જો આ હોય મારું અંતિમ પ્રવચન – દિનકર જોષી

[‘કોફીમેટ્સ’-‘વિકલ્પ’ અને ‘ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી’ના ઉપક્રમે બીજી ઓક્ટોબર 2011ના રોજ યોજાયેલ ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન’ શ્રેણીમાં અપાયેલ દિનકરભાઈના પ્રસ્તુત વક્તવ્યનું શબ્દાંકન પલ્લવીબેન ઠક્કરે કર્યું છે. તેમનું આ વક્તવ્ય ‘નવનીત સમર્પણ’ (ડિસેમ્બર-2011)માંથી સાભાર લેવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ આદરણીય શ્રી દિનકરભાઈનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dinkarmjoshi@rediffmail.com અથવા આ નંબર પર +91 9969516745 સંપર્ક કરી શકો છો.]

ચોક્કસ વરસ યાદ નથી આવતું. 1948 કે કદાચ 1949 પણ હોય. સાંતાક્રુઝની પોદ્દાર હાઈ સ્કૂલના એક ખંડમાં બાળકો માટેની વર્ક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. કાંદિવલીનું એક શિશુ મંડળ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મને લઈ ગયું હતું. મારો વિષય હતો – ‘જો હું ડૉક્ટર હોઉં તો !’ આ સ્પર્ધામાં હું શું બોલ્યો હોઈશ એ આજે સાંભરતું નથી. એટલું જ યાદ છે કે કોઈકે મને પાંચ-દશ વાક્યો લખી આપ્યાં હતાં, મેં એ ગોખી કાઢ્યાં હતાં અને શિખવાડેલા અભિનય સાથે આ વાક્યોનો વચ્ચે વચ્ચે અટકી અટકીને ભાંગ્યોતૂટ્યો ઉચ્ચાર કર્યો હતો.

આજે 62-63 વરસ પછી આજના વ્યાખ્યાનમાં ફરી એક વાર મને વિષય આપવામાં આવ્યો છે – ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન.’ પોદ્દાર હાઈ સ્કૂલમાં જે બોલાયેલું એને જો હું પ્રથમ પ્રવચન કહું તો, આજે ફરી એક વાર જે વિષય મારી સામે છે એને અંતિમ ગણીએ તો બંને વચ્ચે એક સામ્ય છે ‘જો’ અને ‘તો.’ ત્યારે પણ જો અને તોની વાત કરવાની હતી અને આજે પણ આવા જ એક જો અને તોની વાત કરવાની છે. બધું જ બદલાઈ ગયું છે – સતત બદલાતું રહે છે પણ આ ક્ષણે એવું લાગે છે કે જિંદગીમાં આ જો અને તો તો એવા ને એવા જ છે. કવિ ઉમાશંકરે પોતાના ગ્રંથ ‘પ્રાચીના’માં લખ્યું છે – ‘આયુષ્ય છે ત્યાં સુધી છે જ યુદ્ધ’. આ પંક્તિને સહેજ બદલીને કવિની ક્ષમાયાચના સાથે અત્યારે આમ કહેવાનું મન થાય છે – ‘આયુષ્ય છે ત્યાં સુધી છે જ જો તો’

1948 થી 2011ના ગાળામાં કેટલાં જાહેર વ્યાખ્યાનો થયાં હશે એની કોઈ ગણતરી નથી પણ એ બધાં જ વિષયબદ્ધ રહ્યાં છે. ચોક્કસ વિષય હોય ત્યારે એનું એક નિશ્ચિત માળખું હોય છે. એનું હોમવર્ક પણ થઈ શકે. એના માટે સંદર્ભો પણ એકત્રિત કરી શકાય. આજનો વિષય આવો કોઈ વિષય નથી. એને કોઈ ચોક્કસ માળખામાં મૂકી શકાય એમ નથી. નિશ્ચિત વિષય ઉપર વાત વક્તા કરી શકે પણ આવી વિષય વિનાની વાત જ્યારે કરવાની હોય ત્યારે વક્તાએ સહુ પ્રથમ તો પોતાના સ્વનું વિગલન કરવું પડે. જે નજરે દેખાય એને મુઠ્ઠીમાં સમાવી શકાય. એને બેય હાથ પહોળા કરીને બાથમાં પણ ભીડી શકાય પણ આકાશને કેમ આંબવું ? આકાશને આંબવાનો એક જ માર્ગ છે એની સાથે એકત્વ સાધવું. અહીં જે વાત કહેવા જઈ રહ્યો છું એ એક રીતે મારા વિચારોનું વસિયતનામું છે. સમસ્યા એ છે કે વસિયતનામા મારફતે સ્થૂળ મિલકતો કોઈને આપી શકાય પણ વિચારો આપી શકાતા નથી, એને તો મેળવવાના હોય છે. કોઈ પણ માણસનું ઘડતર એના વિચારો કરે છે અને એ વિચારો અનુભવથી ઘડાતા હોય છે. આજે મારા આવા થોડાક વિચારોની વાત કરું તો એની પાર્શ્વભૂમિકામાં ક્યાંક આત્મવૃત્તાંત ડોકાઈ જાય તો આગોતરી ક્ષમા પ્રાર્થના.

1984માં એક અભૂતપૂર્વ ઘટના બની. ગુજરાતી સાહિત્યકાર હોવા ઉપરાંત અધ્યાત્મ પુરુષ તરીકે જેમની સિદ્ધિ નોંધપાત્ર હતી એવા સંત યોગેશ્વરજી મસૂરી પાસે હિમાલયની પર્વતમાળાઓમાં આશ્રમ બનાવીને વસતા હતા. 1970 આસપાસ મારા મિત્ર અને આપણા જાણીતા નવલકથાકાર શ્રી વિઠ્ઠલ પંડ્યાએ મને એમનો પરિચય કરાવ્યો. વિઠ્ઠલભાઈ અને યોગેશ્વરજી શાળા જીવન દરમિયાન સહાધ્યાયી હતા. યોગેશ્વરજી સાથેનો પરિચય સુપેરે ગાઢ બન્યો હતો. અમે અવારનવાર મળતા, પરસ્પરનાં પુસ્તકોની લેવડદેવડ કરતા, સાહિત્યિક અને આધ્યાત્મિક સત્સંગ થતો અને ક્યારેક પત્રવ્યવહાર પણ થતો. એક સાંજે હું મારી ઓફિસેથી ઘરે પહોંચ્યો ત્યારે મને યોગેશ્વરજીનો સંદેશો મળ્યો. તે દિવસે રાત્રે 9 વાગ્યે કાંદિવલીના લક્ષ્મીનારાયણ મંદિરના ગીતા હોલમાં એમનું પ્રવચન યોજાયું હતું. આગલે દિવસે તેઓ મુંબઈ આવ્યા હતા અને તેમને મારી સાથે કેટલીક વાત કરવી હતી એટલે સભાખંડમાં મારે થોડુંક વહેલા પહોંચવું એવો એમનો આ સંદેશો હતો. મારા નિવાસસ્થાનથી ગીતા હોલ સુધીનું અંતર માંડ ત્રણ કે ચાર મિનિટનું હશે. સાડાઆઠ વાગ્યે જેવો હું ઘરનો ઉંબરો વળોટું છું કે એ જ સમયે બે અણધાર્યા પણ અગત્યના અતિથિઓ આવી ચડ્યા. એમની સાથે મારે પંદરેક મિનિટ ગાળવી પડી અને પછી ઉતાવળે ઉતાવળે સભાખંડમાં પહોંચ્યો ત્યારે ખંડ ચિક્કાર ભરાઈ ગયો હતો અને યોગેશ્વરજી મંચ ઉપર બિરાજમાન થઈ ચૂક્યા હતા. સભાના આયોજકો પૈકી કોઈકે મને જોયો, ઓળખ્યો અને પછી ચિક્કાર ગિરદી વચ્ચે માર્ગ કાઢીને મારા માટે મંચની બરાબર સામે પહેલી હરોળમાં સ્થામ મેળવી આપ્યું. યોગેશ્વરજીએ મંચ ઉપરથી મને જોયો. મેં એમને પ્રણામ કર્યા. એમણે હાથ ઊંચો કરીને મારી વંદનાનો સ્વીકાર કર્યો પણ હવે વ્યક્તિગત વાતચીત તો વ્યાખ્યાનને અંતે જ થઈ શકે એમ હતું. એમણે વ્યાખ્યાનનો આરંભ કર્યો. આરંભનું પહેલું જ વાક્ય આજેય મને અક્ષરશઃ યાદ છે. એમણે કહ્યું : ‘પ્રત્યેક જીવ શિવથી છૂટો પડીને પૃથ્વી ઉપર આવે છે અને શિવથી છૂટો પડેલો આ જીવ એની યાત્રા પૂરી થાય છે ત્યારે, પાછો શિવમાં…. શિવમાં…. શિવ… શિ…વ….’ અને આટલું કહેતાં જ વાક્ય પૂરું થાય એ પહેલાં જ ‘શિવ શિવ’ના આ રટણ સાથે એ મંચ ઉપર જ ઢળી પડ્યા. એમણે દેહ છોડી દીધો.

આ દશ્ય મેં નજરે જોયું. એમને મારી સાથે શી વાત કરવી હશે એ રહસ્ય તો હવે કદી ઊકલે એમ નહોતું પણ મૃત્યુની આ પળનો જે સાક્ષાત્કાર થયો એણે મને જીવનની ક્ષણભંગુરતા એ માત્ર શબ્દો નથી પણ પ્રચંડ વાસ્તવિકતા છે એનું ભાન કરાવી દીધું. આ જ્ઞાન સાથે જ, અત્યાર સુધી જિવાયેલી મારી જિંદગીને એક નવો જ વળાંક મળી ગયો. હવે પછીની પ્રત્યેક ક્ષણ – આજની આ ક્ષણ સુદ્ધાં – મેં મૃત્યુના સાથ અને સખ્ય સાથે જ વ્યતીત કરી છે. કોઈને મળું છું, કંઈક વાત કરું છું. એમનાથી છૂટો પડું છું, આ દરેક ક્ષણે મને એમ થતું રહ્યું છે કે આ મિલન કે આ સંવાદ કદાચ અંતિમ જ હોઈ શકે. કદાચ હું ન હોઉં કે પછી સામેવાળી વ્યક્તિ ન હોય એવું પણ બને ! સવારે ઘરનો ઉંબરો વળોટું છું ત્યારે પણ એક વિચાર ઝબકી જાય છે કે સાંજે કદાચ પાછો ન પણ ફરું. મૃત્યુના આ સખ્યને કારણે 1984 પછી મને કોઈ પણ વાત કે ઘટના એ અંતિમ જ હશે એમ લાગ્યું છે અને મારાથી એનો સ્વીકાર પણ એ રીતે જ થઈ જાય છે. જાતમાંથી બહાર નીકળીને જાતને જોઉં છું ત્યારે, યોગેશ્વરજીની આ ઘટના પછી જે મનોચેતના સાકાર થઈ છે એ જોઈ શકું છું. કોઈક સુખ, પ્રસન્નતા, આનંદ કે સહજ તૃપ્તિના પ્રસંગે પણ અંતે તો મૃત્યુ જ નિશ્ચિત છે એ ભાવ ભુલાતો નથી અને એટલે આવી સુંદર લાગતી પળે પણ એકાત્મ ભાવ કેળવી શકાતો નથી. આથી ઊલટું, દુઃખ, પીડા, દુન્યવી અતૃપ્તિ કે એવી કોઈક વેદનાજન્ય પળે પણ ઝાઝો વિચલિત થતો નથી, કેમ કે આવી પળ સુદ્ધાં ક્ષણભંગુર છે અને મૃત્યુ જ નિશ્ચિત છે એ વિચાર ઝબક્યા વિના રહેતો નથી. આનો અર્થ કોઈ એવો ન કરે કે હું સુખદુઃખ કે માન-અપમાનની તમામ લાગણીઓથી પર થઈ ગયો છું. ના, એવું નથી થયું, માત્ર પેલી ક્ષણભંગુરતાનો સાક્ષાત્કાર એવો જડબેસલાક થઈ ગયો છે કે કદાચ આવી સંવેદનશીલ ક્ષણોએ લાગણીતંત્ર બધિર થઈ જતું હોય એવુંય બને.

ભાવનગરના આંબાવાડી વિસ્તારમાં અમારો એક પૈતૃક બંગલો છે. પહેલાં અવારનવાર એની મુલાકાતે જવાનું થતું. થોડાં વરસો પહેલાં જ્યારે મારાં બાળકો શિશુ વયનાં હતાં ત્યારે હું આ બંધ બંગલાની મુલાકાતે ગયેલો. બંગલાના જુદા જુદા ઓરડાઓ ખોલીને કેટલીક અતીતની ક્ષણો વાગોળી. સૂવાના ઓરડામાં રહેલા મેડા ઉપરથી એક ટ્રંક ઉતારીને એમાં પુરાઈ રહેલા લાકડાની તૂટેલી ફ્રેમ કે તૂટી ગયેલા કાચ વચ્ચે ડોકિયા કરતા કેટલાક ફોટાઓ બહાર કાઢ્યા. આ બધા એ ફોટાઓ હતા જે ક્યારેક અને ક્યારેક, ક્યાંક ને ક્યાંક હું એમના ખોળામાં રમ્યો હતો, એમના ખભા ઉપર બેઠો હતો અને કોઈકે હાલરડાં ગાઈને મને ઝુલાવીને સૂવડાવ્યો પણ હતો. આમાંના ઘણા ખરા હવે સદગત થઈ ગયા હતા. મારાં સંતાનોએ ત્યારે મને પૂછ્યું હતું – ‘આ બધા કોના ફોટા છે ? સાવ ખરાબ થઈ ગયા છે. ઊધઈ લાગી જશે. ફેંકી દ્યોને !’ સ્વર્ગસ્થ પિતૃઓને પિંડદાન કરતી વખતે ગોર યજમાન પાસે એના પિતા, પિતામહ, પ્રપિતામહ, માતામહી, પ્રમાતામહી વગેરેનાં નામો ઉચ્ચારાવે છે. કેટલાય પિંડદાનના આવા પ્રસંગે વહેવારિક સંબંધોને કારણે ઉપસ્થિત રહેવાનું થાય છે. દરેક વખતે મેં જોયું છે, પિંડદાન કરનાર યજમાન ત્રીજી પેઢીએ માતા કે પિતાનું નામ યાદ કરી શકતો નથી. આનો અર્થ એ થયો કે ત્રીજી પેઢીએ આપણે ભુલાઈ જઈએ છીએ. જે ત્રીજી પેઢીએ ભુલાઈ જવાનું નિશ્ચિત છે એ સંજોગોમાં માણસ અમરત્વનો અભિશાપ શીદને શોધતો હશે એ મને સમજાતું નથી. હું ક્યાંય ફોટો બનવા માગતો નથી.

1950- એક વરસ પાછળ કે કદાચ એક વરસ આગળ – આ બે-ત્રણ વરસ પથારીવશ અવસ્થામાં વિતાવેલા. એક વિચિત્ર રોગે ખાસ પ્રકારના પાટિયા સાથે બંધાઈને ચોવીસે કલાક સૂઈ રહેવાની સારવાર અનિવાર્ય કરી દીધી. તબીબી વિજ્ઞાન ત્યારે આજની અવસ્થાએ પહોંચ્યું નહોતું. સગાં-સંબંધીઓ, સ્નેહી-પાડોશીઓ સહુએ માની લીધું હતું કે આ છોકરો હવે મોટો થઈને બાપનું નામ રાખે એ વાતમાં માલ નથી. આ એકલવાયી અવસ્થામાં શબ્દે મારી આંગળી પકડી કે મેં શબ્દનો હાથ પકડ્યો એ ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી. કોઈકે ‘સત્યના પ્રયોગો’ નામની ગાંધીજીની નવલકથા મારા હાથમાં આપી. બીજા કોઈકે માળિયું સાફ કરતાં હાથ ચડેલી ગિરિધર કૃત રામાયણની સચિત્ર આવૃત્તિ મારી સામે ધરી. રામાયણનાં ચિત્રોએ મારા કલ્પના વૈભવને અસીમ કરી મૂક્યો અને ‘સત્યના પ્રયોગો’ વાંચ્યા પછી થયું, લાવને મારી વાતેય હું લખું. ચાળીસ પાનાંની એક નોટબુક લઈને આ ગાળામાં પહેલી જ વાર થોડાક અક્ષરો ઉતાર્યા. આ અક્ષરોને મેં શીર્ષક આપ્યું હતું – ‘મારી વીતી ગયેલી જિંદગીની આત્મકથા.’ આમ શબ્દ સાથેની યાત્રાનો આરંભ સાઠ વરસ પહેલાં થયો હતો. સાઠ વરસ પછી અનેક અસંતોષો વચ્ચે જીવ્યા પછી પણ એક વાતનો પરમ સંતોષ છે કે મેં શબ્દ સાથે ક્યારેય અંચાઈ કરી નથી. શબ્દો સાથેની સચ્ચાઈ એ મારા જીવનનો પરમ સંતોષ છે. ‘મારું જીવનચરિત્ર તમે લખી આપશો ?- આત્મકથા સ્વરૂપે’ અથવા તો ‘મારા આ વડીલની જીવનકથા તમે આલેખી આપશો ?’ એવા પ્રસ્તાવ સાથે કોરી ચેક બુક લઈને આવેલાઓને મેં નકાર્યા છે. આમાં સ્વના અહંની પુષ્ટિની કોઈ વાત નથી પણ જેમનાં ચરિત્રો લખવા માટે આ પ્રસ્તાવ આવેલો એમાં નર્યા સ્તુતિભાવની અપેક્ષા હતી એટલું જ નહીં, પહેલો પ્રસ્તાવ તો એમનું જીવનચરિત્ર આત્મકથારૂપે મારે લખવું એવા સ્વરૂપનો હતો. બંને કોરા ચેક એવી ને એવી અવસ્થામાં સાભાર પરત કરતી વખતે શબ્દનું બ્રહ્મત્વ સાધ્યાનો સંતોષ મને થયો હતો.

અને આમ છતાં મન અને વાણી ક્યારેક જુદાં પડ્યાં છે. આને એક જાતની શબ્દ જોડેની અંચાઈ જ કહેવાય. તૈત્તિરીય ઉપનિષદના ઋષિએ પ્રાર્થના કરી છે : ‘वाड मे मनसि प्रतिष्ठिता । मनो मे वाचि प्रतिष्ठितम । -જે ભાવ મનમાં હોય એ જ ભાવ હોઠ વડે શબ્દો દ્વારા પ્રગટ થાય અને જે ભાવ હોઠ વડે શબ્દોમાં વ્યક્ત થાય એ જ ભાવ મનમાં પણ હોય. મન અને વાચા એકરૂપ હોય એવો આ ભાવ. મારે કબૂલ કરવું જોઈએ કે હંમેશાં આવું થઈ શક્યું નથી. એક રીતે આ શબ્દ સાથેની અંચાઈ જ કહેવાય. સો ગ્રામ સોનાની લગડી ચોવીસ કેરેટની હોય છે. આ લગડીને સેફ ડિપોઝિટ લોકરમાં કેદ કરીને રાખીએ ત્યાં સુધી એની શુદ્ધિ યથાતથ પણ રહે છે. પણ ઘરઆંગણે પુત્રીનાં લગ્નનો પ્રસંગ આવે છે ત્યારે આ લગડીને બહાર કાઢીને, સાસરે જતી દીકરીને માટે આભૂષણો ઘડાવવાં પડે છે. સો ગ્રામની આ લગડીમાં જો દશ ગ્રામ તાંબું ન ભેળવીએ તો પેલી ચોવીસ કેરેટની શુદ્ધિ સાથે દાગીના ઘડી શકાતા નથી. દશ ગ્રામ તાંબું ભેળવવાથી દાગીના ઘડી શકાય છે પણ શુદ્ધિ એની કક્ષા ખોઈ નાખે છે. વહેવારમાં જે સોનું દાગીના તરીકે પ્રચલિત કર્યું એની શુદ્ધિ હવે ચોવીસ કેરેટ નહીં પણ વીસ કેરેટ હોય છે. હવે અહીં વીસ કેરેટને શુદ્ધિ કહેવામાં આવે છે. આ વહેવારિક સત્ય છે. આ વહેવારિક સત્ય મેં કેટલીક વાર શબ્દની શુદ્ધિ સાથે આચર્યું છે એ મારે સ્વીકારવું જોઈએ.

75 વર્ષની ઉંમરે પાછું વાળીને જોઉં છું ત્યારે પ્રતીત થાય છે કે જીવન મારી આયોજના પ્રમાણે નહિ પણ ઉપરવાળાની કોઈક અકળ આયોજના પ્રમાણે વીત્યું છે. એના આયોજનાના એક પ્યાદા તરીકે જ જાણે મારી ભૂમિકા રહી હોય એવું સ્પષ્ટ સમજી શકાય છે. 1954માં ટ્યુશન કર્યાં, 1955માં ભાવનગરની કલેક્ટર ઓફિસ, 1956-57માં પશ્ચિમ રેલવેનું વિરમગામ સ્ટેશન, 1958-59માં સ્ટેટ બેન્ક ઑફ સૌરાષ્ટ્ર, વચ્ચે થોડોક સમય હાફકિન ઈન્સ્ટિટ્યૂટ અને છેલ્લે દેના બેન્ક. દેના બેન્કના એ વખતના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રવીણચંદ્ર ગાંધીએ પહેલી જ મુલાકાતમાં મને પૂછ્યું હતું : ‘તમે બેન્કિંગ કેરિયર શા માટે પસંદ કરી ?’ ત્યારે મન અને વાણીએ એકરૂપ થઈને નિર્ભયતાથી કહી દીધું હતું, ‘સાહેબ, હું નોકરીની શોધમાં છું અને આપના મિત્ર, મારા મુરબ્બી બચુકાકા મને આપની પાસે લઈ આવ્યા છે. તેઓ જો મને આ બેન્કને બદલે બીજે ક્યાંક લઈ ગયા હોત તો મેં એ ક્ષેત્ર પસંદ કર્યું હોત !’ બેન્ક મારી પસંદગી નહોતી. મારે કોઈ કોલેજના પ્રાધ્યાપક થવું હતું. પ્રાધ્યાપક થવા માટે એમ.એ. થવું જરૂરી હતું. મારે મેટ્રિક પછી તરત જ અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રથમ વર્ષનું એક સત્ર ભણ્યો હતો ખરો. આજેય શામળદાસ કોલેજના દરવાજે, કોલેજે એના અસ્તિત્વની શતાબ્દી પૂરી કરી એ ટાંકણે એના સો વિદ્યાર્થીઓની યાદી મૂકી છે એમાં મારી જેમ જ આ કોલેજમાં માત્ર એક જ સત્ર ભણેલા મોહનદાસ કરમચંદ ગાંધી સાથે જ મારું નામ પણ છે. કોલેજના પ્રિન્સિપાલને મેં મજાકમાં કહેલું : ‘મારામાં અને ગાંધીજીમાં માત્ર આ એક જ સામ્ય છે.’

ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા કોણ જાણે કેમ બચપણથી જ દઢ થઈ ગઈ છે. રોજેરોજ ઘરના દેવ સ્થાનકે હું સેવાપૂજા કરતો નથી. ભાગ્યે જ કોઈ મંદિરમાં દર્શનાર્થે જાઉં છું. જ્યારે હોમહવન, પૂજાપાઠ કે તીર્થયાત્રાએ જવાનું થયું છે ત્યારે પ્રત્યેક સ્થળે મસ્તક નમાવ્યું છે, પ્રાર્થના કરી છે પણ ક્યાંય કશું માગ્યું નથી. વિપત્તિની પળોમાં પણ ક્યારેય કોઈ દેવની કશી બાધાઆખડી કે માનતા મેં રાખ્યાં નથી. આવું કરવાના વિચાર સુદ્ધાંમાં જાણે પરમને હું છેતરતો હોઉં એવા ગુનાહિત ભાવથી ઘેરાઈ જાઉં છું. ઈશ્વરનો યથાતથ સ્વીકાર કરવાની ભૂમિકાએ હું પહોંચી ગયો છું એવું નથી પણ આ ઈશ્વરની આંગળી પકડીને જ મારા તદ્દન નિકટના સ્વજનોના મૃત્યુ પ્રસંગે પણ હું આંસુ સારી શક્યો નથી. મારાં માતા, પિતા, નાનો ભાઈ અને બનેવી આ ચારેય જણે જ્યારે છેલ્લો શ્વાસ લીધો ત્યારે આ દરેક પ્રસંગે હું હાજર હતો. એકેય વખતે મારાથી રડી શકાયું નહોતું. આવું કેમ બન્યું એની સહેજ ઊંડાઈથી તપાસ કરું છું ત્યારે એક પ્રસંગ યાદ આવે છે. એક આપ્તજનના મૃત્યુ પ્રસંગે એની સ્મશાનયાત્રામાં જવાનું થયું હતું. મૃતદેહને નનામી સાથે બાંધી રહેલાઓ અંદરોઅંદર હોંસાતોંસી કરતા હતા પણ કોઈને સારી રીતે બાંધતાં આવડતું નહોતું. મારાથી એમની ભૂલ તરફ એમનું ધ્યાન દોરાયું ત્યારે એમણે કહ્યું : ‘કાકા, તમે જ બાંધી આપોને, અમને આવડતું નથી.’ મેં નનામી બાંધી આપી. આ કામમાં હું કુશળ છું એનું મને પહેલી જ વાર ભાન થયું. નનામી જીવનયાત્રાની અંતિમ ક્રિયા છે. આ અંતિમ ક્રિયા પણ મને આવડી ગઈ છે એની જાણકારી મારા અસ્તિત્વમાં આરપાર ઊતરી ગઈ હતી. આ જાણકારી હવે એક ક્ષણ પણ ભુલાતી નથી. આંસુને એણે જાણે અટકાવી દીધાં છે.

પણ એનો અર્થ એવો નથી કે હું ક્યારેય રડ્યો નથી. હું કેટલીય વાર રડ્યો છું, ધ્રુસકે ધ્રુસકે રડ્યો છું, પોકે પોકે રડ્યો છું, મોટે મોટેથી રડ્યો છું પણ આ રુદન નીરવ એકલતા વચ્ચે જ કર્યું છે. આ રુદન ક્યારેય કોઈ દેખીતી દુર્ઘટના કે દશ્યપીડાને કારણે નથી થયું. દેહનાં બધાં જ અંગો પોતપોતાને સ્થાને યથાતથ હોય છે. હાથનું હાડકું જો ભાંગે છે તો પ્લાસ્ટર કરાવીએ છીએ. બીજે ક્યાંય દેખીતી પીડા દેહ ઉપર થાય છે તો એની તબીબી સારવાર થઈ શકે છે પણ દેહની અંદર રહેલા અને જે દશ્યમાન નથી એવા અંગો ફેફસાં, હૃદય, લિવર, કિડની, નાનું આંતરડું, મોટું આંતરડું, આ બધાં પોતાનાં પ્રાકૃતિક કાર્યો કરવાને બદલે પરસ્પર યાદવાસ્થળી આચરે ત્યારે દેહનું શું થાય ? આવા વખતે કોઈ તબીબ એની સારવાર નથી કરી શકતો. ક્ષતિગ્રસ્ત અંગની સારવાર થાય પણ યુદ્ધરત મદ્યપાન કરેલા યાદવોને તો કૃષ્ણ પણ ક્યાં રોકી શક્યા હતા ? ખેર ! જવા દ્યો !

થોડાંક વર્ષો પહેલાં બાઈબલ વિશેનું એક પુસ્તક વાંચી રહ્યો હતો. એમાં એક અંગ્રેજી કવિતા આપવામાં આવી હતી. કવિતાનું શીર્ષક હતું : ‘મેકડુગલ એટ માઈકલ્ઝ ગેટ.’ કવિતાઓ આમ તો હું ઓછી વાંચું છું. એમાંય અંગ્રેજી કવિતા ભાગ્યે જ વાંચું છું. આ કવિતામાં બાઈબલના એક કથાનકની વાત કરવામાં આવી હતી. મેકડુગલ નામની એક પતિત સ્ત્રી મૃત્યુ પછી માઈકલના દરવાજે જઈને ઊભી રહે છે. માઈકલ એટલે, હિંદુ ધર્મશાસ્ત્રો જેને ચિત્રગુપ્ત કહે છે એવું ખ્રિસ્તી ધર્મકથિત પાત્ર છે. મેકડુગલ માઈકલના દરવાજે ઊભી રહીને માઈકલને વીનવે છે કે હે દેવ ! હું આવી પહોંચી છું અને મને અંદર પ્રવેશ આપો. માઈકલ મેકડુગલના ખાતાનો હિસાબકિતાબ જોઈને દરવાજો ખોલ્યા વિના જ અંદરથી પૂછે છે- ‘What thou hast brought offering for me ?’ – આના જવાબમાં મેકડુગલ વિવશતાથી કહે છે – ‘Nothing but sin…. nothing but sin… nothing but sin…..’ પોતે પરમાત્માને ચરણે ધરવા માટે પાપ સિવાય કશું જ લાવી નથી એવો એકરાર કરે છે. બરાબર એ જ વખતે નજીકના એક વૃક્ષની ડાળી ઉપર બેઠેલું એક પંખી બોલી ઊઠે છે : ‘Even then let her in… let her in…. let her in.’ પાપી હોવા છતાં, એને સ્વર્ગમાં પ્રવેશ આપવાની પોતાની માગણીના સમર્થનમાં આ પંખી મેકડુગલને આગળ જતાં કહે છે : ‘Oh lord, let her in because she has never complained against you.’ અદ્દભુત હતી આ વાત ! જેણે ઈશ્વર સામે ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી અને જે છે એનો યથાતથ સ્વીકાર કર્યો છે, એણે આચરેલા કોઈ પણ દુન્યવી પાપને ઈશ્વરે પણ ક્ષમા કરવું જોઈએ એવો આ સંકેત અંતરના આગળિયા ખોલી નાખે એવો હતો. જ્યારથી આ વાંચ્યું ત્યારથી એ મારા અસ્તિત્વમાં ઓગળી ગયું છે. મેં ફરિયાદ કરવાનં બંધ કરી દીધું છે. જોકે આનો અર્થ હું સમજું છું. જ્યારે હું એમ કહું છું કે મેં ઈશ્વર સામે ફરિયાદ કરવાનું બંધ કર્યું છે ત્યારે એનો પરોક્ષ અર્થ એવો પણ થાય છે કે મેં આચરેલા ઈશ્વરના આદેશોની અવગણના મને આ સ્વીકાર તરફ દોરી જાય છે. મારે આ પળે કહેવું જોઈએ કે મેં જિંદગીમાં ત્રણ વાર ઈશ્વરના આદેશની અવગણના કરી છે. કદાચ પાપ શબ્દ ઉચ્ચારતાં કોઈક ભયગ્રંથિ મને અટકાવી રહી હોય એવુંય બને.

1956-57ની આસપાસ ઈન્દોર શહેરથી ચાર-પાંચ કિલોમીટર દૂર લક્ષ્મીબાઈ નગર નામનું કામચલાઉ રેલવે સ્ટેશન ઊભું કરવામાં આવ્યું હતું. સ્ટેશનની બહાર અફાટ વગડો હતો અને આ વગડાને એવા જ કામચલાઉ ધોરણે સમથળ કરવામાં આવ્યો હતો. આ સમથળ જમીન ઉપર એક ખુલ્લા ટેન્ટ જેવી શિબિરમાં ખરબચડી ભોંય ઉપર એક પાથરણું પાથરીને પંદરેક દિવસ પડી રહેવાનો અવસર આવ્યો હતો. બે ટંક જમવા માટે ઈન્દોર જવું પડતું. એક ગુજરાતી વીશીમાં ટંકદીઠ રોકડો રૂપિયો ચૂકવીને જમવાની ગોઠવણ કરી હતી. ખિસ્સામાં રોજના બે રૂપિયા ખર્ચી શકાય એટલું નાણું નહોતું. ચારપાંચ દિવસ પછી બે ટંકને બદલે એક ટંકથી ચલાવવાનું શરૂ કર્યું. નાણાંની વ્યવસ્થા થઈ જશે એવી ધારણા હતી પણ ધારણા ઊણી ઊતરી એટલે બંને ટંક જતા કરીને લક્ષ્મીબાઈ નગરના રેલવે પ્લેટફોર્મ ઉપર જ બટાટાવડા કે સમોસાથી રોળવવા માંડ્યું હતું. મારી પાસે તો ત્યારે વીંટી કે કાંડા ઘડિયાળ એવું કશું જ નહોતું પણ મારા સાથી પાસે આંગળીએ વીંટી હતી. એ પણ મારી જેવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. અમે બંને બે દિવસ નાસ્તા ઉપર ચલાવ્યા પછી ત્રીજે દિવસે ભૂખ્યાડાંસ થયા હતા. બીજે ક્યાંયથી નાણાંની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ વીંટી પેલી ગુજરાતી વીશીના માલિક પાસે ગિરવે મૂકીને બે ટંકનો ખાડો પૂરવાનું નક્કી કર્યું. વીશીમાં ગયા, જમ્યા અને પછી વીંટી વીશીના માલિક જેમને સહુ દવેકાકા કહેતા હતા એમની સામે ધરી દીધી. દવેકાકા અમારી વાત સાંભળીને આટલું જ બોલ્યા : ‘વીંટી પાછી લઈ લ્યો છોકરાઓ ! જ્યાં સુધી તમારી પાસે પૈસા ન આવે ત્યાં સુધી બેય ટંક મફત જમી જજો.’ એ પછી પાંચ-છ દિવસે પૈસાની ગોઠવણ થઈ ગઈ. અમે દવેકાકાને એમનું નાણું ચૂકવી દીધું. પછી પૂછ્યું : ‘દવેકાકા, તમે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો પણ જો આ પૈસા આવ્યા ન હોત તો તમારું લેણું પણ ડૂબી જાત.’ કાકા હસી પડ્યા. બોલ્યા – ‘છોકરાઓ, કોઈને રોટલો ખવડાવ્યે કોઠીની જાર ખૂટતી નથી અને કોઈનો મફત રોટલો ખાવાથી હવેલી બંધાતી નથી. જાઓ, જ્યારે કોઈક ભૂખ્યુંજન રોટલો માગે ત્યારે ગરવું બંધ નહિ રાખતા.’

31 ઓક્ટોબર, 1984 – ઈન્દિરા ગાંધીની હત્યાને કારણે આખું મુંબઈ શહેર સદંતર બંધ હતું. મારા કુટુંબ દાવે વડીલ એવા એક કાકા ઘણા લાંબા સમયથી, પિતાજીના હયાતી કાળમાં અવારનવાર ભોજન વેળાએ જ આવી પહોંચતા હતા અને પછી પિતાજી જોડે જ ભોજન કરતા. સાઠ-પાંસઠની ઉંમર, એકલવાયું જીવન અને પૈસેટકે ખાસ્સી ખેંચતાણ. તે દિવસે સાંજે ચારેક વાગ્યાના સુમારે કાકા અચાનક આવી પહોંચ્યા. અમે કશેક બહાર જવાની તૈયારીમાં હતા. કાકાને આવકાર્યા એટલે એમણે કહ્યું : ‘આજે તો એક રેંકડી સુધ્ધાં ચાલુ નથી. સવારથી ચા સુધ્ધાં મળી નથી.’ હું સમજી ગયો. રસોડે તપાસ કરી ત્યારે સવારની બે રોટલી પડી હતી. કાકા માટે ખાસ રસોઈ બનાવવાનું રસોડાને અનુકૂળ નહોતું, કેમ કે બહાર જવામાં મોડું થઈ રહ્યું હતું. બે રોટલી ને ચાનો કપ કાકા સામે ધર્યાં. આટલું અપૂરતું હતું એ સમજવા છતાં રસોડાની પ્રતિકૂળતા ધ્યાનમાં લઈને મેં એમને આગ્રહ ન કર્યો. કાકા ગયા એ પછી બરાબર ચોથે દિવસે તેઓ મૃત્યુ પામ્યા. સ્મશાને લઈ જતી વેળાએ એમનો મૃતદેહ મેં જોયો. એમની બંને આંખો ખુલ્લી હતી. દેહ ચિતા ઉપર મૂક્યો ત્યારે પણ મને લાગ્યું કે ઉઘાડી આંખે એ મારી સામે જ જોઈ રહ્યા છે. હોઠ ફફડતા નહોતા છતાં મને લાગ્યું કે હોઠ ફફડે છે : ‘દીકરા, તે દિવસે એક ટંક રોટલોય ન ખવડાવ્યો.’ હું સ્મશાનમાં ઊભો રહી શક્યો નહોતો. ઈન્દોરના દવેકાકા જાણે પડઘાઈ રહ્યા હતા – ‘એક ટંક રોટલા માટેય ગરવું ખોલી ન શક્યો ?’ આટલાં વરસ પછી આ ભાર આજેય વેંઢારી રહ્યો છું. ઈશ્વરના આદેશની આ અવગણના હતી.

બેન્કના સેવાકાળ દરમિયાન એક સુખી અને સાધનસંપન્ન પરિવારનો પરિચય થયો હતો. માતાપિતાની સાથે દશ-બાર વર્ષની એમની પુત્રી પણ મને મળતી. વખત જતાં આ પરિવાર અને આ પુત્રી મારી ઠીક ઠીક નિકટ આવ્યાં હતાં. વયસ્ક થયા પછી પણ આ કન્યા મને ક્યારેક મળતી. સમયાંતરે એનાં લગ્ન થયાં. લગ્નમાં ઉપસ્થિત રહીને મેં એને આશીર્વાદ પણ આપ્યા હતા. થોડાક મહિનાઓ પછી આ કન્યાએ અચાનક મારી પાસે આવીને રડતાં રડતાં કહ્યું – પોતે હવે સાસરે રહી શકે એમ નથી અને પિતા હઠપૂર્વક એને સાસરે જ રહેવાની ફરજ પાડી રહ્યા હતા. પતિગૃહે નહીં રહેવા આ કન્યા મક્કમ હતી પણ એનું રહસ્ય એ ખોલતી નહોતી. એની અપેક્ષા એવી હતી કે મારે એનાં માતાપિતાને સમજાવવાં. એનાં માતાપિતાને મળીને મેં આ કોકડું સમજવા અને ઉકેલવા પ્રયત્ન તો કર્યો પણ સફળ ન થયો. વધુ બે-ત્રણ મહિના પછી એક ઢળતી બપોરે આ કન્યાએ મને ટેલિફોન કર્યો. એણે પતિનું ઘર છોડી દીધું હતું અને પિતાએ એને પોતાના ઘરમાં આશરો આપવાની ના પાડી હતી. રાત પડે એ પહેલાં એ કોઈક આશ્રયસ્થાન શોધવા માગતી હતી. એણે મને કહ્યું : ‘તમે મને આજની રાત પૂરતી ક્યાંક ગોઠવણ કરી આપશો ?’ એનો સંકેત સાફ હતો. એ મારા ઘરે આશરો માગતી હતી. અને આ નિરાધાર થઈને જાહેર રસ્તા ઉપર ઊભેલી યુવાન સ્ત્રીને એક રાત આશરો આપવાના ઈશ્વરના આદેશનું હું અનુસરણ કરી શક્યો નહોતો. એને માટે કારણો ઘણાં હતાં. પણ એકેય કારણનું ઓઠું હું લઈ શકું એમ નથી. મારે મારા અપરાધનો જ સ્વીકાર કરવો જોઈએ. વર્ષો પછી આ સ્ત્રી એનાં બે બાળકો સાથે મને મળી ગઈ હતી. એણે પુનર્લગ્ન કર્યાં હતાં અને એ સુખી હતી. મેં એને કહ્યું : ‘તું સુખી છે એનો મને આનંદ છે.’ એણે જાત જોડે વાત કરતી હોય એમ મારી સામે નજર ઠેરવીને કહ્યું હતું : ‘હા, હવે સુખી તો છું પણ પરીક્ષાની પળ જિંદગીમાં એક જ વાર આવે છે. એ પળમાં કેવું વર્તન કરીએ છીએ એના આધારે જ પરિણામ નક્કી થાય છે.’ મને આજેય એમ લાગે છે કે એને એક રાત પૂરતો આશરો આપવા જેવી પરીક્ષાની પળે હું નાપાસ થયો હતો. આજેય એ અપરાધભાવમાંથી મુક્ત નથી થયો.

બા અને ચાર નાના ભાઈભાંડુઓ ભાવનગરમાં રહેતાં હતાં અને પારિવારિક ખર્ચમાં મદદરૂપ થવા માટે રેલવેની નોકરી માટે ત્યારે હું ઉદયપુર હતો. માસિક પગાર રૂપિયા 110 હતો. આમાંથી દર મહિને 50 રૂપિયા ઘરે (ખરચી તરીકે) અચૂક મોકલવા એ નિયમ. બે દિવસ પહેલાં જ બાનું પોસ્ટકાર્ડ આવ્યું હતું જેમાં લખ્યું હતું, ‘આવતા અઠવાડિયે અમુકતમુક વહેવારિક ખર્ચ છે આમાં કેમ ટકવું એ સમજાતું નથી. રૂપિયા તરત મળી જાય તો જ ઉગાર થાય.’ આ કટોકટીનું નિવારણ કરી શકું એવી કોઈ રકમ મારી પાસે મુદ્દલ નહોતી.

શનિવારની બપોર હતી. સહુ કર્મચારીઓનું આવાસસ્થાન એક જ હતું. સહુ હરવાફરવા બહાર નીકળી પડ્યા હતા. ચિંતા અને વિષાદગ્રસ્ત હું એકલો જ બેઠો હતો. મારા એક સાથીના ટેબલ ઉપર પડેલું પાકીટ જોઈને મારી આંખ ચમકી. એ ભૂલી ગયો હતો. એની ભૂલમાં મને મારો ઉકેલ મળ્યો. ભાવનગરના ઘરે બા જે મૂંઝવણમાં હતાં એ મૂંઝવણ એક ક્ષણમાં દૂર થઈ ગઈ. પાકીટ મેં ઉપાડી લીધું. એમાં 65 રૂપિયા હતા. આ રૂપિયા મેં તરત જ ભાવનગર મોકલી આપ્યા. વર્ષો વીતી ગયાં એ વાતને. ચોરીનો ડંખ મારો પીછો છોડતો નહોતો. જેનું પાકીટ ઉઠાવી લીધું હતું એનું સરનામું મારી પાસે હતું પણ પેલા 65 રૂપિયા એને પાછા મોકલવા માટે મારી પાસે ભેગા થતા જ નહોતા. આખરે એક વાર આ રકમ ફાજલ પાડી શકાય એવી સગવડ થઈ. આ રકમ મેં મનીઓર્ડરથી એના મૂળ ધણીને મોકલી આપી. મોકલનાર તરીકે જ્યાં નામ-સરનામું લખવાનું હોય ત્યાં મેં સાવ બનાવટી ઠામઠેકાણું લખ્યું. આ પછી શું થયું એ મને ખબર નથી. આ 65 રૂપિયા એને મળી ગયા હશે એમ માની લઉં છું. હું હળવો તો થયો પણ ચોરીના ડંખે જે ઉઝરડો પાડી નાખ્યો હતો એ હજુ આજ સુધી મટ્યો નથી.

જેને મેં ઈશ્વરના આદેશની અવગણના કહીને આજ સુધી સંઘરી રાખી છે એ આ ત્રણેય ઘટનાઓ વહેવારિક જીવનમાં કદાચ મામૂલી કહેવાતી હશે પણ મારું સંયોજન આને આજ સુધી મામૂલી માની શક્યું નથી. આ સંયોજનને કારણે જ કદાચ મારાથી એવું વર્તન થઈ જાય છે કે જેને અત્યંત નિકટના સ્નેહીજનો પણ સ્વીકારી શકતા નથી. મારા આ સંયોજનને કારણે જ કદાચ સ્વજનો પૈકી ઘણાએ વખતોવખત મને બીકણ કહ્યો છે, ડરપોક કહ્યો છે અને અક્કલ વગરના છો એવું પણ કહ્યું છે. આ બધા શિરપાવો સાથે 75મા પગથિયે આવીને ઊભો છું અને જ્યારે પાછું વાળીને જોઉં છું ત્યારે મને આ શિરપાવો આપનારાઓની વાતમાં વહેવારિક તથ્ય પણ દેખાય છે. વહેવારમાં અપેક્ષાઓથી ભર્યું ભર્યું જીવન સમૃદ્ધ કહેવાય છે. હું આવો સમૃદ્ધ થઈ શક્યો નથી. સ્વજનોની અપેક્ષાઓ પૂરી કરવા મારી તમામ શક્તિથી અને મતિથી નિષ્ઠાપૂર્વક વર્ત્યો છું અને છતાં સફળ થયો નથી.

‘આ પૃથ્વી ખૂબ સુંદર છે, આ જીવન બહુ રમણીય છે.’ આવાં મધુર ગીતો ગાનાર ગુરુદેવ ટાગોરે 80 વર્ષની ઉંમરે હાથ ઊંચા કરીને કહી દીધું હતું : ‘80 તો બહુ થઈ ગયાં, 100 તો અસહ્ય થઈ જાય.’ ગાંધીજીના જમણા હાથ જેવા અંતેવાસી અને પ્રચંડ કર્મઠ પુરુષ સ્વામી આનંદે 78 વર્ષની ઉંમરે કહ્યું હતું : ‘ટિકિટ કપાવીને ક્યારનો પ્લાટફારમ ઉપર ઊભો છું પણ કમબખત ગાડી જ નથી આવતી.’ સવાસો વરસ જીવવાની અભિલાષા રાખનાર ગાંધીએ 79ની ઉંમરે કહ્યું હતું : ‘હવે સવાસો શા કામનાં ?’

બહુ નાનો માણસ છું અને છતાં આજે 75 વર્ષની ઉંમરે હું ગુરુદેવ ટાગોર, સ્વામી આનંદ અને મહાત્મા ગાંધીજીની આ અકળ અકળામણો સાથે જોડાઈ જાઉં છું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “જો આ હોય મારું અંતિમ પ્રવચન – દિનકર જોષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.