મણિલાલ ટપાલી – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

નાના હતા ત્યારે પાઠ્યપુસ્તકમાં આવતી એક કવિતા વિના સમજ્યા અમે ગોખી મારતા :

સાંજરે ને સવારે દઈ કાગળો
નિત્યુ તું માર્ગ તારે સિધાવે,
તુજ દીધા પત્રમાં એ બધું શું ભર્યું,
કોઈ દી તું ભલા, ઉર લાવે ?

કવિતાના આરંભમાં એક ટપાલીનું ચિત્ર પણ મૂકેલું. એ ચિત્ર પર વારંવાર અમારી નજર ખેંચાયા કરતી. ખાખી ડગલો ને પાટલૂન, માથે ત્રણ બટનવાળી ટોપી, બગલમાં ટપાલનો થેલો ને હાથમાં ચારપાંચ ટપાલો. હા, આંખે ચશ્માં ને કાન પર ફેરવીલી પેન્સિલ. આ થયું ટપાલીનું ચિત્ર. મારા ગામમાં એ વખતે ગિરજો ટપાલી ક્યારેક અમને પીપરમિંટની ગોળીઓ આપતો એટલે કોઈ પણ ‘ટપાલી’ અમને ભલો ને મજાનો લાગતો. ભલે એની કામગીરીનું કોઈ મહત્વ અમે આંક્યું ન હોય !

પણ જ્યારે ગામ છોડી શહેરની હોસ્ટેલમાં ભણવા ગયા કે એકાએક ટપાલીનું અનેકગણું મહત્વ અમને સમજાવા લાગ્યું ! ઘેરથી આવતી ટપાલમાં ઘરના, સગાં-વહાલાંના, ગામનાં સમાચારો જાણવા મન આતુર રહેતું તે આ ટપાલ દ્વારા સંતોષાતું. એમાંયે, મહિનાના આરંભમાં અમે ટપાલીની આતુરતાપૂર્વક રાહ જોતા-ઘેરથી આવતા મનીઓર્ડર માટે. મણિશંકર ટપાલી અમારી હોસ્ટેલમાં નિયમિત ટપાલ દેવા આવતો. એ આવે ત્યારે સારીયે હોસ્ટેલમાં બધાને ખબર પડી જાય; કારણ, એની ખાસિયત. એ છાનોમાનો રૂમના બારણા નીચેથી ટપાલ સરકાવીને ચાલ્યો ન જાય. એ દરેક રૂમ પાસે ઊભો રહે ને બૂમ પાડે :
‘રાજુભાઈ, ટપાલ લઈ લેજો, ભઈલા.’
‘પ્રવીણભાઈ, કવર આવ્યું છે હોં….. બારણું ઉઘાડો.’
‘રવીન્દ્રભાઈ….. પ્રાઈમસ પેટાવો ને મૂકો ચાનો કપ….. મનીઓર્ડર આવ્યું છે.’ જે જે મનીઓર્ડરની કાગડોળે રાહ જોતા હોય એમને ઉદ્દેશીને બોલે, ‘આવી જશે હોં, ભાઈ, તમે કોલેજમાં ગયા હશો તોયે ત્યાં આવીને આપી જઈશ. ચિંતા ન કરતાં.’

મણિશંકર ટપાલી એટલે આશાનો ધબકતો સૂર. પંચાવન-સત્તાવન વર્ષની ઉંમરે પણ એ ચેતનવંતો લાગે. પરીક્ષા વખતે તો બધાયને ટપારે પણ ખરો-અલ્યાઓ, બરાબર મન દઈને વાંચજો. જમવા-કરવામાં નિયમિત રહેજો ને હવે સિનેમામાં ઓછા આંટાફેરા દેજો. મહિને મહિને આવતા મનીઓર્ડરની કિંમત સમજજો. વડીલોની છત્રછાયા વિનાના પોતાના ગામથી દૂર દૂર ભણવા આવેલાઓ એવા અમને આ મણિશંકર અમારા વડીલ જેવા લાગતા. માત્ર પત્ર-મનીઓર્ડર આપવાને કારણે કે શિખામણો આપવાને લીધે એ અમારા વડીલ નહોતા બની જતા. એમનું ખરું મહત્વ અમને અમારી માંદગીમાં સમજાતું ! મણિશંકર માત્ર ટપાલી જ નહોતા, વૈદું પણ જાણતા. એમના ખલતામાં કંઈક ને કંઈ પડીકીઓ-ગોળીઓ પડી જ હોય. એ રાતવરતે હોસ્ટેલમાં આવી પડીકીઓ આપી જાય ને ઘેરથી રાબ, કડું-કરિયાતું કે ખીચડી પણ બનાવીને આપી જાય. અમે ભણ્યા ત્યાં સુધી અમને શહેરના કોઈ ડોક્ટર પાસે જવા દીધા નહોતા. વગર પૈસાના એ અમારા ડૉક્ટર હતા ! દિવસે એ ટપાલી અને સાંજે એ ડૉક્ટર. રવિવારે પણ એ હોસ્ટેલમાં આવી માંદા વિદ્યાર્થીની ખબર લઈ જાય.

નિયમિતતાનું બીજું નામ મણિશંકર ટપાલી. એમણે ક્યારેક એમની નોકરીમાંથી રજા લીધી હોય એની અમે કલ્પના જ નહોતા કરી શકતા. અઠવાડિયાના સાતેય દિવસ એ ફરજ પર હાજર હોય. પણ, એક દિવસ એવું બન્યું કે મણિશંકર ટપાલીને બદલે કોઈ બીજો જ ટપાલી હોસ્ટેલમાં આવી, રૂમના બારણા નીચેથી ટપાલ સરકાવીને ચાલ્યો ગયો. ન કોઈના નામનો પોકાર કે ન બારણે ટકોરા. ભલા, આવી ટપાલ લેવાનો આનંદ પણ શો ? આવી ‘ટપાલ’ અમારે મન જાણે અસ્વીકૃત બની જતી. સતત ચાર-પાંચ દિવસ આ નવો ટપાલી આવતો રહ્યો એટલે અમારામાંથી એકે એને અટકાવીને પૂછ્યું પણ ખરું –
‘મણિકાકા કેમ દેખાતા નથી ? એમની બદલી થઈ છે ?’
‘ના.’
‘તો ?’
‘રજા પર છે.’
‘રજા પર ? અને એ મણિકાકા ?’
ન ભૂતો, ન ભવિષ્યતિ જેવી વાત હતી, એટલે પેલા ટપાલીને ફરી ખોતર્યો : ‘રજા પર કેમ છે ?’
‘એની તમારે શી પંચાત ?’ એ અમારા પર બગડ્યો, ‘પોસ્ટમેન રજા પર ન જાય ? એને પણ એની હક્કની રજાઓ હોય છે, ઘરબાર હોય છે…..’
‘એવું નથી…..’ અમે અચકાતા અચકાતા બોલ્યા, ‘આ તો એમ કે….કે…. મણિકાકાએ આજ દિવસ સુધી રજા લીધી નથી એટલે….. એટલે વળી તમને પૂછી લીધું.’
‘તમારો મણિકાકો વિધુર થયા છે.’ કહી એણે ચાલતી પકડી.

મણિકાકા વિધુર થયા જાણી અમને ખૂબ દુઃખ થયું. અમારે એમને ઘેર જવું જોઈએ, આશ્વાસનના, દિલસોજીના બે શબ્દો કહેવા જોઈએ એવું વ્યવહાર-ડહાપણ અમારામાં પ્રવેશ્યું. એ રાત્રે અમે થોડા વિદ્યાર્થીઓ એક રૂમમાં મળ્યા અને નક્કી કર્યું કે મણિકાકાને ‘મોઢે થવા’ જવું જોઈએ. બીજે દિવસે એક સહાધ્યાયી પોસ્ટઓફિસમાં જઈને મણિકાકાના ઘરનું સરનામું લઈ આવ્યો. અમે દસ-બાર વિદ્યાર્થીઓ આજે મણિકાકાને ઘેર ખરખરે ગયા. મણિકાકાના, એમના જેવા ખખડધજ ખોરડાના ફળિયામાં, અમે પ્રવેશ કર્યો ત્યારે ઓસરીના મધ્યભાગમાં લટકતા પચ્ચીસ વોલ્ટના ઝાંખા પ્રકાશમાં મણિકાકા ઉઘાડા ડિલે હીંચકા પર બેઠા હતા. માથું મુંડન કરેલું હતું. ડેલીનું બારણું ખખડ્યું કે એ મોટેથી બોલ્યા :
‘કોણ ?’
‘એ તો અમે…. અમે…. હોસ્ટેલના વિદ્યાર્થીઓ……’
‘આવો, આવો…. આવો અહીં ઓસરીમાં….’ કહી અંદરથી બે ચટાઈ લાવ્યા ને હીંચકા આગળ પાથરી, અમે એ ચટાઈ પર, હીંચકા પર ગોઠવાયા કે એ બોલ્યા :
‘બોલો, કેમ આવવું થયું ?’
હવે અમારે શો જવાબ આપવો ? આજ દિવસ સુધી ખરખરે જવાનો અમારે કોઈ ને પ્રસંગ આવ્યો ન હતો એટલે ક્યા શબ્દોમાં અમારી ભાવના વ્યક્ત કરવી એની વિમાસણમાં અમે પડી ગયા. આખરે અમારામાંથી એક ધીરા અવાજે, શબ્દો ગોઠવતો ગોઠવતો બોલ્યો :
‘તમારી જગ્યાએ હોસ્ટેલમાં ટપાલ દેવા એક નવા પોસ્ટમેન આવે છે…’
‘ઊંચો, લાંબો ને મૂછોવાળોને ?’
‘હા.’
‘મકવાણો. મોહન મકવાણો. સારું ક્રિકેટ રમે છે.’
‘એની ખબર નથી, પણ એની પાસેથી જાણવા મળ્યું કે…. કે… તમારા ઘરેથી…. એટલે કે કાકી… એમનું અવસાન થયું છે….’
‘હત તેરેકી.’ ફક્ક કરતાં હસીને મણિશંકર બોલ્યા, ‘હું વિચારમાં પડી ગયો કે તમે બધા સોગિયું મોઢું કરીને કેમ બેઠા છો ? મોહન મકવાણે તમને દૂભવ્યા હશે કે શું એવું મેં ધાર્યું. એ છે જરા તીખો… એટલે… એટલે ત્યારે, તમે બધા ખરખરે આવ્યા છો, એમ ને ?’ કહીને એમણે રસોડા તરફ લાંબી ડોક કરી બૂમ મારી : ‘વહુ દીકરા…. સાંભળો છો કે ? આ કોલેજના વિદ્યાર્થીઓ મળવા આવ્યા છે…. અડધી અડધી રકાબી બધા માટે ચા મૂકો જોઉં….’
‘નહિ, નહિ, કાકા. આજે નહિ. આજે અમે બધા…’
‘ખરખરે આવ્યા છો, એમ ને ?’ મણિકાકાએ હસીને કહ્યું, ‘વહુ મારી મરી ગઈ છે. હશે, બિચારી ટી.બી.થી પીડાતી હતી…. છૂટી…. પણ…પણ… એનો શોક મને હોય, તમને થોડો હોય ? તમે તો બધા હસતા-કૂદતા વછેરાઓ… વહુ બેટા, ચા મૂકજો હોં… ના, ના, એમ મોઢાં સોગિયાં ન કરો…. પિવાય, પિવાય…. હું કહું છું ને….’

આવા વહાલસોયા મણિકાકાની હૈયામાં કોતરાઈ ગયેલી છબીને ભૂલવા મથીએ તોયે ભૂલાય ખરી ? પોતાની પત્નીના અવસાનને ઘડીભર વિસારી અમને હસતા-રમતા જોવા, એમણે જોડે તે દિવસે ચા પણ પીધી હતી ! પણ મણિકાકાની આટલી ઓળખાણ અમારે માટે હજુ પણ અપૂરતી ગણાય. એમની સાચી ઓળખાણ એક દિવસે અમને થઈ ગઈ.

રૂમ નંબર 37માં રહેતો અમારો એક સહાધ્યાયી કાંતિલાલ સાવલિયા જરા નબળી સ્થિતિનો. એના પિતા ગામડે કરિયાણાની નાનકડી હાટડી ચલાવે. ગામડાગામની નાની દુકાનનો વેપલો બહુ મોટો ન હોય. ચાર આનાની મોરસ, એક આનાની ચાની પડીકી, બે પૈસાનો ગંધારો વજ, બે પળી તેલ કે ચાર પળી ઘાસલેટનો ગલ્લો મોટો ન કહેવાય. છતાંયે, દીકરો ભણીગણીને નોકરીએ પડે ને માસિક બેઠી આવક ઘેર આવે એ આશાએ પેટે પાટા બાંધીને પણ એને ભણાવતો હતો અને મહિને મનીઓર્ડર કરતો રહેતો. પણ, ઉપરાઉપરી બબ્બે મહિના મનીઓર્ડર ન આવ્યું, ટપાલ ન આવી એટલે સાવલિયા મૂંઝાયો. દરરોજ એ મણિકાકાને પૂછે :
‘મારું મનીઓર્ડર છે ?’
‘ના’ પાડતાં મણિકાકાનો જીવ કપાતો પણ બિચારા કરે શું ? એટલે આશ્વાસન આપે – ‘હશે, વહેલું-મોડું થઈ જાય. મોટી ઉંમરના માણસોની યાદશક્તિ ઘસાતી હોય છે. એટલે ભૂલી જવાયું હશે. પણ આવશે. એકાદ પત્તું લખીને પૂછાવી તો જો, ભાઈ….’ પણ ત્રીજે મહિને પણ મનીઓર્ડર ન આવ્યું. સાવલિયાને પરીક્ષા ફી ભરવાની હતી. ન ભરે તો પરીક્ષામાં બેસાય પણ નહિ. મેસવાળો તો ભોજન બિલના પૈસાની કડક ઉઘરાણી કરતો હતો ને….

એક દહાડો મણિકાકા એની રૂમ પર ટકોરા મારી બોલ્યા :
‘કાંતિલાલ સાવલિયા…. તમારું મનીઓર્ડર….’
એ દિવસે સાવલિયાએ મનીઓર્ડર ફોર્મ પર સહી કરી, મણિકાકાના હાથમાંથી પૈસા લેતાં લેતાં જે આનંદ વ્યક્ત કર્યો હતો એવી આનંદમયી મુખમુદ્રા ભાગ્યે જ જોવા મળે. પરીક્ષા પહેલાં સાવલિયા જ્યારે ગામડે વાંચવા ગયો ત્યારે જ એને ખબર પડી કે એના ઘરેથી તો કોઈએ મનીઓર્ડર કર્યું જ નહોતું…..
‘બેટા, તારી બાની માંદગીમાં બધા પૈસા ખર્ચાઈ ગયા, એને હોસ્પિટલ લઈ જવી પડી…. બેટા, ક્યાંથી લાવું પૈસા ? તમારા પત્તાં આવે, પણ શું મોઢું લઈને લખું ?’ એના પિતા આ બધું બોલતા હતા, ત્યારે કાંતિલાલની નજર સામે મણિકાકા દેખાતા હતા. સાવલિયા પરીક્ષા આપવા હોસ્ટેલમાં આવ્યો અને મણિકાકાને રૂમના પલંગ પર બેસાડી પૂછ્યું કે :
‘કાકા, સાચું બોલજો. આ મનીઓર્ડર તમે કર્યું હતું ને !’
તમે માનો છો કે મણિકાકાના મુખેથી એનો સાચો જવાબ મળે ? કાંતિલાલે બહુ મનાવ્યા ત્યારે એ હસીને બોલ્યા : ‘જો ભાઈ, હવે હું આજકાલમાં રિટાયર્ડ થવાનો. આ ઉંમરે તું સોગંદ આપીને મને વાત કહેવરાવવા માગે છે તો હું એટલું કહીશ કે માણસ રિટાયર્ડ થાય છે, ભગવાન ક્યારેય નહિ. બસ, ઈશ્વર પર ભરોસો રાખીને જિંદગી જીવજો….’

મણિકાકા નોકરીમાંથી રિટાયર્ડ થઈ ગયા, પણ પોસ્ટ ઓફિસમાંથી એ ન છૂટ્યા તે ન જ છૂટ્યા. એમણે પોસ્ટ ઓફિસની ફૂટપાથ પરનો એક ખૂણો રોકી દીધો. દરરોજ સવારે ત્રણ-ચાર કલાક ત્યાં એક પેડ રાખીને બેસે. કોઈ અભણને કાગળ લખાવવો હોય તો લખી આપે, મનીઓર્ડરનું ફોર્મ ભરી આપે, કાગળ વાંચી આપે ને ક્યા કાગળ પર કેટલી ટિકિટો લગાડવી એની માહિતી આપે. બધુંય મફત. કોઈ પૂછે કે કાકા, આ કરવાનો ‘ચારજ’ શું ? તો મણિકાકા હસીને કહે – ‘ઘેર જઈને પાંચ વખત શ્રીરામ નામ લેજો. એ મારો ચાર્જ….’ અત્યારે તો મણિકાકા નથી, પણ ક્યારેક એ પોસ્ટ ઓફિસ પાસેથી પસાર થવાનું થાય ને ખાલી ખૂણો જોવાય કે મનોમન મુખેથી શ્રીરામનું નામ નીકળી જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

33 thoughts on “મણિલાલ ટપાલી – ગિરીશ ગણાત્રા”

Copy Protected by Chetan's WP-Copyprotect.