- ReadGujarati.com - http://www.readgujarati.com -

મહાબળેશ્વર – જયંતી ડી. શાહ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘મહાબળેશ્વર’ નામના આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં મહાબળેશ્વર તથા તેના જોવાલાયક સ્થળોની ખૂબ નાનામાં નાની વિગત સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. આ પુસ્તકમાંના પ્રથમ પ્રકરણનો કેટલોક અંશ ટૂંકાવીને અહીં સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

તા. 16-11-2007ના રોજ અમદાવાદથી સાંજના 4:10 કલાકે ઊપડતી અહિંસા એક્સપ્રેસમાં બેસી સીધા પૂના તરફ ઊપડ્યા. આ અહિંસા એક્સપ્રેસ આમ તો અમદાવાદથી મુંબઈ જતી રેલવે લાઈન ઉપર ચાલે છે. પરંતુ મુંબઈ જવાને બદલે મુંબઈના એક પરા જેવા વસાઈથી વળીને સીધી પૂના તરફ આગળ જાય છે. તેથી મુસાફરોને મુંબઈ જવું પડતું નથી. ટ્રેન કાંઈક મોડી હતી. સાંજનો થોડો સમય બાદ થતાં રાત્રીની ટ્રેન કાંઈક મોડી હતી. તેથી વડોદરા પહોંચતાં પહોંચતાં જ અંધારું થઈ ગયું. લોકોનો બોલવા-ચાલવાનો અવાજ ઓછો થઈ ગયો. થ્રી ટાયર એ.સી. કોચ હતો. તેથી દરેક પ્રવાસીઓને રેલવે તરફથી એક સફેદ ચાદર, ઓશીકું અને બ્લૅન્કેટ પૂરાં પાડવામાં આવ્યાં હતાં. સુરત આવતાં આવતાં તો અડધા ભાગના મુસાફરો લાંબી સોડ તાણી સૂઈ ગયા હતા. મેઈનડોર પાસેની લાઈટ સિવાય લગભગ મોટા ભાગની મુખ્યપાથની લાઈટો બુઝાઈ ગઈ હતી. અમે પણ વાંચવાનું બંધ કરી. સૌની સાથે લાંબી સોડ તાણીને સૂઈ ગયા.

પૂરા ચૌદ કલાકની લાંબી મુસાફરીમાં થોડું જાગતાં અને ઊંઘતાં પૂનાના પાદરમાં પહોંચ્યા ત્યારે મુસાફરોની ચહલ-પહલ શરૂ થઈ ગઈ હતી. આપણા મોટા ભાગના મુસાફરોની વરસો જૂની આદત મુજબ રેલવેના ઓશીકા, બ્લૅન્કેટ, બેડસીટ આમતેમ ઉછાળી મૂકી પોતાના દૈનિક કાર્યક્રમમાં લાગી ગયા હતા. મેં પણ તેમની માફક આખી રાત મજાની હૂંફ આપનાર બ્લૅન્કેટને અપમાનજનક રીતે દૂર ઉછાળી મૂક્યો. પરંતુ મારી પત્ની પોતાના દરેક કામમાં ખૂબ ચોક્કસ હોય છે. આપણી પથારી કે રેલવેની પથારી વચ્ચે કોઈ ભેદમાં માનતી નહિ હોવાથી રેલવેનું અમારા સૌનું પાગરણ વ્યવસ્થિત રીતે સંકેલી બધાનો એકસરખો ખડકલો કરીને રેલવે નોકરોને લેવામાં સરળ પડે એ રીતે ગોઠવીને મૂકી દીધો. અમે સૌ સભ્યો અમારા દૈનિક કાર્યક્રમ પતાવીને આવ્યા પછી જ તે પોતાના દૈનિક કાર્યક્રમ માટે ગઈ. ટ્રેન મોડી ઊપડી હતી. પરંતુ પૂના સમયસર સવારના 6:00 કલાકે પહોંચી ગઈ. મારી પત્ની પાછી આવી ત્યાં સુધીમાં તો અહિંસા એક્સપ્રેસ પૂનાના મુખ્ય સ્ટેશન ઉપર આવીને ઊભી રહી ગઈ. ગાડી અહીંયાંથી આગળ નહિ જતી હોવાથી અમે શાંતિથી નીચે ઊતર્યાં. એક કુલીએ સલાહ આપી કે, મહાબળેશ્વર જવા માટે અહીંયા પૂનાસ્ટેશન પાસે જ મહારાષ્ટ્રનિગમની બસની સગવડ છે. ચાલો, તમારે કોઈ વાહનમાં બેસીને બસ-સ્ટૅન્ડે જવાની જરૂર નથી. બસ-સ્ટૅન્ડ વૉકિંગ ડિસ્ટન્સે છે. અમે તેને કુલી તરીકે લઈ લીધો અને તેની સાથે ચાલવા લાગ્યા. ખરેખર તેની વાત સાચી હતી. તેને અમને થોડી મિનિટમાં જ બસ-સ્ટૅન્ડે પહોંચાડી દીધા.

પૂના શહેરના સ્ટેશન વિસ્તારની થોડી ઝલક જોતાં જોતાં 10 મિનિટમાં પૂના શહેરના મુખ્ય બસડેપો સ્વારાગેટ બસ સ્ટૉપે બસ થોડી વાર ઊભી રહી. અગાઉથી રિઝર્વેશન કરેલાં થોડાં પેસેન્જરો અહીંયાંથી ચડ્યાં અને બસ મહાબલેશ્વરને માર્ગે પડી. લગભગ 20થી 25 મિનિટ સુધી પૂના શહેરની મુખ્ય સડક ઉપરથી ચાલતી અમારી બસ વચમાં કાત્રજ નામના પૂનાના એક પરા જેવા ગામના બસ-સ્ટૅન્ડે થોડી મિનિટ ઊભી રહી અને હવે પૂનાનો સબર્બન વિસ્તાર છોડી પૂના મહાબળેશ્વર રોડ ઉપર દોડવા લાગી. ખાસો અડધો કલાક બસ ચાલી હશે ત્યાં તો બસની અંદર-બહાર બધી જગ્યાએ અંધકાર છવાઈ ગયો. ગુજરાતી પ્રવાસીઓ માટે આ થોડો અનોખો અનુભવ હતો. ગુજરાતની સપાટ ધરતી પર દોડતી કોઈ પણ એસ.ટી.બસમાં પ્રવાસીને આવો અનુભવ કદી થતો નહિ હોવાથી અમારા માટે આ નવો અનુભવ હતો. જોકે મહારાષ્ટ્રની ભૂગોળ હું જાણતો હતો કે મહારાષ્ટ્રની મોટા ભાગની ધરતી ઉપર સહ્યાદ્રીની પર્વતમાળા પથરાયેલી છે. તેથી ત્યાંના રસ્તા કાઢવામાં પર્વતમાળાના અનેક સ્થાનોએ આવા બોગદા બાંધી સડક માર્ગો અને રેલ માર્ગને કાઢવામાં આવેલ છે. તેથી હમણાં જે ઘાટના બોગદામાંથી અમે પસાર થયાં તે ઘાટ સહ્યાદ્રી પર્વતમાળાનો જ ઘાટ હતો.

બોગદુ બહુ લાંબું ન હતું. તેથી થોડી વારમાં જ અંધારાં ઉલેચી ગયાં. સર્વત્ર ઉજાસ ફેલાઈ ગયો હતો. સૂર્યનારાયણ મહારાષ્ટ્રની ધરતીને સુવર્ણરંગે રંગી રહ્યો હતો. મહારાષ્ટ્રની ધરતી પણ હવે તેની સુંદરતા બતાવી રહી હતી. આપણાં ચરોતરમાં જેમ વડલા ફૂલેફાલે છે, તેમ અહીંયા મહારાષ્ટ્રમાં પણ ચરોતર જેવા ઘટાદાર નહિ પરંતુ ઠીક ઠીક મોટા વડલા રસ્તાની શોભા વધારતા હતા. પૂના જિલ્લાનો આ વિસ્તાર પ્રમાણમાં ઠીકઠીક ફળદ્રુપ છે. અહીંયાં શેરડીનો પાક બહુ મોટા પ્રમાણમાં થાય છે. રસ્તા ઉપરથી જ દૂર દૂર સુધી શેરડીના વાઢ નજરે પડે છે. મહારાષ્ટ્રની ધરતી શેરડીના પાક માટે ખૂબ જાણીતી છે. તેથી અહીંયાં ખાંડનાં કારખાનાં તથા ગોળના કોલ્હાનાં (કારખાનાં) મોટા પ્રમાણમાં છે. કોલ્હા ઉપરથી જ કદાચ કોલ્હાપુર નામના શહેરનું નામ પડ્યું હશે. આપણે ગુજરાતીઓમાં કોલ્હાપુરી ગોળનું નામ ખૂબ જ જાણીતું છે. એ કોલ્હાપુરી ગોળ મહારાષ્ટ્રના આ કોલ્હાપુર નામના શહેરની આસપાસના વિસ્તારમાં પાકતી શેરડીને આભારી છે.

સીધા સરળ રોડ ઉપર અમારી બસ ઝડપથી દોડી રહી હતી. રસ્તામાં વઈ નામનું એક શહેર આવ્યું. વઈનું બસ-સ્ટૅન્ડ ખાસું મોટું છે. ઘડિયાળમાં બરાબર નવ વાગ્યા હતા. આગળ ઉપર વઈનો ઘાટ ઓળંગવાનો હતો. તેથી ડ્રાઈવર કન્ડકટર તથા પ્રવાસીઓ ચા-પાણી પીને બરાબર ‘ફ્રેસ’ થયા એટલે ફરી બસે ચાલતી પકડી. ખાસો અડધો કલાક સપાટ ધરતી ઉપર ચાલ્યા બાદ સામે વઈનો વિકરાળ ઘાટ દેખાયો. હવે ચઢાણ શરૂ થઈ ગયું હતું. ધીરે ધીરે અમારી બસ ઘાટ ચડી રહી હતી. જેમ જેમ ઉપર ચડતાં હતાં તેમ તેમ નીચે સમતલ ધરતી દેખાતી હતી. જોકે આ ઘાટીની પહાડીઓ સાવ બોડી હતી. કોઈ કોઈ જગ્યાએ થોડાં વૃક્ષો અને લીલોતરીનાં દર્શન થતાં હતાં. બાકી હિમાલયન વિસ્તારમાં જે પહાડીઓ હરીભરી લીલોતરી અને ઘટાટોપ વૃક્ષથી ભરેલી દેખાતી હતી તેવું અહીંયાં કોઈ સૃષ્ટિસૌંદર્ય હતું નહિ. વચ્ચે એકાદ બે બોગદાં દેખાયાં પરંતુ અમારી બસો તો ખુલ્લા પહાડના મુખ્ય માર્ગ ઉપર ચાલતી હતી. કોઈ જગ્યાએ ચઢાણ અને કોઈ જગ્યાએ ઉતરાણ જરૂર આવતાં હતાં. પણ પહાડી માર્ગ તો હજુ ચાલુ જ હતો. ખાસો એક કલાકનો સમય વીત્યા બાદ અમે વઈનો માર્ગ ઓળંગી ગયા. ફરી સીધી સડક ઉપર બસ દોડવા લાગી.

હા, એક વાત કહેવાની રહી ગઈ. આપણા ગુજરાતમાં કોઈ એસ.ટી. બસમાં કે એ.એમ.ટી.એસ.માં હજી સ્ત્રી કંડકટરોની જગ્યા ભરવામાં આવી નથી. તેથી એ બાબતમાં મહારાષ્ટ્ર નિગમની સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ જરૂર આગળ છે. અહીંયાં મહારાષ્ટ્ર નિગમની અમારી બસમાં એક સ્ત્રી કંડકટર હતી. બહુ જ ચપળ અને ચાલાક આ સ્ત્રી કંડકટર હસતી-રમતી પોતાની ફરજ બહુ જ સરળતાથી બજાવતી હતી. મહારાષ્ટ્રની સહેજ શ્યામ અને પ્રમાણમાં બહુ જ ઊંચી નહિ એવી સ્ત્રીઓ કરતાં ગુજરાતની સ્ત્રીઓ ઘઉંવર્ણી, ઊંચી પૂરી અને વધુ સ્માર્ટ છે. તે માટે દિવસની બસમાં કે એ.એમ.ટી.એસ.માં ગુજરાત સરકાર સ્ત્રી કંડકટરની ભરતી શા માટે કરતી નથી ?

ચાલો, બહાર ફરી રસ્તા ઉપર કુદરતી સૌંદર્ય શરૂ થઈ ગયું હતું. નદી-નાળાં પર્વતો ટેકરીઓ લીલાં વૃક્ષો અને લીલોતરીનાં દર્શન શરૂ થઈ ગયાં હતાં. અમે એક તરફ નદી અને બીજી તરફ પહાડ વચ્ચે દોડી રહ્યા હતા. અમારી જમણી બાજુ નદીઓ ને ડાબી તરફ પંચગીનીનો પ્રખ્યાત શેરબાગ હતો. આ શેરબાગમાં કદાચ વિશ્વભરમાં થતાં ફૂલોના અડધા ભાગનાં ફૂલો ઉછેરતા બગીચા માટે જાણીતો છે. પંચગીનીમાં આ શેરબાગ પ્રવાસી માટે ખૂબ જ જાણીતો છે. મહાબળેશ્વર જતાં દરેક પ્રવાસીઓ મહાબળેશ્વરમાં રહીને એક ટ્રીપ જરૂર પંચગીની તો કરે જ છે. અમારો કાર્યક્રમ પણ એ રીતે ગોઠવેલ હોવાથી, અહીંયાં ઊતર્યા વગર પંચગીનીની નાનકડી બજાર પાર કરી ફરી મહાબળેશ્વર તરફ આગળ વધ્યા. પંચગીની મહાબળેશ્વરથી માત્ર 20 કિ.મી.ના અંતરે હોવાથી અમે પોણો કલાકમાં તો મહાબળેશ્વરના પ્રખ્યાત વેના લેઈકના કાંઠે પહોંચી ગયા. આ સ્થળે મહાબળેશ્વરમાં પ્રવેશ માટે પ્રવાસીઓ પાસેથી પ્રવેશ ફી ઉઘરાવવામાં આવે છે. તેથી નાકાના બે કારકુન અમારી બસમાં ચડી ગયા અને મુંડકાવેરાની પાવતીઓ ફાડી ફાડીને પ્રવાસીઓ પાસેથી મુંડકાવેરો ઉઘરાવા લાગ્યા. અગાઉ અંબાજીમાતાના દર્શન કરવા જતાં ત્યારે દાંતા સ્ટેટ તરફથી આવો મુંડકાવેરો યાત્રિકો પાસેથી ઉઘરાવવામાં આવતો હતો. તે ભારત આઝાદ થતાં ગુજરાત સરકારે બંધ કરી નાખ્યો છે.

પરંતુ અહીંયાં મહાબળેશ્વરમાં હજુ મુંડકવેરો ચાલુ છે. વ્યક્તિદીઠ 15 રૂપિયા જેવો કાંઈક ચાર્જ હતો. એવું કાંઈક યાદ છે. ચાલો મહાબળેશ્વરમાં પ્રવેશવાનો પરવાનો મળી ગયો. બસ આગળ ચાલી. અમારી બસની જમણી દિશામાં પાઘડીપને પથરાયેલ વેના લેઈક હતું. લેઈક તો હજુ આગળ હતું પરંતુ અમારી બસ હવે આગળ વળી ગઈ. વેના લેઈકનો સાથ છૂટી ગયો. છૂટાંછવાયાં મકાનો, બગીચા, નાનામોટા બાંધકામવાળો રસ્તો પાર કરી આખરે અમારી બસ મહાબળેશ્વરના બસ અડ્ડે આવી ઊભી રહી.

પૂનાથી મહાબળેશ્વરની પુરા 120 કિ.મી.ની લાંબી સફર કરીને આવ્યા હતા. થોડાં થાકેલાં હતાં. બપોરના 11॥ થઈ ગયા હતા. એમાં બસમાંથી ઊતરવા જતાં જુદી જુદી હોટેલના પ્રતિનિધિઓ ઘેરી અમને પોતાની હોટલના કાર્ડ પકડાવી પકડાવી તેમની હોટલનાં વખાણ કરતાં અમને ઘેરી વળ્યા. પરંતુ અમે અગાઉથી અમારી હોટલનું બુકિંગ કરાવ્યું છે એવું કહીને તેમનાથી છૂટી અમારી હોટેલ બ્લ્યૂ હેવને પહોંચી ગયા. મહાબળેશ્વર દરિયાની સપાટીથી 1350 મીટર ઊંચાઈએ આવેલું હોવાથી હવા ખુશનુમા છે. બ્રિટિશ કાળમાં મહારાષ્ટ્રની ઉનાળુ રાજધાની હતી. પરંતુ આજે પ્રખ્યાત પ્રવાસધામ છે.

[કુલ પાન : 74. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]