એક અનોખો પરિવાર – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.]

કોઈ રાકેશનો બાયોડેટા માગે તો આ રહ્યો:

નામ : રાકેશ પ્રકાશભાઈ દવે
માતા : હયાત નથી.
પિતા : હયાત નથી.
અભ્યાસ : એમ.ઈ (મીકે. એન્જિ.)
નોકરી/ધંધો : મશીનના સ્પેરપાર્ટ બનાવતી કંપનીમાં સુપરવાઈઝર.
ભાઈ : નથી.
બહેન : નથી.

માતા-પિતા નથી એના કરતાં ય મોટું દુઃખ રાકેશ માટે ભાઈ-બહેન નથી એ હતું. એને હંમેશા લાગતું કે, જો મારે ભાઈ-ભાંડુ હોત તો હું આજે છું એનાથી ઘણો જુદો હોત. મારાં સુખ-દુઃખ, મારો આનંદ, મારી હતાશા બધું, બધું જ હું એની સાથે વહેંચી શકત. જો વધુ નહીં તો એક જ ભાઈ કે બહેન હોત તો ! આ એના અંતરની તીવ્ર ઝંખના હતી પણ એ આ જન્મમાં સંતોષાય એવી કોઈ શક્યતા નહોતી. અકસ્માતમાં મા-બાપ બંને ચાલી નીકળ્યાં એ પછી મામાએ હાથ ઝાલ્યો તો ખરો પણ માત્ર લોકલાજને ખાતર, અંતરના ઉમળકાથી નહીં. છતાં ય મામા-મામીને ટેકે ટેકે અને માતા-પિતા જે સંપત્તિ મૂકી ગયાં હતાં એને આધારે એ મીકેનીકલ એન્જિનિયર બની ગયો એ કંઈ નાની સૂની વાત નહોતી. જિંદગીની ગાડી બરાબર પાટે ચઢી ગઈ હતી. એક નામાંકિત કંપનીમાં સુપરવાઈઝરની મોભાદાર નોકરી પણ મળી ગઈ. હવે મામા-મામી પર ભારરૂપ ક્યાં સુધી રહેવાનું !

‘મામા, એક વાત કહું ? ખરાબ ન લગાડશો !’
‘કહેને દીકરા ! તારી કોઈ વાતનું આજ સુધી ખરાબ લગાડ્યું છે ?’
‘મામા, મેં…. એટલે કે, મેં છે ને, એક નાનકડો ફલેટ જોયો છે. હવે હું ત્યાં રહેવા જાઉં ? વચ્ચે વચ્ચે અહીં આવતો-જતો રહીશ, પણ….’
મામા-મામીએ થોડી આનાકાની પછી સંમતિ આપી. રાકેશ ‘પેરેડાઈઝ સોસાયટી’માં રહેવા આવી ગયો. હવે લોકો એને પરણીને થાળે પડવાની સલાહ આપતા અને સારાં ઠેકાણાં ય બતાવતા. પણ કોણ જાણે કેમ, રાકેશને એવી ઈચ્છા જાગતી જ નહીં કે એણે પરણી જવું જોઈએ. પત્ની અને સંતાન કરતાં ભાઈ-બહેન માટેની એની ઝંખના બળવત્તર હતી.
‘રાકેશ, નાઉ યુ ડીઝર્વ અ કાર. કંપની લોન આપવા તૈયાર છે. તને મનગમતી કાર લઈ લે.’ એક દિવસ કંપનીના મેનેજરે એને બોલાવીને કહ્યું. કંપની અને બેંક પાસેથી લોન લઈને કાર લેવાનું અંતે એણે નક્કી જ કરી નાખ્યું. સરસ મજાની, ચેરી રેડ કલરની, લેટેસ્ટ મોડેલની કારમાં બેસીને ઘર તરફ જતાં એના દિલમાં કંઈક અનોખી લાગણી ઊભરાવા લાગી. અત્યારે, આ ક્ષણે એને પોતાનાં મા-બાપ તીવ્રપણે યાદ આવવા લાગ્યાં. નથી મમ્મી-પપ્પા, નથી ભાઈ-ભાંડુ કે જે આજે મારી કાર જોઈને હરખાય. અંતે તો બધાં ભૌતિક સુખ કોને માટે ?

‘આજ કી તાજા ખબર, આજ કી તાજા ખબર, કલ સુબહ દસ બજે અન્ના હજારેજી અપને ઉપવાસ સમાપ્ત કરેંગે…..’ સિગ્નલ પાસે પેપર વેચી રહેલા કિશોરના અવાજથી એના વિચારને બ્રેક લાગી. પેલા છોકરાએ સાવ નજીક આવી, ગાડીના દરવાજા પર હાથ મૂકીને પૂછ્યું :
‘સાહેબ, પેપર ?’
‘હાથ નહીં લગાડ, નવી નક્કોર ગાડી છે. ચાલ, દૂર ખસ.’ રાકેશે ગુસ્સાથી પેલા છોકરાને ઝાટકી નાખ્યો. ગ્રીન સિગ્નલ મળતાં એણે ગાડી સ્ટાર્ટ કરી. સોસાયટી નજીક પહોંચતાં પહોંચતાં એણે દિલથી ઈચ્છયું કે, એની ગાડી જોવા કોઈક તો બારીમાંથી ડોકિયું કરે ! પણ અફસોસ ! એની ગાડી જોવા કોઈ નવરું નહોતું. એને ઘરે જવાનું મન જ ન થયું. ‘ચાલ, ગાડીમાં થોડું રખડી આવું.’ એવું વિચારીને એ આવ્યો હતો એ જ રસ્તે ફરીથી નીકળી પડ્યો. સિગ્નલ પાસે પહોંચીને જોયું તો પેલો છોકરો હજી છાપાં વેચી રહ્યો હતો. યુ ટર્ન લઈ એણે ગાડી એની પાસે લીધી. એણે તરત જ ગાડી ઓળખી લીધી. એક નારાજગી ભરી નજર રાકેશ તરફ નાખી એ બીજી દિશામાં જોવા લાગ્યો. રાકેશ ગાડીમાંથી ઊતર્યો. પેલા છોકરાને ખભે હાથ મૂકીને એણે પૂછ્યું :
‘દોસ્ત, તારું નામ શું ?’
‘ચંદુ.’ ખભા પર મુકાયેલો રાકેશનો હાથ એણે હળવેથી ખસેડ્યો.
‘મારાથી નારાજ છે ? હું તને સૉરી કહું તો તારો ગુસ્સો ઓછો થાય ?’
‘ના.’ એણે ચોખ્ખો જવાબ આપ્યો.
‘ને જો આ નવી ગાડીમાં ફરવા લઈ જાઉં તો તું મને માફ કરે ?’
છોકરો આનંદ અને આશ્ચર્યથી ઊછળી પડ્યો, ‘સાચ્ચે જ ! તમે ગાડીમાં લઈ જશો ? મારો દોસ્ત બીટ્ટુ અને માધુરીને પણ બોલવું ? અમારામાંથી કોઈ આજ સુધી ગાડીમાં નથી બેઠું.’
‘ભલે, બોલાવ તારા દોસ્તોને – પણ તમારાં મા-બાપને કહીને આવજો.’

ચંદુ દોડવા જતો હતો તે અટકી ગયો, ‘અમારાં કોઈનાં મા-બાપ નથી. અમારું કોઈ નથી.’ એનો જવાબ સાંભળીને રાકેશના હૈયામાં ઊથલ-પાથલ થઈ ગઈ. ત્રણે છોકરાંઓએ આખે રસ્તે ખૂબ ગપ્પાં માર્યાં, મોજમાં આવીને ગીત પણ ગાયું – ‘ચક્કેપે ચક્કા, ચક્કેપે ગાડી, ગાડીમેં નીકલી અપની સવારી.’
રાકેશે પૂછ્યું : ‘માધુરી નામ બહુ સરસ છે, કોણે પાડ્યું ?’
‘અરે સાહેબ, એ તો માધુરીની ફિલ્મના પોસ્ટરની નીચેની ફૂટપાથ પર એને કોઈ મૂકી ગયેલું એટલે બધા એને માધુરી કહેવા લાગ્યા.’ બિટ્ટુએ જવાબ આપ્યો.

એક ફાસ્ટ ફૂડ સેન્ટર પાસે ગાડી ઊભી રાખી રાકેશે બધા માટે સેન્ડવીચ પેક કરાવી અને આઈસ્ક્રીમના કોન લઈ આવ્યો. ખાતાં ખાતાં બીટ્ટુથી ગાડીના કાચ પર આઈસ્ક્રીમ લાગી ગયો અને નાનકડી માધુરીથી પાછલી સીટ પર સૉસ ઢોળાઈ ગયો. ચંદુ બંનેને ખીજાવા લાગ્યો પણ રાકેશે કહ્યું : ‘વાંધો નહીં, એ તો સાફ થઈ જશે.’ છોકરાંઓને સિગ્નલ પાસે મૂક્યાં ત્યારે એણે એમને ફરી પાછા આ રીતે લઈ જવાનો વાયદો કર્યો. એને લાગ્યું કે, આજે એણે પરિવાર સાથે નવી ગાડી લીધાના આનંદની વહેંચણી કરી. તેને અનોખો રોમાંચ અનુભવાયો.

(અર્જુન કે. બોઝની અંગ્રેજી વાર્તાને આધારે.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

25 thoughts on “એક અનોખો પરિવાર – આશા વીરેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.