અનુપમ લઘુકથાઓ – સંકલિત

[1] સંતોષનું સ્મિત – હાર્દિક યાજ્ઞિક

[રીડગુજરાતીને આ લઘુકથા મોકલવા માટે હાર્દિકભાઈનો (નડિયાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hardikyagnik@rediffmail.com અથવા આ નંબર પર +91 9879588552 સંપર્ક કરી શકો છો.]

સ્ટ્રેચર પરથી ઊંચકીને પથારી પર સુવાડતા જ્યોતિ બોલી : ‘લ્યો, આ તમારો દીકરો આવી ગયો.’ રમણિકલાલના હૃદયમાં ઊંડે ઊંડે પડઘા પડવા લાગ્યા કે દીકરો આવી ગયો… માંડ માંડ આંખો ઉંચકવાનો નિરર્થક પ્રયત્ન પણ તે ઊડું ઊડું થતા ખોળિયાએ કરી જોયો. હાથ થોડા ઘણા ફરક્યાં. આવેલા દીકરાએ પણ હાથમાંની બેગ બાજુમાં મૂકીને બેઉ હાથ વડે ખૂબ જ હેતથી રમણિકલાલના હાથ પકડી લીધા.

જ્યોતિ સિસ્ટરે ડોકું ધીમેથી હલાવીને ‘હવે વધુ સમય નથી…’ નો મૌન સંદેશો દીકરા સુધી વગર શબ્દે પહોંચાડ્યો. રમણિકલાલના મોં પર આજે દસ દિવસે કંઈક નવો સંતોષ હતો. લગભગ બે કલાક સુધી આમ ને આમ દીકરા અને બાપ વચ્ચે એક પણ શબ્દ વગરની ઘણી બધી ચર્ચા થઈ. બંનેમાંથી કોઈ હાલ્યું નહીં. હવે રાતના અગિયાર થયા હતા. વોર્ડમાં છૂટાછવાયા ઉંહકારા અને ઉધરસ સિવાય શાંતિ હતી. ઘણા સમયથી પિતાનો હાથ પકડીને બેઠેલા દીકરાને જોઈને સિસ્ટરે દીકરાને બહાર બાંકડે જઈને આરામ કરવાની સલાહ આપી. દીકરાએ ફક્ત ડોકું ધુણાવ્યું અને ફરીથી એક હાથે પકડેલા પિતાના હાથને બીજા હાથે પ્રેમથી પંપાળતો રહ્યો.

લગભગ બે કલાક બાદ અચાનક જ એક નાનકડો પરંતુ કંઈક જુદો જ અવાજ સંભળાયો અને દીકરાના હાથમાં પકડેલ બાપનો હાથ નિર્જીવ બની ગયો. દીકરાએ નર્સને બોલાવી. બધાને આ સમય આવવાનો છે તેની જાણ હતી. કંપાઉન્ડરો યંત્રવત રીતે રમણિકલાલના અચેત શરીર પરથી ઑક્સિજન માસ્ક અને બીજા યંત્રો દૂર કરવા માંડ્યા. જ્યોતિ સિસ્ટરે માનવતા બતાવતા દીકરાના ખભે હાથ મૂકીને કહ્યું :
‘ઈશ્વર જે કરે છે તે ભલા માટે જ કરે છે. ઘણા વખતથી બિચારા એકલા એકલા રિબાતા હતા. ભગવાન એમના આત્માને શાંતિ આપે. આમ તો ઘણા સારા માણસ હતા….’
તે પાછળ ફરીને બોલ્યો : ‘હા, લાગ્યું જ કે કોઈ સારા માણસ હતા. પરંતુ તેઓ કોણ હતા ?
સિસ્ટર આશ્ચર્યમાં પડી ગયા અને બોલ્યાં : ‘અરે ! શું વાત કરો છો ? હોશમાં તો છો ને ? આ તમારા પિતા હતા.’

ખૂબ સ્વસ્થતાથી તેણે જવાબ આપ્યો : ‘ના, હું એમનો દીકરો નથી. મારા પિતાજી તો મારી ઘરે છે. હા, કદાચ હું આ કાકાના દીકરા જેવો થોડો દેખાતો હોઈશ. હું તો અહીં હોસ્પિટલના ઑપરેશન થિયેટરનું જનરેટર ઈમરજન્સીમાં ઠીક કરવા માટે રાત્રે આવ્યો હતો. હું કામ પતાવીને રિસેપ્શન પર આવ્યો અને મારું નામ કહ્યું તો આપ મને અહીં લઈ આવ્યા. પહેલાં તો મને લાગ્યું કે આપ મને ચેક અપાવવા માટે ડૉકટર સાહેબ પાસે લઈ જાઓ છો. પરંતુ તમે તો મારી ઓળખાણ આ કાકાના દીકરા તરીકે કરાવી ! ખબર નહીં કેમ, પરંતુ મને થયું કે મને જેટલી ચેકની જરૂર છે તે કરતાં આ કાકાને મારી વધારે જરૂર છે. ઉંમર અને માંદગીના સમન્વયે કદાચ એમણે મને પોતાનો દીકરો માની લીધો. તમે નહીં માનો સિસ્ટર, પણ છેલ્લા ચાર-પાંચ કલાકમાં મેં એમની સાથે કંઈ કેટલીયે વાતો મૌનથી કરી. ચાલો, કંઈ નહીં તો મરનાર વ્યક્તિના ચહેરા પર રમતા સંતોષના છેલ્લા સ્મિત બનવાનું સદભાગ્ય તો ઈશ્વરે મને આપ્યું. ડૉકટર સાહેબને કહેજો કે મારો ચેક ન બનાવે અને બની શકે તો તેમાંથી આ કાકાનું બિલ ભરી દે.’ આમ કહીને બે હાથ જોડીને રમણિકલાલના શબને પ્રણામ કરી તે યુવાન ચાલતો થયો.

એક અજબ આશ્ચર્ય સાથે જ્યોતિ સિસ્ટર એને રોકવા જાય ત્યાં તેની નજર રમણિકલાલના નિર્જીવ શરીર પર પડી. ત્યાં બધું જ મૃત્યુ પામેલું હતું. ફક્ત જીવંત હતું તો પેલું સંતોષનું સ્મિત…
.

[2] વારસાગત – દુર્ગેશ ઓઝા

[રીડગુજરાતીને આ લઘુકથા મોકલવા માટે દુર્ગેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9898164988 અથવા આ સરનામે durgeshart@yahoo.in સંપર્ક કરી શકો છો.]

ઘણા વર્ષોથી રામશંકરના કુટુંબનું અને એમની જમીનનું તન-મનથી જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો. ટાઢ, તડકો કે વરસાદ – કશુંય ગણકાર્યા વિના તેણે ફળ, શાકભાજી અને અનાજનો મબલખ પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી આપી હતી. તેની આવી મહેનતનો બદલો વાળવાનો શુભવિચાર રામશંકરને આવતા એમણે જમીનનો એક ટુકડો કાઢી આપતાં કહ્યું’તું : ‘મગન, મારા હૃદયના એક ટુકડાને જમીનનો એક ટુકડો આપું છું. આમાં તારું ખેતર અને મકાન, બંને બનાવજે. આજથી આ જમીન તારી.’

પરંતુ કશું પાકું લખાણ થાય એ પહેલાં તો રામશંકરે દેહ છોડી દીધો હતો. અને બન્યું એવું કે મગનની જમીનમાં મબલખ પાક લહેરાયો ને રામશંકરના પુત્ર મોહનના ખેતરમાં પાક નિષ્ફળ ગયો ! સ્વજનોએ સલાહ આપી : ‘મોહન, જરા વહેવારુ બન. મગન પાસે માલિકીનું કોઈ લખાણ નથી. આંકડે મધ છે; ને એય માખો વગરનું… ચાલ અમારી સાથે….’

મોહન શેઠને મગન સહર્ષ આવકારી રહ્યો.
‘આવો આવો નાના શેઠ. તમારા પ્રતાપે અને રામશંકરકાકાની કૃપાએ આજે મારી જમીનમાં સોનાનો સૂરજ……’
‘આ જમીન તારી છે એનો કાયદેસરનો કોઈ આધાર પુરાવો છે તારી પાસે ?’
‘મારે મન તો રામશંકરકાકાનો બોલ એ જ એની સાબિતી, નાના શેઠ.’
‘એ ન ચાલે. આ જમીન તારી નથી. લે આ કાગળિયાં, ને કર સહી એટલે છેડો ફાટે.’
મોહનના આ શબ્દોથી મગનને જમીન હાથથી સરી જતી લાગી. દોસ્ત સમી જમીન જમીનદોસ્ત થતી લાગી. ધ્રુજતા હાથે સહી કરી મગન રડી પડ્યો અને સૌ અટ્ટહાસ્ય કરી રહ્યાં.
મોહન બોલી ઊઠ્યો : ‘હવે કામ પૂરું. હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માંગે. મુરખ, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. સાચવ તારો આ દસ્તાવેજ.’ સ્તબ્ધ સ્વજનો પ્રશ્નસૂચક નજર માંડી રહ્યાં એટલે મોહને ‘મોહ’ને હડસેલતાં કહ્યું, ‘હું રામશંકરનો દીકરો છું, સમજ્યા ?’
.

[3] નોકરી – રવજીભાઈ કાચા

[‘અખંડ આનંદ’ નવેમ્બર-2011માંથી સાભાર.]

‘મમ્મી…. મમ્મી……’ નિશાળેથી આવતાં જ અંકિતે બૂમ પાડી. આંગણામાં નોકરાણી રાધા ઊભી હતી. તેને નવાઈ લાગતાં બોલી :
‘અંકિતભાઈ, આજ કંઈ વધુ ખુશમાં લાગો છો ને ?’
અંકિતે મૂંગે મોંએ જેમ તેમ, ખાધું ન ખાધું ને ઊભો થઈ ગયો. સોફામાં બેસી વિચારે ચડી ગયો.
‘રાધા, એક પ્રશ્ન પૂછું ?’ અંકિતે રાધાને પૂછ્યું.
‘હા…હા… પૂછો.’ પ્રસન્ન થઈ રાધા બોલી.
‘પીન્કીને ફરી બીમાર પાડવી હોય તો શું કરવું પડે ?’
અંકિતનો પ્રશ્ન સાંભળી રાધાની આંખો ચાર થઈ ગઈ. તેને વિશ્વાસ નહોતો આવતો કે અંકિત પોતાની નાની બહેન વિશે આવું વિચારતો હશે.
‘એવું કેમ પૂછો છો અંકિતભાઈ ? પીન્કી તો હજી હમણાં ટાઈફૉઈડમાંથી ઊભી થઈ છે. આવો વિચાર તમને કેમ આવ્યો ? એ તમારી નાની ને પ્યારી બહેન છે.’
‘તું નહીં સમજી શકે, રાધા.’ કહી અંકિત પોતાના સ્ટડીરૂમમાં ચાલ્યો ગયો.

સાંજે અંકિતના પપ્પાને રાધાએ અંકિતે કરેલી વાત કહી. પપ્પાએ અંકિતને બોલાવી કંઈ પણ જાણ્યાજોયા સિવાય એક થપ્પડ લગાવી દીધી. એટલામાં મમ્મી આવી. મોં ચડાવી રડતા અંકિતને જોઈ મમ્મીએ માથે હાથ ફેરવી પૂછ્યું :
‘બેટા, શું થયું ? કેમ રડે છે ?’ જવાબ દીધા સિવાય અંકિતે મોં ફેરવી લીધું.
‘મેં એને માર્યું એટલે ભાઈ રડે છે.’ પપ્પાએ ગુસ્સામાં કહ્યું.
‘શા માટે તમે અંકિતને માર્યું ?’
‘જરા પૂછ તારા લાડકાને કે એ પિન્કી વિશે શું વિચારે છે ?’
‘શું થયું પિન્કી સાથે, બેટા ? તારું કંઈ એણે તોડી ફોડી નાંખ્યું ?’
‘એ શું બોલવાનો હતો ? એ રાધાને પિન્કીને હજી બીમાર પાડવાનો ઉપાય પૂછતો હતો.’ સાંભળતાંની સાથે જ મમ્મીએ પણ જોરદારની એક થપ્પડ ગાલ પર ચોડી દીધી. કાન પકડી બોલી, ‘તારી નાની અઢીત્રણ વરસની બહેન માટે આવું વિચારે છે ? એ તને ક્યાં આડી આવી ? મને તો તને બેટા કહેવામાં પણ શરમ આવે છે.’ કહેતી મમ્મી ગુસ્સામાં ઊભી થવા જાય છે ત્યાં અંકિત મમ્મીનો હાથ પકડી રડતાં રડતાં બોલ્યો :
‘મમ્મી, તું અને પપ્પા વિચારો છો એવું નથી. પિન્કી તો મારી લાડલી, વહાલી બહેન છે. હું એને ખૂબ પ્યાર કરું છું પણ મમ્મી…..’
‘તો પછી તારા મોઢામાંથી…..’
‘મમ્મી, પિન્કી પંદર દિવસ બીમાર હતી તો તું ઘેર રહેતી હતી. નિશાળેથી સીધો આવી તારા ખોળામાં બેસી કેવી બધી વાતો કરતો હતો. મારે નિશાળેથી આવી તારી સાથે વાતો કરવી હોય પણ તું તો…. ઘેર જ નથી હોતી. આજ મને ટેસ્ટમાં ગણિતમાં સોમાંથી સો માર્કસ મળ્યા તેની ખુશ ખબર તને આપવી હતી. પણ….’ મમ્મી અંકિતને છાતીએ ચાંપી ચોધાર આંસુએ રડી પડી. ધીરેથી કહ્યું : ‘બેટા, મારી ભૂલ થઈ ગઈ. કાલથી મારું નોકરીએ જવાનું બંધ.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

40 thoughts on “અનુપમ લઘુકથાઓ – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.