‘અગોચર’ના નામે ચરી ખાય ઈશ્વર,
ને ભક્તોની નાવે તરી જાય ઈશ્વર.
સુકર્મોનું લૈ લે એ ઍડવાન્સ પેમેન્ટ
ને ફળ આપતાં છેતરી જાય ઈશ્વર
પરાભવની શિશિરે ઘટાદાર બનતો,
ને પ્રભુતા-વસન્તે ખરી જાય ઈશ્વર.
ભરચક સ્થળોમાં એ ગંઠાઈ જાતો
ને એકાન્ત-ગાંઠે સરી જાય ઈશ્વર.
વસે સાવ નિર્ભય એ નાસ્તિકની ભીતર,
ને આસ્તિકને આસન ડરી જાય ઈશ્વર.
જમા તો કરો રોકડો મેળ પાડી,
પણ ખતવણી મહીં ઊધરી જાય ઈશ્વર.
દિને દિને આણે તો હદ કરવા માંડી !
હદ પાર કરો ! સુધરી જાય ઈશ્વર !
One thought on “ઈશ્વર – ભાનુપ્રસાદ ત્રિવેદી”
ઇશ્વર વિષેનું તમારુ ચિંતન સ્પર્સી ગયુ.