- ReadGujarati.com - http://www.readgujarati.com -

હાસ્ય મધુર મધુર – મધુસૂદન પારેખ

[ ‘ગુજરાત સમાચાર’ રવિપૂર્તિની લોકપ્રિય કૉલમ ‘હું શાણી ને શકરાભાઈ’માંના કેટલાક ચૂંટેલા લેખોના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘હાસ્ય મધુર મધુર’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] શાણી વિના સૂનો સંસાર

શાણીબહેનની મસિયાઈ બહેન બહુ દિવસથી બીમાર હતી. શાણીબહેન તેને સ્વપ્નમાં દેખાયાં. એને મન થયું બહેનને મળી લેવાનું. કદાચ પછી ન મળાય તો ? શાણીબહેનને સુરત જવાનું થયું ને શકરાભાઈનો મૂડ ડાઉન થઈ ગયો. એય શાણીની જોડે જવા તૈયાર થયા. શાણીબહેને બહુ ના પાડી. બે-ત્રણ દિવસમાં પાછી આવવાનો વાયદો કર્યો.

મંજરી એમનો સ્વભાવ બરાબર જાણે. શાણીબહેનનું એમને એટલું બધું એટેચમેન્ટ-સાનિધ્ય હતું કે એમને શાણીની જરા સરખી ગેરહાજરીય જીરવાતી નહિ. પણ મુન્નાએ જરા કૉમેન્ટ કરી :
‘મમ્મી, પપ્પા જ્યાં ને ત્યાં મામેરાની જોડે ને જોડે સારા લાગે ?’
શકરાભાઈ સાંભળી ગયા. એમને થયું કે સારું નહિ લાગે. અને મંજરીએ કહ્યું : ‘પપ્પા ! મમ્મી નથી પણ હું છું ને ? તમને જરાય તકલીફ નહિ પડે.’ શકરાભાઈને હવે માંડી વાળવું પડ્યું. સ્ટેશન પર શાણીબહેનને ગાડીમાં બેસાડ્યાં, ગાડી ઊપડી ત્યાં સુધી – ગાડી સ્ટેશનની બહાર નીકળી ત્યાં સુધી હાથ હલાવ્યા કર્યો. મંજરીય સાથે હતી. તેને લાગ્યું કે પપ્પા બહુ પોચટ છે….. મમ્મીની બાબતમાં વધારે સેન્સિમેન્ટલ છે. મંજરી એમનું જરા ઝંખવાયેલું મોઢું જોઈ વિચારતી હતી કે હું જો ક્યાંક બહારગામ જાઉં તો મુન્નો શું કરે ? એ પપ્પાની જેમ ઢીલો-પોચો થઈ જાય ? પણ હજી એવો અનુભવ થવો બાકી હતો.

શકરાભાઈ ઑફિસે ગયા. પણ એમને ચેન પડ્યું નહિ. ફાઈલો તપાસવામાં જીવ લાગ્યો નહિ. પટાવાળાને થયું કે સાહેબ આજે મૂડમાં નથી. એ જરા સાહેબની નિકટનો હતો એટલે પૂછ્યું :
‘સાહેબ, તબિયત બરાબર નથી ?’
શકરાભાઈ ઝડપાઈ ગયા. એકદમ ચોંકીને બોલી ઊઠ્યા : ‘ના, ના, ક્વાઈટ વેલ….’ કહીને વાત ટાળી.
રિસેસમાં મંજરીને ફોન કર્યો : ‘તારી મમ્મી સુરત પહોંચી ગઈ ? ફોન આવ્યો ?’
‘પપ્પા ! હજી તો રસ્તામાં હશે…. એટલી વારમાં સુરત ક્યાંથી પહોંચે ? તમે ચિંતા ન કરશો. મમ્મીનો ફોન આવશે કે તરત તમને જણાવીશ.’
‘હાં હાં….. ઠીક છે…. ગાડી રસ્તામાં લેઈટ ન પડે તો સારું.’ એમ કહીને તેમણે ફોન મૂકી દીધો. ત્રણેક વાગ્યા છતાં મંજરીનો ફોન ન આવ્યો. શકરાભાઈનું ભોળું મન ચિંતા કરવા લાગ્યું. શાણીને એકલી મોકલી તેનો પસ્તાવો થવા લાગ્યો. પોતે જાતે એને સુરત મૂકી આવ્યા હોત તો સારું થાત. એની બહેનની ખબર પણ જોઈને પાછા આવી શકાત. એમને મનમાં મુન્ના પ્રત્યે જરા ગુસ્સો આવ્યો. એ બહુ ઓવરવાઈઝ થઈ ગયો છે.

મંજરીના ફોનની રાહ જોતાં ચાર વાગ્યા. મંજરીને ફરી ફોન કરવામાં તેમને સંકોચ થવા લાગ્યો. મંજરીને શું લાગે ? એમનું ટેન્શન વધી ગયું. મનમાં પાકો નિર્ણય કરીને મંજરીને ફોન કરવાની તૈયારીમાં હતા. તેવામાં જ ફોન રણક્યો. બાળકના જેવી તીવ્ર ઉત્કટતાથી – ઉત્સાહથી તેમણે ફોન ઉપાડ્યો : ‘હેલો…. હેલો…..’
‘પપ્પા ! મમ્મીના પહોંચવાનો ફોન હજી આવ્યો નથી. કદાચ ટ્રેન મોડી હોય.’
શકરાભાઈના હાથમાં ફોન ધ્રૂજી રહ્યો. પરાણે એ બોલ્યા : ‘રસ્તામાં એને કંઈ મુસીબત તો નહિ નડી હોય ?’
‘ના, ના, પપ્પા ! મુસીબત શેની નડે ? હમણાં ટ્રેનો અવારનવાર મોડી પડતી હોય છે. તમે ચિંતા ન કરશો. મમ્મી સુખરૂપ પહોંચી જશે.’ પણ શકરાભાઈનું ચંચળ ચિતડું ચિંતા કર્યા વિના શેનું જંપે. એમણે ઘડિયાળ સામે જોયું. સવાચાર થયા હતા. ઑફિસેથી વહેલા ઘરે પહોંચવાનું તેમને મન થઈ આવ્યું. ડામાડોળ સ્થિતિમાં તે ઊભા હતા. પટાવાળાને ફાઈલો સોંપી દેવા ઘંટડી વગાડતા જતા હતા ત્યાં ફરી ફોન રણક્યો. તેમણે બાળક મીઠાઈ પર ઝડપ મારે તેમ ફોન ઝડપી લીધો.
‘હેલો…. હેલો…..!’
‘હા પપ્પા ! હું મંજરી. મમ્મી સુરત ટાઈમસર પહોંચી ગઈ હતી. ગાડી લેટ નહોતી. પણ ત્યાં બધાંને હળવામળવામાં ફોન કરવાનો રહી ગયો. એમની બહેનની તબિયત સારી છે.’ શકરાભાઈને મોટી હાશ થઈ ગઈ. એ પાછા કામમાં લાગી ગયા.

ઑફિસથી ઘેર આવ્યા ત્યારે મંજરીએ એમને ભાવતો નાસ્તો બટાકાપૌંઆ અને કડકમીઠી ચા તૈયાર રાખ્યાં હતાં. પપ્પાને ખુશ રાખવા મંજરીએ મમ્મીની વાતો કરવા માંડી – ‘મમ્મી ગઈ…. એટલે બહેન ખુશ થઈ ગઈ. મમ્મી બે દિવસમાં જ આવી જવાનું કહેતી હતી. એ એકદમ મઝામાં છે. રાતે પાછો ફોન કરશે.’ શકરાભાઈને નાસ્તાથી નહિ તેટલો શાણીની વાતો સાંભળીને આનંદ થયો. રાતે મંજરીએ એમને માટે ભાવતી રસોઈ બનાવી હતી. એ દીકરીની જેમ પ્રેમથી પપ્પાને પીરસતી હતી. શકરાભાઈને સંતોષ હતો, પણ શાણી પીરસે અને વહુ પીરસે તેમાં ફેર હોય એવો કદાચ શકરાભાઈને અહેસાસ થતો હતો. રાતે શાણીબહેનનો ફોન ન આવ્યો એટલે પાછા એ વ્યગ્ર થયા. મંજરીને કહે :
‘જરા મમ્મીને ફોન જોડને ! આપણે એની બહેનની ખબર તો પૂછવી જોઈએ ને !’ મંજરી સમજી ગઈ અને મુન્નાએ પણ પાછળથી મંજરીને સહેજ હળવાશથી અણસારો કર્યો. બહેનની તબિયતનું નામ અને મમ્મીનું કામ…. શકરાભાઈએ ફોન પર લાંબો વાર્તાલાપ કરવા માંડ્યો. શાણીએ બેત્રણ વાર રોક્યા. હવે મૂકું છું… પણ શકરાભાઈની જીભ વાચાળ બની હતી.

રાતે એમને સૂનું લાગ્યું. શાણીની પથારી ખાલી જોઈને નિશ્વાસ મૂક્યો. એમ બીજો દિવસ પણ જેમતેમ પસાર થઈ ગયો. શાણીની બહેનની તબિયત સુધરવા માંડી હતી. શકરાભાઈ કહે :
‘તારી મમ્મીએ હવે પાછા આવી જવું જોઈએ. કોઈને ત્યાં બહુ દિવસ પડ્યા રહેવું સારું નહિ.’
મુન્નો-મંજરી ખાનગીમાં હસતાં.
શકરાભાઈ ઑફિસે જતા હતા તેવામાં એમની બાજુની ઑફિસના કાન્તિલાલ મળી ગયા. શકરાભાઈએ તેમને કારમાં લિફ્ટ આપીને પૂછ્યું : ‘કેમ, મઝામાં ?’
‘હોવ…. જલસા છે.’
‘જલસા ? કેમ ?’
‘અરે વાઈફ પિયર ગઈ છે. ફુલ ફ્રીડમ…. કશી ચિંતા જ નહિ. મોડા ઊઠો, હોટલમાં જમો, પિક્ચરમાં જાવ. બસ ખાવ-પીવો ને મોજ કરો.’
શકરાભાઈને આઘાત લાગ્યો : ‘વાઈફ વિના તમને એકલવાયું નથી લાગતું ?’
‘એકલવાયું ? ના રે ના. વાઈફ પણ આપણી સાથે Too much હોય. માથા પર જ હોય તો મોનોટોની – કંટાળો ન આવે ? થોડા દિવસ મેકે જાય તો આપણને છુટ્ટી.’ શકરાભાઈને થયું કે આય ખરો…. વાઈફ વિના એને જલસા છે ! દુનિયામાં કેવા કેવા માણસો છે. વાઈફ પિયર જાય એટલે જલસા !

કાન્તિલાલે કારમાંથી ઊતરતાં શકરાભાઈને સલાહ આપી કે તમેય વાઈફને થોડા દિવસ પિયર ધકેલી દો ! અને જલસા કરો !’ શકરાભાઈ મોં વકાસીને જોતા જ રહી ગયા.
.

[2] વંદો

‘ઓ મા !’ પટલાણીએ રસોડામાંથી જોરદાર ચીસ પાડી. એ ચીસના પ્રત્યાઘાતથી પેથાભાઈના હાથમાં ચાનો કપ ધ્રૂજી ગયો. થોડી ચાએ એમના બુશર્ટ પર છંટકાવ કર્યો. પેથાભાઈ ચાનો કપ જેમનો તેમ રહેવા દઈને આશ્ચર્ય અને આઘાતથી ઊભા થઈ ગયા. એમને થયું કે પટલાણીને આજે, અત્યારે એકદમ મા ક્યાંથી સાંભરી આવી. હજી ભાદરવાના સરાધિયા તો આવ્યા નથી.

એ એકદમ રસોડામાં દોડ્યા. પટલાણીને કંપવા થયો હોય તેમ તેમના હાથ-પગ કાંપતા હતા. એકદમ તીણા, ગભરાટભર્યા અવાજે પટલાણીએ કહ્યું :
‘પણે જુઓ….’
‘પણે ? એટલે ક્યાં ?’
‘રસોડાના પ્લૅટફૉર્મ પર…..’ એમ બોલતાં પટલાણી પ્લૅટફૉર્મથી દૂર જઈને ઊભાં રહ્યાં.
પેથાભાઈએ પ્લૅટફૉર્મ પર નજર દોડાવી… ‘અહીં તો કશું નથી ? ગરોળી હતી ?’
‘અરે, એ મૂઈનું હવાર-હવારમાં ક્યાં નામ લ્યો છો ? રસોડાની સિન્કમાં જુઓ…..’ પેથાભાઈએ ધારીને સિન્કમાં જોયું. એક મૂછાળા વંદા મહાશય સીંકમાં આરામ ફરમાવતા હતા. પેથાભાઈએ કહ્યું :
‘અહીં તો વંદો છે….. એમાં ડરી ગઈ ?’
‘અરે મૂઓ મારા સાડલા પર ઊડીને બેઠો. મેં ગભરાટથી સાડલો ખંખેરીને ચીસ પાડી એટલે રસોડાની સિન્કમાં ઊડીને પડ્યો.’
‘તારી ચીસથી ગભરાઈને એ સિન્કમાં કૂદી પડ્યો હશે. મારા હાથમાંનો ચાનો કપ પણ તારી કૂકર જેવી ભયંકર વ્હીસલથી ગભરાઈને ધ્રૂજી ઊઠ્યો ને જો આ ચાનાં છાંટણાં.’ પટલાણીનું ધ્યાન વંદા પર હતું. એમણે કહ્યું :
‘એને પકડીને બહાર નાખી આવો.’
‘અરે, એ એની મેળે હમણાં ઊડી જશે. વંદાની જાત લપ્પી હોતી નથી. એ તો ઊડતારામ, ફરતારામ કહેવાય.’
‘ના, ના. પણ મને વંદાની બહુ બીક લાગે છે…. તમે ગમે તેમ કરીને તેને પકડીને પડોશીના ઓટલા પાસે નાખી આવો.’
‘પડોશીના ઓટલા પાસે ? કેમ ?’
‘આપણા ઓટલા પાસે નાખો તો મૂઓ ઊડીને પાછો આપણા જ ઘરમાં પેસી જાય.’

પેથાભાઈને જરા ગમ્મત પડી – આપણા ઘરની સમૃદ્ધિ ભલે પડોશીને ઘેર જજો. વંદા, માંકડ, જીવાત, મરેલી ઉંદરડી, ગરોળી…. એ બધી વિવિધ સમૃદ્ધિ. આપણામાં કહેવત છે ને કે આપણને નહિ પણ આપણા પડોશીને હજો !
‘હજી ઊભા ઊભા શા વિચાર કરો છો ? વંદો ઊડીને પાછો ક્યાંક ભરાઈ જશે તો ઝટ નીકળશે નહિ.’
‘ના, ના. ગરોળી ગમે ત્યાં ભરાઈ જાય. વંદા મહાશયો તો ખુલ્લામાં જ મૂછો ફરકાવતા ઊડે.’
‘હશે…. પણ તમે ઝટ પકડીને ઉઠાવો.’
‘શેનાથી ઉઠાવું ?’
‘સાણસીથી…..!’ પટલાણી ચિડાઈને બોલ્યાં, ‘લોકો વંદાને શેનાથી ઉઠાવતા હશે ? તમે છાપાનો એક કાગળ લાવો. તેમાં તેને ઉપાડો ને બહાર નાખી આવો. પણ પાછા આખું છાપું ના ફાડશો.’
પેથાભાઈ કહે : ‘કાતર છે ? છાપામાંથી કટકો કાપીને લઈ આવું.’ પટલાણીને આ બધી ગમ્મત ગમી નહિ. એ ફટાફટ રદ્દી છાપાનો એક લાંબો પહોળો ટુકડો કાપી લાવ્યા. પેથાભાઈને જરા મૂંઝવણ થઈ. જીવજંતુને પકડવાનો પ્રયોગ તેમણે જિંદગીમાં ક્યારેય કર્યો નહોતો. તેમણે મસ્તીથી બેઠેલા વંદાજી પર કાગળ મૂકવા પ્રયત્ન કર્યો ત્યાં જ વંદાજી ઊડ્યા અને માટલા પરના બુઝારા પર ઠંડકમાં બેઠા.
પટલાણી ચિલ્લાઈ ઊઠ્યાં : ‘અરે, એ ઊડી ગયો. તમે શું કર્યું ? ઝડપથી પકડી ના લીધો ?’
પેથાભાઈ કહે : ‘મારી ઝડપ કરતાં વંદાની ઝડપ વધારે હતી એટલે એ ઊડી ગયો.’
‘પણ પાણીના બુઝારા પરથી એને ઝટ ઉડાડો. મારે તો બુઝારું ધોવું પડશે.’

પેથાભાઈ કંટાળ્યા : ‘ફેન્ટા ઘરમાં નથી ? એને બોલાવ ને !’
‘એ ઘરમાં હોત તો તમને જખ મારવા બૂમ મારી હોત ?’ પટલાણી હવે ઉશ્કેરાટમાં હતાં. તેમણે કહ્યું : ‘તમે એમ કરો. કપડાનો એક કટકો લઈ આવીને એમાં એને ઝડપી લ્યો. મને તો તમે ભારે ટેન્શન કરી નાખ્યું !’
‘મેં કે વંદાએ ?’ પેથાભાઈને પ્રશ્ન થયો, પણ ગળી ગયા. અને એક નૅપ્કિન લઈ આવ્યા. પટલાણી ફરી ગૅસ પરની કીટલીની જેમ ગરમ થઈ ગયા : ‘અરે, આવો સારો નૅપ્કિન બગાડવો છે?’
‘એમાં બગડવાનો ક્યાં સવાલ છે ? નૅપ્કિન ધોઈ નંખાશે.’
પણ પટલાણીને વંદા જેવા તુચ્છ જંતુને વૈભવી વસ્તુથી પકડવાનો વિચાર ગમ્યો નહિ. તે એક ગાભો લઈ આવ્યાં અને કહે : ‘હવે આનાથી પકડો. જોજો, પાછો એ ઊડી જાય નહિ.’ પેથાભાઈએ ગાભો હાથમાં પકડ્યો અને ‘સંશયાત્મા’ની જેમ પગલાં ભરતા માટલા પાસે આવ્યા. અને એકદમ ઝડપથી ગાભો વંદા પર ઝીંક્યો. વંદામહાશય ગાફેલ રહ્યા. ગાભામાં કેદ થઈ ગયા. પેથાભાઈને થયું કે જંગ જીત્યા. ખુશ થઈને તેમણે પટલાણીને અભિનંદનની નહિ તો શાબાશીની આશાએ કહ્યું : ‘જો, કેવો ઝડપાયો !’ એમ કહીને તેમણે ગાભો બતાવ્યો. પણ એમ કરવા જતાં ગાભામાંથી વંદામહાશય સરકીને નીચે પડવાને બદલે પાંખો ફફડાવી ઊડ્યાં અને પટલાણીના સાડલા પર મોહી પડ્યા.

પટલાણીની વળી પાછી જોરદાર, એક્સપ્રેસ ટ્રેન જેવી ચીસ. એકદમ તેમણે જોરથી સાડલો ખંખેર્યો. વંદો બિચારો ‘નષ્ટો મોહ’ની અવસ્થામાં નીચે પડ્યો. પેથાભાઈ એકદમ તેની પાછળ દોડ્યા. વંદાને પકડવા જતાં તે ઊંધો થઈ ગયો અને પ્રાણ બચાવવા તરફડવા મંડ્યો. એની તમામ તાકાત ખતમ થઈ ગઈ. એનું મૃત્યુ નજીક જોઈને પેથાભાઈએ તેને હળવેથી ગાભામાં કેદ કરી લીધો.
પટલાણી કહે : ‘હવે ગાભો જેમનો છે તેમનો તેમ રાખીને, વંદો એમાંથી પાછો સરકી ન પડે તેમ સાચવીને લઈ જાવ.’ પેથાભાઈ પત્નીની આજ્ઞા શિરોધાર્ય ગણીને, સાવચેતીપૂર્વક ગાભો જાણે મોટી મિરાત હોય તે રીતે પકડીને પગલાં પાડતા મકાનના બારણા પાસે આવ્યા. ત્યાં તેમની સિવિક સેન્સ-નાગરિક જવાબદારી યાદ આવી કે પડોશીને આંગણે વંદો નાખવો તેમાં શોભા નહિ. એ ધીમેથી ઓટલો ઊતર્યા અને પાસે કચરાની ટોપલી હતી તેમાં ગાભો નાખ્યો. વંદા મહાશય ગાભામાં રહ્યા કે કચરામાં ગયા તે જોવા પેથાભાઈ થોભ્યા નહિ.

પેથાભાઈએ ગૃહપ્રવેશ કરતાં જ પટલાણીએ પૂછ્યું : ‘બરાબર નાખ્યો ને !’
‘બરાબર. હવે પછી એ આપણું ઘર જોવા નહિ આવે.’
પટલાણી ખુશ થયાં, પૂછ્યું : ‘ગાભો ક્યાં ગયો ?’
‘ગાભો ?’ પેથાભાઈને જબરો શૉક લાગ્યો. ‘મેં ગાભા સાથે તો વંદાને પધરાવ્યો.’
‘અરે, ગાભો તો બહુ કામનો હતો : તમે વંદા સાથે ગાભોય નાખી દીધો ? પડોશીના આંગણામાં જ હજી પડ્યો હશે ને….’
‘મેં તો જરા દૂર જઈને કચરાની ટોપલીમાં ગાભા સાથે વંદાને પધરાવ્યો.’
પટલાણી અફસોસ કરી રહ્યાં કે એક વંદાને પકડીને નાખવામાં કેટલાં બધા કામનો ગાભોય એવા એ નાખી આવ્યા. પુરુષજાતને કસર મળે જ નહિ.

[કુલ પાન : 136. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]