અમૃતની શોધ – ડબલ્યુ જે. મેકિન

[તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘શ્રેષ્ઠ વિદેશી વિજ્ઞાનકથાઓ’માંથી સાભાર. અન્ય ભાષાઓમાંની આ કથાઓનો અનુવાદ ડૉ. કિશોરભાઈ પંડ્યાએ કર્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

પ્રોફેસરનો ઘણોખરો સમય પોતાના ખાસ બંગલામાં જ પસાર થતો. બંગલાનો મોટો ભાગ પ્રયોગશાળા રૂપે રોકાયેલો હતો. પ્રોફેસર પોતાની પ્રયોગશાળામાં રસાયણને લગતા પ્રયોગોમાં મગ્ન રહેતા. એમની પ્રયોગશાળામાં કોઈને પણ દાખલ થવા દેવામાં આવતા ન હતા. આનો અર્થ એવો તો નહિ કે માનવીને મળવા માટે તેમના દિલમાં નફરત હતી.

પ્રોફેસર પાસે સંશોધનકાર્ય માટે સાત શિષ્યો હતા. આ સાતેય જણા તેમની પાસેથી જુદા જુદા વિષયોનું વૈજ્ઞાનિક શિક્ષણ પ્રાપ્ત કરતા હતા. પરંતુ પ્રોફેસરની પ્રયોગશાળાના ખાસ ઓરડામાં તો આ શિષ્યોને પણ પ્રવેશ કરવા દેતા નહિ. એક દિવસ પોતાના સ્વભાવની વિરુદ્ધ પ્રોફેસરે પોતાના શિષ્યોને આ ખાસ ઓરડામાં બોલાવ્યા. સૌ શું હશે, ભૂલ થઈ હશે, એવા વિચારમાં, ડરતાં ડરતાં એ ઓરડામાં આવ્યા. ઓરડામાં દાખલ થઈ જોયું તો પ્રોફેસર શાંતિથી બેઠા હતા. તેમની સામે કાચના સાત સુંદર પ્યાલા હતા. પ્યાલામાં પ્રવાહી ભરેલું હતું.

તેમને અંદર આવેલા જોઈ પ્રોફેસરે કહ્યું :
‘મારા વહાલા શિષ્યો ! મારા વિશે લોકો જે વાતો કરે છે તે તમે પણ સાંભળી હશે. લોકો માને છે કે મેં એવું સંશોધન કર્યું છે જે આજ સુધીમાં, પ્રાચીનકાળના કોઈ કીમિયાગર અથવા ફિલસૂફે મેળવ્યું નહોતું. લોકોની વાત સાચી છે. મને સદા એ ચિંતા રહેતી હતી કે અન્ય સંશોધકોની જેમ મારે પણ નિરાશ થઈને આ જગતમાંથી વિદાય લેવી પડશે. પણ ગઈકાલે જ મને એ અદ્દભુત રહસ્ય પ્રાપ્ત થયું છે. મને સોનું બનાવતાં આવડી ગયું છે કે ચમત્કારી વીંટી મળી ગઈ છે એમ તો નહિ કહું, કેમ કે એવું કંઈ જ બન્યું નથી. સ્મશાનનાં મડદાં બેઠાં કરી શકવાનો દાવો પણ હું કરતો નથી. પરંતુ મેં એક સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત કરી છે. મેં જીવનનું અમૃત શોધી કાઢ્યું છે. એ પીવાથી માનવી અમર બની શકે.’ આટલું કહી પ્રોફેસર પોતાના શિષ્યો સામે ગર્વથી જોઈ રહ્યા. પોતાના શબ્દોની તેમના પર કેવી અસર થઈ છે એ તેઓ જોતા હતા. તેમણે દરેકના ચહેરા પર આશ્ચર્યનો ભાવ છવાઈ ગયેલો જોયો. દરેક જણને પ્રોફેસરની આ અનોખી સિદ્ધિમાં વિશ્વાસ હતો. તેમની જિજ્ઞાસા પ્રબળ થઈ ઊઠી હતી. તેમને વધારે જાણવું હતું.
એમના ચહેરા પરનો જિજ્ઞાસાભાવ વાંચી પ્રોફેસર આગળ બોલ્યા : ‘જો તમારી ઈચ્છા હોય તો મારી આ સિદ્ધિ હું તમારી સમક્ષ રજૂ કરવા માંગું છું.’
દરેક શિષ્યના મોંમાંથી હકારાત્મક આનંદમિશ્રિત અવાજ નીકળ્યો.

‘હવે તમે જરા ધ્યાનથી સાંભળજો.’ પ્રોફેસરે ચોકસાઈથી કહ્યું, ‘મેં જે શોધ કરી છે એનું રહસ્ય જાણવાની કિંમત તમારે ચૂકવવી પડશે. મારી કિંમત આકરી છે. મારા તરફથી એટલી ખાતરી રાખજો કે મેં આ સંશોધન કર્યું હોવા છતાં એનો લાભ ઉઠાવી હું મારું પોતાનું જીવન એક ક્ષણ માટે પણ વધારે જીવવા માંગતો નથી. આખી જિંદગી મેં જે દુઃખ ભોગવ્યું છે; મેં જે યાતના સહન કરી છે કે હું તો આ ક્ષણે જ મોતને ભેટવા આતુર છું. મારી એવી ઈચ્છા નથી કે તમે પણ મારી જેવા કઠોર અનુભવોમાંથી પસાર થાવ. મારી જેમ લાંબું જીવો એવું પણ હું નથી કહેતો.’
પોતાના સાતેય શિષ્યો પર નજર ફેરવી તે આગળ બોલ્યા : ‘તમે લોકો મારી વાત ધ્યાનથી સાંભળો, સમજો. મારી સામે મેં જે સાત પ્યાલા ભર્યા છે, તેમાંથી એક પ્યાલામાં અમૃત છે. બાકીના છ પ્યાલામાં કાતિલ ઝેર ભરેલું છે. હવે તમે સાત જણા એ સાતેય પ્યાલા પી જાઓ. તમારામાંથી છ જણા તાત્કાલિક મૃત્યુ પામશે પરંતુ સાતમો જે જીવતો રહેશે એ અમર બની જશે. તેના પર મૃત્યુની અસર નહિ થાય. તેના શરીરમાં પહોંચી ગયેલું અમૃત તેને અમર બનાવી દેશે.’
પ્રોફેસરના વિદ્યાર્થીઓ એકબીજાનાં મોં જોવા લાગ્યા. એમાંથી બે-ત્રણ જણને એવું પણ લાગ્યું કે સાહેબ તેમની મશ્કરી કરી રહ્યા છે. દરેકની દષ્ટિ એમની સામેના સાત પ્યાલા પર હતી. એમાંથી અમૃતનો પ્યાલો શોધવાનો પ્રયત્ન દરેક જણ કરતું હતું. પ્રોફેસર ગંભીર હતા. એમના ચહેરા પર મજાકનો ભાવ બિલકુલ નહોતો. સાતેય પ્યાલા એકસરખા જ દેખાતા હતા.

‘આમ મૂઢની જેમ શું ઊભા છો ? આટલા સમયમાં તો સાતેસાત પ્યાલા ખાલી થઈ જવા જોઈએ.’ પ્રોફેસરે ઊંચા અવાજે કહ્યું. પરંતુ એ શબ્દોની કોઈ જ અસર ન થઈ. બે શિષ્યો હાથ લંબાવવા ગયા પણ બાકીનાને સ્થિર ઊભા રહેલા જોઈ એમણે પણ પોતાના હાથ પાછા ખેંચી લીધા.
મૌનના સામ્રાજ્યનો ભંગ કરીને એક શિષ્ય બોલ્યો :
‘પ્રોફેસરસાહેબ ! મારે મન આમ તો જીવનનું કશું મૂલ્ય નથી પણ મારી વૃદ્ધ માતા…. એનો એકમાત્ર સહારો હું જ છું. મારા મરી ગયા પછી એની શી હાલત થાય એ વિચારે હું નિરુપાય છું.’
ત્યાર બાદ બીજા શિષ્યે કહ્યું : ‘મારી બહેનનાં લગ્ન કરવાનાં બાકી છે. હું મરી જાઉં તો પછી એનું કોણ ?’
‘મારો મિત્ર અત્યંત ગરીબ છે. એને મૂકીને હું મરી જાઉં તે યોગ્ય ન કહેવાય.’ ચોથા શિષ્યે પોતાની વાત કરી.
‘હજી મારો એક દુશ્મન જીવતો છે. વેરની વસૂલાત કર્યા વગર હું કેવી રીતે મરી શકું ?’
‘જ્ઞાનની પ્રાપ્તિ અર્થે જ મેં મારું જીવન આગળ ધપાવ્યું છે. હજી તો મારે ઘણું ઘણું જ્ઞાન પ્રાપ્ત કરવાનું બાકી છે.’ પાંચમાએ કહ્યું.
છઠ્ઠો કેમ બાકી રહે ? એ કહે, ‘હું જ્યાં સુધી ચંદ્ર પર વસતાં માનવીઓ સાથે વાત કરવામાં સફળ ન થાઉં ત્યાં સુધી જીવતો રહેવા માગું છું.’
‘સાહેબ !’ સાતમો શિષ્ય બોલ્યો, ‘મને આમ તો બીજી કોઈ જંજાળ નથી, પરંતુ મારાં આશા અને અરમાનોનું શું ? એ પૂરાં ન થાય ત્યાં સુધી હું મરવા માટે તૈયાર નથી.’

‘એનો અર્થ એટલો જ કે પોતાનું જીવન જોખમમાં મૂકવા તમારામાંથી કોઈ જ તૈયાર નથી, બરાબર ને ?’ એક પણ વિદ્યાર્થીએ પ્રોફેસરના આ પ્રશ્નનો ઉત્તર ન આપ્યો. દરેક જણા નીચી મૂંડી કરીને ઊભા રહી ગયા હતા. થોડી વાર પછી એ લોકો અંદરઅંદર એકબીજાની સાથે ધીમા સ્વરે વાતચીત કરવા લાગ્યા.
આખરે એક જણાએ કહ્યું :
‘સાહેબ ! અમે ચિઠ્ઠી નાખી નક્કી કરીએ તો કેમ ? જેના નામની ચિઠ્ઠી પહેલી નીકળે તે પહેલો પ્યાલો ગટગટાવી જાય.’
‘સારું, એ રીતે કરો.’ પ્રોફેસર એ રીતે પણ સંમત થયા.
ચિઠ્ઠીઓ ફેંકવામાં આવી.
પહેલું નામ નીકળ્યું એ વિદ્યાર્થીએ પોતાની માનું બહાનું બતાવ્યું હતું. ચિઠ્ઠી તેના નામની નીકળતાં તેને માટે હવે બીજો કોઈ માર્ગ ન હતો. તે મક્કમ બની આગળ વધ્યો. હાથ લંબાવ્યો. પરંતુ તરત જ પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને જેણે બહેનનું બહાનું કાઢ્યું હતું તેને કહ્યું : ‘તને ખબર છે ને માનો સંબંધ બહેન કરતાં વધારે હોય છે. તો પછી મારી પહેલાં આ જોખમ ઉઠાવવામાં તને શો વાંધો છે ?’
‘મા-દીકરાનો સંબંધ ભલે વધારે હોય છતાં એ વહેલો પૂરો થઈ જાય છે. માની ઉંમર વધારે હોઈ તે પહેલાં મરી જાય છે. એ કરતાં ભાઈ-બહેનનો સંબંધ વધારે સમય રહી શકે છે.’
આ વાત સાંભળી પહેલો શિષ્ય ગુસ્સે થઈ ગયો.
‘તું પ્રોફેસરસાહેબનો શિષ્ય થઈને આવું કહે છે ?’ તેની વાત સાંભળી બાકીના વિદ્યાર્થીઓ પણ ગુસ્સે થઈ ગયા.
‘ખોટી માથાકૂટ શાને કરે છે ? તારા નામની ચિઠ્ઠી નીકળી છે એટલે તારે જ પહેલો પ્યાલો પીવો જોઈએ.’ પહેલો શિષ્ય લાચાર થઈને આગળ વધ્યો. એક પ્યાલો હાથમાં લીધો. મોં સુધી પ્યાલો લાવ્યો અને…. અને પ્યાલો પાછો મૂકી દીધો.

હવે પ્રોફેસર ખૂબ જ ગુસ્સે થઈ બરાડી ઊઠ્યા : ‘તમારા જેવા વિદ્યાર્થીઓ મારે માટે શરમજનક છે. જાવ, અહીંથી બહાર નીકળી જાવ.’ વિદ્યાર્થીઓ ચૂપચાપ બહાર નીકળી ગયા. દરેકે પોતાના ઘરનો રસ્તો પકડ્યો. એકબીજાથી છૂટાં પડતાં પહેલાં તેમણે નક્કી કરી લીધું કે આજની ઘટનાની વાત કોઈને ન કરવી. સાત જણ જે વાત જાણતા હોય એ કેવી રીતે છાની રહે ? અશક્ય. થોડા વખતમાં તો આખા શહેરમાં પ્રોફેસરસાહેબે કરેલી અમૃતની શોધની વાત ફેલાઈ ગઈ. માત્ર અમૃત નહિ સાથોસાથ ઝેરની વાત પણ લોકોમાં ચર્ચાવા લાગી. પોલીસને જાણ થતાં તે અમૃત અને ઝેરનો કબજો લેવા માટે પ્રોફેસરને ત્યાં આવી પહોંચી. પ્રોફેસરના ઓરડામાં જઈ તેમણે જોયું કે પ્રોફેસર પોતાની ખુરશીમાં જ ઢળી પડ્યા હતા.
સાત પ્યાલા એમની સામે જ પડ્યા હતા.
તેમાંથી છ ભરેલાં હતા અને એક ખાલી હતો.
પ્રોફેસરના હાથમાં એક કાગળ હતો. તેમાં લખ્યું હતું : ‘જ્ઞાન અને સત્યની શોધમાં સિત્તેર વર્ષ પસાર કર્યા બાદ હવે હું મારી શોધ જગત માટે મૂકતો જાઉં; કે જે મનુષ્યને મોતથી દૂર રાખી શકે છે. પરંતુ એવું કરતાં મને માનવી પ્રત્યે દયા જાગી. મોતથી દૂર રાખી દુઃખ-દર્દથી પીડાવા દેવાની મારા હૃદયે ના પાડી. આજે મનુષ્ય અલ્પ આયુમાં પણ જે દુઃખ-દર્દ સહન કરે છે, તે શું ઓછાં છે ? શા માટે મારે માનવીને અનંત જીવન આપી તકલીફમાં રાખવો ? આખરે ખૂબ વિચારને અંતે મેં સાતમો અમૃતનો પ્યાલો એક એવા જીવને પાઈ દીધો છે કે તે અમર રહેવા છતાં માનવીની જેમ બીજા કોઈ જીવતા જીવને હાનિ પહોંચાડવાનું કામ નહિ કરે.’

પોલીસ ઈન્સપેક્ટર કાગળ વાંચી હજી વિચાર કરતા હતા એવામાં એ ઓરડામાં એક હૃષ્ટપુષ્ટ વાનર આવ્યો. તે સ્ફૂર્તિથી ચારે બાજુ કૂદવા લાગ્યો. ઈન્સ્પેક્ટર તુરંત જ સમજી ગયા કે પ્રોફેસરસાહેબે જીવનનું અમૃત કોને પીવરાવ્યું હતું.

[કુલ પાન : 144. કિંમત રૂ. 90. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “અમૃતની શોધ – ડબલ્યુ જે. મેકિન”

Copy Protected by Chetan's WP-Copyprotect.