- ReadGujarati.com - http://www.readgujarati.com -

‘દેશી’ એકલતા, ‘વિદેશી’ એકલતા – વીનેશ અંતાણી

[‘ડૂબકી શ્રેણી’ના પ્રકાશનના ત્રીજા પુસ્તક ‘કોઈક સ્મિત’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

જેમનાં સંતાનો વિદેશમાં સેટલ થયાં હોય તેવાં મા-બાપની દ્વિધા સમજવા જેવી છે. એમને પાછલી ઉંમરે સંતાનો, પૌત્ર-પૌત્રી સાથે રહેવાની અદમ્ય ઈચ્છા હોય એ સ્વાભાવિક છે. તે માટે વિદેશમાં જઈને રહે તો ત્યાં તદ્દન એકાકી જીવન જીવવાની સ્થિતિ સામે લડવું પડે છે.

ચેન્નઈમાં રહેતાં એક બહેન અન્ના વારકીએ એમની એવી જ વાસ્તવિકતાની નક્કર વાતો કહેતો હૃદયસ્પર્શી લેખ લખ્યો હતો. એમનાં ત્રણ સંતાનો છેલ્લાં ત્રીસ વરસથી યુ.એસ.માં રહે છે. પતિ જીવતા હતા ત્યાં સુધી બંને – અને પાછળથી થોડો સમય એ બહેન યુ.એસ. જતાં-આવતાં રહેતાં હતાં. એ સમય દરમિયાન એમનાં પૌત્ર-પૌત્રીઓનો જન્મ થયો હતો. હવે પતિ નથી અને ત્રીજી પેઢીનાં સંતાનો મોટાં થઈ ગયાં છે. એક સમયે તેઓ દાદા-દાદી તરીકે સંતાનોના ઉછેરમાં બહુ મહત્વનો ફાળો આપી શકતાં હતાં. પતિના અવસાન પછી સંતાનોએ માતા માટે ગ્રીનકાર્ડની વ્યવસ્થા પણ કરી આપી. એ બહેને થોડાં વરસો યુ.એસ. જવા-આવવાનું ચાલુ રાખ્યું હતું. પણ બે વખત પડી ગયા પછી અને એક સર્જરી પછી એમના માટે એકલા મુસાફરી કરવાનું મુશ્કેલ બનતું ગયું. ગ્રીનકાર્ડના નિયમ પ્રમાણે એમને ચોક્કસ સમયમર્યાદામાં યુ.એસ. જવું પડતું હતું. છેવટે તેમાંથી છૂટકારો મેળવવા માટે એમણે મક્કમ મને દેશમાં જ – ભલે એકલા – રહેવાનો નિર્ણય લીધો છે.

એમના એ કારણ પાછળ તબિયત, હાલાકી જેવાં કારણો ઉપરાંત બીજાં કારણો પણ છે. વૃદ્ધ લોકો માટે સંતાનો પાસે વિદેશ જવાનું મુખ્ય કારણ ત્રીજી પેઢીનાં સંતાનો પણ હોય છે. એ પરિસ્થિતિ પણ ધીરેધીરે ઓછી થવા લાગે છે. અન્ના વારકીની વાત એમના જ શબ્દોમાં સમજીએ : ‘હવે મારાં પૌત્ર-પૌત્રીઓ મોટાં થઈ ગયાં છે. સૌથી નાનાની ઉંમર પણ સત્તર વરસની થઈ છે. તમારાં પૌત્ર-પૌત્રીઓ બારેક વરસનાં હોય ત્યાં સુધી તમે એમની સાથે રહેવાની મજા માણી શકો છો. એ સમયગાળામાં એમનાં માતાપિતા આખો દિવસ કામે ગયાં હોય તેથી દાદા-દાદી એ સંતાનોનાં ઉછેરમાં પણ મહત્વનો ભાગ ભજવી શકે છે. તે ઉંમરે એમને દાદીએ બનાવેલી રસોઈનો સ્વાદ ગમે છે. એ લોકો તમારી આસપાસ રહે છે. સાંજે પ્રાર્થના સમયે પણ તમારી સાથે બેસે છે. ધીરેધીરે તે પરિસ્થિતિ બદલવા લાગે છે. એમને હવે દાદીની રસોઈમાં નહીં, પણ મિત્રવર્તુળ સાથે પિત્ઝા, સબ-વેની સૅન્ડવિચ જેવો જન્ક ફૂડ ખાવો હોય છે. એમને સ્કૂલનું હોમવર્ક કરવાનું હોય છે (અને એમાં તમે કશી જ મદદ કરી શકતાં નથી). એમની પાર્ટી-પિકનિક જેવી પ્રવૃત્તિઓ પણ વધવા લાગે છે.

તમારાં સંતાનો ખૂબ વ્યસ્ત રહેતાં હોય છે. એ લોકો ઘેરથી વહેલી સવારે નીકળી જાય છે અને સાંજે મોડાં પાછાં ફરે છે. રજાના દિવસોમાં પણ એ લોકો એમની પ્રવૃત્તિમાં ડૂબેલાં રહે છે. ઘણી વાર તો સવારે ‘બાય’ અને સાંજે ઘેર પાછાં ફરે ત્યારે ‘હાય’ સિવાય બીજો કોઈ સંવાદ પણ એમની સાથે થતો નથી. એવું નથી કે અરસપરસ પ્રેમ-લાગણી રહ્યાં નથી, કોઈના વાંક વિના પરિસ્થિતિ જ એવી થઈ ગઈ હોય છે.’

એવી એકલતાના સમયમાં વૃદ્ધોને વતનની યાદ વધારે તીવ્રતાથી આવવા લાગે છે. પોતાનું ગામ, મહોલ્લો, ઘર અને એ બધાં પરિચિત લોકો – જેમની સાથે જિંદગીનો મોટો હિસ્સો ગુજાર્યો હોય છે. સંતાનો એમની એકલતાને જુએ છે ખરાં, પણ એની તીવ્રતા એમની સુધી બરાબર પહોંચતી નથી. કેટલાંક વૃદ્ધજનો ત્યાં જ – વિદેશમાં જ – અજાણી વ્યક્તિઓની જેમ બાકીની જિંદગી વિતાવી દેવાનું નક્કી કરે છે, એમની પાસે કોઈ ઉપાય રહ્યો હોતો નથી. તો કેટલાંક દઢ નિશ્ચય સાથે, જે થવાનું હોય તે થવા દેવાની તૈયારી સાથે વતનમાં પાછાં ફરે છે અથવા ત્યાં જતાં જ નથી. વિદેશમાં એમના માટે બધું જ અજાણ્યું અને અપરિચિત હોય છે. ત્યાં એ લોકો ‘બહારની વ્યક્તિ’ બની જાય છે – અને તે એમને મંજૂર હોતું નથી.

વતનમાં એ લોકો પોતાનું જીવન જીવે છે. પોતાના કાછિયા પાસેથી શાકભાજી ખરીદે છે. પોતાનાં છાપાંવાળાને પૈસા ચૂકવે છે, પોતાના ટી.વી. ચૅનલવાળા સાથે માથાઝીંક કરે છે, પોતાના કામવાળા પાસે ઘરકામ કરાવે છે – અને પોતાના ખાલી ઘરના અવાજો સાંભળ્યા કરે છે. એ લોકો ઘરની બાલકનીમાં કે આંગણામાં ઝાડની ડાળી પર માટીના વાસણોમાં પક્ષીઓ માટે પાણી ભરી રાખે છે. સામે મળતાં પરિચિત-અર્ધપરિચિતોની સાથે ઊભાં રહીને થોડીઘણી વાતો કરી શકે છે. એ વાતો પણ ‘પોતાની’ હોય છે, એમાં બહારનું કશું હોતું નથી. અહીં જ વીતેલા દિવસોને ફરીફરીને યાદ કરતાં રહે છે અને વિદેશમાં રહેતાં સંતાનોના ફોનની વાટ જોયા કરે છે.

સંતાનો રજા લઈને દેશમાં આવે છે ત્યારે થોડા દિવસો માટે ‘ઘર’ ભરાઈ જાય છે, પછી મોડી રાતે એ લોકોને ઍરપૉર્ટ પર મૂકવા જઈને પાછા વળી આવવાનું હોય છે. એમની પીડા હોય છે, પણ એ ‘પોતાની’ પીડા હોય છે. સંતાનોને વિદેશ જવા દઈને વતનમાં જ રહેવાનું પસંદ કરનારાં વૃદ્ધોના જીવનમાં એકલતા રહેશે, પણ એનું સ્વરૂપ જુદું હશે. વતનના ઘરમાં તેઓ – પોતે જ ઊભી કરેલી – ‘દેશી’ એકલતામાં જીવે છે, એ ‘વિદેશી’ એકલતા નથી હોતી.

[ કુલ પાન : 144. (નાની સાઈઝ). કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506572.]