શિક્ષા – યશવંત ઠક્કર

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી યશવંતભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : asaryc@gmail.com ]

નિશાળેથી આવીને બિરજુએ દફતર, ચૂપચાપ ટેબલ પર મૂકી દીધું અને સીધો બાથરૂમમાં જઈને હાથપગ ધોવા માંડ્યો. આમ તો તે નિશાળેથી બે-ચાર વાતો લઈને જ આવતો અને મમ્મી-પપ્પાને સંભળાવતો. પણ જે દિવસે તેનાથી નાનુંમોટું તોફાન થઈ ગયું હોય તે દિવસે પપ્પાથી ડરતાં ડરતાં જ ઘરમાં પગ મૂકતો. જયવદનને ખ્યાલ આવી ગયો કે આજે બિરજુએ નિશાળમાં કે રસ્તામાં કશી હરકત કરી હશે.

‘બિરજુ, અહીં આવ.’ જયવદને બૂમ પાડી. બિરજુ મોઢું લૂછતો બાથરૂમની બહાર આવ્યો. તેણે પપ્પાની ઉલટ તપાસનો અનુભવ હતો.
‘આજે નિશાળમાં શું થયું હતું ? બોલ….’ જયવદને ગુસ્સામાં કહ્યું.
‘પપ્પા, મેં પાટલી નહોતી પછાડી તો પણ મારા સારે મને શિક્ષા કરી.’ બિરજુએ રડમસ અવાજમાં જવાબ આપ્યો. બિરજુનો આટલો જવાબ જયવદનને ઉશ્કેરવા માટે પૂરતો હતો. તેમણે બિરજુના ગાલ પર એક તમાચો લગાવી દીધો.
‘તારાં તોફાન બંધ થવાના જ નથી.’ એમણે ઘાંટો પાડ્યો.
‘પણ પપ્પા, હું સાચું કહું છું. મેં પાટલી પછાડી જ નહોતી.’
‘હા,હા….તું સાચો ને તારાં સર જુઠા. કેમ ? સારું કર્યું કે તને શિક્ષા કરી. તું એ જ લાગનો છે.’
‘મને શિક્ષા નહોતા કરવાના…. પણ….’ બિરજુ બોલતાં તો બોલી ગયો પણ પછી અટકી ગયો.
‘બોલ… આગળ બોલ….’ જયવદને સખ્તાઈથી કહ્યું.
‘મેં કબૂલ ન કર્યું એટલે મને શિક્ષા કરી. ખાલી એક જ પિરિઅડ મને ઊભો રાખ્યો.’ બિરજુએ કારણ જણાવ્યું ને સાથે સાથે શિક્ષા બહુ આકરી નહોતી એ પણ જણાવ્યું. કદાચ એનાથી પપ્પા શાંત પડી જાય.

પણ બિરજુની નાની-મોટી હરકતોથી ઉશ્કેરાઈ જનારા જયવદનનો ગુસ્સો ઘટવાને બદલે વધતો જતો હતો.
‘એક તો તું ભૂલ કરે ઉપરથી કબૂલ ન કરે તો તને શિક્ષા ન કરે તો શું કરે ? તેમણે બીરજુને બીજો તમાચો મારવા માટે હાથ ઉગામ્યો.
‘પણ પપ્પા, મેં પાટલી પછાડી જ નહોતી તો શા માટે કબૂલ કરું ?’ બીજો તમાચો ખાવાની તૈયારી સાથે ડરતાં ડરતાં છતાંય મક્કમતા પૂર્વક બોલાએલા બીરજુના શબ્દોએ જયવદનના ઊંચા થયેલાં હાથને થંભાવી દીધો.
‘તો પણ માની લેવાની. નહિ તો સરની આંખે ચડી જઈએ.’ તેણે સહેજ ઠંડા પડતાં કહ્યું. બિરજુને તમાચો મારવા માટે ઉગામેલો હાથ તેણે બિરજુના ખભા પર મૂક્યો.
‘પણ પપ્પા, હું જૂઠી માફી શા માટે માંગુ ?’ …ને જયવદન જોઈ રહ્યા…. બિરજુના ગાલ પર ઉપસેલા સોળોને, બિરજુની ભીંજાયેલી આંખોને, બિરજુના ફફડતા હોઠોને અને આ બધાંની વચ્ચેથી માર્ગ કરતી ચહેરા પરની મક્કમતાને. એ જ ક્ષણે જયવદન જઈ પડ્યાં પચ્ચીસ વર્ષો પહેલાંના એમના પોતાના ભૂતકાળમાં. ત્યારે તેઓ બિરજુ જેવડા હતાં અને ચોથા ધોરણમાં ભણતા હતાં. ભૂતકાળનો એક પ્રસંગ યાદ આવતાં જ તેમનો ઉશ્કેરાટ શમી ગયો. છતાંય બિરજુની સામે એકદમ ઠંડા પડવું તેમને ઠીક લાગ્યું નહિ. તેમને ગુસ્સો જાળવી રાખવાની કોશિશ કરતાં કહ્યું : ‘જા હું પણ તને શિક્ષા કરું છું. આજે તારે રમવા નથી જવાનું.’ જયવદન ખુરશી પર બેસીને આંખો મીંચી ગયા. પચીસ વર્ષો પહેલાનો એ પ્રસંગ તેમની આંખો સમક્ષ વારંવાર ભજવાતો રહ્યો.

ત્યારે તેમનું નામ જયુ હતું. જયુનું ગામ નાનકડું હતું. એવી જ નાનકડી ગામની નિશાળ હતી. ગામના મોટાભાગનાં લોકો ખેતી અને પશુપાલનના કામમાં જોડાયેલાં હતાં તેથી તેમના છોકરાં નિશાળમાં વારંવાર ગેરહાજર રહેતાં. ગામમાં વર્ષોથી જે શિક્ષક હતાં તે ગામલોકોની પરિસ્થિતિ સમજીને છોકરાંની ગેરહાજરી ચલાવી લેતા. જયુ ચોથા ધોરણમાં આવ્યો ત્યારે એ જૂના શિક્ષકની બદલી થઈ અને નવા શિક્ષક આવ્યા. તેઓ છોકરાંઓને સુધારવાની બાબતમાં અતિ ઉત્સાહ દાખવવા લાગ્યાં. ખેડૂતના જે છોકરાં મેલાં કપડાં પહેરીને આવ્યાં હોય તેમને કપડાં બદલવા માટે ઘેર પાછા મોકલવા લાગ્યા. જો કે બીજી જોડ કપડાંના અભાવે તેમાંથી ઘણાખરાં છોકરાં પાછાં ફરતાં જ નહિ.

એક વખત તો એવું બન્યું કે કાયમ ગેરહાજર રહેતી રતુડીને બોલાવવા કેટલાક છોકરાઓને મોકલ્યા તો તેની મા, નાની ભરવાડણ ગાળો બોલતી બોલતી નિશાળમાં આવીને શિક્ષકને કહેવા લાગી કે : ‘મારી રતુડી નિશાળે આવશે તો છાણ ભેગું કરવા કોણ તારો બાપ જાશે ?’ ત્યાર પછીથી ક્યારેય એ શિક્ષકે રતુડીને બોલાવી લાવવાનો આગ્રહ રાખ્યો નહિ. આવાં બીજા પણ અનુભવો થવા છતાં નિશાળની કાયાપલટ કરવાનો તેમનો ઉત્સાહ ઘટ્યો નહીં. છોકરાઓ તોફાન કરે કે જૂઠું બોલે તો તેઓ છોકરાઓને અંગૂઠા પકડાવતા અને ફૂટપટ્ટીથી ફટકારતા. શિક્ષક વિદ્યાર્થીઓને મારે એમાં ગામલોકોને કશું અજુગતું લાગતું નહીં.

એ શિક્ષકનું નામ રસિકલાલ હતું. ગામલોકો તેમને ‘રસિક માસ્તર’ કહેતાં. જ્યારે ઉનાળાના ધગધગતા દિવસો આવ્યાં ત્યારે ફેરિયાઓ કુલ્ફીનાં ડબલાં લઈને ‘ઠંડી કુલફી મલાઈ’ની બૂમો પાડતાં ગામમાં ફરવા માંડ્યા. છોકરાઓ કુલ્ફી માટે કજિયા કરીને માબાપ પાસેથી પૈસા લઈને દોડવા લાગ્યા. રસિક માસ્તરે નિશાળમાં ખૂબ જ સખત શબ્દોમાં છોકરાઓને કહી દીધું કે : ‘કુલફી ખરાબ પાણીમાંથી બનતી હોય છે માટે કોઈએ ખાવી નહિ. જે કોઈ કુલફી ખાતું જોવાં મળશે એને હું શિક્ષા કરીશ.’ ત્યારથી જે કોઈ છોકરું કુલફી ખાતું તે ડરતાં ડરતાં અને રસિક માસ્તરથી સંતાઈને ખાતું. કોઈ છોકરું બજાર વચ્ચે કુલફી ખાવાની હિંમત કરતુ નહીં. આવા જ એક દિવસે જયુ બપોરની રિસેસ ભોગવીને નિશાળમાં પાછો ફર્યો કે તુરત જ રસિક માસ્તરે તેણે બોલાવ્યો.
‘કેમ, કેવી લાગી કુલફી ?’ તેમણે પૂછ્યું. જયુ તો આ સવાલથી હેબતાઈ ગયો. તે કશો જવાબ આપે તે પહેલાં તો એક તમાચો તેના ગાલ પર પડી ગયો.
‘મેં કેટલી વાર કહ્યું હતું કે કોઈએ કુલફી ખાવાની નથી. કહ્યું હતું કે નહિ ?’
‘હા.’ જયુએ રૂંધાતા અવાજમાં જવાબ આપ્યો.
‘તો કેમ ખાધી ? માંદા પડવું છે ?’
‘પણ સાહેબ, મેં નથી ખાધી.’
‘એમ ! ખોટું બોલે છે ? રિસેસમાં બજાર વચ્ચેથી કુલફી ખાતું ખાતું તારી ખડકીમાં કોણ ગયું હતું ?’
‘એ હું નહોતો સાહેબ. મારાં ફૈબાનો છોકરો આફ્રિકાથી આવ્યો છે એ હતો.’
‘વાહ ! મને ઊઠાં ભણાવે છે ? આફ્રિકાથી આવ્યો હોય એ તારાં જેવો ન હોય.’
જયુને કહેવાનું મન થઈ આવ્યું કે સાહેબ એ તો એની બાને ડોકરી કહે છે અને ક્યારેક ગાળો પણ બોલે છે. પરંતુ સાહેબ એની કોઈ વાત સાંભળવા માટે તૈયાર જ નહોતા. સાહેબ ધમકાવતા રહ્યા કે:
‘કુલફી ખાધી છે એ વાત કબૂલ કર’ અને જયુ રડતાં રડતાં બચાવ કરતો રહ્યો કે ‘મેં નથી ખાધી સાહેબ. સાચું કહું છું.’ છેવટે સાહેબે જયુને નિશાળ છૂટે ત્યાં સુધી ઊભાં રહેવાની શિક્ષા કરી. તેમણે એ પણ કહ્યું કે : ‘જો ભૂલ કબૂલ કરી લઈશ તો બેસાડી દઈશ.’ જયુ નિશાળ છૂટે ત્યાં સુધી ઊભો રહ્યો.

તે ઘેર પહોંચ્યો તે પહેલાં આ વાત તેના ઘરે પહોંચી ગઈ હતી. જયુની બા તો એકદમ ઉકળી ઊઠી. ‘એ નવી નવાઈનો ગામને સુધારવા આવ્યો છે. અમે તો વરસોથી અમારા છોકરાને કુલફી ખાવાં નથી દેતાં. એ ખોટું નામ શાનો લે ?’ તેમણે જયુના બાપાને કહ્યું પણ ખરું કે
‘જાવ. અત્યારે જ માસ્તરને ઠપકો દઈ આવો.’
પરંતુ જયુના બાપાએ ઠાવકાઈથી જવાબ આપ્યો: ‘માસ્તરે જે કાંઈ કર્યું છે તે આપણા છોકરાના ભલા માટે કર્યું છે. એની ગેરસમજ થઈ છે તે જુદી વાત છે.’ …..ને પછી જયુ રમવા નીકળ્યો ત્યારે બીજા છોકરાઓ તેને ચીડવવા લાગ્યા કે : ‘કેમ, કેવી લાગી કુલફી ?’ દિવસો સુધી જયુ એ વાત ભૂલ્યો નહીં અને દિવસો સુધી રસિક માસ્તર તેને જૂઠાબોલા છોકરાં તરીકે ઓળખાવતાં રહ્યાં અને નાનીમોટી ભૂલો બદલ શિક્ષા કરતાં રહ્યાં.

‘ને આજે જ્યારે મારો જ છોકરો એવી આફતનો સામનો કરી રહ્યો છે ત્યારે હું પોતે શું કરી રહ્યો છું ?’ ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછા ફરેલા જયવદને પોતાની જાતને જ સવાલ કર્યો. જયવદને આંખો ખોલીને જોયું તો બિરજુ સામેના મેદાનમાં રમતા છોકરાંઓને બારીમાંથી જોઈ રહ્યો હતો.
‘તમને નથી લાગતું કે તમે બિરજુ તરફ વધુ પડતાં આકરા થઈ રહ્યા છો ?’ જયવદનની પત્નીએ ચાનો કપ મૂકતાં પૂછ્યું. જયવદને જવાબમાં સંમતિસૂચક ડોકું હલાવ્યું.
‘બિરજુ બેટા, અહીં આવ જો.’ જયવદને બૂમ પાડી. બિરજુએ જયવદનના અવાજમાં રહેલી લાગણીને પકડી. તેના ચહેરા પરથી ઉદાસીની વાદળી હટી ગઈ. તેની આંખોમાં ચમક આવી ગઈ. તેનો ચહેરો હસુ હસુ થવા લાગ્યો. તે ઝડપથી આવીને જયવદનની સામે ઊભો રહ્યો.
‘તેં ખરેખર પાટલી નહોતી પછાડીને ?’ જયવદને વહાલપૂર્વક બિરજુને પૂછ્યું.
‘એકદમ સાચું કહું છું પપ્પા. મેં ખરેખર પાટલી નહોતી પછાડી.’ બિરજુએ પૂરી મક્કમતાથી જવાબ આપ્યો.
‘તો પછી કોણે પછાડી હતી ?’
‘મારા કલાસમાં રાકેશ કરીને એક છોકરો છે. એણે પછાડી હતી.’
‘તો તે તારા સરને એનું નામ કેમ ન આપ્યું ?’
‘મને થયું કે એવી ચાડી શું કામ ખાવી જોઈએ ? તમે જ કહ્યું હતું ને કે કોઈની ચાડી નહીં ખાવાની.’ જયવદનને થયું કે બિરજુના ગાલ પર પ્રેમથી હાથ ફેરવી લઉં. તેને છાતી સરસો ચાંપી દઉં. પણ તેઓ એવું ન કરી શક્યા. તેમણે બિરજુના ખભા પર હાથ મૂકીને માત્ર એટલું કહ્યું કે :
‘તેં બરાબર કર્યું છે. ગમે તે થાય. ખોટી ભૂલ કબૂલ નહિ કરવાની.’
‘ને ખોટી માફી પણ નહીં માંગવાનીને પપ્પા ?’
‘હા. હવે તું રમવા જઈ શકે છે.’ જયવદને હળવા થતાં કહ્યું.
બિરજુ કૂદકા મારતો ઘરની બહાર નીકળી ગયો.

જયવદન પચીસ વર્ષો પહેલાં થયેલાં અન્યાયનો બદલો આજે પોતે લીધો હોય એવાં સંતોષથી ચાના ઘૂંટડા ભરવા લાગ્યો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

26 thoughts on “શિક્ષા – યશવંત ઠક્કર”

Copy Protected by Chetan's WP-Copyprotect.