- ReadGujarati.com - http://www.readgujarati.com -

હાથે લોઢું હૈયે મીણ – મીરા ભટ્ટ

[ માનભાઈ ભટ્ટ એટલે ભાવનગરની શિશુવિહાર સંસ્થાના સ્થાપક. સગપણે તેઓ મીરાબેન ભટ્ટના મામાજી થાય. એમના જીવન અને વ્યક્તિત્વનું દર્શન કરાવતું તેમનું સુંદર સંક્ષિપ્ત જીવનચરિત્ર એટલે આ પુસ્તક ‘હાથે લોઢું હૈયે મીણ’. તેમાંથી પહેલું પ્રકરણ અહીં સાભાર પ્રસ્તુત કર્યું છે. ઉત્તમ માનવીઓના ચરિત્રો ખૂબ પ્રેરણાદાયી હોય છે. એ દષ્ટિએ આ પુસ્તકનું વાચન આપણા આંતરિક ઘડતરમાં ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ મીરાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9376855363 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

પુત્રનાં લક્ષણ પારણામાં

માનભાઈ દેખાવે એક સાવ સામાન્ય, સર્વ સાધારણ માણસ લાગે, પહેલી નજરે જ નહીં, વર્ષો સુધી એમના અંગે આ જ અભિપ્રાય ઘૂંટાતો રહે, પરંતુ જેમ જેમ એમને નજીકથી દેખતાં ઓળખતાં થઈએ, તેમ એમનામાં રહેલી કેટલીક વિશિષ્ટતાઓ, કેટલીક લાક્ષણિકતાઓ અસામાન્ય બનીને સામે આવીને ઊભી રહે. આમેય એમના દેહની ઊંચાઈ છ ફૂટથી વધારે ઊંચી તો છે જ, ઘણા બધા લોકો વચ્ચે એ જુદા તરી આવે, પરંતુ એમનું આંતર વ્યક્તિત્વ પણ અનેકોમાં જુદું તરી આવે એવું આગવું છે.

1908ની 28મી ઓગસ્ટ, શ્રાવણ માસની ભાદરવી અમાસ અને બુધવારે તળાજામાં આ માનશંકર ભટ્ટનો જન્મ. પિતા નરભેશંકર અને માતા માણેકબા. પિતાની ફોજદાર તરીકેની સરકારી નોકરી, એટલે છેક બાળપણથી, અઢી વર્ષની નાની વયથી જ ભાવનગરમાં વસતા દાદાજી શ્રી અંબાશંકર ભટ્ટ પાસે રહેવાનું થયું, એટલે મા-વિહોણાં ત્રણેય બાળકોનાં ઉછેરની જવાબદારી દાદાજી પર આવી પડી. સૌથી મોટી બહેન અનોપ, ત્યાર પછી માનભાઈ અને સૌથી નાનો પ્રેમશંકર ! બેઉ ભાઈઓનાં હુલામણાં નામ બાબુ-બટુક ! આગળ ઉપર બંદર પર કામ કરતાં સૌ કામદાર મિત્રો સાથે એવાં દિલ મળી ગયાં કે – બાબુભાઈ ઉર્ફે માનભાઈ સૌના વહાલા ‘ભાઈ’ બની ગયા. એક જણે તો વળી આવું પણ કહી પાડેલું કે ‘મા ને ભાઈ’ ભેગા એટલે માનભાઈ ! પણ શેરીમાં એ રમતો ત્યારે તો સૌનો ‘બાબુડો’ જ.

દાદાના ખોળામાં સંસ્કાર-ઘડતર

દાદાજી પર એક વાર કોઈ અમલદાર સાહેબનું ધ્યાન ગયું. બે-ત્રણ જગ્યાએ નોકરી અપાવી, છેવટે જમાદાર અને પછી ફોજદાર તરીકે નિમણૂંક અપાવી. દાદાજીએ ત્રીસ વર્ષ નોકરી કરી અને ત્રીસ વર્ષ પેન્શન ખાધું. પેન્શન હતું તેર રૂપિયા નવ પાઈ. ટૂંકા પગારમાં પોતાના ચાર પુત્રોને પરણાવ્યા, તેમને ઘર કરી આપ્યાં અને પોતે જેને ઘેર રહે તેને દર મહિને દશ રૂપિયા ખર્ચના આપે. રોજ એક પૈસો તમાકુનો અને બે પૈસા પરચુરણના પોતાની પાસે રાખતા.

નિશાળનો દરવાજોય જોયેલો નહીં, પણ સંસ્કૃત ભાષાનો અભ્યાસ ઊંડો. વાચન ઘણું વિશાળ. ગુજરાતીમાં કાવ્યો રચે, સંસ્કૃત શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર કરે, ફારસીમાં કાવ્યો રચે. જતી જિંદગીએ બંગાળી પણ શીખેલા. બાબુ સહિત બીજાં બે ભાંડરડાંની જવાબદારી ઉઠાવી, પણ બધું પ્રેમભેર પાર પાડ્યું ! છોકરાંઓને તો દાદાજી ભાઈબંધ જેવા જ લાગે ! ગમ્મત-મશ્કરી કરે, જ્ઞાનગોઠડી માંડે, ક્યારેક ફરવા પણ લઈ જાય અને ગાંઠિયા-ચટણી ખરીદી વિક્ટર સ્કવેરમાં નાસ્તાપાણી પણ કરાવે. છોકરાઓને તરતાં પણ શીખવી દીધું. છોકરાઓ સાથે ‘સાચા માનવધર્મ’ વિષે હંમેશાં વાતો કર્યા કરતા. બાબુ પાસે ‘સત્યપ્રકાશ’ બે વખત વંચાવેલું. છોકરાઓને કશું ન સમજાય તો એવી કુશળતાપૂર્વક સમજાવે કે હૈયે વાત વસી જાય ! વાચનનું આ વ્યસન દાદાજી પાસેથી નાનપણમાં જ બાબુને વારસામાં હસ્તગત થઈ ગયું.

ઘર એ જ પાઠશાળા

આવા દાદાજી નઈ તાલીમના કોઈ પ્રખર કેળવણીકાર તરીકે પંકાયેલા નહોતા. તેમ છતાંય બાળકોના ઘડતર માટે એમણે ‘કામ’ અને ‘શ્રમ’ને જ માધ્યમ બનાવ્યાં. વળી, બાળકોને કામ ચીંધી દઈ પોતે સાહેબગીરી કરે તેવું નહીં, બલકે જેવી રીતે મા પોતાની દીકરીને કશુંક શીખવવા માટે જાતે કામ કરતી જાય અને શીખવતી જાય, એ રીતે દાદાજી પણ જીવનવ્યવહારનાં એકેએક કામ પોતે કરતા જાય અને બાળકોને શીખવતા જાય. સાત વર્ષની વયે તો આ ત્રણેય ભાંડરડાંને દાળ-ભાત-શાક-રોટલી-ખીચડી-ભાખરી રાંધતાં આવડી ગયેલું. નાનપણથી જ સ્વાશ્રય અને જાતમહેનતના પાઠ બાબુ-બટુકની જોડીને એવા મળ્યા કે એમના સમસ્ત જીવન પર આ બે મૂલ્ય આકાશની જેમ છવાઈ ગયાં. રસોઈ એટલે જ રસવંતી બાબત, પછી જીવન લુખ્ખું રહે જ કેવી રીતે. એક એક કામમાં ઝીણી ચીવટ અને ચોકસાઈ ! ચૂલો સળગાવવો હોય તો ક્યારેક બીજી દીવાસળી સળગાવવાનો વારો ન આવવો જોઈએ, તેમાંય વળી વપરાયેલી સળી પણ સાચવી રાખવાની, જેથી બીજું કાંઈ સળગાવવું હોય તો કામ લાગે. બહાર આગ ન જાય તે માટે બહાર બળતાં લાકડાં પર પાણી છંટકોરતા રહેવાનું. લોટ છાપામાં જ ચળાય, જેથી લોટનો કણ પણ નકામો ન જાય. શાક સમારવામાં પણ દરેક શાકે જુદી રીત ! એ જમાનામાં ઘરમાં લાદી નહોતી, એટલે ગાર કરવી, ખડી પલાળીને ધોળ કરવાનું પણ શીખી લીધેલું. નાનપણથી જ કોઈ કામ સ્ત્રીનું કે કોઈ પુરુષનું – એનો ભેદભાવ નહોતા.

વાંચન દ્વારા સંસ્કાર-ઘડતર

દાદાજી પૌત્ર પાસે રોજ રાતે ઈતર-વાચન કરાવતા. માત્ર શાળાકીય પુસ્તકો નહીં, પણ એ જમાનાનાં સસ્તું સાહિત્યનાં ચારિત્ર્ય-ઘડતર કરે તેવાં ઉત્તમ પુસ્તકોનું સૂતાં પહેલાં વાચન કરાવતા. માનભાઈને નિશાળનું ભણતર લગીરે પલ્લે ન પડતું, પણ આ બધા વાચનને કારણે પાસ થવા જેટલા ગુણ ભેળા થઈ જતા. રોજ સાંજે મિત્રને ત્યાં સંબંધી-મિત્રો ભેગા થતા, આંગણામાં પાણી છંટાવી ખાટલા નાંખી બેઠક જામતી, ત્યારે ક્યારેક એમની સમક્ષ કશુંક વાંચી સંભળાવવાનો પ્રસંગ ઊભો થતો. સાંભળીને સૌ ખુશ થઈ કહેતા, ‘માળો છે હજી નાનકડો ટેણકો, પણ વાંચવામાં તો જાણે મોટો કથાકાર પંડિત હોય એવો લાગે છે.’ – પછી છોકરાને કાંઈક ભાગ આપી, ખુશ કરે.

સજ્જનોની સોબત

એક વખત કવિશ્રી ખબરદાર ભાવનગર પધારેલા. પાનવાડીમાં એમનો ઉતારો. શાળાએ નક્કી કરેલા સ્વયંસેવકોમાં નંબર ન લાગ્યો તો કાંઈ નહીં, ઘૂસણખોરી કરી મુખ્ય પ્રવેશદ્વાર પર જ ચોકીદારનું કામ સંભાળી લીધું. બસ, મળતર કાંઈ નહીં, પણ કવિશ્રીએ ખુશ થઈ બરડો થાબડ્યો તો જાણે ગોળનો ગાડવો મળી ગયો. એ જ રીતે એક વાર રાષ્ટ્રમાતા કસ્તૂરબા ભાવનગર આવેલાં. કાપડ બજારમાં ઉતારો. એમને લાવવા-લઈ જવા બે ઘોડાની વિક્ટોરિયા ગાડી આવતી. એ ગાડીની પાછળ ઊભા રહી ખાસ સ્વયંસેવક તરીકેની ફરજ બજાવવા મળી. એ હકીકત તો બાળપણનું અણમોલ સંભારણું બની ગઈ. એ જ રીતે કવિવર રવીન્દ્રનાથ ટાગોર ભાવનગર પધારેલા, ત્યારે પણ ઘૂસ મારી સ્વયંસેવા સાદર સમર્પિત કરેલી. આમ ભીતર એવું કશુંક પડેલું જે સત્યમ-શિવમ-સુંદરમ ભણી ખેંચ્યા કરે.

શેરીનો સરતાજ

શેરીનો બાદશાહ માનભાઈ. એક તો નમાયો છોકરો અને પાછો કામઢો. સૌનાં કામ કરી આપનારો તત્પર ખડો સૈનિક. સૌ હેતપ્રીત રાખે. સૌ સાથે મળીને તહેવારોની જાતજાતની ઉજવણી પણ કરે અને વડીલોનો પ્રેમ મેળવે. તોફાન પકડાઈ જાય અને વઢ ખાવી પડે તો તે ગળે ઉતારી દેતા, પરંતુ કોઈ ગાળ-બાળ દઈ જાય, તો તેનો સામો પરચો ચખાડવાનો જ હોય ! કોઈને છોડે નહીં. ભેજું ફળદ્રુપ એટલે નિતનવા નુસખા સૂઝે. બાળપણથી જ નેતાગીરી સામે આવીને વરી ગયેલી.

ઉત્તમ શાળા, સર્વોત્તમ આચાર્યો

માનભાઈનાં આમ ને આમ, ચાર ધોરણ તો પસાર થઈ ગયાં. હવે દાદાજીનું ધ્યાન દક્ષિણામૂર્તિ તરફ હતું. માસિક દશ રૂપિયા ફી ભરવાનું ગજવાનું ગજું નહોતું, પરંતુ ઋષિતુલ્ય નાનાભાઈ ભટ્ટ પાસે જીવનના ઘડતર અને ચણતરના સંસ્કાર મળે એ લોભે દાદાજીએ હિંમત કરી. ત્યારે છાત્રાવાસ ફરજિયાત હતો. નાનાભાઈ, ગિજુભાઈ, હરભાઈ ત્રિવેદી, ફરામજી માસ્તર, અમૃતલાલ દાણી જેવા દિગ્ગજ કેળવણીકારો પાસે ભણવાનું મળે પછી તો સ્વર્ગ કેટલું છેટું રહે ! રોમાંચિત કરે તેવા અદ્દભુત વાતાવરણમાં માનભાઈનું મન લાગી ગયું. દક્ષિણામૂર્તિ પછી ત્રણ-ચાર વર્ષ સનાતન શાળામાં કાઢ્યાં, પરંતુ સવ રસ-કસ વગરનાં ભણતરમાં લગીરે મન ચોંટે જ નહીં. બધું નિષ્પ્રાણ લાગતું. આવી વિદ્યાદેવી આ પથ્થરમાં પ્રાણ પૂરી શકે તેવી કોઈ શક્યતા જણાતી નહોતી. છતાંય ગાડું ચાલતું રહ્યું. ઈતર પ્રવૃત્તિઓમાં તન-મન વધારે પ્રવૃત્ત રહેતાં, ભેજામાં નવી નવી કરામતો જન્મ લેતી જ રહેતી. ક્યારેક તો અવનવી ચીજો તૈયાર કરી કમાણી પણ કરી લેતા.

એક બપોરે ચેવડો ખાતાં ખાતાં, પડીકાનો કાગળ વાંચવાનું મન થયું. જોયું તો એમાં એક મનગમતી જાહેરાત હતી ! વડોદરાના કળાભુવનમાં ફક્ત ચાર ચોપડી ભણેલાઓ માટે સુથારી-લુહારી-દરજી વગેરે અનેક ઉદ્યોગોની છથી બાર માસની તાલીમની યોજના હતી. આટલી તાલીમ પછી કમાતા થઈ જવાની શક્યતા હતી. બસ, આટલું વાચ્યું ત્યાં હૈયે હરખનાં પૂર ઊમટ્યાં. કાગળ ખંખેરી ગડી વાળી ખિસ્સામાં મૂકી. ઘેર પહોંચી બાપાને વિનવ્યા – ‘આમેય ભણ્યા પછી કામ શોધવાનું જ છે ને ! મને વડોદરા જવા દો, તો વહેલા કામે લાગું !’ પણ બાપાને ગળે વાત કેમ ઊતરે ? છોકરાના તુક્કા સાંભળી હસતાં હસતાં કહે : ‘બેટા, આ બધાં કામ કાંઈ આપણા બ્રાહ્મણ-વાણિયા ન કરે. તું એક વાર મેટ્રિક પાસ થઈ જા, પછી જો હું તને પોસ્ટ, પોલીસ કે રેલ્વે ખાતામાં કેવો દાખલ કરાવી દઉં છું !’ દીકરો પોતાનાં સપનાંની દુનિયામાં ગળાડૂબ હતો, તો બાપ પોતાનાં સપનાં દીકરાની ઝોળીમાં ઠાલવવામાં મશગૂલ હતા. એ જમાનામાં, બાપા સાથે જીભાજોડી કરવાનો કાંઈ પ્રશ્ન જ નહોતો. દીકરાના મનના હાલ દાદાજી થોડું સમજે, પણ જે કાંઈ કરવું તે મૅટ્રિક પાસ થયા પછી – એવો આગ્રહ તો એમનો પણ ખરો જ !

આમ બાપા અને દાદાની બે જુદી દુનિયા વચ્ચે બેઉ ભાઈઓ ફંગોળાતા રહ્યા, પરિણામે મંદિર, મૂર્તિપૂજા, ધ્યાન-ધારણા, જપ-પ્રાર્થના જેવી બાબતોએ ચિત્તમાં ઊંડા સંસ્કાર ન નાખ્યા ! બીજી બાજુ ચાલુ અભ્યાસમાં પણ ચિત્ત ચોંટતું નહોતું, મનને કોઈ જંપ નહોતો. બસ, એટલું સમજાતું હતું કે આ નિશાળ, અભ્યાસ, ડિગ્રી, નોકરી એ બધું મને ન ખપે !

[કુલ પાન : 160. કિંમત રૂ. 10. (આવૃત્તિ : 2008 પ્રમાણે). પ્રાપ્તિસ્થાન : શિશુવિહાર, કૃષ્ણનગર, ભાવનગર-364001. ફોન : +91 278 2512850.]