સમજ – હિમાંશી શેલત

[ નાજૂક વિષયોને સુંદર રીતે આલેખીને, કથા-પાત્રોના મનોભાવોને અત્યંત સૂક્ષ્મ રીતે રજૂ કરવા એ હિમાંશીબેનની લેખનશૈલીની વિશિષ્ટતા છે. ઘટના કે બોધ કશું જ ન હોય પરંતુ સમજનાર વાર્તાના પ્રવાહમાંથી જ ઘણું બધું સમજી જાય એ રીતની આ વાર્તાઓ તાજેતરમાં ‘ઘટના પછી….’ નામના પુસ્તકમાં પ્રકાશિત થઈ છે, જેમાંથી પ્રસ્તુત વાર્તા ‘સમજ’ સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આપ હિમાંશીબેનનો આ નંબર પર +91 9375824957 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.]

‘મોલેસ્ટેશન એટલે ખરેખર શું ?’
કૃપાના ચહેરા પર જાળું હતું. પંદર પૂરાં થયાં છે. અંગ્રેજી ભણે છે. ખાસ્સું વાંચે છે. કમ્પ્યૂટર વાપરે છે. આટલી ખબર ન હોય એમ મનાય નહીં. અમથી ભોળી થાય છે. નાટક, ચોખ્ખું નાટક. આવા વિષયમાં રસ હશે એટલે જ પૂછે છે.

વૈશાલીએ ચીડમાં કૃપાને જોઈ. ફૅશનમાં કેવી અવ્વલ રહે છે ! ચહેરો ઝગઝગે છે, ભમ્મર પાતળી અને સીધી રાખી છે. કપડાં, સેન્ડલ, બૅક-પૅક, બધુંયે એનાં અવ્વલ હોવાની તરફેણમાં. આવી કૃપાને મોલેસ્ટેશન એટલે શું એ ખબર ન હોય એમ બને ? ઈમ્પોસિબલ. હોઠ ભીડીને વૈશાલી એની નોટમાં લખતી રહી. જવાબ નથી આપવો. પણ મુદ્રાથી ન રહેવાયું. કપાળ પર નાચતી લટને કાન પાછળ ધકેલી એણે કૃપાને ચોકસાઈથી પૂછ્યું :
‘તને સાચે જ ખબર નથી કે ખાલી પૂછે છે ?’
‘આમ સાધારણ ખ્યાલ છે પણ એકઝેક્ટલી ખબર નથી.’
‘સાધારણ ખ્યાલ એટલે કેવો ખ્યાલ ?’
‘જેમકે શરીર સાથે છેડછાડ. અડવુંકરવું અને એવું બધું.’
‘બસ, એ જ તો મોલેસ્ટેશન.’
‘પણ માનો કે સ્ટેશનની ભીડમાં આપણે ડબ્બામાં દાખલ થતાં હોઈએ ત્યારે કોઈનો હાથ આમતેમ અડી જાય અને આપણને લાગે કે ભૂલમાં અડી ગયો, તોયે સાચેસાચ એ ભૂલ ના હોય અને ગણતરી હોય, તો તેની ખબર શી રીતે પડે ? એ મોલેસ્ટેશન કે મિસ્ટેક ?’

વૈશાલીએ લખવાનું અટકાવી દીધું. કૃપાની વાતમાં વજન હતું. અને એની સ્પષ્ટતા આપવાનું સરળ નહોતું. વરસ પહેલાંના એક રવિવારની બપોર પર એ અચાનક આવી ઊભી. રતન ફોઈના ઘરનું વાસ્તુ હતું. ભાવિનસર અને રતનફોઈ ભણવામાં સાથે. સરને નોતરેલા પણ ન આવ્યા. ફોઈ કહે કે પ્રસાદ આપી આવ. ડોરબેલ દેખાયો નહીં. આગળો ખખડાવ્યો.
‘આવ. આવ.’
‘આ ફોઈના ઘરનું વાસ્તુ થયું તેનો પ્રસાદ.’
‘એમ ? વાહ વાહ ! થેન્કયૂ, બેસ. બેસ. ઉતાવળ છે ?’
‘ના…હા…. એટલે એમ કે ઉતાવળ નથી પણ ખૂબ કામ છે. જવું પડશે.’
‘ભલે, ભલે.’
પછી ભાવિનસર ઊભા થયેલા અને એને ખભે હાથ દાબી ફરી થેન્કયૂ કહેલું, આંખમાં આંખ પરોવીને. એ ક્ષણે કેમ બીક લાગેલી ? સરે એવું કશું કહેલું કે કરેલું નહીં જેનાથી ગભરાટ છૂટે. તો શું બરાબર નહોતું ? ખભે દબાયો તે હાથ, કે આંખમાં ભેરવાઈ એ નજર ? ત્યારે આટલી ઝીણી બાબતે કોઈ સાથે વાત નહોતી થઈ અને આજે તો એ પૂરી યાદ પણ નહોતી રહી. આ તો કૃપાએ કાંકરી નાખી તેથી આટલાં વમળો. નૉટ બંધ કરી વૈશાલીએ સ્કર્ટ ખેંચ્યું.
‘છોડો હવે બાલની ખાલ ઉતારવાનું કામ. આપણે આ પ્રોજેક્ટ પતાવવાનો છે. કૃપાડી ખોટે વખતે ખોટી ચર્ચા લઈ બેસી ગઈ !’

છતાં કૃપાના ચિત્તમાં ફીંડલાં ઉકેલાતાં ગયાં. શાહ અંકલ. ઘરમાં પગ પડે કે તરત, વ્હેર ઈઝ ધ યંગ લૅડી ? ડૅડી કંઈ કૃપાને બૂમ પાડી બોલાવે એવું નહીં, તોયે કૃપા નજીક હોય તો શાહ અંકલ ખભે ધબ્બો મારે, હાથ પકડે. ડૅડી ત્યાં હોય, દાદાજીયે હોય અને મમ્મા તો ખરી જ. શાહ અંકલ સામે કોઈને વાંધો નહીં. ડૅડીના દોસ્ત, એમની ઉંમરના, સમજદાર, પ્રતિષ્ઠિત. એ જે કરે તે ન કરવા જવું હોય નહીં એવી પરમ શ્રદ્ધા સહુને. તો પછી માત્ર એને જ કેમ કંઈક બરાબર ન હોય એમ લાગ્યા કરતું હતું ! પોતાને જ વાંધો. મમ્મા કહેતી તેમ, સારું જોતાં શીખો. બધે વાંધાવચકા ન શોધો ! ચાલો, શાહ અંકલ જવા દઈએ. જીમ અંકલ તો શોખીન, પાર્ટીમાં ખાયપીએ અને ગાય નાચે. એમનો તો એ સ્વભાવ. ડૅડી કહે કે દિલનો સાફ છે. આમ તો એલફેલ બોલી પાડે. સ્ત્રીઓની હાજરીમાં વાંધાજનક ગાળો દઈ શકે, નિઃસંકોચ. મમ્માનો મિજાજ ક્યારેક છટકે. આવા કેવા દોસ્ત ! જુવાન છોકરી ઊભી હોય ને આવું બોલાય ? ડૅડી મલકે. અમથી જ અકળાય છે. છોકરી હરે છે, ફરે છે, રસ્તે, સ્ટેશને, બજારમાં. બધે આવું બોલાતું જ રહે. ગાળો તો આપણા કરતાંયે વધારે સાંભળે, ખરું ને કૃપા ? જીમ અંકલ અડે નહીં, માત્ર જોયા કરે. તે દિવસે ઉપરના ખાનામાંથી ચોપડી લેતી હતી ત્યારે જીમ અંકલની નજર ક્યાં હતી તે એણે શી રીતે નોંધી લીધું ? પણ આવું કોઈને કહેવાય નહીં. મમ્માને કહીએ તો એ એમ કહેવાની કે આવા વિચાર કેમ આવે છે તે જાતે જ શોધવાનું. જીમની વાઈફ કેટલી રૂપાળી છે, જોઈ છે ? એટલે કૃપાને જે કંઈ લાગે તે પર ચોકડી. જીમ અંકલની વાઈફ રૂપાળી હોય એટલે એમની નજર ધોયેલી અને સ્વચ્છ. હવે આ બંનેથી બળદેવ અંકલ જુદા લાગતા. કેમ ? એ જ્યાં બેઠા હોય ત્યાં બેધડક જવાય, કોઈ અવઢવ નહીં. એ સામે જુએ, કે ખભે હાથ મૂકે ત્યારેય ડર ન લાગે. કશુંક તો છે આ આખી વાતમાં, જે ભલે સમજાતું નથી, પણ તેથી એ મટીયે જતું નથી. ઈટ ઈઝ વેરી મચ ધેર.
‘કૃપા ક્યાં ખોવાઈ ગઈ ? ચાલ જઈએ. બાકીનું ઘેર જઈ પતાવીશું.’
***

આજે આ ગૂંચવણ સાફ થવી જ જોઈએ. રોજેરોજ એક જ પ્રશ્ન સતાવે અને જવાબમાં મળે ધુમાડો. મમ્મા નહીં, વૈશાલી કે મુદ્રા પણ નહીં. શિરીન મૅડમ પાસે જવાય ? એ ખૂલીને કહે, સમજાવે. કોઈને કહેવું નથી. એકલાં જ પહોંચી જવું. સ્કૂલ છૂટે અને મૅડમ સ્ટાફરૂમની બહાર આવે એટલે તરત.
‘મે’મ મારે જરા…. મારે એક ખાસ વાત પૂછવી છે.’
‘બોલની ડીકરી, એની પ્રૉબ્લેમ ?’
‘મે’મ, મોલેસ્ટેશન એટલે એકઝેકટલી શું ?’
‘વેલ, વેલ, કાંઈ બનિયું તારી જોડે ?’
‘ના, ના, થયું કંઈ નથી ખાસ. કોઈ ચોખ્ખો જવાબ નથી આપતું અને મારે એ જોઈએ છે. વાંધાજનક બોલે કે અમુક રીતે જુએ એ મોલેસ્ટેશન કહેવાય ?’
શિરીન મૅડમ બોલ્યાં નહીં. સ્ટાફરૂમમાં કોઈ વાર બેવડા અર્થવાળું બોલાય છે, કોને સંભળાવવા ? લૅડી મેમ્બર્સને ? ક્યારેક તો એકદમ વલ્ગર લાગે એવુંયે બોલાય છે, એને મોલેસ્ટેશન કહેવાય ? વર્બલ મોલેસ્ટેશન ? જેમ કે નવમા ધોરણની એક સ્ટુડન્ટને એના એક સરે આમતેમ જોઈને દબાયેલા અવાજે પૂછેલું કે તારા હાથની રૂંવાટી જેમ સોનેરી છે તેમ પગ પર પણ સોનેરી છે કે ! એ ગભરુ સ્ટુડન્ટ આ બાબતે ક્યારેય એકેય શબ્દ બોલેલી નહીં. છેવટે એ શિક્ષક ગુજરી ગયા ત્યારે જે સાંભળેલો એ શબ્દે-શબ્દ એણે કઝીનને કહેલો. આજે કૃપાની સામે શિરીન મૅડમને થયું કે આ વિશે કેમ આટલાં વરસ એ ચૂપ રહેલાં !
‘મે’મ, તમે કેમ બોલ્યાં નહીં. મને, પ્લીઝ, કહો કે…..’
‘જો’ની, સેક્સુઅલ ઓવરચર્સ, એટલે કે છોકરીને જેને લીધે જરા બી ડીસ્કમફર્ટ થાય, જેને અવોઈડ કરવાનું દિલ થાય, તે મોલેસ્ટેશન. એમાં બોલે તે બી આવી જાય અને જોયા કરે તે બી આવી જાય.’
‘તરત ખબર પડી જાય એની ?’
‘યસ, તરત. ફીમેઈલ ઈન્સ્ટીન્કટ બહુ જબરજસ્ત ચીજ છે. એમ જ ખબર પડે કે આ માનસ સોજ્જો નથી….’
‘થેન્ક્યૂ મે’મ, થેન્ક્યૂ !’
***

‘કૃપા, આજે નાસ્તો કેમ ન કર્યો ?’
‘એમ જ, મમ્મા, ભૂખ નહોતી લાગી.’
‘આ ઉંમરે ભૂખ નથી લાગતી ?’
‘થાય એવું. ભૂખ લાગે ત્યારે ખાવું એ જ ઉત્તમ.’ ડૅડી કૃપાની વ્હારે ધાયા એટલે કૃપાએ એમનો આંખથી આભાર માન્યો.
‘મંગળથી રવિ મારે જરા રોકાણ રહેશે. ટેક્સાસથી સુનયના આવે છે.’
‘તારી સાથે ભણતી’તી એ સુનયના, બરાબર ?’
‘એ જ, એની દીકરી પણ આવવાની છે. શ્રેયા. આપણી કૃપા જેવડી હશે. બંનેને મજા આવશે.’
એવું શી રીતે ધારી લીધું ! કૃપાએ મોં બગાડ્યું. સરખી ઉંમરની હોય તેથી ફાવી જાય અને ગમી જાય એમ મમ્મા શી રીતે માની લેતી હશે ?
***

સુનયના અને શ્રેયાની જોડી અનુપમ લાગી. મા-દીકરી આવાં હોવાં જોઈએ. માત્ર દેખાવ નહીં, વર્તન અને વાણીમાં બંને બેનમૂન. ક્યાંથી તાલીમ મળી હશે આટલી અદ્દભુત, શી ખબર ! કૃપા એની નામરજી હોવા છતાં અંજાઈ ગઈ. શ્રેયાના હલનચલનને, એના લાંબા સોનેરી વાળને, એની મોટી ભૂરી આંખોને જોવામાં એને બેહદ રસ પડ્યો. મમ્મા તો ખુશ હોય એ બરાબર, ડૅડી પણ આનંદમાં જરા બોલકા બની ગયા. બીજા દિવસની સવાર, વધારે ગુલાબી, વધારે ખુશનુમા. વરંડામાં ચા-નાસ્તાની સજાવટ. ડૅડી ગીત ગણગણતા અને એકદમ ખીલેલા. શ્રેયાનો પ્રવેશ. ચહેરા પર સુરખી, ચુસ્ત શરીરની આગવી સુગંધથી વરંડો મઘમઘાટ. કૃપાને કદાચ પહેલી વાર પોતાની સુસ્તી માટે શરમ આવી.
‘ગુડમૉર્નિંગ, આવ, બેસ, આરામ થયો બરાબર ?’
‘યાહ…. આવું રીલેક્સ થવાનું ત્યાં ક્યાં હોય !’
‘શો પ્રોગ્રામ હવે આજે ? શૉપિંગ ?’
‘તમને કેવી રીતે ખબર પડી ગઈ ?’
સુનયનાના કપાળ પરની પાતળી કમાન ઊંચકાઈ.
‘અનુમાન. એનઆરઆઈ માત્ર ચારપાંચ દિવસ રોકાવાનાં હોય તો શૉપિંગ પહેલું આવે.’
‘સાવ સાચું. આજે દસ વાગ્યે નીકળીશું. શ્રેયાનું લિસ્ટ લાંબું છે.
‘ઈઝ ઈટ ? શું ખરીદવાની શ્રેયા ?’
ડૅડીએ જરા અસામાન્ય લાગે એવો રસ બતાવ્યો એ કૃપાથી નોંધાઈ ગયું. બાકી તો સવારે છાપામાં ખાબકેલા ડૅડી ધરતીકંપ થાય તોયે જગ્યા છોડે નહીં એમ કૃપાનું ચોક્કસ માનવું હતું.
‘આજે તમે સદાનંદની લીફટ લેજો. ગાડી અમે લઈ જવાનાં.’
‘જેવો હુકમ. રાતનું જમવાનું બહાર રાખવાનું છે ?’
‘ના ભઈસા’બ, આ લોકોનાં પેટ બહુ નાજુક. જરા જરામાં વાંધો પડી જાય, આપણે ઘેર જ સારાં.’
‘આન્ટી, બહાર રાખો ને ! મને તો બહુ ગમશે બહાર.’
‘લીસન ટુ ધ યંગ બ્યુટી ! જઈશું પેલી નવી ગાર્ડન રેસ્ટોરાં !’
આ ડૅડી ? આમ તો એકેય પ્રોગ્રામ સરળતાથી ગોઠવી ન શકનારા અને જાતજાતનાં બહાનાં કાઢનારા એ આજે આટલા જુદા ! કૃપા એના ડૅડીને ઝીણવટથી જોતી રહી.
***

ખૂબ બોલતા રહ્યા ડૅડી. પોતાના કામની, સાહસની, આવડતની, પ્રવાસની અજાણી વાતોના પટારા ખોલતા રહ્યા.
‘આ માયા તમને બોલવા નથી દેતી કે શું ?’
સુનયનાની ટકોર જાણે કાને પડી જ ન હોય એમ ડૅડી ચાલુ રહ્યા. કૃપા કોકડું વળી ગઈ, સાથે કોઈ અજાણ્યો આધેડ દાખલ પડી ગયો હોય એમ. જમી રહ્યાં એટલે ડૅડીએ પાન ખરીદ્યાં.
‘અહીંના વખણાય છે. ભાવે તને ?’
‘ઓ, યા !’
શ્રેયાએ બીડું આંગળીઓ વચ્ચે જકડ્યું. ડૅડી ચાહી કરીને શ્રેયાને અડ્યા, કે એને અમથું જ એમ લાગ્યું ? કૃપા સાબદી બની ગઈ. પછી જોકે કશું બન્યું નહીં. મોડી રાત સુધી ગઝલો સાંભળવાનો કાર્યક્રમ ચાલ્યો. પોતપોતાની પસંદગી વિશે વાતચીત, ગપસપ. વચ્ચેવચ્ચે ડૅડી બેચાર કડી ગણગણી લેતા હતા.
‘તમે તો સરસ ગાઈ શકો છો !’ સુનયનાએ પ્રશંસા કરી.
‘એમ ? સારું-ખરાબ તો ખબર નથી પણ મને ગાવાનું ગમે છે એ નક્કી. તું ગાય છે કે નહીં, શ્રેયા ?’
‘ઓ…. નો…. નો…. બટ એ ગુડ લીસનર. કોઈએ સાંભળવુંયે જોઈએ ને !’
‘શ્રેયા ટેનિસ રમે છે, ચૅમ્પિયન છે યુનિવર્સિટીમાં !’
ડૅડીએ ખુશ થઈને શ્રેયાનો બરડો થપથપાવ્યો. શી જરૂર હતી આટલું બધું બતાવવાની ? નાખુશ કૃપાએ પગ પછાડ્યો. મમ્મા પણ સ્ટુપિડ જેમ વર્તે છે. ટોકવા જોઈએને ડૅડીને. શ્રેયા રાતરાણી વિશે કશુંક પૂછતી હતી અને ડૅડી બૉટનીના પ્રોફેસર પેઠે વિગતો આપતા હતા. મોટા જાણકાર ન જોયા હોય તો ! કૃપા ઊભી થઈ ગઈ. મમ્મા અને સુનયના આન્ટી ક્યાં ? કદાચ અંદર. એ બંનેની વાતો ખૂટતી જ નહોતી.

‘કૃપા, જરા સુનયનાની પર્સ લાવ તો અહીં, એમાં ડાયરી છે. ફોન કરવો છે એનાં માસીને.’
અહીંથી ખસવા કૃપા લેશ પણ મરજી નહોતી છતાં ઊઠવું પડ્યું. ઉતાવળમાં એ હડફડ પર્સ ઝડપીને અંદર ભાગી. કામ પતાવી જલદી આવી જવું હતું અહીં. મમ્માને તો પડી નથી, પણ એણે પોતે તો…..
‘છે ને નશો ચડી જાય એવી સુગંધ ?’
કૃપાએ ડૅડીને આવું બોલતા સાંભળ્યા. શ્રેયાએ પણ કંઈ કહ્યું જે બરાબર ન સંભળાયું. કૃપા લગભગ દોડતી પાછી આવી. આ રઘવાટ શેનો છે એનો સીધો જવાબ એની પાસે નહોતો. છી ! છી ! ગંદુ છે તારું મન, એટલે જ આવા ન કરવા જેવા વિચારોમાં ભટકતું ફરે છે. એણે જાતને ધમકાવી કાઢી તોયે ઉધમાતમાં તસુભાર ફરક પડ્યો નહીં. ડૅડીના વર્તનમાં આ પહેલાં અકળામણ થાય તેવું કંઈ જોવામાં આવેલું નહીં. વૈશાલી, મુદ્રા અને ભાવિકા – બધી બહેનપણીઓ ઘેર આવતી રહે છે. બોલવામાં પણ છૂટ લીધી નથી. હા, માત્ર એક વખત વૈશાલી કોઈ રેખાને લઈને આવેલી ત્યારે ડૅડી જરા છૂટછાટવાળું બોલેલા. છતાં એમાંયે ખાસ વાંધાજનક નહીં હોય, મમ્મા હાજર હતી. મોટે ભાગે તો બીજું કોઈ પણ આવેલું. ના, ડૅડી લગભગ તો પૂરા ડિગ્નીફાઈડ. કૃપાએ પગ ધીમા પાડ્યા. આવી શંકા ખોટી ગણાય. તેયે ખાસ કશા કારણ વગર. અને શ્રેયાએ ક્યાં વિરોધ નોંધાવ્યો છે ? એ તો એકદમ મોજમાં છે, હસીહસીને બોલે છે. ડૅડીનું વર્તન ન ગમતું હોય તો એ ચલાવી ન લે. બૉલ્ડ છે, સ્માર્ટ છે. એટલે અત્યારે કેવળ શકના દબાણથી એ લોકો પાસે જવું ન જોઈએ. સૂવાનો સમય છે, બંને હમણાં આ તરફ આવશે. કૃપા આગળ ન વધી. મમ્મા અને સુનયના આન્ટીના અવાજ સાવ ધીમા પડી ગયા હતા. બધી લપ છોડીને પોતે ઊંઘી જવું જોઈએ. શ્રેયાનું શ્રેયા જાણે અને ડૅડીને જોવા મમ્મા બેઠી છે.

આગલા ઓરડાને વરંડાથી જુદો પાડતી મોટી બારીઓના જાડા પડદા બિલકુલ સળવળતા નહોતા. દીવાલ જેવા જ સ્થિર પડદા. ત્યાં બહાર શું થઈ રહ્યું હતું એનો અણસાર ન આવે. કશો નિર્ણય ન લઈ શકવાની સ્થિતિમાં કૃપાએ રીમોટ પર આંગળી દાબી. મોડી રાતના કોઈ મનોરંજનમાં તરવરાટ ભર્યું નૃત્ય ચાલતું હતું, અડધાં ઉઘાડાં શરીર ઊછળતાં હતાં. વૉલ્યુમ વધાર્યું. કદાચ એનાથી શ્રેયા ખેંચાય અને અહીં આવી જાય તો બહુ સારું. છતાં એમ ન થયું. શ્રેયા બહાર જ રહી. શું કરતાં હશે એ લોકો ! થડકારાને શાંત પાડવા મથતી કૃપા અંતે બહાર જ પહોંચી ગઈ. રાતરાણીની પાસે ગોઠવેલા બાંકડા પર શ્રેયાની હથેળી ઝાલીને ડૅડી કોઈ ભવિષ્ય ભાખવામાં હતા કે શું ! કૃપાએ આંખો મટમટાવીને સ્થિર કરી. ડૅડીનો હાથ એક એક દોરો આગળ સરકી રહ્યો હતો કે એ કેવળ ભ્રાંતિ ? જોકે શ્રેયા તો એકદમ આરામથી બેઠી હતી, સાવ સહજ ભાવે. કૃપાએ પાછળ જોયું. મમ્મા અને સુનયના આન્ટી હજી પોતાની દુનિયામાં ડૂબોડૂબ હતાં. એકાદ પળ કૃપાને થયું કે પાછાં જતાં રહેવું જોઈએ. ડૅડી વિશે આવી કલ્પનાને નજીક ફરકવા દેવી એ પણ ખોટું. નજરને ખૂબ વાળી છતાં એણે જોયું જ કે ડૅડીના સરકતા હાથની આંગળી શ્રેયાને ક્યાં અડવા મથતી હતી. હવે તો શ્રેયાએ દૂર ખસવું જ જોઈએ. કદાચ એને ખસવું જ હશે. કેવળ સંકોચને કારણે બાપડી બેસી રહી હશે. અંકલ માટે રિસ્પેક્ટ એટલે.

કૃપા વંટોળમાં ફંગોળાતી રહી, કાનમાં સુસવાટા સંભળાતા હતા, ગળામાંથી બહાર આવવા શબ્દો તરફડતા હતા અને એકદમ અચાનક, પોતે શું કરી રહી છે એ પૂરેપૂરું સમજાય તે પહેલાં જ, એણે તીણી ચીસ નાખી :
‘ડૅડી, છોડો એનો હાથ ! જસ્ટ લીવ હર અલોન…..’
બરાબર એ જ ક્ષણે ઓરડામાંથી બહાર આવેલી મમ્માએ ગળું ફાડીને ઘાંટો પાડ્યો : ‘કૃપા, આ શી ચીસાચીસ છે ? કંઈ ભાન છે શું બોલી રહી છે એનું ? બીહેવ યોરસેલ્ફ !’

[ કુલ પાન : 120. (પાકું પૂઠું). કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

52 thoughts on “સમજ – હિમાંશી શેલત”

Copy Protected by Chetan's WP-Copyprotect.