મોરારીબાપુ : રામકથા, સારપની ખેતી – જયદેવ માંકડ

[બાપુના સાનિધ્યમાં રહીને મહુવા ખાતે આવેલા શ્રી કૈલાસ ગુરુકૂળનું સંચાલન સંભાળી રહેલા શ્રી જયદેવભાઈ ‘રામકથા શું છે ?’ તે અંગે આ પ્રસ્તુત લેખમાં પોતાનો ભાવ વ્યક્ત કરે છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી જયદેવભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825272501 સંપર્ક કરી શકો છો.]

બાપુના વ્યક્તિત્વને જોઉં છું, તેમનાં જીવન કર્મરૂપી રામકથાકર્મને જોઉં છું ત્યારે શું લખવું ? કેમ લખવું ? કેટલું લખવું ? જેવી મૂંઝવણ થાય. માતા જેમ બાળકને જન્મ આપે તેમ આ ગડમથલમાંથી કૈંક પકડાઈ જાય ને લખાઈ જાય ત્યારે રાહત થાય. રામકથા એટલે શું ? મોરારીબાપુની રામકથા મારી દષ્ટિએ સારપની ખેતી.

ખેતી કેમ ? ખેતી તો લાંબી અને આયોજનપૂર્વકની પ્રક્રિયા છે. ખેતર ખેડવું, તૈયાર કરવું, યોગ્ય સમયે વાવણી કરવી, મૂળ પાકના સંવર્ધન અને ઉછેર માટે નિંદામણ કરવું, પાક નબળો ન પડે તે માટે ખાતર દેવું, રોગના ઉપચાર કરવા અને અંતે સુંદર પાક લણવો. આ વાત થઈ કૃષિ આધારિત જીવન જીવતાં ખેડૂતની. ખેતીના મૂળ સિદ્ધાંતોને જ્યારે રામકથાના સંદર્ભમાં જોઉં છું ત્યારે ઘણું સામ્ય દેખાય છે. જાણીએ છીએ તેમ વ્યક્તિનું હૃદય પણ ક્ષેત્ર છે. જેમ બધી જમીન ઉપજાઉ નથી હોતી તેમ જ્યાં જીવનની ભૂલોનો રંજ છે, સુંદર ને ઉત્તમ જીવનની ખેવના છે તેવી વ્યક્તિનું હૃદયાકાશ રામકથારૂપી ખેતીની જમીન છે. જેને જીવનમાં કંઈ ખટકતું નથી, જ્યાં ઉન્નત જીવનની અભિપ્સા નથી અને વ્યક્તિથી લઈ સૌના કલ્યાણનો વિચાર નથી, તે ભૂમિ કદાચ ફળાઉ નથી.

સમજમાં કે નાસમજીમાં ભૂલો કરે તે માણસ. જાણે બધું પણ ટાણે જીવી ન શકે તે માણસ. ક્રોધવશ, કામવશ અને મોહવશ જીવી નાખે તે માણસ. સાથો સાથ અંદર અંદર તેનો ખટકો પણ અનુભવે તે માણસ. આવું ખટકાવાળું તૈયાર ક્ષેત્ર જ્યારે સત્સંગમાં આવે ત્યારે ખેતી શરૂ થાય અને અહીં તો સારપની ખેતી થાય છે. ખેડૂતને ઋતુની ખબર છે. અહીં વિશ્વાસ અને ભાવની ઋતુ છે. અહૈતુક કરુણાને અહેતુક વ્હાલનો વરસાદ વ્યક્તિની અંદર છુપાયેલા, ઊંડે ધરબાયેલા સારપના બીજને જીવનજળ પ્રદાન કરે છે. આવો ખેડૂત શક્તિશાળી હોવો જોઈએ. ટાઢ, તડકો અને વરસાદ તેના ખેડૂતકર્મને રોકી શકતા નથી. બાપુને જ્યારે આવા ઉમદાને મહેનતકશ ખેડૂત સાથે સરખાવું ત્યારે જીવનમાં આવેલી અને આવતી મુશ્કેલીઓ અને વિષમતાઓ ડગાવી નથી શકતી તેવું જોવાય છે.

આશરે 40 વર્ષ પહેલાંની વાત છે. દ્રશ્ય છે તલગાજરડા ગામની દરજીની દુકાનનું. 10-11 વર્ષનો એક છોકરો હાથમાં શર્ટ લઈ ઊભો છે. શર્ટ ક્યાંકથી ફાટ્યો છે, પણ સિલાઈના પૈસા નથી એટલે મૂંઝાઈને અન્ય ગ્રાહકો ઓછા થાય તેની રાહ જોતો ઊભો છે. થોડીવારે દરજીનું ધ્યાન જતાં પૂછ્યું :
‘શું છે ?’
‘શર્ટ જરાક ફાટી ગયો છે, મા એ કહ્યું છે તે જરાક સિલાઈ કરી આપશો ?’ કિશોરે સંકોચ સાથે વિનંતી કરી.
‘લાવ….. અમારાથી તમને સાધુને વળી બીજી શું દક્ષિણા અપાય….!’ લુચ્ચું હાસ્ય ઉમેરતા અન્ય ગ્રાહકને દરજીએ કહ્યું ને ઉમેર્યું, ‘આ પ્રભુદાસબાપુના છોકરાઓ રોજ કંઈક ને કંઈક લઈ ઊભા હોય…’ ઉપહાસ, નિંદા અને મજાકના ભાવો સ્પષ્ટ અનુભવતા કિશોર પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. શ્રી દેવાભાઈ (બાપુના નાનાભાઈ) પાસેથી જ્યારે આ પ્રસંગ સાંભળ્યો ત્યારે શેરડો પડી ગયો હતો. કેવી સરળતાથી ને કેવી બેફિકરાઈથી માણસ માણસને વીંધે છે ! પણ…. ‘ભક્તિ રે કરવી તેણે રાંક થઈને રહેવું પાનબાઈ….’ એ જ બાપુ સમાજને અપરંપાર પ્રેમ ને આદર આપે છે. જૂનાગઢની દિશામાં ચાલવાથી સાધુ નથી થવાતું. સમજણની કસોટીમાંથી પાર ઉતરી ને સતત સમજણને જીવવી એટલે સાધુ.

વચ્ચેના વર્ષોમાં ગોપીગીતની કથાઓ થઈ. એક એવા જ ગોપીગીત વખતે બાપુએ શ્રોતાઓ માટે પ્રાણ પાથર્યા. ભાવવિભોર વાતાવરણમાં જીવની મૂળ શોધની ચર્ચા થઈ. પછી ખબર પડી કે એ વખતે બાપુને બે ડિગ્રી તાવ હતો….! કથા માટે કેવી નિસ્બત ! ભગવદભાવ કેવો અને શ્રોતાઓ માટે જાતને બાજુએ મૂકતી ચિવટ કેવી….! આ બનાવો શું સૂચવે છે ? હતાશ, નિરાશ, થાકેલા અને અટવાયેલાઓમાં જીવન તત્વની રોપણી. વ્હાલનું સિંચન અને સારપનો ફાલ. ખેડૂતને આર્થિક હેતુ હોય છે, અહીં તો પારમાર્થિક હેતુ છે. 50-55 વર્ષોનો પરિશ્રમ. આ કંઈ જેવી તેવી વાત નથી જ. હેતપૂર્વકનો હેતુ છે. કથા એ પ્રચાર નથી પણ શુભના પ્રસવ અને પ્રસાર માટેની તનતોડ મહેનત છે. કોઈ ઉતાવળિયા અને અધૂરાને મન કથા એ માનવકલાકોનો બગાડ છે. મારા મતે, કથા એ માનવકલાકોનો ઉઘાડ છે. અખાની પંક્તિનો કવિ શ્રી માધવભાઈ રામાનુજ ઠીક અર્થ કરે છે કે ‘કથા સૂણી સૂણી ફૂટ્યા કાન…’ એટલે કે કાન હતા જ નહીં, કથા સાંભળી તો કાન ઉગ્યા ! શ્રવણ ક્યાં થાય છે ? ઘોંઘાટમાં જીવન પૂરું થાય છે. પર અપવાદ, નિંદા, બકવાસ ને દુર્વાદ સુણવામાં ને ઊંડે ઊંડે તો ગમતું જ સાંભળવામાં કાનનું આયખું પૂરું થાય છે. કેમ સાંભળવું, શું સાંભળવું ને પછી શું આચરવું તે કદાચ કથા વધુ સચોટ ને અસરકારક રીતે સમજાવે છે.

બાપુ માટે વ્યક્તિ એટલે સંભાવનાઓ. વ્યક્તિમાં પડેલી સારપના અસંખ્ય ઉદાહરણો જોવા મળે. જેને અંદર કશુંક ખટકે છે તે સત્સંગમાં આવે છે. સ્વનો પરિચય પામે છે. પડે છે, ઊભો થાય છે. સારાસારનો વિવેક સમજતો થાય છે અને સારપને ઉગાડવાનો પ્રયત્ન કરે છે. તેની આ યાત્રા એટલે જાત સાથેની યાત્રા. તેથી જ મારા મતે બાપુની રામકથા એટલે સમૂહમાં થતો વ્યક્તિગત સંવાદ. વ્યક્તિના પિંડમાં કૈંક કેટલુંય સારું ને નઠારું સંઘરાઈને પડ્યું છે. આ નઠારાનું નિંદામણ તે કથાકર્મ છે. સ્નેહ અને કરુણાનું સિંચન છે. અસીમ-અખૂટ વિશ્વાસ એ ખાતર છે. હેતપૂર્વકની માવજત થાય છે. ભગવદભજન તથા ભરોસાની વાડ થાય છે. અંતમાં સારપરૂપી ફાલ ઉત્પન્ન થાય છે. એ ફાલ વ્યક્તિને તો સંતૃપ્ત કરે જ છે પણ સમષ્ટિને પણ શાતા આપે છે.

મૂળમાં પરિવર્તનની ઈચ્છા ધરબાયેલી હોય છે જ. એક નાનકડો દાખલો આપું. અમદાવાદ કર્ણાવતી કલબ ખાતે બે રામકથાઓ યોજાઈ ગઈ. થોડા મહિનાઓ પહેલાં બાપુના પુત્ર શ્રી પાર્થિવભાઈ બપોરનાં સમયમાં તલગાજરડાથી ગુરુકૂળ તરફ આવી રહ્યાં હતાં. ગણેશમંદિર પાસે એક બહેન ઊભાં હતાં. ઉત્તર ગુજરાતનાં બહેનો પહેરે તેવો તેમનો પોશાક હતો. એમણે હાથનો ઈશારો કરીને ગાડી રોકાવી. ‘બાપુના કંઈ થાઓ છો ?’ ‘હા’ પાડતાં ગાડીમાં બેસાડ્યા. બહેન બોલ્યાં, ‘હું અમદાવાદથી આવી છું. કર્ણાવતી કલબ પાસે રહું છું. આ વખતની કથામાં બાપુએ દસમો ભાગ કાઢવાનું કહ્યું હતું તે લઈ આવી છું. બાપુ તો બહાર ગયા છે, તમને આપીને જાઉં છું….’ કથામાં અનેક પ્રસંગોએ બાપુ સૌને પોતાની આવકમાંથી દસમો ભાગ અન્યના ઉપયોગ માટે કાઢવા અપીલ કરે છે. અંગત સ્વાર્થ ન હોય તેવી જગ્યાએ આ રકમ વાપરવા અપીલ કરે છે, જેનો બહુ હકારાત્મક પ્રતિભાવ સાંપડે છે. ત્યાં સુધી કે વિદેશમાં રહેતા નાના ભૂલકાંઓ પણ પોતાના પોકેટમનીમાંથી કંઈક રકમ બચાવીને પરકલ્યાણના કામોમાં વાપરે છે. પેલાં બહેન પણ કથામાં ક્યાંક બેઠાં હશે. ભીડમાં બેસીને કથા સાંભળી હશે. વિચાર ઝીલી લીધો, સુત્ર પકડાઈ ગયું અને આચરણરૂપી પ્રયત્ન પાંગરી ઊઠ્યો.

રામકથાથી શું થાય છે ? મારું એ માટે સંશોધકોને નિમંત્રણ છે. અહીં ભીડ નથી. ટ્રક ભરીને લોકોને ભેગાં નથી કરતાં. ફક્ત ત્રણ શ્રોતાથી શરૂ થયેલી કથાયાત્રામાં એક પડાવ એટલે વડોદરાની એક કથા. મેં પોતે 6 લાખ ઉપરનો શ્રોતાવર્ગ જોયો હતો ! એના પરથી ફલિત થાય છે કે કથા એવું કૈંક આપે છે જેની માણસને જન્મ-જન્મથી શોધ છે. આ ઘટનાનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવા જેવો છે. આપણા સૌના હૃદયમાં સારપની વાવણી માટે ઉત્કંઠા જાગે તેવી પ્રાર્થના.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સૃષ્ટિનું નવસર્જન – મનસુખ કલાર
આઠ પત્રો – દીવાન ઠાકોર Next »   

13 પ્રતિભાવો : મોરારીબાપુ : રામકથા, સારપની ખેતી – જયદેવ માંકડ

 1. aava uttam kotina kathakaro dwara j samajma manav mulyo sachavai rahya chhe.

 2. shree says:

  ગમ્યુ,બાપુ નુ હરિ નામ સન્કિર્તન સાભલવાથિ આજે પન અશાત મન ને શાતિ મલે ચે.

 3. ખુબ જ સરસ લેખ.

 4. Falgun says:

  ભાઈ જયદેવ ની વાત સાવ સાચી. -કથારૂપી ખેતી થી આપણા જીવન માં સંસ્કાર રૂપી ધાન્ય નું વાવેતર થાય જે આપણું જીવન ધન્ય કરે. ખેતી અને ખેડૂત વગર ઉગે પણ કેવું? જંગલી! એમ જ કથા વગર પણ ઉછેર તો થાય પણ એ કેવો? જંગલી! ઈતિહાસ સાક્ષી છે કે જયારે જયારે શિક્ષણ ક્ષેત્ર માંથી વ્યક્તિ એ સમાજ સેવા નો મારગ પકડેલ છે ત્યારે આમૂલ ક્રાંતિ આવેલી છે જ. એમાં પણ શિક્ષક પોતે આપણા જીવન ના ખેડૂત બને તો તો આપણા જીવન માં ચમત્કાર ના સર્જાય તો જ ચમત્કાર! મારી દ્રષ્ટિ થી તો શિક્ષક અને કથાકાર બેઉ એક જ સિક્કા ની બે બાજુ ઓ છે – વિદ્યાર્થી ઓની ઉમર અને વર્ગખંડ ની જગ્યા મોટી, બાકી બધું તો એક જ! આવા માહિતી સભર લેખો લખતા રહેવા ની જયદેવ ને વિનંતી જેથી કરી ને બીજા સૌ ને પણ પૂજ્ય બાપુ વિષે માહિતી મળે. સાચું કહું તો મેં જયારે, પૂજ્ય બાપુ એ બે ડીગ્રી તાવ માં પણ પોતાનું કર્તવ્ય નિભાવ્યું એ વાંચ્યું તો અચરજ ના થયું કારણ કે આવી વ્યક્તિ ઓ માટે આ સહજ હોય છે – એ લોકો એમ માને કે તાવ તાવ નું કામ કરે આપણે આપણું! બાકી ૧૦૨ ડીગ્રી થર્મોમીટર માં જે આવે એની અસર તો, જેટલી આપણને, એટલી એમને, પણ એમની સહન કરવાની ‘ડીગ્રી’ આપણા થી ઉંચી! સરદાર વલ્લભભાઈ પટેલ નો પેલો કિસ્સો – પોતે કોર્ટ માં હતા, તાર આવ્યો, ખીસા માં મૂકી કેસ ચાલુ રાખ્યો પછી ખબર પડી કે એમના પત્ની ના અવસાન નાં સમાચાર હતા. પૂજ્ય બાપુના આદરણીય લઘુ બંધુ નું અવસાન થયું તો પણ એમને કથા તો પૂરી કરી જ. જોઈ સમાનતા બે મહાન વ્યક્તિ ઓ માં? બાકી આઘાત તો લાગે જ – જેમ કે બે ડીગ્રી તાવ એટલે બે ડીગ્રી તાવ, પણ આ લોકો એટલે જ આપણા થી મુઠી ઊંચેરા હોય છે.

 5. રામકથા, શિવકથા, ભાગવત કથા જેવી કથાઓ અને એના દ્વારા કથાકાર આપણને શું સાંભળવું, એમાથી શું સમજવું અને પછી શું આચરવું એ બધુ જ સારપની ખેતી રુપે આપણને આપે છે. એવું માનીએ કે આવી ખેતી થતી રહે છે એટલે જ સારપનો થોડો પાક ક્યાંક આપણને લણાતો દેખાય છે.

  બાકી તો આમાનાં ઘણા શ્રોતાઓ તો સમાજમાં દોઝખની વાવણી કરતા કરતા કથાઓ સાંભળતા રહેતા હોય છે. સમાજને સૌથી વધારે હેરાન કરતો વર્ગ કથાકારની સામે જ અને નજીકમાં જ બેઠેલો હોય એમ બને. કથાકાર આવા ખરબચડા શ્રોતાઓને સમજવા અને સમજાવવાની જવાબદારી લે તો સારપની ખેતી હજી પણ વધી શકે.

  આપણે વ્યક્તિને ધર્મ, ભક્તિ અને અધ્યાત્મને સમાજ અને રાષ્ટ્રનાં કામમાં ભેળવતા શીખવવું પડશે. આમાં આપણે સફળ થવાને હજી ઘણી વાર હોય એવું લાગે છે.

 6. ખરેખર,સારપ ની ખેતી…ઉત્તમ લેખ.

 7. Nipun.N.Vyas says:

  Kudos to Jaidevbhai.i have been fortunate to listen Bapu since 1986 February.
  i can vouch of not only for myself but innumerable individuals whose life has been TRANSFORMED POISITIVELY by Bapu.
  Just listening to his Katha again & again not only PURIFIES oneself internally but a individual becomes a BETTER HUMAN BEING.Lakhs of people have benefited by the DIVINE GRACE OF BAPU day in & day out.
  Great article Jaidevbhai & thanks for sharing some invaluable info.
  Pranam.
  Sadguru Bhagwan Priya Ho.
  JaySiyaRam.

 8. Rajendra Sheth, Ahmedabad says:

  Saru darshan ane saru chintan , thx. Jay Siyaram.

 9. rameshwarhariyani says:

  જય સિયારામ ખુબ સરસ લેખ બહુ આનદ આયો પેરના દાયક

 10. deshani hitesh says:

  સર ખુબ જ સરસ

 11. M B Baria says:

  ખરેખર તમોએ આ શબ્‍દોમાં વર્ણવેલ કથાના અનુભવો તેમજ કથાનુ રહસ્‍ય મને ગણુ શીખવી જાય છે. અને તમોએ જગતના માનવીઓને આ કથા વિષે કરેલ ભવ્‍ય કથાના શબ્‍દોને હુ ભાવસહ હુ સ્‍વીકારુ છુ. ઘણુજ સરસ ઉકત બાબતમાં હુ કહુ તેટલુ ઓછુ કહેવાય જય શ્રીરામ………..

 12. Ashvin vaghasiya says:

  ખૂબ સરસ મન શાંતિ પામ્યુ

 13. Arvind Patel says:

  Special, Special Respect to Murari Bapuji
  The life of this Sant is highly respectable. He has done lots of work for society. Sastrang Pranam. Vandan.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.