કંઈ સકળ માર્ગ નીચે તરફ ના ઢળે,
ઝંખના હોય જેની તરત ના મળે,
માત્ર એની, ઝલક મેળવી ધન્ય થા,
જો, સુગંધો કદીયે સતત ના મળે.
હાથ તારો જ છે નાથ એવું સમજ,
વાત ઈમદાદની કોઈ ના સાંભળે,
માગશો મોત તો, માગશે જિંદગી,
આ જગત છે, કશું પણ મફત ના મળે !
વાત ના કોઈ પણ ઊતરે છે ગળે,
સાવ પોલા શબદ સાંભળ્યા નીકળે,
ખાતરી કર, કરીને ભરોસો એક દિ’,
જે દિવાકર કહે તે ગલત ના મળે !
એક માર્ગી છે મરણનો રસ્તો અહીં,
શીદ શૈશવને કાજે હવે ટળવળે,
તીર છૂટ્યું પણછની તરફ ના વળે,
શબ્દ છૂટ્યા અધરથી પરત ના મળે !
હાજરી હોય ભીતર સકળ ઝળહળે,
તુજ વિના મ્હેલ પાયા સહિત ખળભળે,
આટલું જાણતો તોય લાચાર છું,
પામવાની હજી આવડત ના મળે !
One thought on “ના મળે ! – આબિદ ભટ્ટ”
gujarat and gujarati chhu. apni gazlo niyamit vanchu chhu.