- ReadGujarati.com - http://www.readgujarati.com -

ટકોરા મારું છું આકાશને – યોગેશ જોષી

[તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘ટકોરા મારું છું આકાશને’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોના અંતે આપવામાં આવી છે.]

[1] આ ખુલ્લી બારીયે….

આ ખુલ્લી બારીયે
કેમ લાગે છે
……………. ભીંત જેવી ?!

બંધ બારણે
ટકોરા મારીએ એમ
હું ટકોરા મારું છું
……………….. આકાશને….

[2] આખુંયે આકાશ

હોડીમાં
બેઠો.

સઢની જેમ જ
ખોલી દીધું
આખુંયે આકાશ…..

[3] આપણે એક પુલ બાંધીએ

તો ચાલો,
આપણે એક પુલ બાંધીએ.
નદી ન હોય તેથી શું ?
પુલ બાંધીએ તો
કદાચ નદીને મન થાય
આપણા ગામમાં આવવાનું….

એવું કોણે કહ્યું કે
નદી પર્વત પરથી જ આવે ?
મારા ગામમાં તો
નદી દરિયામાંથી પણ આવે.

દરિયો અને આકાશ
આપણા જેટલાં જ નિકટ છે.
સાચે જ,
પંખીઓને માળા સાથે
એટલો સંબંધ નથી હોતો
જેટલો આકાશ સાથે હોય છે.

મને તો હવે
મૃગજળમાંય
માછલીઓ, શંખ ને છીપલાં
દેખાય છે !

શું સમજો છો તમે મૃગજળને ?
એમાં ડૂબકી મારીને
તળિયેથી મોતી પણ લાવી શકાય.

જો સાચા મનથી
ડૂબવું જ હોય તો
કાળમીંઢ ખડકમાંયે ડૂબી શકાય;
હવામાંયે કશુંક વાવી શકાય;
પાણીના એક ટીપાથી તો
ડુંગરોના ડુંગરો તોડી શકાય.

આવો છો ? બોલો ?
તો ચાલો,
આપણે એક પુલ બાંધીએ.

[4] એક તારો

ફેંદી કાઢ્યું
આખુંયે આકાશ.
ખોબે
ખોબે
ઉલેચી કાઢ્યો
બધોયે
અંધકાર…..
છતાં
જડ્યો નહિ
………….. એક તારો…..
અંતે
નીરખ્યા કર્યું
તારી આંખોમાં……..

[5] કાળમીંઢ ખડક પર….

કાળમીંઢ ખડક પર
ક્યાંકથી
ઊડી આવી
બેઠું
એક પતંગિયું
સ્થિર !

[6] ક્યાં ?

ભેજ.
થીજી ગયેલું
બરફિલું ધુમ્મસ.
આકાશનેય
ગૂંગળાવી દે એવાં
અસંખ્ય વાદળ.

કાળોડિબાંગ
ઘનઘોર ગોરંભો
ભીતર પણ.

હવાઈ ગયેલી
દીવાસળી
ઘસું તો ક્યાં ઘસું ?!

[7] ગરમ ગરમ તડકો

શું તું
વરસાદની
રાહ જુએ છે ?!

હું તો
બસ,
પીઉં છું

ગરમ ગરમ
તડકો….

[8] પણ…..

નાનો હતો ત્યારે
સ્કૂલમાં નાસ્તાનો ડબો લઈને જતાં
શરમ આવતી
તે રિસેસમાં ઘેર આવતો
ને નાસ્તો કરીને
ભાગમભાગ, દોડમદોડ પાછા જવું પડતું
તોય
ક્યારેક બેલ પડી જતો.

દોડમદોડ પાછા જતાં
રસ્તામાં
સાઈકલ પર સ્કૂલ તરફ જતા
વિદ્યાર્થીઓને જોઈને થતું –

મારી કને જો સાઈકલ હોય તો હું
દોડમદોડ જતા કોઈક ટેણકાને
મારી સાઈકલ પાછળ બેસાડું…..

લાલ બસની રાહ જોતો
ભીડમાં ઊભો રહેતો ત્યારે
કોક સ્કૂટર બસ-સ્ટેન્ડ નજીક
ધીમું પડતું
ને કોક ઓળખીતાને
પાછલી સીટ પર બેસાડીને
સડસડાટ દોડી જતું
એ જોઈને થતું –

મારી પાસે જો સ્કૂટર હોય તો હું
બસ-સ્ટેન્ડ પરની ભીડમાંથી એકાદને
મારી પાછળ બેસાડું….

અત્યારે
મારી પાસે કાર છે
પણ
લાલ બસના
એકેય સ્ટૅન્ડ પાસે
મારી કાર
ધીમીય પડતી નથી
દોડી જ જાય છે સડસડાટ…..

જૂની વાતો મને
સાંભરતી જ નથી એવું નથી
પણ……

[9] મારા ઘરે

બારીમાંથી
પાન સૂકું
એકદમ
આવી ચડ્યું;
કોક તો
આવ્યું ચલો
મારા ઘરે.

[10] મોતી

આખો સમુદ્ર
સૂક્ષ્મ
અતિસૂક્ષ્મ
થતો ગયો
ને છેવટે
એક ટીપા જેવડો થઈ
ગંઠાઈ ગયો !

[11] યાત્રા

મન થયું,
નિરુદ્દેશે
લાવ,
ફરી આવું થોડું –
પહાડો-નદીઓ-સૂર્ય-ચંદ્ર-તારા
ગ્રહો-ઉપગ્રહો-નક્ષત્રો સુધી….

મારાં ટેરવાં
ફરતાં રહ્યાં
તારી હથેળીમાં…..

[12] યુગોથી શોધું છું

દરિયો આખોય
મારું વહાણ
ને
આખું આકાશ
મારો સઢ.

યુગોથી
શોધું છું
કેવળ
બે હલેસાં !

[13] સરસ્વતીની જેમ….

કંઈ લખવા માટે
ટેબલ પર કાગળ મૂકું છું ત્યાં જ
લાકડાનું ટેબલ મને વિનવે છે –
અહીં
ખૂબ ગૂંગળામણ થાય છે,
મને જંગલમાં જવા દો.

ઉંબરે
સાથિયો ચીતરવા જાઉં છું ત્યાં જ
ઉંબરો બોલી ઊઠે છે –
મારે
નથી પૂજાવું;
મને
મારા પર્વત પર લઈ જાઓ.

દીવાલો ચણી ત્યારે
સિમેન્ટ સાથે ભેળવેલી રેતી પણ
હજીય
જોર જોરથી ચીસો પાડે છે –
હું નદીની રેત છું
ને મારે
……. વહેવું છે……

શું કરું ?
કવિતા રચવાના બદલે
સરસ્વતીની જેમ
સમાઈ જઉં
કોઈક રણમાં ?!

[કુલ પાન : 143. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]