બાનો ઓકો – ડૉ. વિરંચિ ત્રિવેદી

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

ઘરમાં સૌથી નાનો ભૈલુ અને સૌથી મોટાં બા – બીજા બધાં ખરાં પણ એ બેને બને બહુ. ભૈલુ તો એનું હુલામણું નામ, બાકી એનું સાચું નામ દ્વિજ. પણ ઘરમાં અને અડોશ-પડોશમાં એ ભૈલુ નામે જ ઓળખાય. આગળ નાની ઓસરી અને પાછળ મઝાનો વાડો એવું મોટું ઘર. એમાં ભૈલુ રમ્યા કરે….. દોટો કાઢ્યા કરે અને ઘૂમ્યા કરે પેલા ચકલાની જેમ ! ચકલો ય જાણે ભૈલુને જાણતો હોય તેમ એની સામે આવીને જ તાર પર બેસે; ચક…ચક… કરે, એકાદ ચક્કર લગાવે અને પાછો ભૈલુની સામે ! ભૈલુય એની પાછળ દોટો કાઢે, પડી જાય તો યે પાછો દોટ મૂકે. બેની પાકી ભાઈબંધી.

‘અલ્યા પડી જઈશ…. વાગશે તને.’ બા ચિંતા યે કરે.
‘પણ જો ને બા, એ મારી સામે જ ચક..ચક… કરે છે. તે હું એને ઉડાડું જ ને ?’ કહીને ભૈલુ પાછો દોટ મૂકવા જ્યાં ગયો કે પડ્યો ચત્તાપાટ…. વાગ્યું ય ખાસ્સું. બા ટેકો દઈ ઊભી થઈ અને એને ઝાલી રૂનું પૂમડું દાબી માથે હાથ ફેરવતી ખોળામાં બેસાડી બોલી :
‘તારામાં તે અક્કલ છે ? એ એની મસ્તીમાં ઊડે….આવે…. અને ચક…ચક…. કરે એમાં તું શાનો ખીજવાય છે ? જો આ કેવું વગાડ્યું ? આ તને ઝાલવામાં હું ય પડતી પડતી રહી ગઈ… મને વાગ્યું હોત તો ?’
‘બા… હવે નહીં દોડું, ચકલો તો ગાંડો છે… હું નહીં, બસ.’

આમ બા અને ભૈલુની જોડી જામતી જ રહે. બા સેવા કરવા બેસે એટલે ભૈલુ ઝીણવટથી જોતો રહે, ‘બા, તમે ચોડેલું ચંદન કાઢીને પાછું ચંદન જ ચોડો છોને, તો કાઢો છો શું કામ ?’ એના કુતૂહલનો પાર નહોતો.
‘એ તને ખબર નહીં પડે.’
‘ના, એમ નહીં, મને ખબર ના પડે, કારણ કે હું નાનો છું. પણ તમે તો મારાં બા છો ને, તમને તો ખબર પડે ને ?’
‘હા, મને ખબર પડે છે એટલે તો દેવને નવડાવી ચાંલ્લો કરું છું.’ બા તેને પટાવે.
‘પણ મને સમજ પાડો, તમે ભૂસીને પાછો ચાંલ્લો કરો છો, તો ભૂંસો છો શા માટે ?’
‘તારી મમ્મી તને સાબુ ચોપડ્યા પછી સાબુ કાઢે છે કે નહીં ? એને કેમ નથી પૂછતો કે તો પછી સાબુ ચોપડે છે કેમ ?’ બાએ જાણી જોઈને અવળવાણી ઉચ્ચારી.
‘સાબુ ભેળો મેલ પણ નીકળી જાય ને ! ચોખ્ખા થઈ જવાય.’
‘બસ, એ જ રીતે દેવને નવડાવવાથી દેવ પણ ચોખ્ખા થઈ જાય અને આપણી પૂજા પણ થઈ જાય.’ બાના જવાબથી ભૈલુ ઠેકડો મારતોકને ઊભો થઈ પોતાને સમજ પડી ગઈ માની, ચકલી જેમ આખા ઘરમાં બે પગે સામટા કૂદકા મારતો ચક્કર લગાવી આવે. આવીને પાછો બા પાસે જ બેસી જાય.
‘શું કરો છો, બા ?’
‘ચાંલ્લા.’
‘કેમ ?’
‘કરવા પડે.’
‘તે મનેય ચાંલ્લા કરોને !’ ને બા તેનું નાનકડું મોઢું પકડી, વાળ સરખા કરી કપાળે ચાંલ્લો કરે.
‘હે… બાએ મારી પૂજા કરી.’ કરતોકને ખુશ થઈ જાય.
બપોરે ખાવાનો સમય થાય એટલે પુત્રવધૂ થાળી મૂકી જાય. પાણીનો લોટો-પ્યાલો પણ. વહુ કહે, ‘બા… જમી લો.’
‘હા, તે ખાઉં છું.’ એમ બા કહે, પણ બા ક્યારેય પેલા ચકલાને ચણ નાખ્યા વિના ખાય નહીં ને બૂમ મારે.
‘વહુ…. તે ક્યાં ગયો પેલો ભૈલુ….?’
ને ભૈલુ દોડતો દોડતો આવે, ‘બા…બા…. શું જોઈએ છે ? બા તેને માથે હાથ મૂકી, નાના નાના બે ત્રણ કોળિયા ભરાવે પછી જ ખાય….
ભૈલુ ય બોલી ઊઠે, ‘મારાં બા….! મારાં વહાલાં બા….!’
બા બપોરે આડેપડખે થવાં ટેવાયેલાં. જમીને જેવા સૂવા જાય કે ભૈલુ દોડતો અંદરના રૂમમાં જાય અને માથા નીચે બાનું પ્રિય ઓશિકું મૂકી આપતાં કહે : ‘બા…. આ તમારો ઓકો, હવે સૂઈ જાવ.’ ઓકો એટલે ઓશિકું. બા માટે એક જરા વધારે રૂનું પોચું ઓશિકું માથા નીચે મૂકી દે અને બહુ વહાલ ઊભરાય તો માથે હાથ ફેરવી આપે અને કૂદતો કૂદતો જતો રહે. કોણ જાણે એ ક્યાંથી જાણી ગયેલો કે આ બાનું ઓશિકું છે. કોઈની મજાલ છે કે એ ઓશિકાને કોઈ અડે !
‘લાવ, મારી બાનો ઓકો… હા… આ તો બાને જ મળે…. તમારે નહીં લેવાનો…’ જાણે કે એ બાનો અને બાના ઓકાનો રખેવાળ ના હોય !’

થયું એવું કે બા પડ્યાં માંદા, અને તે ય એવાં કે હૉસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં. દીકરો અને વહુ બાની પાસે જાય પણ ભૈલુને કાયમ ના લઈ જાય. ને આ બાજુ બા ભૈલુને સોરે…. અને ઘરમાં ભૈલુ બાને સોરે….
‘તે તું મને લઈ કેમ નથી જતી મમ્મી….? મારે બાને હાથ ફેરવવો છે.’ બહુ જિદ કરી ત્યારે એક દિવસ ભૈલુને દવાખાને લઈ ગયાં એ દિવસે બા અને ભૈલુ એટલાં પ્રસન્ન હતાં કે ના પૂછો વાત !
‘તે બા… ઘેર ચાલોને…!’
‘કેમ ?’
‘મને કોઈ ચાંલ્લો નથી કરતું ! બા…બા… હું તમારે માટે કંઈ લાવ્યો છું.’
‘શું લાવ્યો છે બેટા…..?’
‘તમારો ઓકો…. તમને ઊંઘ આવે છે ઓકા વગર ?’ અને બા ભાવવિભોર થઈ ગયાં. પાસે બોલાવી, ભૈલુને માથે અપાર હેતથી હાથ ફેરવી આશીર્વાદ આપ્યા.
‘બેટા…. તું બહુ મીઠડો છે. આ ઓકો ઘેર પાછો લઈ જા… આ દવાખાનાવાળાએ બીજો ઓકો આપ્યો છે.’
‘ના….બા, બધા તમારો ઓકો લઈ લે છે તે તમે જ અહીં રાખો.’
‘જો ભૈલુ, સાંભળ, આપણો ઓકો બહુ સરસ છે. આ દવાખાનાવાળા બદલી લેશે તો મને ઘેર ઊંઘ નહીં આવે. તું ઘેર લઈ જા. ને તારી પાસે જ સાચવી રાખજે, કોઈને ય ના આપીશ. હું પાછી આવું ત્યારે મને જ આપજે.’ કોણ જાણે ભૈલુ શું સાર પામી ગયો કે ચૂપચાપ એ ઓશિકું ઘેર લઈ ગયો. બાએ કહ્યું હતું કે ‘મારે ઘેર જોઈશે. હું આવું ત્યાં સુધી આ ઓકો સાચવજે. કોઈનેય લેવા ના દઈશ હોં….કે…. તારી વહાલી બાનો વહાલો ઓકો છે. શું સમજ્યો ?’ બસ, ભૈલુને તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યું. છાતીસરસો ઓકો દાબી ફરે અને ગાતો જાય…
‘ઓકો, બાનો ઓકો.
મારી બાનો ઓકો.’

ને દવાખાનેથી ખબર આવ્યા કે બા ગયા…. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. બાની સ્મશાનયાત્રા ભૈલુને તો ઊંઘતો રાખીને જ કાઢવી પડી. પછી એ પૂછે ત્યારે સાંજે, કાલે… કાલે નક્કી દવાખાને જઈશું કહી દિવસોના દિવસો પસાર થવા દીધા. પણ તેને ગંધ આવી ગઈ હતી કે બાને કશુંક થઈ ગયું છે અને આવ્યો સરવણીનો દિવસ. બધા શોકગ્રસ્ત ચહેરે બેઠા હતા. વચમાં બાનો ખાટલો ઢાળ્યો હતો. કોઈ છાનું ડૂસકું ભરી લેતું તો મહારાજ આશ્વાસન આપતા કે ‘બા લીલીવાડી મૂકીને ગયા છે, તમે સુખી છો તે બાના પ્રતાપે. ને હજુ વધુ સુખી થશો.’ ભૈલુને કંઈ ગેડ પડે નહીં ને આમતેમ બઘવાયા કરે ને ખાટલામાં ગોઠવેલી વસ્તુ જુએ… ગણે… ને વિચારે ચઢે ને મહારાજે જોરથી બૂમ પાડી.
‘બા વાપરતા હતા તે વસ્તુઓ ખાટલામાં મૂકો, બાને પહોંચે….’
ને બાની લાકડી… બાના ચંપલ, બાના ચશ્માં, જોડું લૂગડાં, ને એવી બીજી ગમતી વસ્તુઓ પણ ખાટલામાં ગોઠવાઈ.
ને મહારાજે પૂછ્યું : ‘હવે કંઈ બાકી છે ?’
કોઈ બોલ્યું : ‘બાનું ઓશિકું ?’
એ સાંભળતાં જ ભૈલુ સ્પ્રિંગની જેમ ઊછળ્યો, ‘શું બોલ્યા ? ઓકો ? બાનો ? નહીં મળે બાનો ઓકો. બા મને કહીને ગયાં છે કે હું પાછી આવું ત્યાં સુધી સાચવી રાખજે, લાવો…. મારાં બા પાછા લાવો…. જાવ, દવાખાનેથી બા લઈ આવો… નથી દવાખાને લઈ જતા, નથી બાને લાવતા. તે હું બાને શો જવાબ દઈશ ? બા પણ નથી, હવે બાનો ઓકો ય લઈ લેવો છે ? હું કોની જોડે રમું ? એ મારાં બા છે અને આ મારી બાનો ઓકો છે. નહીં મળે….’ છાતીસરસો ઓકો દબાવી ગભરાયેલો ભૈલુ રડતો જાય ને ડૂસકાં ભરતો જાય.

‘ના….. નૈ આપું… ના નથી લેવાનો….. ના મારી બાનો ઓકો હવે તો આ ઓકો નીચે નહીં જ મૂકું. લઈ જાવ મને બા પાસે, મારે એના માથે મૂકી બાને હાથ ફેરવવો છે….’ કહી ભૈલુ આક્રંદ કરવા લાગ્યો. અને શોકના વાદળથી છવાયેલી સ્વજનોની આંખોએ ઊમટ્યું આંસુનું પૂર….
અને એ પૂરમાં તણાયા પેલા મહારાજ પણ. ‘સારું બેટા…! બા તારા આત્મામાં જ જીવે છે. ના આપીશ કોઈને આ ઓકો !
ને બીજાને રડવાની ના પાડનાર મહારાજ પણ બે હાથ આંખો પર મૂકી બોલતાં બોલતાં રડી પડ્યા.

Leave a Reply to parmar pramodchandra Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

30 thoughts on “બાનો ઓકો – ડૉ. વિરંચિ ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.