એ ટેલિગ્રામ ન આવ્યો હોત તો…. – રજની વ્યાસ

[ સત્યઘટના : ‘અખંડ આનંદ’ સામાયિક નવેમ્બર-2011માંથી સાભાર.]

મૅટ્રિકની પરીક્ષાનું પરિણામ આવ્યું એ દિવસ મારે માટે આનંદનો પણ સાથે સાથે ચિંતાનો વિષય પણ બની રહ્યો. સાયન્સ, મૅથેમેટિક્સ અને અંગ્રેજીના વિષયમાં મને 70% માર્ક્સ મળ્યા હતા. એટલે કે ડિસ્ટિંકશન માર્ક્સ કહેવાય. તે સમયે આજની જેમ 80, 90, 95 કે 100 ટકા માર્ક્સ કોઈના પણ આવતા નહિ એટલે ડિસ્ટિંક્શન માર્ક્સ ઘણા સારા કહેવાતા.

હવે વાત આવી મારા કૉલેજ-અભ્યાસની. આજથી 60 વર્ષ પહેલાં ઉચ્ચ શિક્ષણ માટે માત્ર ત્રણ જ દિશાઓ હતી. આર્ટ્સ, સાયન્સ કે કૉમર્સ. મને પૂછતાં મેં ધડાકો કર્યો : મારે તો ડ્રૉઈંગનો અભ્યાસ કરવા મુંબઈ જવું છે – સર જે.જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં.
મોટી બહેને પૂછ્યું : ‘એ વળી શું ? આર્ટ્સમાં જવું હોય તો વડોદરા જવું શું ખોટું તે છેક મુંબઈ જવું પડે ?’
મોટા ભાઈએ ફોડ પાડ્યો : ‘બે આર્ટ્સમાં બહુ ફેર છે. એ કહે છે તે કૉલેજ તો ડ્રૉઈંગની કૉલેજ છે. અને તે મુંબઈમાં જ છે.’

ઘરમાં સૌ જાણતા તો હતા જ કે ચિત્રકામનો મને ખૂબ શોખ છે. વૅકેશનમાં હું કાંઈક ને કાંઈક ચિતરામણ કર્યા કરતો. ડ્રૉઈંગની બે પરીક્ષા પણ પાસ કરી હતી. પણ ચિત્રકારની લાઈન લઈ હું આર્ટિસ્ટ બનવા માંગતો હતો તે કોઈના મગજમાં ઊતરતું ન હતું. આર્ટિસ્ટનું વળી ભવિષ્ય શું ? તેણે પછી કરવાનું શું ? ઘરના વડીલોના આ પ્રશ્નો હતા. જયેન્દ્રભાઈ વડોદરા કૉલેજમાં અભ્યાસ કરતા, તે પણ હાજર. તેમણે ભરૂચ-બહારની દુનિયામાં ડોકિયું કર્યું હતું. તેમણે મારો પક્ષ લીધો. ‘વડોદરામાં હું બે આર્ટિસ્ટોને જાણું છું. એ લોકોને સારું કામ મળે છે. રજનીકાન્તને આટલો શોખ છે તો વિચાર કરવામાં શું જાય ? આપણે તપાસ તો કરીએ ?’ તપાસ ચાલી. પિતાજીના એક મિત્ર-સંબંધી હતા. અલમૌલાસાહેબ. એ શું કરતા હતા તે અત્યારે યાદ નથી પણ તેમના કામકાજ અર્થે તેઓ અનેક જગ્યાએ, ખાસ મોટાં શહેરોમાં જતા-આવતા. તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો તો કહે કે, ‘અરે આ તો ખૂબ સારી લાઈન છે. છોકરો બહુ કમાશે. તમે એને મુંબઈ ભણવા જવા દો, એનું ભવિષ્ય સુધરી જશે.’

મુંબઈની સર જે.જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાંથી પ્રોસ્પેકટસ મંગાવ્યું. ફૉર્મ ભરીને મોકલી આપ્યું. પ્રવેશપરીક્ષાની તારીખ આવી અને પિતાજી સાથે મુંબઈ જવાની તૈયારી કરી. ફૉર્મ તો ભર્યું, પ્રવેશ-પરીક્ષાની તારીખ પણ આવી, પણ ત્યાં એડમિશન લેવું સહેલું નથી એમ જાણવા મળ્યું. તે વર્ષોમાં 125 વર્ષ જૂની જે.જે. સ્કૂલ ઑફ આર્ટ્સ ખૂબ પ્રતિષ્ઠિત ગણાતી અને આખા દેશમાંથી વિદ્યાર્થીઓ ત્યાં ઊમટતા. ભરૂચ અગાઉ અમારી શેરીમાં જ રહેતા જશુભાઈ જાની મુંબઈમાં સ્થિર થયેલા હતા. તેમને પત્ર લખી જણાવ્યું. એમનો ઉમળકાભર્યો પત્ર આવ્યો : ‘વિના સંકોચે આવો.’ હું અને પિતાજી ઊપડ્યા. ત્રીજા દિવસે એન્ટ્રન્સ પરીક્ષા હતી. જશુભાઈના દીકરા જયંતભાઈ મારી સાથે આવ્યા હતા. સવારે દસ વાગે 1 કલાકની લેખિત અને પછી મૌખિક પરીક્ષા હતી. બંને ટેસ્ટ આપી ઘરે આવ્યા. બીજે જ દિવસે 12 વાગે પરિણામ હતું. પહોંચી ગયા. લાંબુ લિસ્ટ જોવાનું શરૂ કર્યું. નામ દેખાય જ નહિ. નજર નીચે ઊતરી રહી હતી અને સાવ છેલ્લે નામ મારું હતું ! હાશ ! હૈયું ઊછળવા માંડ્યું !! આખા દેશમાંથી વિદ્યાર્થીઓ આવ્યા હતા – લિસ્ટની અટકો જોઈને લાગતું હતું. કેવા મોટા લબ્ધપ્રતિષ્ઠ મહાવિદ્યાલયમાં પ્રવેશ મળી ગયો હતો તેની ઝાંખી થઈ. મોટા ભાગના વિદ્યાર્થીઓ સરસ અંગ્રેજી અને હિન્દીમાં વાત કરતા હતા તો કેટલાક મરાઠીમાં. ભરૂર જેવા નાના ગામમાં- (જ્યાં એક આર્ટ્સ કૉલેજ પણ ન હતી)થી ગુજરાતી સિવાય બીજી ભાષા ન જાણનાર એકાએક બહુરંગી પ્રજા વચ્ચે ફંગોળાઈ ગયો હતો. પિતાજી મને જયંતભાઈને ભળાવીને ભરૂચ પાછા ફર્યા. જે. જે.ની હૉસ્ટેલ હતી નહિ એટલે કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ રહી શકે તેવી હૉસ્ટેલોની શોધ આદરી.

પણ અફસોસ !
એક પણ હૉસ્ટેલમાં જગ્યા હતી નહિ. આખું અઠવાડિયું રખડી-રઝળીને થાકી ગયા. હું નિરાશ થઈ ગયો. મોં પાસે આવેલો કોળિયો છીનવાઈ જશે એવું લાગ્યું. પિતાજીને પત્ર લખ્યો, ‘ભરૂચ પાછો આવું છું. વડોદરા કૉલેજમાંથી ફૉર્મ મંગાવી રાખશો.’
પત્ર મળતાં જ પિતાજીનો સામેથી ટેલિગ્રામ આવ્યો : ‘રોકાઈ જજે, હું મુંબઈ આવું છું.’
ચારે બાજુથી નિરાશ થયેલા મને પિતાના છત્રનો પહેલી વાર અનુભવ થયો. આશાનું કોઈ કિરણ દેખાતું નથી ત્યાં ભરૂચની શાળામાં નોકરી કરતો એક શિક્ષક શું કરશે ? પણ માનસિક રીતે એવી શ્રદ્ધા બેઠી કે કંઈક થશે. પિતાજી આવી પહોંચ્યા. એમણે કહ્યું : ‘હૉસ્ટેલ સિવાય બીજો વિકલ્પ ખરો કે નહિ ?’ ચર્ચા કરતાં જયંતભાઈએ સૂચન કર્યું : ‘જે. જે. નો સમય બપોરે બારથી પાંચનો છે. કોઈ મૉર્નિંગ કૉલેજમાં અને હૉસ્ટેલમાં એડમિશન મળી જાય તો કામ થઈ જાય.’ શિક્ષક પિતા માંડ એક કૉલેજ-અભ્યાસનો ખર્ચ કાઢવાના હતા તો બબ્બે કૉલેજમાં ભણાવવાનો ખર્ચ ક્યાંથી કાઢે ?….. પણ પિતાજી – કાંઈ વિચાર્યા વિના તૈયાર થઈ ગયા. મને કહે, તારી તૈયારી હોય તો આ દિશામાં પ્રયત્ન કરીએ. મને આશાનું કિરણ દેખાયું. બેવડી મહેનત કરવા તૈયાર થઈ ગયો – અને બીજે દિવસથી ફરી દોડાદોડી શરૂ થઈ ગઈ. મુંબઈની કૉલેજોમાં તો કોઈ આશા જ ન હતી. એટલે પરાંઓમાં તપાસ શરૂ કરી. પણ બધેથી નિરાશા જ સાંપડી. પણ જયંતભાઈ કહ્યું : ‘કિંગસર્કલ-માટુંગામાં ખાલસા કૉલેજ છે. કાલે ત્યાં જઈએ.’

બીજે દિવસે ખાલસા કૉલેજ પહોંચ્યા. કૉલેજમાં એડમિશન મળે તેમ હતું. હૉસ્ટેલ પણ હતી પણ તેમાં જગ્યા ન હતી. હવે તો મુંબઈ છોડ્યા સિવાય કોઈ આરોઓવારો જ ન હતો. ત્યાં અચાનક એક ચમત્કાર બન્યો. એક કૉલેજિયન પિતાને માથું નમાવી પગે પડ્યો : ‘અરે, વ્યાસ સાહેબ, તમે અહીં ક્યાંથી ?’ પિતાએ અમારી કથની કહી. કે.બી. શાહ પિતાનો વિદ્યાર્થી ભરૂચનો હતો. અને આ કૉલેજમાં સિનિયર બી.એ.માં હતો. તે સમય હતો જ્યારે વિદ્યાર્થી પોતાના શિક્ષકને આદરભાવે જોતો. તેમની લાંબી કારકિર્દીમાં પિતાજીના અનેક વિદ્યાર્થીઓ અનેક જગ્યાએ સ્થિર થયેલા હતા. આજે તેનો પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો હતો. તેણે કહ્યું : ‘ચાલો મારી સાથે-સાહેબ.’ એ અમને પ્રિન્સિપાલ સાહેબની કૅબિનમાં લઈ ગયો. એ સિનિયર વિદ્યાર્થી હતો. અને પ્રિન્સિપાલ એને ઓળખતા હતા. એણે કહ્યું : ‘સાહેબ, આ મારા સ્કૂલના સાહેબ છે. એમના દીકરાને કોઈ પણ રીતે હૉસ્ટેલમાં એડમિશન આપો. ચાલે એવું જ નથી.’ ખૂબ રકઝક કરી પણ મને એડમિશન મળી ગયું ! અમે તો રાજી રાજી થઈ ફી પણ ભરી દીધી.

બપોરનો 1 વાગી ગયો હતો. જમવાનો સમય થઈ ગયો હતો. પિતાજી મને લૉજમાં લઈ ગયા. પોતે તો ખૂબ ધાર્મિક. હૉટલ તો દૂર પણ, બ્રાહ્મણ સિવાય કોઈના હાથનું જમે નહિ. આચાર-વિચારના આગ્રહી. પોતે તો એ દિવસ ભૂખ્યા જ રહ્યા. પગમાં ચંપલ સાથે ટેબલ-ખુરશી પર મને જમતો જોઈ એમના મનમાં શું શું થયું હશે તે તો એ જ જાણે. આ પરિસ્થિતિ એમણે મનથી સ્વીકારી લીધી હતી. આર્થિક ઘસારો, નાના ગામમાં ઉછરેલા અબુધ બાળકને આમ મહાનગરમાં ફંગોળાઈને એકલા રહેવાની ચિંતા, અને તેમની પરંપરાગત ધાર્મિક ભાવના- માન્યતાઓનું સ્ખલન…… આજે, આ બધું યાદ આવતાં, મારી ચિત્રકાર થવાની અભિલાષા માટે તેમણે જે હોડમાં મૂક્યું હતું તે યાદ કરીને આંખ ભીની થાય છે. ચાર-ચાર વર્ષ નિષ્ઠાપૂર્વક અભ્યાસ કર્યો. પાસ થઈ ગયો. ઘણી હાડમારી વેઠી. ભૂખ પણ વેઠી. આર્થિક સંકડામણ પણ વેઠી. પિતાજીએ પણ મારી સાથે દુઃખ વેઠ્યું હતું. પણ તેનાં ફળ મળ્યાં. પછી પણ બે-ત્રણ વર્ષ મુંબઈમાં રહ્યો. છેલ્લું વર્ષ આવતાં સુધી તો ઘણા નવા પરિચયો થયા હતા. છેલ્લા વર્ષથી આછું-પાતળું ચિત્રકામ કરી થોડું કમાવાનું શરૂ થયું હતું. ‘ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના હિન્દી પ્રકાશન ‘ધર્મયુગ’ના તંત્રી શ્રી સત્યકામ વિદ્યાલંકારજી, તેમના મદદનીશ વીરેન્દ્રકુમાર જૈન, આર. કે. લક્ષ્મણ, ‘ચિત્રલેખા’ના તંત્રી કોટક, હરકિસન મહેતા, ‘બ્લીટ્ઝ’ના તંત્રી કરંજિયા, નાટ્યવિદ મધુકર રાંદેરિયા, ‘વંદેમાતરમ’ના તંત્રી શામળદાસ ગાંધી, જયન્ત બક્ષી વગેરે અનેકોનો પરિચય પામ્યો.

પાછળથી જયેન્દ્રભાઈ મુંબઈ સ્થિર થયા હતા. એટલે ફરી મુંબઈ સાથે નાતો જોડાયો. તેને પરિણામે હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, મુંબઈના પુસ્તક પ્રકાશકો, ‘ચકોર’, જયંતી પટેલ (રંગલો), કનુ દેસાઈ, કલાનિર્દેશક ભીખુ આચાર્ય (અને તેમની આંગળિયે ફિલ્મ સ્ટુડિયોની મુલાકાતો !) આ સિવાય પણ અનેક સન્માન્ય નામો છે. આ ઉપરાંત મને શિક્ષણમાં મુંબઈનો જે બેઝ મળ્યો તે મારા ભવિષ્યમાં ખૂબ ઉપકારક બની રહ્યો. વિશાળ દષ્ટિ, અંગ્રેજી ભાષાનો મહાવરો, ઉમદા મિત્રો અને ઐશ્વર્યવંતા મહાનુભાવોના પરિચય જીવનનું ભાથું બની રહ્યાં. નિયતિએ મને અમદાવાદ લાવીને ખડો કરી દીધો. તસવીરકાર જગન મહેતા અને સાહિત્યકાર જયભિખ્ખુ મારા આ નગરમાં પગ માંડવામાં નિમિત બન્યા. બંનેને હૃદયપૂર્વકના વંદન. અમદાવાદના ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘સમભાવ’ અને ‘દિવ્ય ભાસ્કર’માં 50 વર્ષ પત્રકારત્વ ખેડ્યું. ચિત્રો દોર્યાં, લેખો લખ્યા. રવિવાર-બુધવારની પૂર્તિઓનું સંપાદન કર્યું. હજારો ચિત્રો કર્યાં, પુસ્તકો લખ્યાં. આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્યના પુરસ્કારો મળ્યા. મારા સર્જનકાર્યે બે વાર વિદેશયાત્રાઓ કરાવી. અમદાવાદમાં પણ અગ્રણી લેખકો-ચિત્રકારો અને પ્રતિષ્ઠિત નાગરિકોની મિત્રતા પ્રાપ્ત થઈ.

અમદાવાદમાં સંસાર શરૂ થયો. સાહિત્ય-કલામાં રસ ધરાવતી ઉમળકાભરી પત્નીનો સાથ મળ્યો. સુખના સરવાળા અને દુઃખના ભાગાકાર થયા. પોતાના પગ પર ઊભા રહી સંસાર માંડનાર- કારકિર્દી શરૂ કરનારને શું શું સંઘર્ષ કરવા ન પડ્યા હોય ! અનેક પ્રસંગોએ પત્ની તેમજ મોટાં થયેલાં સંતાનોએ હું મારી રીતે મારું કામ કરી શકું તેમાં સમજણપૂર્વક સહકાર આપ્યો છે. પ્રેમાળ અને તેજસ્વી સંતાનો અને તેમના પરિવારથી આજે જીવન ભર્યું ભર્યું છે. રહેવાને સરસ ઘર છે અને વાહન પણ છે. વાહન ચલાવવા જેટલી તંદુરસ્તી પણ છે. એક સંતોષી જીવને બધું જ ઈશ્વરે આપ્યું છે. હવે કોઈ જ અપેક્ષા નથી. પણ આ જે કાંઈ છે તેનું મૂળ-મારી અભિલાષા પૂરી કરવા પિતાજીએ સઘળા અંતરાયો અવગણીને મને ટેકો અને હૂંફ આપ્યાં તે સ્નેહ અને વાત્સલ્યનું બીજનું પરિણામ છે. મુંબઈમાં રહેવાની જગ્યા ન મળી- હું ભરૂચ પાછો ફરતો હતો ત્યારે જો મને પેલો ટેલિગ્રામ ન મળ્યો હોત તો…. જીવન સાવ જુદું જ હોત !!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “એ ટેલિગ્રામ ન આવ્યો હોત તો…. – રજની વ્યાસ”

Copy Protected by Chetan's WP-Copyprotect.