મોરારીબાપુ : રામકથા, સારપની ખેતી – જયદેવ માંકડ

[બાપુના સાનિધ્યમાં રહીને મહુવા ખાતે આવેલા શ્રી કૈલાસ ગુરુકૂળનું સંચાલન સંભાળી રહેલા શ્રી જયદેવભાઈ ‘રામકથા શું છે ?’ તે અંગે આ પ્રસ્તુત લેખમાં પોતાનો ભાવ વ્યક્ત કરે છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી જયદેવભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825272501 સંપર્ક કરી શકો છો.]

બાપુના વ્યક્તિત્વને જોઉં છું, તેમનાં જીવન કર્મરૂપી રામકથાકર્મને જોઉં છું ત્યારે શું લખવું ? કેમ લખવું ? કેટલું લખવું ? જેવી મૂંઝવણ થાય. માતા જેમ બાળકને જન્મ આપે તેમ આ ગડમથલમાંથી કૈંક પકડાઈ જાય ને લખાઈ જાય ત્યારે રાહત થાય. રામકથા એટલે શું ? મોરારીબાપુની રામકથા મારી દષ્ટિએ સારપની ખેતી.

ખેતી કેમ ? ખેતી તો લાંબી અને આયોજનપૂર્વકની પ્રક્રિયા છે. ખેતર ખેડવું, તૈયાર કરવું, યોગ્ય સમયે વાવણી કરવી, મૂળ પાકના સંવર્ધન અને ઉછેર માટે નિંદામણ કરવું, પાક નબળો ન પડે તે માટે ખાતર દેવું, રોગના ઉપચાર કરવા અને અંતે સુંદર પાક લણવો. આ વાત થઈ કૃષિ આધારિત જીવન જીવતાં ખેડૂતની. ખેતીના મૂળ સિદ્ધાંતોને જ્યારે રામકથાના સંદર્ભમાં જોઉં છું ત્યારે ઘણું સામ્ય દેખાય છે. જાણીએ છીએ તેમ વ્યક્તિનું હૃદય પણ ક્ષેત્ર છે. જેમ બધી જમીન ઉપજાઉ નથી હોતી તેમ જ્યાં જીવનની ભૂલોનો રંજ છે, સુંદર ને ઉત્તમ જીવનની ખેવના છે તેવી વ્યક્તિનું હૃદયાકાશ રામકથારૂપી ખેતીની જમીન છે. જેને જીવનમાં કંઈ ખટકતું નથી, જ્યાં ઉન્નત જીવનની અભિપ્સા નથી અને વ્યક્તિથી લઈ સૌના કલ્યાણનો વિચાર નથી, તે ભૂમિ કદાચ ફળાઉ નથી.

સમજમાં કે નાસમજીમાં ભૂલો કરે તે માણસ. જાણે બધું પણ ટાણે જીવી ન શકે તે માણસ. ક્રોધવશ, કામવશ અને મોહવશ જીવી નાખે તે માણસ. સાથો સાથ અંદર અંદર તેનો ખટકો પણ અનુભવે તે માણસ. આવું ખટકાવાળું તૈયાર ક્ષેત્ર જ્યારે સત્સંગમાં આવે ત્યારે ખેતી શરૂ થાય અને અહીં તો સારપની ખેતી થાય છે. ખેડૂતને ઋતુની ખબર છે. અહીં વિશ્વાસ અને ભાવની ઋતુ છે. અહૈતુક કરુણાને અહેતુક વ્હાલનો વરસાદ વ્યક્તિની અંદર છુપાયેલા, ઊંડે ધરબાયેલા સારપના બીજને જીવનજળ પ્રદાન કરે છે. આવો ખેડૂત શક્તિશાળી હોવો જોઈએ. ટાઢ, તડકો અને વરસાદ તેના ખેડૂતકર્મને રોકી શકતા નથી. બાપુને જ્યારે આવા ઉમદાને મહેનતકશ ખેડૂત સાથે સરખાવું ત્યારે જીવનમાં આવેલી અને આવતી મુશ્કેલીઓ અને વિષમતાઓ ડગાવી નથી શકતી તેવું જોવાય છે.

આશરે 40 વર્ષ પહેલાંની વાત છે. દ્રશ્ય છે તલગાજરડા ગામની દરજીની દુકાનનું. 10-11 વર્ષનો એક છોકરો હાથમાં શર્ટ લઈ ઊભો છે. શર્ટ ક્યાંકથી ફાટ્યો છે, પણ સિલાઈના પૈસા નથી એટલે મૂંઝાઈને અન્ય ગ્રાહકો ઓછા થાય તેની રાહ જોતો ઊભો છે. થોડીવારે દરજીનું ધ્યાન જતાં પૂછ્યું :
‘શું છે ?’
‘શર્ટ જરાક ફાટી ગયો છે, મા એ કહ્યું છે તે જરાક સિલાઈ કરી આપશો ?’ કિશોરે સંકોચ સાથે વિનંતી કરી.
‘લાવ….. અમારાથી તમને સાધુને વળી બીજી શું દક્ષિણા અપાય….!’ લુચ્ચું હાસ્ય ઉમેરતા અન્ય ગ્રાહકને દરજીએ કહ્યું ને ઉમેર્યું, ‘આ પ્રભુદાસબાપુના છોકરાઓ રોજ કંઈક ને કંઈક લઈ ઊભા હોય…’ ઉપહાસ, નિંદા અને મજાકના ભાવો સ્પષ્ટ અનુભવતા કિશોર પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. શ્રી દેવાભાઈ (બાપુના નાનાભાઈ) પાસેથી જ્યારે આ પ્રસંગ સાંભળ્યો ત્યારે શેરડો પડી ગયો હતો. કેવી સરળતાથી ને કેવી બેફિકરાઈથી માણસ માણસને વીંધે છે ! પણ…. ‘ભક્તિ રે કરવી તેણે રાંક થઈને રહેવું પાનબાઈ….’ એ જ બાપુ સમાજને અપરંપાર પ્રેમ ને આદર આપે છે. જૂનાગઢની દિશામાં ચાલવાથી સાધુ નથી થવાતું. સમજણની કસોટીમાંથી પાર ઉતરી ને સતત સમજણને જીવવી એટલે સાધુ.

વચ્ચેના વર્ષોમાં ગોપીગીતની કથાઓ થઈ. એક એવા જ ગોપીગીત વખતે બાપુએ શ્રોતાઓ માટે પ્રાણ પાથર્યા. ભાવવિભોર વાતાવરણમાં જીવની મૂળ શોધની ચર્ચા થઈ. પછી ખબર પડી કે એ વખતે બાપુને બે ડિગ્રી તાવ હતો….! કથા માટે કેવી નિસ્બત ! ભગવદભાવ કેવો અને શ્રોતાઓ માટે જાતને બાજુએ મૂકતી ચિવટ કેવી….! આ બનાવો શું સૂચવે છે ? હતાશ, નિરાશ, થાકેલા અને અટવાયેલાઓમાં જીવન તત્વની રોપણી. વ્હાલનું સિંચન અને સારપનો ફાલ. ખેડૂતને આર્થિક હેતુ હોય છે, અહીં તો પારમાર્થિક હેતુ છે. 50-55 વર્ષોનો પરિશ્રમ. આ કંઈ જેવી તેવી વાત નથી જ. હેતપૂર્વકનો હેતુ છે. કથા એ પ્રચાર નથી પણ શુભના પ્રસવ અને પ્રસાર માટેની તનતોડ મહેનત છે. કોઈ ઉતાવળિયા અને અધૂરાને મન કથા એ માનવકલાકોનો બગાડ છે. મારા મતે, કથા એ માનવકલાકોનો ઉઘાડ છે. અખાની પંક્તિનો કવિ શ્રી માધવભાઈ રામાનુજ ઠીક અર્થ કરે છે કે ‘કથા સૂણી સૂણી ફૂટ્યા કાન…’ એટલે કે કાન હતા જ નહીં, કથા સાંભળી તો કાન ઉગ્યા ! શ્રવણ ક્યાં થાય છે ? ઘોંઘાટમાં જીવન પૂરું થાય છે. પર અપવાદ, નિંદા, બકવાસ ને દુર્વાદ સુણવામાં ને ઊંડે ઊંડે તો ગમતું જ સાંભળવામાં કાનનું આયખું પૂરું થાય છે. કેમ સાંભળવું, શું સાંભળવું ને પછી શું આચરવું તે કદાચ કથા વધુ સચોટ ને અસરકારક રીતે સમજાવે છે.

બાપુ માટે વ્યક્તિ એટલે સંભાવનાઓ. વ્યક્તિમાં પડેલી સારપના અસંખ્ય ઉદાહરણો જોવા મળે. જેને અંદર કશુંક ખટકે છે તે સત્સંગમાં આવે છે. સ્વનો પરિચય પામે છે. પડે છે, ઊભો થાય છે. સારાસારનો વિવેક સમજતો થાય છે અને સારપને ઉગાડવાનો પ્રયત્ન કરે છે. તેની આ યાત્રા એટલે જાત સાથેની યાત્રા. તેથી જ મારા મતે બાપુની રામકથા એટલે સમૂહમાં થતો વ્યક્તિગત સંવાદ. વ્યક્તિના પિંડમાં કૈંક કેટલુંય સારું ને નઠારું સંઘરાઈને પડ્યું છે. આ નઠારાનું નિંદામણ તે કથાકર્મ છે. સ્નેહ અને કરુણાનું સિંચન છે. અસીમ-અખૂટ વિશ્વાસ એ ખાતર છે. હેતપૂર્વકની માવજત થાય છે. ભગવદભજન તથા ભરોસાની વાડ થાય છે. અંતમાં સારપરૂપી ફાલ ઉત્પન્ન થાય છે. એ ફાલ વ્યક્તિને તો સંતૃપ્ત કરે જ છે પણ સમષ્ટિને પણ શાતા આપે છે.

મૂળમાં પરિવર્તનની ઈચ્છા ધરબાયેલી હોય છે જ. એક નાનકડો દાખલો આપું. અમદાવાદ કર્ણાવતી કલબ ખાતે બે રામકથાઓ યોજાઈ ગઈ. થોડા મહિનાઓ પહેલાં બાપુના પુત્ર શ્રી પાર્થિવભાઈ બપોરનાં સમયમાં તલગાજરડાથી ગુરુકૂળ તરફ આવી રહ્યાં હતાં. ગણેશમંદિર પાસે એક બહેન ઊભાં હતાં. ઉત્તર ગુજરાતનાં બહેનો પહેરે તેવો તેમનો પોશાક હતો. એમણે હાથનો ઈશારો કરીને ગાડી રોકાવી. ‘બાપુના કંઈ થાઓ છો ?’ ‘હા’ પાડતાં ગાડીમાં બેસાડ્યા. બહેન બોલ્યાં, ‘હું અમદાવાદથી આવી છું. કર્ણાવતી કલબ પાસે રહું છું. આ વખતની કથામાં બાપુએ દસમો ભાગ કાઢવાનું કહ્યું હતું તે લઈ આવી છું. બાપુ તો બહાર ગયા છે, તમને આપીને જાઉં છું….’ કથામાં અનેક પ્રસંગોએ બાપુ સૌને પોતાની આવકમાંથી દસમો ભાગ અન્યના ઉપયોગ માટે કાઢવા અપીલ કરે છે. અંગત સ્વાર્થ ન હોય તેવી જગ્યાએ આ રકમ વાપરવા અપીલ કરે છે, જેનો બહુ હકારાત્મક પ્રતિભાવ સાંપડે છે. ત્યાં સુધી કે વિદેશમાં રહેતા નાના ભૂલકાંઓ પણ પોતાના પોકેટમનીમાંથી કંઈક રકમ બચાવીને પરકલ્યાણના કામોમાં વાપરે છે. પેલાં બહેન પણ કથામાં ક્યાંક બેઠાં હશે. ભીડમાં બેસીને કથા સાંભળી હશે. વિચાર ઝીલી લીધો, સુત્ર પકડાઈ ગયું અને આચરણરૂપી પ્રયત્ન પાંગરી ઊઠ્યો.

રામકથાથી શું થાય છે ? મારું એ માટે સંશોધકોને નિમંત્રણ છે. અહીં ભીડ નથી. ટ્રક ભરીને લોકોને ભેગાં નથી કરતાં. ફક્ત ત્રણ શ્રોતાથી શરૂ થયેલી કથાયાત્રામાં એક પડાવ એટલે વડોદરાની એક કથા. મેં પોતે 6 લાખ ઉપરનો શ્રોતાવર્ગ જોયો હતો ! એના પરથી ફલિત થાય છે કે કથા એવું કૈંક આપે છે જેની માણસને જન્મ-જન્મથી શોધ છે. આ ઘટનાનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવા જેવો છે. આપણા સૌના હૃદયમાં સારપની વાવણી માટે ઉત્કંઠા જાગે તેવી પ્રાર્થના.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “મોરારીબાપુ : રામકથા, સારપની ખેતી – જયદેવ માંકડ”

Copy Protected by Chetan's WP-Copyprotect.