પસંદગી – વિજય બ્રોકર

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]

સિંહની ગર્જના કરતાં
…………… મને કોયલના ટહુકાથી શરૂ થતી સવાર ગમે,
આંજી નાખવા આતુર સૂરજના મારકણા તેજ કરતાં
…………… કાળી ભમ્મર રાત્રિમાં શરમાતી ઝબૂકતી તારલીની શીતળતા ગમે.
મુશળધાર વરસાદ તાંડવ કરતાં
…………… છાનાંમાનાં ટપકી જતાં ઝાપટાંઓની હળવી ભીનાશ ગમે,
ઘૂઘવતા દરિયાના ઉછળતા પ્રચંડ મોજા કરતાં
…………… કિનારીએ મરકમરક કરતી લહેરીઓની કુમાશ ગમે.
સેટ કરેલા વાળની સ્ટાર્ચ કરતાં
…………… તાજા ધોઈને બેફિકર વેરાયેલા વાળની સુંવાળપ ગમે,
પહેલો નંબર લાવનારના ગુમાનવાળા ચહેરા કરતાં
…………… સ્વપ્નમાં ખોવાયેલ બેકબેન્ચરના પ્રસન્નમુખ ચહેરાની મીઠાશ ગમે.
જ્યાં, જ્યારે પણ લાગ મળ્યે-
…………… સાથીદારોને આગળ-પાછળ છરીની અણી ભોંકતા
…………… આગળ ધસતા સફળ એક્ઝિક્યુટિવ કરતાં
‘લૂઝર’નું લેબલ પહેરી
…………… પોતાના ટેબલે શાંતિથી કામ કરતો કલાર્ક ગમે,
શબ્દોથી બીજાને વહેરી નાખતાં ન અચકાતાં,
…………… ન ખચકાતાં કર્કશ વેણપ્રહાર કરતાં
બે-માત્ર બે જ- મીઠા બોલથી
…………… દુઃખથી ખરડાયેલા કોઈના મનને ટાઢક આપનાર દિલદાર ગમે.
કોઈ પણ ભોગે ધનના ઢગલા સર કરવાની
…………… મથામણમાં જિંદગી ખરચી નાખનાર કરતાં
હાઈકુની નાનકડી રચનામાં
…………… મનના બધા ભાવો ઉલેચી દેવા મથતા કવિની મથામણ ગમે,
‘જે હું નથી તે હું જ છું’ બતાવવા
…………… મોહરાં પહેરી જીવનારી સભ્યતા કરતાં
‘હું છું તે આ જ છું’માં મહાલનારી સાચકલી સાદાઈ ગમે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “પસંદગી – વિજય બ્રોકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.