માતૃત્વનો મર્મ – જયવતી કાજી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

મારી અને આકાંક્ષાની મૈત્રી અંગે ઘણાંને કૌતુક થતું હતું. ઘણી વખત તો અમને પોતાને પણ એનું આશ્ચર્ય થાય છે. ‘એક રૂપાળી, બીજી શામળી તોય બેઉ બહેના.’ મારું અને આકાંક્ષાનું આવું જ હતું. અમારી વચ્ચે કોઈ લોહીનો સંબંધ ન હતો. વિચાર અને વૃત્તિમાં પણ ભિન્નતા હતી. અમારી પ્રકૃતિ પણ જુદી હતી. જીવનની અપેક્ષાઓ અલગ પ્રકારની હતી, છતાં અમારી વચ્ચે ગાઢ સંબંધ હતો. આ સંબંધ તે નિર્વ્યાજ મૈત્રીનો અને તે ઉદ્દભવી હતી અન્યોન્ય પ્રત્યેની સહજ કુદરતી લાગણીના આકર્ષણમાંથી. કિશોરાવસ્થાનો એ મુગ્ધ કાળ. શાળામાં એક જ વર્ગમાં એક બેંચ પર અમને બેસવાનું થયું અને પછી તો અમારી દોસ્તી જામી ગઈ. સાથે કંઈ કેટલીય ગુફતેગો કરી અને જીવનનાં સ્વપ્નો જોયાં !

અમારાં સ્વપ્ન-અમારી આકાંક્ષાઓ જુદી હતી અને પછીનાં વર્ષોમાં અમારા બન્નેનો જીવનપ્રવાહ પણ અલગ અલગ દિશામાં ફંટાઈ ગયો, છતાં મૈત્રી એવી ને એવી જ રહી. આકાંક્ષા ક્યારેક મારા પર ગુસ્સે થતી અને કહેતી :
‘શુચિ, તું તો કરોળિયાની માફક તારા ઘરસંસારમાં ગુંથાયેલી રહે છે. તું તો સાવ બંધાઈ ગઈ છે. તારે તે કંઈ જિંદગી છે ?’
‘તને એ ક્યાંથી સમજાય ? તને એ બંધનનો અનુભવ ક્યાં છે ? તું લગ્ન કર, બાળક થવા દે અને પછી મને કહેજે.’ હું એને હસીને જવાબ આપતી, ‘જગતના તમામ સ્વાતંત્ર્ય કરતાં આ બંધન વધુ મધુર અને સુખદ મને લાગે છે.’, પણ આકાંક્ષાને ગળે મારી વાત નહોતી ઊતરતી.
‘તારે જે કહેવું હોય તે કહે, પણ તારી માફક મારે ઘર, વર અને છોકરાંમાં મારી જિંદગીની સમાપ્તિ નથી કરવી. મારે જિંદગીમાં કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈક બનવું છે. માત્ર પત્ની અને મા એટલામાં જ મારે બંધાઈને સીમિત થઈ જવું નથી. મારાથી એ નહિ થઈ શકે.’ એ દલીલ કરતાં કહેતી અને થયું પણ એમ જ. સ્કૉલરશિપ મેળવી આકાંક્ષા વધુ અભ્યાસાર્થે અમેરિકા ગઈ, ત્યાંથી તાલીમ અને અનુભવ લઈને એ પાછી આવી અને એક મોટી કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં ઉચ્ચ સ્થાને નિયુક્ત થઈ ગઈ.

આકાંક્ષા ખૂબ તેજસ્વી, મહત્વાકાંક્ષી અને મોહક. આત્મવિશ્વાસની ખુમારી એનાં હલનચલન અને વર્તનમાં સહેજે દેખાઈ આવે. વસ્ત્રોની રુચિપૂર્ણ પસંદગી, એને અનુરૂપ કલાત્મક આભૂષણો અને ટટ્ટાર ગૌરવભરી ચાલ ! કોઈનું પણ ધ્યાન ખેંચાય એવું વ્યક્તિત્વ ! વ્યાવસાયિક ક્ષેત્રે સફળતાનાં એક પછી એક સોપાન ચઢતી ગઈ અને જોતજોતામાં એ કંપનીના માર્કેટિંગ વિભાગની ડિરેક્ટર નિયુક્ત થઈ. આ વર્ષો દરમિયાન હું વાત નીકળતાં આકાંક્ષાને કહેતી :
‘તારી સિદ્ધિનો મને આનંદ છે. મને એનું ગૌરવ છે, પણ એમાં તારા જીવનની પરિપૂર્ણતા નથી. તું યોગ્ય સાથી શોધી લગ્ન કરી લે.’
‘ના, ભાઈ ના, રોજનાં આ કામકાજ અને બાળકોની ઊઠવેઠ મારાંથી નહિ બને. મારે શેની ખોટ છે ? મા-બાપ, ભાઈ-બહેન, તારાં જેવાં મિત્ર છે. કારકિર્દી છે, પૈસા છે, સગવડ છે, સ્વતંત્રતા છે, પછી શું જોઈએ ? માય ડિયર શુચિ ! હવે તો લગ્નની વિભાવના જ બદલાઈ ગઈ છે. ‘લિવ ઈન રિલેશનશિપ’નો કાયદામાં પણ સ્વીકાર થયો છે. હવે તો લગ્ન કર્યા વગર પોતપોતાનાં ઘરમાં રહેવાનું અને અઠવાડિયામાં એક-બે દિવસ સાથે રહેવાનું ! Not too much commitment સમજી….?’

ત્યાં તો અચાનક એણે ધડાકો કર્યો અને અમને બધાંને આશ્ચર્યચકિત કરી દીધાં.
‘શુચિ, મેં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. રજિસ્ટર્ડ મૅરેજ કરીશું.’ સાંભળીને હું તો સ્તબ્ધ જ થઈ ગઈ.
‘આ હિમખંડને કોણે ઓગાળ્યો ?’ મેં પૂછ્યું.
‘એનું નામ અનિકેત છે… હું અમેરિકા હતી ત્યારે મારી એની સાથે ઓળખાણ થયેલી. હવે એ અહીં પાછો આવ્યો છે. એની પોતાની ફૅક્ટરી છે. એણે મને પૂછ્યું અને મારાથી ‘હા’ કહેવાઈ ગઈ ! કહીને એ ખડખડાટ હસી પડી હતી.
‘આકાંક્ષા ! આખરે તેં બંધન સ્વીકાર્યું ખરું ! હવે હું પણ જોઈશ, તું તારા સંસારમાં કેવી ગુંથાઈ જાય છે તે !’
‘શુચિ ! મારે તારી સાથે વાત કરવી છે. તું મારી ઑફિસ પાસેની આ રેસ્ટોરાંમાં બરાબર સાડા બારે આવી પહોંચજે. લંચ આપણે સાથે લઈશું.’ આકાંક્ષાએ ફોન પર કહ્યું અને નક્કી કર્યા પ્રમાણે અમે રેસ્ટોરાંમાં મળ્યાં. બારી પાસેનું એક ટેબલ પસંદ કરી બેઠાં અને ઑર્ડર આપ્યો.

‘એવું તે શું અચાનક મારું કામ પડ્યું છે ? આવા મોટા માર્કેટિંગ ડિરેક્ટરને મારી કઈ સલાહની જરૂર પડી ?’
‘જો શુચિ, હવે આ બધી મશ્કરી જવા દે. મારે તારી પાસે જાણવું છે. અમે બાળકનો વિચાર કરીએ છીએ…’ એણે ધીમેથી સહેજ અચકાતાં કહ્યું. એના મોં પરની રૂઆબની છટા અત્યારે જતી રહી હતી. એને સ્થાને ર્માદવ અને કોમળતા છવાઈ ગયાં હતાં.
‘તારે બાળક જોઈએ અને એ માટે હું માનું છું કે તને ખેદ ક્યારેય નહિ થાય. એ એક અદ્દભુત, રોમાંચક અને અવર્ણનીય અનુભૂતિ છે, પણ આકાંક્ષા બાળક આવતાં તારું સમગ્ર જીવન બદલાઈ જશે.’ મારા અવાજને બને તેટલો સ્વસ્થ રાખીને મેં કહ્યું.
‘હા, એમ જ કહે ને કે બાળક આવે પછી રવિવારે સવારે મોડે સુધી ઊંઘવાનું નહિ મળે. મન થાય ત્યારે વૅકેશન પર ઊપડી નહિ જવાય. બાળક માટે ઉજાગરા કરવા પડશે, એમ જ ને ?’
પરંતુ એથી ઘણું વિશેષ હું એને કહેવા માગતી હતી, પણ હું બોલી નહિ. આડીઅવળી વાતો કરી અમે છૂટાં પડ્યાં. એ એની ઑફિસે ગઈ અને હું મારે ઘરે.

રાત્રે સૂતાં સૂતાં ક્યાંય સુધી મને આકાંક્ષાના વિચાર આવ્યાં કર્યાં. આકાંક્ષાને બાળક આવશે, એ મા બનશે પણ મા થવું એટલે શું ? વિચારોમાં મારી ઊંઘ પતંગિયાની માફક ઊડી ગઈ. મનમાં થયું, પત્રમાં જ એને લખું તો કેમ ? અને મેં દીવાનખાનામાં જઈ લખવા માંડ્યું :

‘મારી પ્રિય આકુ,
સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે બાળકનાં જન્મની સાથે એક માતાનો પણ જન્મ થાય છે. સ્ત્રી એક નવા સ્વરૂપે જન્મે છે. આકુ, તું ફૅશનેબલ છે, આધુનિક છે. ખૂબ સોફેસ્ટિકેટેડ છે, પરંતુ મા થતાં જ તું પ્રીમિટિવ સ્તર પર પહોંચી જશે ! તેં કોઈ બિલાડી કે કૂતરીને તેનાં બચ્ચાંનું રક્ષણ કરતાં જોઈ છે ? મા-મમ્મા-મા એ કાલાઘેલા શબ્દમાં થયેલો આદેશ તારે કાને પડતાં જ તું એક ક્ષણના વિલંબ વગર ગમે તેટલું મહત્વનું કામ તારા હાથમાં હશે તો પણ તું એ છોડી એની પાસે દોડી જવાની. તારી કારકિર્દીમાં તેં પંદર-સત્તર વર્ષ વિતાવ્યાં છે, પરંતુ સંભવ છે કે માતૃત્વ તને કારકિર્દીના પાટા પરથી ઊથલાવી દે ! ભલેને તું તારા બાળક માટે એક નહિ, પણ બે ગવર્નેસ રાખે અને એ બધી રીતે બાળકને સંભાળવા માટે લાયકાત ધરાવતી હોય તો પણ બાળકને છોડીને જતાં તારું દિલ ખચકાશે.

આકાંક્ષા, તારું આકર્ષક, સફાઈદાર દીવાનખાનું પહેલાં જેટલું સુઘડ અને વ્યવસ્થિત નહિ રહે ! તારા મોંઘા ગાલીચા પર બાળકની ગોદડી અને રમકડાં પડ્યાં હશે. પેલા તારા ક્રિસ્ટલના ફલાવર વાઝને તું ટિપાઈ પર નહિ રાખી શકે. બાળક એ લેવા જાય અને એને વાગી જાય તો ! તારે કેટલી નાની નાની તકેદારી રાખવી પડશે….. તારું અત્યારનું જે સરળ રૂટિન છે તે પછી નહિ રહે. તું બધું આગળથી નક્કી નહિ કરી શકે. બાળકના સ્વાભાવિક પ્રશ્નોના ઉત્તર તું સહેલાઈથી નહિ આપી શકે. ભલેને તું ઑફિસમાં મહત્વના નિર્ણયો તડ ને ફડ લેતી હોય. કોઈક મહત્વની બિઝનેસ મિટિંગમાં જતી વખતે પણ તને તારું બાળક યાદ આવશે. બાળકને સ્વાવલંબી બનતાં શીખવવું અને સ્વતંત્રતા આપવી અને સાથે સાથે એનું રક્ષણ પણ કરવું. એને શિસ્ત શીખવવું અને લાડ પણ કરવા – આ બધાની સતત સમતુલા કરતા રહેવું એ સહેલું નથી. આકાંક્ષા ! તું બાળ ઉછેર અંગેના કલાસમાં બાળ માનસ પર ગમે તેટલાં પુસ્તકો વાંચશે તો પણ એમાંથી બધું જ નહિ શીખી શકાય. ઘણું બધું અનુભવે જ શીખવું પડતું હોય છે.

આકાંક્ષા, ગર્ભાવસ્થામાં અને પ્રસૂતિ પહેલાં તારું ઘણું વજન વધશે. એ વધેલું વજન તો તું ધીમેધીમે ઉતારી નાખશે, પણ તારી જાત માટે હવે તને જુદી જ લાગણી થશે. તારાં કપડાં પર સહેજ પણ સળ પડે કે ડાઘ પડે, એ તને નથી ગમતું, પણ તારા બાળકના મેલા હાથપગથી તારાં કપડાં ચોળાશે તો તેનો રંજ નહિ હોય. અત્યાર સુધી તારી જિંદગી તારે માટે મહત્વની અને મૂલ્યવાન હતી, પણ બાળકની જિંદગી કરતાં એ તને ઓછી મૂલ્યવાન લાગશે. અરે, એટલું જ નહિ, પણ બાળક ખાતર તું તારો જાન આપવા પણ તૈયાર થશે. એટલું જ નહિ, પણ આકાંક્ષા, તારા અને અનિકેતના સંબંધ પણ બદલાશે. તમારી નવી ભૂમિકા-માતા-પિતાની ભૂમિકા શરૂ થાય છે એટલા માટે તું અનિકેતના ફરીથી પ્રેમમાં પડશે…. બાળકે ઉચ્ચારેલો પ્રથમ શબ્દ – એનું પ્રથમ પગલું અને એના બોખા મોંનું ખિલખિલાટ હાસ્ય ! એ તારા હૃદયને વાત્સલ્યથી છલકાવી દેશે. આકાંક્ષા ! બાળક એ તો પરમ આનંદની અનુભૂતિ છે, પણ સાથેસાથે યાદ રાખજે એ એક મહાન જવાબદારી છે. માતા-પિતાની જવાબદારી ક્યારેય પૂરી નથી થતી…. તારે માટે- મારે માટે અને જગતની તમામ સ્ત્રીઓ માટે જેઓ આ પવિત્ર ધર્મ બજાવે છે એ સર્વ માટે હું પરમાત્માને પ્રાર્થના કરું છું.
લિ.
તારી સખી શુચિ.

પત્ર મેં પૂરો કર્યો, પરંતુ માતૃત્વનો મર્મ આટલામાં જ ઓછો આવી જાય છે ? એ તો કેટલો ગહન છે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “માતૃત્વનો મર્મ – જયવતી કાજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.