીધે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. એ તો સારું છે કે કોઈની હત્યા નથી કરતા. અન્યથા, જે વ્યક્તિ આત્મહત્યાનું પગલું ભરી શકે તે વ્યક્તિ કોઈકવાર આવેશમાં હત્યા કરવા સુધી પણ જઈ શકે. માતા-પિતા અને શિક્ષકોએ આ વાત ગંભીરતાથી લેવી જોઈએ.

અહીં વિચારવાની વાત એ છે કે કોઈ બાળકે કોઈ વાલીને કદી એમ કહ્યું છે કે તમારું પ્રમોશન શા માટે નથી થતું ? તમારો બિઝનેસ કેમ ઈન્ટરનેશનલ નથી ? તમે રાત-દિવસ કામ કરો છો તો પણ તમારી પાસે કેમ BMW કાર નથી ? તમે કેમ Ph.D નથી કર્યું ? – તમે જેવી રીતે તમારી સંપૂર્ણ ક્ષમતાથી કામ કરો છો એમ તમારું બાળક પણ એની પૂર્ણ ક્ષમતાથી જ કામ કરતું હોય છે. વધારે પડતું દબાણ બાળકના મનને અસર કરે છે. વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળનું એક કારણ એ પણ છે કે આપણે એમના વિચારોને દબાવીએ છીએ. તેની ઈચ્છાશક્તિ કે રચનાત્મકતાને દબાવવી ન જોઈએ. તેને વિકસાવવા પ્રોત્સાહન આપવું જોઈએ. જ્યારે બાળકની કોઈપણ હોબી વિકાસ પામીને યોગ્ય દિશા મળતાં એનું પ્રોફેશન બની જશે ત્યારે સફળતા હાથવેંતમાં હશે.

સર્જનાત્મકતા મૌલિક વસ્તુ છે. થોમસ આલ્વા એડિસન અને સ્ટીવ જોબ્સ જેવા વ્યક્તિ ક્યારેય પણ બીજાની નકલ નથી કરતા. તે હંમેશા પોતાની આગવી વિચારસરણીથી કંઈક નવું જ કામ કરીને બતાવે છે. પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરે છે. જો થોમસ આલ્વા એડિસને બીજાના વિચારો અપનાવ્યા હોત તો તે લેમ્પની શોધ ન કરી શક્યા હોત. તેઓએ હંમેશા પોતાના વિચારોને જ મહત્વ આપ્યું છે. સ્ટીવ જોબ્સે કદી અન્યના કાર્યને જોયું નથી. તેઓ હંમેશાં પોતાના કાર્યને શ્રેષ્ઠ બનાવવા જ મથ્યા છે. જો તેઓએ બીજાની નકલ કરી હોત તો તેઓ કદી ipod, iphone કે ipad ન બનાવી શક્યા હોત.

આપણે એવું જોઈએ છીએ કે MBA, MSc, M.Tech જેવી ઉચ્ચ ડિગ્રીઓ મેળવેલ વ્યક્તિને પણ કામ મળતું નથી અથવા એમને બીજા કરતાં ઘણીવાર ઓછો પગાર મળતો હોય છે. ક્યારેક એમની બઢતી પણ થતી નથી. આ બધા પાછળ પણ મુખ્ય કારણ છે ‘ઈચ્છાશક્તિ, રચનાત્મકતા અને પ્રોત્સાહન’નો અભાવ. આ ત્રણ ગુણ કોઈ પુસ્તકમાંથી મળતા નથી. એ વ્યક્તિની અંદર પહેલેથી જ હોય છે. આ ત્રણ ગુણ વિકસાવીને જ વિદ્યાર્થી સફળતાના શિખરો સર કરી શકે છે. આથી, વિદ્યાર્થીને ગમતા કાર્ય માટે હંમેશા પ્રોત્સાહન આપો. કદી પોતાના વિચારો બાળકો પર ઠોકી ન બેસાડો. બાળકને પોતાની આગવી રીતે કાર્ય કરવાની છૂટ આપો. બાળક માટે ચોકીદાર ન બનો, તેના બદલે તેના સારથિ બનો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

25 thoughts on “તમારા બાળકના સારથિ બનો, ચોકીદાર નહિ ! – જયકિશન લાઠીગરા”

Copy Protected by Chetan's WP-Copyprotect.