ગાંધીજીના જીવનપ્રસંગ – મીલી ગ્રેહામ પોલાક

[‘ગાંધી-ગંગા’ ભાગ-2માંથી ટૂંકાવીને સાભાર. અનુવાદ : ચંદ્રશંકર પ્રા. શુક્લ. સંપાદક : મહેન્દ્ર મેઘાણી.]

મહાત્મા ગાંધીનો પ્રથમ સમાગમ મને 1905માં થયો. હું તે વેળા લંડનમાં હતી. હેનરી પોલાક સાથે મારું સગપણ થયું હતું; પણ તે દક્ષિણ આફ્રિકામાં હતા. એટલે થોડા વખતમાં ત્યાં જઈ શકાશે એવી આશા સેવતી હું દિવસો કાઢતી હતી. પોલાક તે વખતે ગાંધીજીને ત્યાં વકીલાતી કારકુન હતા. ગાંધીજી જોહાનીસબર્ગમાં વકીલાત કરતા હતા.

મારી તબિયત કેટલાક વખતથી બહુ સારી નહોતી ચાલતી. હેનરીના પિતાને ખબર પડી કે હું દક્ષિણ આફ્રિકા જઈ એમના દીકરાને પરણવાની છું એટલે એમણે ગાંધીજીને એવી મતલબનો કાગળ લખેલો કે, ‘તમારી લાગવગ વાપરીને આ લગ્ન અનિશ્ચિત મુદતને માટે મુલતવી રખાવશો, કેમકે છોકરીમાં દક્ષિણ આફ્રિકાનું કઠણ જીવન જીરવવાની તાકાત નથી.’ ગાંધીજીએ એનો જવાબ વાળ્યો, ને ઉપરાંત એક કાગળ મને પણ લખ્યો. એમને મારા જીવનમાં એક પ્રેમાળ ને સમજુ મોટા ભાઈનું સ્થાન મળ્યું. હેનરીના પિતાને તેમણે લખ્યું : ‘એ છોકરીની તબિયત અત્યારે લંડનમાં સારી ન હોય, તો તો તેણે બને એટલું જલદી લંડન છોડવું જોઈએ. દક્ષિણ આફ્રિકામાં એની પ્રેમપૂર્વક કાળજી રખાશે, ને વળી અહીંનાં હવાપાણી સરસ ને રહેણી સાદી છે. એટલે એના શરીરમાં પૂરતી શક્તિ આવી રહેશે.’ મને કાગળ લખ્યો તેમાં ખાતરી આપી કે એમના ઘરમાં મને હેતભર્યો આવકાર મળશે; અને ત્યાં મારા ભાવિ પતિ કુટુંબીજન તરીકે રહેતા હોઈ, મારી પણ પૂરેપૂરી કાળજી રાખવામાં આવશે.

આ પછી 1905ના ડિસેમ્બર માસની 30મી તારીખે પરોઢિયે હું જોહાનીસબર્ગના સ્ટેશને ગાડીમાંથી ઊતરી. ગાંધીજી અને પોલાક મને લેવા આવેલા તે પ્લૅટફૉર્મ પર ઊભા હતા. ઊંચાઈ મધ્યમ; બાંધો કંઈક પાતળો; ચામડી બહુ કાળી નહીં; મોંના હોઠ જરાક જાડા; મૂછ નાની ને કાળી; આંખોમાં જેનો જગતમાં જોટો ન મળે એવો દયાભાવ; અને બોલે ત્યારે અંતરનું તેજ આંખોમાં ચમકી ઊઠે; – આવી ગાંધીજી વિષેની પહેલીવહેલી છાપ મારા મન પર પડી. એમના આખા શરીરમાં આંખો હંમેશાં સહુથી વધારે ધ્યાન ખેંચતી. વસ્તુતઃ એ એમના આત્માના પ્રદીપરૂપ હતી. સામેનું માણસ એમાંથી એમના અંતરનો ભાવ કેટલો બધો વાંચી શકતું ! તેમનો અવાજ ધીમો, મધુર કહી શકાય એવો હતો, અને જાણે (નાના) છોકરાનો અવાજ હોય એટલી સ્ફૂર્તિ એમાં હતી. મેં જોયું કે પરિવારમાં તે વખતે ગાંધીજી પોતે, તેમનાં પત્ની કસ્તુરબા, ને તેમના ત્રણ દીકરા – અગિયાર વરસનો મણિલાલ, નવ વરસનો રામદાસ, ને છ વરસનો દેવદાસ – તાર ખાતામાં નોકરી કરતો એક જુવાન અંગ્રેજ, ગાંધીજીનો આશ્રિત એક હિંદી છોકરો, અને પોલાક, એટલાં માણસ હતાં. એમાં મારો ઉમેરો થયો.

અમારે તરતમાં ક્યાં રહેવું ને શું કરવું એની ચર્ચા અમે ત્રણ જણે બપોરે કરી. છોકરા નિશાળે જતા નહોતા; ઘરે ભણતા, પણ ભણતર વ્યવસ્થિત ચાલતું નહોતું. પિતા સવારે કામે જાય તે પહેલાં લેસન કરવાનું આપી જાય; ને સાંજે આવી તે તપાસે ને સુધારે. એટલે મેં એમને રોજ સવારે ત્રણ કલાક ભણાવવાનું માથે લીધું; અને તેમને અંગ્રેજી, વાચન-લેખન, ગણિત ને સરળ વ્યાકરણ એટલું શીખવવાની યોજના કરી. બીજું એમ નક્કી થયું કે મારા પતિએ ને મારે ઓછામાં ઓછું હાલ તુરત તો એ ઘરમાં જ કુટુંબીજન બનીને રહેવું. કસ્તુરબા ઝાઝું અંગ્રેજી બોલતાં નહોતાં. પહેલે દહાડે અમે મળ્યાં તે પણ સહેજસાજ. પણ પછી તો લગભગ તરત જ ગાંધીજી અને મારા પતિ ઑફિસે ચાલ્યા ગયા, એટલે અમારે બેને એકલાં સાથે રહેવાનો પ્રસંગ આવ્યો. અમે થોડા જ વખતમાં જેમતેમ કરીને કંઈક વાતચીત કરી ને આનંદ મેળવ્યો. થોડા વખતમાં બાનું અંગ્રેજી સુધર્યું. પછી તો અમારા જે થોડાક ગોરા મિત્રો હતા તેમને ઘેર અમે મળવા જઈએ ત્યાં બા વાતચીતમાં ભાગ લેતાં. થોડા દિવસમાં અમે સહુ અમારા નવા જીવનમાં ગોઠવાઈ ગયાં. અમારો દિવસનો કાર્યક્રમ ભરચક હતો. સવારે સાડાછ વાગ્યે પુરુષો બધા તે દિવસે વાપરવાના લોટ માટે ઘઉં દળવા ભેગા થતા. કોઠારમાં એક મોટી હાથચક્કી રાખેલી હતી, ને રોજ સવારે દસથી પંદર મિનિટ દળવામાં જતી. ઘંટીના અવાજની સાથે વાતચીત ને ખડખડાટ હસવાનો અવાજ પણ ભળતો.

ઘણીખરી માતાઓની પેઠે બાને પણ પોતાના છોકરાઓ વિષે મનમાં ગર્વ હતો, ને તેઓ દુનિયામાં સારા દેખાય ને આગળ આવે એવી ઈચ્છા હતી. એમની અનેક ઈચ્છાઓમાં એક એ હતી કે છોકરાઓને સરસ કપડાં પહેરાવવાં. તેમને એકલાંને બાદ કરતાં ઘરમાં બધાં માણસો યુરોપિયન ઢબનો પોશાક પહેરતાં. એટલે, કોઈ છોકરા માટે બૂટ કે કપડાં જોઈએ, ને ગાંધીજી એની વાત ધ્યાનમાં નથી લેતા એમ દેખાય, ત્યારે બા મને કહે : ‘તમે બાપુને વાત કરો.’ અને હું કરતી. આવી માગણીઓમાંથી ઘણી વાર ગાંધીજી ને મારી વચ્ચે ચર્ચા થતી. હું કહેતી કે બાળકો જે જમાનામાં જે દેશમાં રહેતાં હોય તેનો વિચાર કરી તેઓ સુઘડ દેખાય એવો પહેરવેશ ને બીજી ચીજો એમને અપાવી જોઈએ. ગાંધીજી કાં તો એ વસ્તુઓની જરૂર વિષે ભારે શંકા બતાવે; અથવા કહે કે, ‘છોકરાઓ પાસે માલમતા ભેગી થાય, અથવા જે ચીજો આત્મદર્શનમાં આડે આવે તે ચીજોની ઝંખના કરતાં તેઓ શીખે, એમ હું ઈચ્છતો નથી.’ આ નાનકડા કુટુંબમાં સાંજનો જમવાનો સમય લગભગ હંમેશાં ઘણા આનંદમાં પસાર થતો. આખું કુટુંબ દિવસમાં પહેલી જ વાર એ વખતે ભેગું થતું. અને ઘણીવાર મહેમાનો પણ આવેલા હોય, એટલે રોજ સાંજે દસથી ચૌદ માણસ જમવા બેસતાં. જમતા કલાક ઉપર સહેજે નીકળી જાય. સામાન્ય રીતે સાંજનો જમવાનો એ વખત હળવી વાતચીતમાં પસાર થતો. એ જૂના વખતમાં ગાંધીજીમાં વિનોદની વૃત્તિ બહુ તીવ્ર હતી. કંઈક રમૂજવાળી વાત આવે કે તેઓ ખડખડાટ હસી પડતા.

હિંદુ ધર્મમાં જીવનની જુદી જુદી અવસ્થાઓના ભાગ પાડનારી જે આશ્રમવ્યવસ્થા છે તેની ઉપયોગિતા ગાંધીજી ઘણીવાર સમજાવતા : બચપણનો સમય; તેમાં બાળકને માતાપિતાની હૂંફ અને કાળજીભરી દેખરેખમાં ઊછરવાનું હોય. પછી વિદ્યાર્થીદશા; તેમાં વિકાસ પામતા શરીર ઉપર બુદ્ધિ અંકુશ મેળવવા લાગે છે. પછી ગૃહસ્થાશ્રમ; તેમાં માણસને કુટુંબના નિર્વાહની જવાબદારી ઉઠાવવી પડે છે અને સ્ત્રી તથા બાળકની સંભાળ પાછળ પોતાની બધી શક્તિ વાપરવી પડે છે. છેવટે, વાનપ્રસ્થ અને સંન્યાસ. માણસ સખત પરિશ્રમનો કાળ પૂરો કરે તે પછી એવો સમય આવે છે જેમાં તે સંસારમાંથી, તેની મૂંઝવણો ને મહેનતોમાંથી નિવૃત્તિ લઈ શકે છે; અને એકાંતમાં જઈ પરમાત્માનાં દર્શન માટે સાધના કરી શકે છે. એકવાર ગાંધીજી આ વિષયનું વિવેચન કરતા હતા તેનો જવાબ દેવાને હું બોલી ઊઠી : ‘એ તો બધું બરાબર છે. એ વાત સાંભળતાં તો સુંદર લાગે છે. પણ તમે જે છેલ્લી અવસ્થા ગણાવી તેમાં સ્ત્રીને શું સ્થાન ? હિંદુ તત્વવિચારમાં સ્ત્રીને માટે એવો કાળ તો કદી આવતો નથી લાગતો, જ્યારે સ્ત્રી સંસારની ચિન્તાઓ કોરે મૂકીને આત્મજ્ઞાનની સાધનામાં પરોવાઈ શકે, ને એમ કરીને પરલોકને માટે પોતાના આત્માને તૈયાર કરી શકે.’
‘ઓહો,’ ગાંધીજીએ હાથ ઊંચો કરી આંગળી ચીંધીને કહ્યું : (એમ કરવાની એ દિવસોમાં એમને ટેવ હતી.) ‘એની ખૂબી તમે સમજ્યાં નહીં. સ્ત્રીને જંગલમાં જઈ એકાન્ત સેવવાની કે ઈશ્વરચિન્તન કરવા માટે સંસારનો ત્યાગ કરવાની જરૂર જ નથી. એ તો પરમેશ્વરને નિરંતર જુએ છે. વિવાહિત જીવન અને બાળકોની સંભાળ, એ સિવાય સ્વર્ગની તૈયારી માટે બીજી કોઈ નિશાળે જવાની એને જરૂર નથી.’
‘હા.’ હું પાછી વચ્ચે બોલી ઊઠી, ‘પણ પુરુષ આત્મા સાથે સમાધિ સાધવા બેસે તે દરમિયાન સંસારનો ભાર વહ્યા કરવાનું સ્ત્રીને પસંદ ન હોય તો ? તેને પણ ધ્યાન અને ચિંતનને કાળ શા સારુ ન મળવો જોઈએ ? પુરુષે પોતાને માટે આવા નિયમ બનાવ્યા; તેમાંથી સ્ત્રીને શા સારુ બાતલ રાખી ?’
‘એને જરૂર નહોતી તેથી,’ ગાંધીજીએ સહેજ હસતાં હસતાં કહ્યું. હું ચૂપ રહી. પણ મારા મનને સંતોષ થયો નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “ગાંધીજીના જીવનપ્રસંગ – મીલી ગ્રેહામ પોલાક”

Copy Protected by Chetan's WP-Copyprotect.