- ReadGujarati.com - http://www.readgujarati.com -

સુખ, શાંતિ અને સફળતા માટે સપ્રમાણતાની જરૂરત – ઉષાકાંત સી. દેસાઈ

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

‘તમારા જીવનનો હેતુ શું ? તમારા પ્રયત્નો શેના માટે છે ? તમે આખરે શું ઈચ્છો છો ?’ આવા સવાલો તમે તમારી આસપાસના સમાજના જુદા જુદા લોકોને પૂછશો તો મોટા ભાગના જે જવાબો હશે, તેમાં ‘સુખ, શાંતિ કે / અને સફળતા’ સમાયેલ હશે. કોઈને દુઃખ, અશાંતિ કે નિષ્ફળતા જોઈતી નથી. કદાચ બે-પાંચ ટકા એવા હશે જે ‘હું મરું પણ તનેય મારું…’ માં માનનારા વિધ્નસંતોષી કે બીજાને દુઃખી કરવા પોતે પણ દુઃખી થવા તૈયાર હોય છે.

હવે સુખ કોને કહેવું ? કે શાંતિ કોને કહેવી ? કે પછી સફળતા કોને કહેવી ? આ બધા પ્રશ્નો પણ ચર્ચાસ્પદ છે ને દરેક પોતાની રીતે એનો જવાબ આપી શકે તેવા વિષયો છે. પોતાની ઈચ્છા ને અપેક્ષા પ્રમાણે બધું થાય તેને ઘણા સુખ કહે છે ને સુખ મળે ત્યારે મનને સંતોષ, આનંદ મળે તેને તે શાંતિ કહે અને આવી સ્થિતિએ પહોંચે ત્યારે પોતે સફળતા મેળવી, તેવું માને. આ કદાચ મોટાભાગને સ્વીકાર્ય લાગે તેવી સુખ, શાંતિ અને સફળતાની વ્યાખ્યા કહી શકાય. તમે કિચન એટલે રસોઈઘર સંભાળતા બહેન હો કે પછી કૅટરર હો તો જ્યારે નાસ્તા કે જમવાના મેનુની જે આઈટમો બનાવો તે સ્વાદમાં, જથ્થામાં, પ્રકારમાં બધી રીતે સપ્રમાણ બને તો સ્વાભાવિક ખાનારા તમારાં વખાણ કરશે. વપરાતા કાચામાલ જેમ કે મસાલા, શાકભાજી, પલ્સ વગેરેનો બગાડ ન થાય તે જોઈ તેના માલિક ખુશ થશે અને પરિણામે તમને તમારા રસોઈકામમાં સફળતા મળશે. આ પ્રકારના તમે કુશળ રસોયા હોવાનું જાણતાં તમને મનમાં શાંતિ મળશે.

તમે જે કોઈ વિદ્યાશાખાના અભ્યાસ કરતા વિદ્યાર્થી હો, બધા વિષયોમાંથી અમુક તમને વધુ ગમતા કે સરળ લાગતા હશે તો એકાદ-બે ન ગમતા, ન ફાવતા એટલે જેને અઘરા ગણો તેવા પણ હશે. હવે જે વિષયો તમને ગમે છે, તેમાં વધુ ને વધુ વાંચતા રહો અને જે અઘરા ગણો છો કે ગમતા નથી તે વિષયો તરફ પૂરતું ધ્યાન ન આપો, પરિણામે અમુક વિષયોમાં નેવું ટકા ઉપર માર્ક મળે ને બીજામાં માત્ર પાસ થવા પૂરતા જ મળે; જેના પરિણામે સરવાળે ટકાવારી ઘટે. ઉદાહરણ રૂપે બારમા વિજ્ઞાનના વિદ્યાર્થીઓમાં ઘણા વિજ્ઞાન, ગણિત જેવામાં ઊંચા ટકા લાવે ને અંગ્રેજીમાં બહુ ઓછા હોય તો કૅરિયર બનાવવામાં મુશ્કેલી થાય. બીજું ઉદાહરણ એમ.બી.એ. કરવા ઈચ્છતા જેઓ કેટની પરીક્ષા આપે છે, તેમાંથી ઘણા ડેટા એનાલીસમાં સારો સ્કોર કરે પણ ઈંગ્લિશમાં ઓછો કરે અથવા રિટન-લેખિતમાં સારી પર્સનટાઈ લાવે પરંતુ ઓરલ-મૌખિકમાં અંગ્રેજીમાં બહુ સારી રીતે ઈન્ટરવ્યૂ ન આપી શકે કે ગ્રૂપ ડિસ્કશન ન કરે તો આઈ.આઈ.એમના દરવાજા સુધી પહોંચવા છતાં એડમિશન ન મળે. બીજા શબ્દોમાં સપ્રમાણતાના અભાવે એક સારું કૅરિયર ગુમાવે છે.

મોટા ભાગના ઉદ્યોગધંધા નિષ્ફળ જવા પાછળ તેના મૅનેજમેન્ટમાં સપ્રમાણતાનો અભાવ જ મુખ્ય કારણ હોય છે. ઘણા સેલ્સલાઈનના તથા માર્કેટિંગનાં જ્ઞાન ને અનુભવને આધારે ટ્રેડિંગ કે મૅન્યુફેક્ચરિંગ પ્રૉજેક્ટ શરૂ કરે પરંતુ ફાઈનાન્સ મૅનેજમેન્ટ કે પ્રૉડકશન મૅનેજમેન્ટ કે હ્યુમન રિસોર્સીસમાં પૂરા જાણકાર ન હોય, તેના લીધે તેમાં પૂરતું ધ્યાન ન આપી શકે કે નબળા પડે. જેથી તેનો ધંધો-પ્રૉજેક્ટ ફેઈલ જાય, બૅંકનું ધિરાણ લીધેલ હોય તો એન.પી.એ. થાય, પોતાની મૂડી પણ ગુમાવવાનો વારો આવે. બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા જાણે છે કે પ્લાનિંગ, ડિઝાઈન તથા કન્સ્ટ્રકશન બધાંમાં સપ્રમાણનું ધ્યાન રાખવું પડે. પાયાનું ચણતર, લોડ બેરિંગ દીવાલો, કેન્ટીલીવરને તેવાં બીમ, લોખંડ, સિમેન્ટ ને રેતીનું પ્રમાણ- દરેકેદરેક બાબતમાં સપ્રમાણતા જાણવવી પડે. જો જાણી-જોઈને કે ભૂલથી સિમેન્ટ ઓછી વાપરે કે સ્ટ્રક્ચરમાં લોડ બેરિંગની ગણતરીમાં ભૂલ કરે તો ઈમારત ધસી પડે ને કડડડ ભૂસ થઈ પડી જાય. માટે જ મકાન-ફલૅટ ખરીદતી વખતે માત્ર બહારનો દેખાવ જ ન જોવાય, બીજું ઘણું જરૂરી જાણવું જોઈએ. 2001માં ધરતીકંપમાં ઘણાને કડવા અનુભવ થઈ ગયા.

સામાજિક કોઈ લગ્ન જેવા પ્રસંગમાં ઘણી બધી બાબતોમાં સપ્રમાણતા જાળવવી પડે. ઉદાહરણ રૂપે સૌપ્રથમ જ્ઞાતિના રિવાજ પ્રમાણે ને સાથે આર્થિક સ્થિતિ પ્રમાણે પૈસાનું બજેટ ને પ્લાનિંગ કરવું પડે. દાગીના ને અન્ય વ્યવહાર, ભોજન ને રિસેપ્શન, કંકોત્રી ને આમંત્રિતો, જાનના ખર્ચા બધાની ગણતરી કરવામાં સપ્રમાણતાનો ખ્યાલ રાખીને ખર્ચ કરવાના હોય. માનો તમે વ્યવહારમાં ઘણું બધું કરો ને ભોજન-રિસેપ્શનમાં કંજૂસાઈ કરો કે કંકોત્રી સાદી છપાવો તો તમારી ટીકા થવાની જ છે.

આજકાલ તંદુરસ્તીની ઘણી વાતો થાય છે. યુવા પેઢી ઉપરાંત નિવૃત્ત ને વૃદ્ધ લોકો પણ હેલ્થ કલબ, જોગિંગ, વૉકિંગ, લાફિંગ કે પછી પ્રાણાયામ-યોગાસનો તરફ વળ્યા છે. ઘણા વજન ઘટાડવા અપવાસ ને ડાયેટિંગ પણ કરે છે, તો ઘણા વધુ પડતું ન્યુટ્રિશન તરફ ધ્યાન આપે છે. આ બધા પ્રકારના હેલ્થ અંગેના પ્રયોગો ને કાળજી લેવામાં જ્યારે સપ્રમાણતા ન જળવાય તો ફાયદાને બદલે નુકશાન થઈ શકે છે. ધારો કે કોઈ વજન જલ્દી ને વધુ ઉતારવા ઉપવાસો વધુ કરે તો કદાચ હૉસ્પિટલમાં દાખલ થવા જેવી સ્થિતિ સર્જાય કે કોઈ રોજના ઘણ બધા માઈલો ચાલવા માંડે તો પગનાં હાડકાંની બીમારી થઈ શકે. ટૂંકમાં ડાયટ, કસરત, આરામ, ટૉનિક ફૂડ બધાંમાં સપ્રમાણતા હોવી જરૂરી છે. આખું જીવન જીવવામાં પણ બાળપણ, યુવાની, નિવૃત્તિ, દરેક તબક્કે માણસે જીવવાનો હેતુ ને પ્રવૃત્તિમાં સપ્રમાણતા રાખવી તેને બરાબર જીવતાં આવડ્યું કહેવાય. ઘણા ભણભણ કરતા રહે, ડિગ્રીઓ એક પછી એક લેવામાં, પરણવા માટે મોટી ઉંમરના, કેટલાક પાત્રીસ-ચાલીસ સુધી પહોંચે; પછી પરણવાથી સરખો ગૃહસ્થાશ્રમ ન જિવાય કે પછી કેટલાક પરણ્યા પછી કૅરિયર બનાવવાની ધૂનમાં બાળકો ન થાય તે ધ્યાન રાખે. પછી ચાલીસ, પિસ્તાલીસની ઉંમરે બાળકો થાય તેનાથી ઘણા પ્રોબ્લેમો જીવનમાં થાય. ઘણા જોબ-નોકરીમાં જ ડૂબેલા રહે ને ફૅમિલી માટે સમય ન કાઢે તેવા પણ લોકો છે. ધંધા-ઉદ્યોગ કે શેરબજારવાળા માત્ર પૈસો, પૈસો, પૈસો કરતા જ જિંદગી જીવતા હોય છે. જિંદગીમાં કમાણી કરવી ને સરખી વાપરવી તેવા સપ્રમાણ જીવનારા ઘણા ઓછા હોય છે ને લાખો-કરોડોનું બૅંક બેલેન્સ વાપર્યા વગર મૂકી મરનારા, નેતા, ઉદ્યોગપતિની સંખ્યા ઘણી મોટી છે.

ટૂંકમાં જીવનની દરેક બાબતોમાં સપ્રમાણતાના નિયમો પાળવા જરૂરી છે. ‘અતિ સર્વત્ર વર્જયેત’ તેવું આપણા વડીલો કહી ગયા છે, તે પાછળ પણ સપ્રમાણતાની જરૂરતની ગણતરી જ છે. દેવ-દેવીની પૂજા કે હવન વગેરે પછી પણ ભક્ત, ક્ષમાયાચનામાં પોતાના આરાધ્ય દેવની ક્ષમા માંગતાં, ‘ન્યૂન કે અધિકતમ’ જે કંઈ થયું હોય તે માટે માફી માંગે છે. વધુ પડતો પ્રેમ કે લાડ કે વધુ પડતી શિસ્ત કે કડકાઈ એ બધાંમાં પણ સપ્રમાણતા રાખવી પડે. લેખક તરીકે મારે પણ, જે જેટલું કહેવાય તે લખાય, ઘણું રૂબરૂમાં જ સમજાવાય, ને સપ્રમાણતા જાણવવી પડે.