- ReadGujarati.com - http://www.readgujarati.com -

ઘર : ત્રિકોણ દષ્ટિકોણ – તેજસ જોશી

[‘નવનીત સમર્પણ’ ડિસેમ્બર-2011માંથી સાભાર.]

કંઈક ઉદાસ મને મેં બસની બારીની બહાર નજર કરી. એકસરખાં ઊંચા ઊંચા વાદળો સાથે હસ્તધનૂન કરતા લીલાછમ પહાડો સદીઓથી સજા પામેલાની જેમ ઊભા હતા. એક અઠવાડિયું હિમાલયમાં ગાળ્યા પછી આવું અદ્દભુત કુદરતી સૌંદર્ય પણ પ્રિયજન વગર ફિક્કું લાગતું હતું. પત્ની અકારણ-સકારણ યાદ આવી જતી હતી. કાશ્મીર તો સજોડે જ જોવા જવાય. એવું કો’ક કહેતું’તું ખરું. બસ મધ્યમ ગતિએ જમ્મુથી શ્રીનગર તરફ વહી રહી હતી. સાથે પહાડોની ગોદમાંથી નીચે સરકી જતાં અસંખ્ય ઝરણાંઓ વાતાવરણને રમતિયાળ આભા બક્ષતાં હતાં. સામેથી ક્યારેક કતારબંધ આર્મીની ટ્રક પસાર થઈ જતી હતી. ધરતી પર જો ક્યાંય સ્વર્ગ હોય તો તે અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે. છતાંય પત્ની વગર આમ સ્વર્ગવાસી થવાની મજા આવતી નહોતી. લવ-મેરેજમાં શરૂઆતમાં બહુ લગાવ હોય પછી ધીમે ધીમે ઓસરી જાય એક દોઢડાહ્યાએ કહ્યું હતું, હજી યાદ છે. પણ લગ્નને હવે લગભગ દસ વર્ષ થયાં. ભલે સંતાન નથી, પરંતુ એકમેકનાં બની રહેવામાં જીવન સાર્થક લાગતું હતું.

આંખ સામેનું દશ્ય ધૂંધળું થઈ ગયું. ધુમ્મસ છવાઈ ગયું. થોડી વારે ખબર પડી કે બસ વાદળાંમાંથી પસાર થઈ ગઈ. ચશ્માં પરથી ઝીણી ઝીણી બુંદો સાફ કરી. બસના વિડિયો પર એક અર્ધનગ્ન હીરો પોતાની નપુંસક કમર હલાવી બરાડા પાડી રહ્યો હતો. કેટલાક અભણ બબૂચકો બારી બહાર જોવાને બદલે એને જોઈ રહ્યા હતા. તુલસી ઈસ સંસાર મેં ભાત ભાત કે લોગ.

એક એવો સમયગાળો પણ હતો કે એક આખી જિંદગી હિમાલયમાં ગાળી નાખવાની ઈચ્છા મનની સપાટી પર તર્યા કરતી હતી અને આજે સાત દિવસ હિમાલયમાં ગાળ્યા પછી જેની સાથે સાત ફેરા ફર્યા અને સાત જન્મોનો સાથ નિભાવવાના કોલ આપ્યા એ વ્યક્તિનો ચહેરો મનની સપાટી પર ઊપસી આવે છે. બસ લગભગ ખીણની ધાર પર ચાલતી હતી. ડ્રાઈવરની એક માનવીય ભૂલ બસમાં બેઠેલા ત્રીસેત્રીસ મુસાફરોને ખરેખર સ્વર્ગવાસી બનાવી દે એવી હતી. ધરતીનો છેડો ઘર ઘરડાંઓ હંમેશાં કહ્યા કરતાં હતાં. આપણા વર્તુળનું ઉદ્દગમસ્થાન એટલે આપણું ઘર અને મને યાદ આવતી હતી મારી પત્ની, મારી લાગણીઓનું ઉદ્દગમસ્થાન.

હવે થોડે દૂર જમ્મુ અને કાશ્મીરને જોડતી 3.5. કિ.મી. લાંબી જવાહર ટનલ આવશે. ગાઈડ બોલ્યો. થોડી વાર પછી બસ બોગદામાં પ્રવેશી. બસમાં સંપૂર્ણ અંધારું છવાઈ ગયું. ટનલની અંદર ડ્રાઈવરને માર્ગ દર્શાવતી કેસરી બત્તીઓ ગોઠવી હતી. લશ્કરી સુરક્ષાની દષ્ટિએ અત્યંત મહત્વની આ ટનલ અમે પસાર કરી ત્યાર બાદ ખરેખર કાશ્મીર વેલીની શરૂઆત થઈ. આ અપ્રતીમ સૌંદર્ય દેવોને પણ હનીમૂન માટે આવવાનું મન થાય એવું સ્થળ. વાતાવરણમાં ફૂલોની ખુશ્બો, તાજગી અને ઠંડક અનુભવાતાં હતાં. બસ સિક્યોરિટી ચૅક માટે ઊભી રહી. પૂરી બસ કા ચેકિંગ હોગા, અપના અપના સામાન ખોલો, એક લશ્કરી અધિકારી આવીને કહી ગયો. અમે સામાન સાથે નીચે ઊતર્યા. મારી પાસે એક હેન્ડબેગ સિવાય કંઈ જ નહોતું. બાકી સૌ પોતપોતાના સામાન ચેક કરાવવા લાગ્યા.

હું આદતસર ચહલકદમી કરવા લાગ્યો. એકાદ નાનું ગામ-કસબા જેવું લાગતું હતું. નાના પીળા બલ્બ લટકાવેલી દુકાનો, જેમાં રોજ વપરાશનો સામાન વેચાતો હતો. લીલું કૂણું ઘાસ ચરતી બકરીઓ. બેઠા ઘાટનાં જૂનાં ઘરો. પહેલા માળની બારીમાંથી એક સ્ત્રી અમને જોઈ રહી હતી. મેં એની સામે હાથ હલાવ્યો તો એણે શરમાઈને બારી બંધ કરી દીધી. લાલ લાલ ગાલવાળા સ્કેલી બચ્ચાંઓ યુનિફોર્મ પહેરી સ્કૂલે જતાં હતાં. મેં એમની સાથે હાથ મિલાવ્યો. નિશાળે જતાં બાળકો આખા વિશ્વમાં મને એકસરખાં લાગ્યાં છે. અને એક ખંડેર થઈ ગયેલા મકાનની દીવાલ પાછળ બે લાલઘૂમ આંખો મને તાકતી દેખાઈ. મેં ખીસામાંથી હાથ બહાર કાઢી એ તરફ હલાવ્યો. આંખોમાં હાસ્ય તરી આવ્યું. ભારતીય લશ્કરનો એક પડછંદ જવાન દીવાલ પાછળથી સામે આવ્યો. એણે રાઈફલ ખભે લટકાવી. મેં નજીક જઈ હાથ મિલાવી ઓળખાણ આપી. એ દક્ષિણ ભારતીય તુલુ નાગરિક હતો. સરસ અંગ્રેજીમાં વાતો કરી શકતો હતો. લેખક છું એ જાણીને એને આશ્ચર્ય થયું. આટલા યંગ લેખક મેં પહેલીવાર જોયા. સામાન્યતઃ લેખકો બકરા જેવી દાઢી રાખનારા અડધી ટાલવાળા અને અડધી જિંદગી ખોઈ ચૂકેલા જ જોયા છે. એના આવા પ્રતિભાવ પર હું ખડખડાટ હસી પડ્યો.

મેં એને પૂછ્યું, તમે આ ખંડેર જેવા મકાનમાં શું કરો છો ?
એણે કહ્યું, માફ કરજો, આ ખંડેર નથી. આ એક કાશ્મીરી પંડિતનું ઘર છે. આસપાસવાળા કહે છે આ ઘરમાં એકસાથે દસ લાશો પડેલી. દીકરીનાં લગ્ન હતાં એ દિવસે જ કેટલાક આતંકવાદીઓએ આવી, અહીં અંધાધૂંધ ગોળીબાર કર્યો. એમાં દુલ્હન-દુલ્હા સહિત દસેક માણસો અહીં જ ઢેર થઈ ગયાં. આ ઘટનાથી આઘાત પામેલા આખા કુટુંબને સરકારે દિલ્હીમાં નિરાશ્રિતોની છાવણીમાં મોકલી આપ્યું. ત્યારથી આ ઘર આમ જ સૂમસામ ઊભું છે. છ એક મહિના પહેલાં દુલ્હનના પિતાજી અહીં આવ્યા હતા. તેઓ ઘરની દીવાલોના ટેકે માથું મૂકીને ખૂબ જ રડેલા. એમનું રુદન જોઈને અમે સૈનિકો પણ હચમચી ગયા. જે ઘરમાંથી ડોલી ઊઠવાની હતી એ ઘરમાંથી અર્થી ઊઠી. બાપદાદાના આ મકાનને છોડી એમણે નિરાશ્રિતોની છાવણીને ઘર બનાવવું પડ્યું. ગામવાળા આ મકાનને ભૂતિયું કહે છે. પણ અમે તો એમાં જ રહીને રાતદિવસ પહેરો દઈએ છીએ. અમારા આખા યુનિટનું જમવાનું પણ અમે આ જ મકાનમાં બનાવીએ છીએ. એમનું ઘર હવે અમારું કિચન છે.

મારા મગજમાં સૂનકાર વ્યાપી ગયો. વધુ કંઈ જ બોલી શકાયું નહીં. થોડી વારે મેં વાતનો દોર બદલતાં પૂછ્યું તમે અહીં કેટલા વખતથી છો ? કેવું લાગે છે તમને અહીં ?
હું આર્મીમાં સાતેક વર્ષથી છું. મૂળ હું દક્ષિણી તુલુ જાતિનો છું. મારું ઘર બેંગલોરમાં છે. પત્ની અને ત્રણ વર્ષનો પુત્ર છે. પત્ની સ્કૂલમાં ટીચર છે. અહીં મારું પોસ્ટિંગ દોઢેક વર્ષથી છે. આ પહેલાં હું કચ્છ સરહદે હતો. માથું ફાડી નાખે એવી ગરમી હોય કે હાડ ગાળી નાખે એવી ઠંડી હોય, અમારે તો અમારી પોસ્ટ એ જ અમારું ઘર. અત્યારે તો આ ખંડેર જ મારું ઘર છે. છેલ્લે પુત્ર જન્મના વખતે ઘરે ગયેલો. ત્યાર બાદ એકાદ વખત રજા મંજૂર થઈ, પરંતુ એક ઓપરેશન પાર પાડવાનું હતું એટલે ઘરે જવાનું મોકૂફ રાખ્યું. હવે તો દીકરો પણ ત્રણ વર્ષનો થઈ ગયો છે. પપ્પા બોલતાં પણ શીખી ગયો છે. હવે ઉનાળામાં ઘરે જવાનો વિચાર છે, જો આતંકવાદીઓ જવા દે તો…..

બોલતાં બોલતાં એ હસવા લાગ્યો. મેં હસીને વિદાય લીધી. બસમાં પ્રવાસીઓ ગોઠવાઈ ચૂક્યા હતા. બસ ફરી ઊપડી. દૂર દૂર હિમાચ્છાદિત પહાડો પર વાદળો ટહેલતાં હતાં. મેં આંખો બંધ કરી. મારા મનમાં એક ત્રિકોણ રચાયો. જેના એક ખૂણે હું ઊભો છું- સાત દિવસથી ઘરની બહાર છું. આ ખૂબસૂરત કુદરતની વચ્ચે મને પત્ની અને ઘર યાદ આવે છે. અને હું ઉદાસ રહું છું. બીજા ખૂણે એવી એક વ્યક્તિ છે જે પોતાના પૂર્વજોનું મકાન છોડી પોતાની પુત્રીની અસ્થિ સાથે નિરાશ્રિતની છાવણીમાં જીવે છે. અને ત્રીજા ખૂણે છે આ સૈનિક, જે પોતાના વતનની રક્ષા કાજે, પોતાની પત્ની અને પુત્રથી દૂર રહે છે. ઘરની વ્યાખ્યા ન સમજાય એ રીતે મારી સમક્ષ ઊભરે છે. એક ત્રિકોણ દષ્ટિકોણ બને છે.