સંબંધ –કુન્દનિકા કાપડીઆ

[‘મનુષ્ય થવું’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

‘ ના, ના, ના, હું એની પાસે કદી નહિ જાઉં, કદી નહિ જાઉં.’ નાનકડા સુગીતે પગ પછાડ્યા અને તેનું મોં ગુસ્સાથી લાલ લાલ થઈ ગયું. ‘મારે નવો બાપ નથી જોઈતો – નથી જોઈતો.’ તેણે ફરી પગ પછાડ્યો અને કોઈ અદષ્ટ શત્રુને હાંકી કાઢતો હોય તેમ હવામાં હાથ વીંઝ્યા.

નિરંકા ઉદાસ થઈને જોઈ રહી. તેની આંખોમાં વ્યથાનો એક અંધકાર ઘેરાયો. ‘નવો બાપ’ – આ શબ્દો એને કોણે શીખવ્યા ? એ કેટલા અપરિચિત અને ગૌરવ વિનાના લાગતા હતા ! પણ ‘નવી મા’ એ શબ્દો તો ક્યારેય અપરિચિત નહોતા લાગતા. એ તો સ્વીકારાયેલા શબ્દો હતા, સદીઓથી સ્વીકારાયેલા. એ શબ્દો જીવનમાં હતા, સાહિત્યમાં હતા, અનુભવમાં હતા. એની એક છબિ હતી – એક કૌતૂહલપૂર્ણ, આશા અને આશંકાથી ભરેલી છબિ. તો પછી ક્યાં એક ખાઈ પડી ગઈ ? નવીમા-માં શાના પર ભાર હતો ? નવાપણા પર કે મા પર ? નવી હોય કે જૂની, મા એટલે મા.

પણ ‘નવો બાપ !’ સુગીતને નિશાળમા6 કોઈએ કહ્યું હશે – તને તો નવો બાપ મળવાનો છે. મિત્રોની મશ્કરી નાનાં બાળકોથી સહન ન થાય. એમના વ્યક્તિત્વનું ગજું કેટલું ? સાવ કોમળ, ભોળો, માબાપની સલામતી ના જોર પર જ જીવતો છોકરો. એક ઘા હજી હમણાં જ એણે સહન કર્યો છે – નિશાન મરી ગયો ત્યારે. નિશાનને એ બહુ વહાલ કરતો. આખો દિવસ એની જોડે ને જોડે ફરવા ઈચ્છતો. પણ નિશાનને એવી ફુરસદ થોડી જ મળતી ? અદાલતના ખંડ ગજાવતા અને કેસ દીઠ હજારો રૂપિયા ફી લેતા આ ધારાશાસ્ત્રીને ઘરના લોકો તરફ ધ્યાન આપવાનો ભાગ્યે જ સમય મળતો. એટલે તો સુગીત તેના સાથ માટે ઝૂરતો. આટલી નાની ઉંમરે તેની આંખોમાં તૂટેલા વચનોનો વિષાદ દેખાતો. નિશાનને આ ખબર નહોતી એમ નહિ. તે વહેલા ઘેર આવવાનાં વચન આપતો, ને એ વચન પાળી શકાતાં નહિ. પછી એ અપરાધ ઢાંકવા તે ઢગલાબંધ રમકડાં લઈ આવતો; અને સુગીત એ રમકડાંને હૈયે વળગાડી રાખતો.

છોકરો તો રમકડાંથી ભોળવાઈ જતો, પણ નિરંકાના ખાલીપણાનું શું ? ઘરમાં ચોવીસ કલાક જેની સાથે રહેવાનું હોય તેની સાથે હૃદયનો સંબંધ ન બંધાય એ તે કેવી કરુણતા ! પરણીને આવી ત્યારે તો લાગેલું કે પરિચય થતાં વાર લાગે. માણસના બધા ખૂણાખાંચરાને પ્રકાશિત થતાં વાર લાગે. અંતરની નિગૂઢ ગુફાઓમાં નિર્ભયપણે સાથે ફરી શકાય, એટલું સાહચર્ય આવતાં વાર લાગે. પણ પોતે રાહ જોઈ શકે તેમ હતી. યુવાનીનાં દ્વાર હજી હમણાં જ ખૂલ્યાં હતાં ને રસ્તો લાંબો હતો. કશી ઉતાવળ નહોતી. પણ એવી ભૂમિકા ક્યારેય આવી જ નહિ. પછી એને સમજાયું કે એ બન્ને જુદી માટીનાં સંતાન હતાં. રાજસ્થાનનો મારવાડી વેપારી અને આસામનો આકાશવિહારી કલાકાર એકમેક કરતાં સાવ ભિન્ન હોય એમાં કશું આશ્ચર્ય નથી, કશું ખરાબ પણ નથી. કોઈકે બન્નેને એકસાથે લાવીને પરસ્પરના એકાંત સહવાસની ગાઢ શક્યતાઓ વચ્ચે મૂકી દીધાં તેટલા માત્રથી જ શું બન્ને એકબીજાના અંતરંગ સાથી બની શકે ?

નિશાનને કેસ જીતતાં આવડતું હતું, પોતાની કીર્તિ પ્રસારતાં આવડતું હતું, પણ એક સ્ત્રીને પ્રેમ કરતાં કે તેનો પ્રેમ સાચવતાં નહોતું આવડતું. એક સ્ત્રીના આંગણામાં હૃદયનો દીવો કેમ પેટાવી શકાય, તે તેને નહોતું આવડતું. તેના જીવનમાં એ વસ્તુનું બહુ સ્થાન પણ નહોતું. તે ઘરની હવામાંથી પ્રાણ પામનારો માણસ નહોતો. ઘણા લોકો એવા હોય છે, જેઓ સમાજ માટે હોય છે, બૃહદ માનવસમુદાય માટે હોય છે. ઘરના હૂંફાળા ખૂણે, સ્વજનોની સ્નેહ-ઉષ્મા વડે જીવતા લોકો કરતાં તેઓ જુદા હોય છે. તેમનો માર્ગ હૃદયની ભીની છાયા હેઠળથી નથી પસાર થતો. ગમે તેમ કરીને થોડાંક વર્ષો એની સાથે નિરંકાએ જીવી નાખ્યું. એ દરમ્યાન સતત એક શોધ ચાલુ હતી – પોતાની અભિવ્યક્તિની શોધ. હું શું હોઉં તો મને સૌથી વધારે સંતોષ થાય ? એક વ્યક્તિ તરીકે મને શાની તૃષા છે ? એનો જવાબ મળે તે પહેલાં નિશાન મૃત્યુ પામ્યો – ‘માસિવ હાર્ટઍટૅક.’ કીર્તિનાં ઊંચા ને વધુ ઊંચા શિખરોની મહત્વાકાંક્ષાની તીણી ને વધુ તીણી ધારથી એનું હૃદય કોરાયા કર્યું હશે ? એણે પ્રેમ કર્યો હોત તો કદાચ એ જીવી ગયો હોત. જીવનની એક પરિસ્થિતિ વીખરાઈ ગઈ. થોડો વખત આઘાત, શોક અને આશ્વાસનોમાં જશે. પછી એક ઉદાસ ઘરનો એકલ ખૂણો અને લાંબો, તડકે તપેલો પથ.

પણ અચાનક જ એ પથની બન્ને ધારે ઘટાદાર વૃક્ષો ઉગાડવાની વાત લઈને સોમનાથ આવ્યો. પહેલી મુલાકાતમાં જ લાગ્યું કે આત્મીયજન છે. એના હાથમાં હાથ પરોવીને ચાલતાં રસ્તો રમણીય બની જશે. પણ સુગીતનું શું ? સોમનાથ તો એને સ્વીકારશે, પણ તે સોમનાથને સ્વીકારશે ? સંબંધોનું આચ્છાદન દૂર કરીને જોઈએ તો નિશાને આપ્યું તે કરતાં ઘણું વધારે સોમનાથ આપી શકશે સુગીતને, કારણ કે તે એવો માણસ હતો, જે બીજાઓને ચાહી શકે. સુગીતને સોમનાથની એ બાજુનો પરિચય કરાવવો જોઈએ. એક દિવસ તેને ઘેર સુગીતને લઈ જઈ ત્યાં આખો દિવસ ગાળવો જોઈએ. પણ સુગીતે…. ‘ના, ના, હું એની પાસે નહિ જાઉં….’ કહી ધમપછાડા માર્યા, હવામાં મુક્કા વીંઝી. આવડા નાના છોકરાના મનમાં વિદ્વેષનો આવો વંટોળ કોણે ભરી દીધો હશે ? નવી મા હોવી – એમાં કશું ખોટું ન હોય તો નવો બાપ આવે – એમાં શું ખોટું છે ? નાના છોકરાની ખોટી સમજણને આધીન થઈને જિંદગીની સોનેરી પળો સરી જવા દેવાનો કંઈ અર્થ નહિ. તેણે સુગીતને ખૂબ સમજાવ્યો. ‘તું ચાલ તો ખરો. એનું ઘર સરસ છે. તને ગમશે, નહિ ગમે તો પાછાં આવતાં રહીશું.’ છેવટે તેને ઘરે એકલો મૂકી પોતે ચાલી જશે એમ કહ્યું ત્યારે સુગીત સાથે આવવા તૈયાર થયો. પણ રિક્ષામાં તે બોલ્યો નહિ, મોં ફુલાવીને બેસી રહ્યો.

સોમનાથના ઘરનું બારણું ઊઘડ્યું કે સુગીત આભો થઈ ગયો. દીવાલ પર આટલાં બધાં ચિત્રો ? હાથીનાં, ઘોડાનાં, સસલાનાં, પ્રાણીઓનાં, વૃક્ષોનાં, ફૂલોનાં, મનુષ્યોનાં, વાદળનાં, દરિયાનાં ચિત્રો. સુગીત મુગ્ધ થઈને જોઈ રહ્યો. આટલાં બધાં ચિત્રો કોણે દોર્યાં હશે ?
‘તને ચિત્રો ગમે છે ?’ સોમનાથે તેને ધીમેથી પૂછ્યું.
સુગીત હલબલી ગયો. સોમનાથ સાથે બોલવું નહોતું. બની શકે એટલો ગુસ્સો પ્રગટ કરવો હતો. થઈ શકે તો અપમાન કરવું હતું. પણ ચિત્રો જોઈને તે એ વાત સાવ ભૂલી જ ગયો.
‘આ ચિત્રો કોણે દોર્યાં છે ?’
‘મેં.’
‘તમે ?’ સુગીતની આંખો પહોળી થઈ ગઈ.
‘તને ગમે છે ?’
‘ચિત્રો કેવી રીતે દોરાય ?’
‘ચાલ, તને બતાવું.’ સોમનાથ એને બીજા રૂમમાં લઈ ગયો. ત્યાં ઈઝલ પર કૅન્વાસ હતું.
‘હું ચિત્ર દોરું તે તું જોઈશ ?’ સુગીત બધું ભૂલીને જોઈ રહ્યો. સોમનાથે કૅન્વાસ પર એક પછી એક સાદા રંગો, મેળવણીવાળા રંગો મૂકવા માંડ્યા અને એક ખાલી અવકાશ અનેક આકારોથી જીવંત થઈ ગયો. હળવી મૃદુ શૈલીથી ચમકદાર આનંદી રંગોમાં તેણે બે હરણ ચીતર્યાં. સુગીત નાચી ઊઠ્યો.

‘તમને લાગે છે કે હું પણ ચિત્રો દોરી શકું ?’
‘જરૂર – આ લે, પ્રયત્ન કરી જો.’ બે સમર્થ હાથોએ બે નાનકડા હાથમાં પીંછી અને કાગળ આપ્યાં. રંગની પેટી આપી. સુગીતના હાથ, આંખ ને મન ઉત્તેજિત થઈ ગયાં. સ્કૂલમાં ચિત્રકળાના શિક્ષક ચિત્રો કરાવતા, પણ આ જુદું હતું. અહીં મુક્તિ હતી, વિપુલતા હતી, ઈચ્છા પડે તે રંગ વાપરવાની સ્વતંત્રતા હતી. તેણે કેસરી રંગનું ઝાડ અને લીલા રંગની ભોંય ચીતરી. સોમનાથે તેને રંગોમાં છાયાઓ કેવી રીતે લાવવી તે શીખવ્યું. એક જ રંગ જુદા જુદા પ્રકાશમાં કેવો જુદો દેખાય છે તે સમજાવ્યું. રંગો જાણે વાસ્તવિકતાની પકડમાંથી મુક્ત થઈ ગયા. કાગડા-ચકલીને જોતાં તેને હંમેશ થતું – આ લોકો જાંબલી રંગનાં હોય તો કેવાં લાગે ? કલ્પનામાં તેણે જાંબલી કાગડા જોયા હતા. આજે પહેલી વાર તેણે જાંબલી ચકલી અને જાંબલી ઘાસ ચીતર્યાં. સ્કૂલમાં શિક્ષક આવું ન ચલાવી લે. અહીં બહુ સારું લાગ્યું. ઘર જેવું લાગ્યું – આ ચિત્રો કરવાનું, આ રીતે શીખવાનું, મનના તરંગોને આ રીતે આકારોમાં ઉતારવાનું. આ આકારો દુનિયાની કોઈ વસ્તુના આકાર સાથે મેળ ખાતા નહોતા. પણ તેથી શું ? તેને મઝા આવી ગઈ, ને તે જ પૂરતું હતું.

તે એટલો બધો એમાં ડૂબી ગયો કે છેવટે નિરંકાએ તેને પરાણે ઉઠાડવો પડ્યો. સાંજે નિરંકા ને સુગીત ઘેર પાછાં જવા નીકળ્યાં ત્યારેય તેનો જીવ તો હજી અધૂરા રહેલા ચિત્રમાં જ હતો. સોમનાથે પૂછ્યું :
‘ફરી આવીશ ને સુગીત ?’
ફરી આવવાનું ? તેને તો અહીં જ રહી જવાનું મન થયું હતું. તેણે મા તરફ જોયું, ‘મમ્મી, હું અહીં ફરી ક્યારે આવું ?’
નિરંકા હસી : ‘તને મન થાય ત્યારે.’
અને સોમનાથે કહ્યું : ‘તને ગમે તો અહીં જ રહી જા ને, સુગીત !’
ખરેખર ? આ સુંદરતા ને વિપુલતાની દુનિયામાં ? પણ મમ્મી ? મમ્મી વગર તો ન ગમે, તે ગૂંચવાઈ ગયો. નિરંકા દાદર ઊતરી, પણ સુગીત હજુ પહેલા પગથિયે જ ઊભો હતો. સોમનાથે તેના ખભા પર હાથ મૂક્યો. બહુ જ હેતથી પૂછ્યું :
‘અહીં રહી જવું છે, સુગીત ?’
‘પણ મમ્મી તો જાય છે….’ સુગીત મૂંઝવણથી બોલ્યો. તેને ખરેખર જ રહેવું હતું. હજી ચિત્રો કરવાં હતાં, રંગોમાં ઊંડાણ કેમ આવે તે સમજવું હતું, હાથી ને ઘોડાનાં ટોળાં ચીતરવાં હતાં. એક બિલાડી દોરવી હતી…. ઓહો, કેટલું બધું કરવું હતું ! તેણે અધીરતાથી બૂમ મારી :
‘મમ્મી……!’
નિરંકાએ ઉપર જોયું, ‘શું બેટા ?’
‘મમ્મી, આપણે અહીં રહી જઈશું આજે ?’
નિરંકા ધીમે પગલે પાછો દાદર ચડી, ‘આપણે હંમેશ માટે અહીં રહી જઈએ તો તને ગમશે, દીકરા ?’
મમ્મીના હાથમાં મોં સંતાડીને તે બોલ્યો : ‘ખૂબ ગમશે, મમ્મી.’ ચિત્રોના સંબંધનો એક નવો રંગ તેની આંખોમાં ખીલી રહ્યો. નિરંકાએ તેના બન્ને હાથ પોતાના હાથમાં લીધા અને પછી હળવેથી સોમનાથના હાથમાં મૂકી દીધા.

[કુલ પાન : 80. કિંમત રૂ. 40. (આવૃત્તિ : 2004 પ્રમાણે). પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22132921. ઈ-મેઈલ : info@navbharatonline.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

29 thoughts on “સંબંધ –કુન્દનિકા કાપડીઆ”

Copy Protected by Chetan's WP-Copyprotect.