હું ગાડી શીખી – હરિશ્ચંદ્ર

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

આમ ગાડી તો મારે ત્યાં ઘણાં વરસથી હતી, પણ મેં ક્યારેય તે ચલાવતાં શીખવાનું મન કર્યું નહોતું. નાહકની શું કામ એ ઊઠવેઠ ! પરંતુ એકાએક મેં નક્કી કર્યું કે હુંયે ગાડી ચલાવતાં શીખી જઈશ. મારી બાળપણની સખી શકુ, એટલે કે શકુન્તલા મને ટા….ટા કરતી મારી બાજુમાંથી ગાડી દોડાવી ગઈ. નિશાળમાં તો મોં પરથી માખ નહોતી ઊડતી અને ગાડી દોડાવી ગઈ ! હું યે કંઈ કમ છું ? હુંયે ગાડી શીખીશ.

અરુણ, છોકરાંવ બધાં તાજ્જુબ ! મજાક-મશ્કરી પણ કરતાં રહ્યાં, પરંતુ મેં તો એકવાર નક્કી કર્યું એટલે કર્યું ! ડ્રાઈવિંગ સ્કૂલમાં દાખલ થઈ ગઈ. ફોર્મ ભર્યું. ફોટો પડાવી આવી. ફોટો જોઈ સ્કૂલવાળો બોલ્યો, ‘બહેન, તમારો પોતાનો ફોટો જોઈએ.’ મેં કહ્યું, ‘આ મારો જ ફોટો છે.’ બીજા ચાર માણસ ઊભા થઈ ફોટો જોવા લાગ્યા. મારો રંગ ગોરો, પણ ફોટો કાળોમેશ ! બીજે દિવસે ફરી પડાવ્યો.

ડ્રાઈવિંગની મારી તાલીમ શરૂ થઈ, પણ હું જેવી બેઠી કે સીટ પાછી ખસી ગઈ. મને થયું, આ વળી શું ? શીખવનાર બોલ્યો : ‘બહેન સોરી ! જરા નીચે ઊતરો, હું સીટ એડજસ્ટ કરી દઉં.’ એણે સીટ એડજસ્ટ કરી. ફરી તો આવી સરકણી નહીં થાય ને, એવી મનમાં ફડક સાથે હું હળવેકથી બેઠી. ગિયર્સ, ન્યુટ્રલ, કલચ, એક્સલેટર, બ્રેક વગેરેની માહિતી સાથે મારો પહેલો પાઠ શરૂ થયો.
‘ચાવી દાબીને ફેરવો…. નહીં, પહેલાં ન્યુટ્રલ કરો…. ગિયર નથી પડતું ?….. આમ ઘરરર અવાજ ન થવો જોઈએ. કલચ પૂરી દાબો….’ આ બધી સૂચના ગોખતાં ગોખતાં મેં ગાડી સ્ટાર્ટ કરી. કલચની માફક મેં પહેલી જ વાર એક્સલેટર પણ પૂરું દાબી નાખ્યું અને ગાડી એવી તો ઊછળી ! મને પરસેવો છૂટી ગયો, પણ એમ ધીરે ધીરે કલચ, એક્સલેટર, બ્રેક વગેરેનો તાલમેળ બેસતો ગયો. ગાડીનો અને રસ્તાનો ય થોડો ઘણો અંદાજ આવતો ગયો. સ્ટિયરિંગ પર હાથ બેસતો ગયો.

શીખવનાર કહે, ‘આજે આપણે ગાડી ગ્રાઉન્ડ પર લઈ જઈએ.’ થોડો હાઈવે પસાર કરીને ત્યાં પહોંચવાનું હતું. શીખવનાર સૂચના આપ્યે જતો હતો : ‘સ્ટિયરિંગ આમ જોરથી નહીં પકડવાનું, હાથમાં સર સર સરકતું રહેવું જોઈએ….. નાખો ત્રીજા ગિયરમાં…. ત્રીજામાં…. ચોથામાં….’ અને ચોથા ગિયરમાં ગાડી એવી તો દોડવા લાગી ! સામેથી ટ્રક આવી. હું એકદમ ગભરાઈ ગઈ ! આંખો મીંચીને સ્ટિયરિંગને વળગી જ પડી. શીખવનારે સમયસૂચકતા વાપરી ગાડીને બાજુએ લઈ જઈ ઊભી કરી દીધી. હું ભાનમાં આવી, મારો શ્વાસ હેઠો બેઠો.
‘બહેન, આમ ગભરાઈ જશો તો ગાડી કેવી રીતે શીખશો ? હું બાજુમાં બેઠો છું ને ! તમારે ગાડી બિનધાસ્ત ચલાવવાની…..’

અને હું બિનધાસ્ત ચલાવવા લાગી. લેફટ…રાઈટ…. રિવર્સ…. બધી પ્રેક્ટિસ એક પછી એક થતી ગઈ. વચ્ચે વચ્ચે ક્યારેક ગાડી કપચીના પડેલા ઢગલા ઉપર ચઢી ગઈ તો કોકવાર બહુ બહુ ધ્યાન રાખવા છતાં પૈડું ખાડામાં પડતાં રોકી શકાયું નહીં. ઘરે રોજ આ બધું સાંભળી બધાંને મોજ થતી હતી, પણ મેં તો હાંક્યે જ રાખ્યું અને છેવટે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવીને જ હું જંપી. સારું મુહૂર્ત જોઈ પાકા ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે વટભેર મેં અમારી ગાડી બહાર કાઢી. આજુબાજુ નજર નાખતી રહી કે મને કોઈ જુએ છે કે નહીં. કોઈક બોલ્યું યે ખરું, ‘મનોરમાબહેન, ગાડી શીખ્યાં લાગે છે ! ચાલો, અમનેય ક્યારેક કામ લાગશે.’ મને ઘણું સારું લાગ્યું.

આ ગાડી પર હું પહેલી વાર બેઠી હતી. થોડુંક નવું નવું લાગ્યું. વળી બાજુમાં કોઈ નહીં. આવી રીતે ગાડી લઈને એકલી પહેલી વાર નીકળેલી. થોડોક થડકાર હતો તો સાથે જ રણકાર પણ હતો. ગાડી મેં ચોક ભણી હંકારી. લાલ સિગ્નલ આવ્યું એટલે થોભી. ફરી પીળું ને પછી લીલું સિગ્નલ થયું. મેં ગાડી સ્ટાર્ટ કરી, પણ આગળ ચાલે જ નહીં ને ! પાછળ હોર્ન પર હોર્ન વાગવા માંડ્યા. આજુબાજુ વાહનો દોડવા લાગ્યાં. મારી પાછળ લાઈન લાગી ગઈ. મારું માથું ચકરાવા લાગ્યું. શું કરું, કાંઈ સમજાય નહીં. પોલીસ આવ્યો. લોકો ભેગા થઈ ગયા. હું તો રડવા જેવી થઈ ગઈ. ત્યાં કોઈકે કહ્યું, ‘બ્રેક પરથી પગ ઊંચકો ને ! બ્રેક નહીં, એક્સલેટર દાબો !’ અને ગાડી ચાલી, પણ મેં દૂર જવાનું માંડી વાળ્યું અને ગાડી ઘર તરફ વાળી. કાચબા વેગે ચલાવતી રહી. રિક્ષા, સાઈકલ બધાં મારી આગળ જતાં ગયાં. કોઈક ગાડીવાળો બાજુમાંથી પસાર થતાં બરાડ્યો પણ ખરો…. ‘ગાડી શું કામ ચલાવો છો ? બળદગાડું ચલાવો, બળદગાડું !’

ઘરે તો બધાં હસી-હસીને લોથપોથ, પણ હું ન હારી. શરૂમાં કોઈને અને કોઈને સાથે બેસાડીને જતી અને એવી રીતે જોતજોતામાં ક્યારે હાથ બેસી ગયો, ખબરેય ન પડી. ખરી મજા તો આજે પડી. હું ગાડી લઈને આવતી હતી, સામે શકુ દેખાઈ. હોર્ન વગાડતી અને ટા…ટા કરતી હું એની પાસેથી પસાર થઈ ગઈ. એ મોઢું વકાસી જોતી જ રહી.

(શ્રી જ્યોત્સના દેશપાંડેની મરાઠી વાર્તાને આધારે.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “હું ગાડી શીખી – હરિશ્ચંદ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.