સૃષ્ટિનું નવસર્જન – મનસુખ કલાર

[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા માટે શ્રી મનસુખભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે manjnd@gmail.com સંપર્ક કરી શકો છો.]

હંમેશા કમલાસન પર બિરાજમાન રહેતા પરમપિતા, સૃષ્ટિસર્જક શ્રીબ્રહ્માજી આજે એ આસનનો ત્યાગ કરી, અત્યંત વ્યગ્રતાથી, ચિંતાતુર ચહેરે પોતાના સભાખંડમાં આમથી તેમ આંટા મારતા હતા. તેમના મુખ અને આંખોમાં રહેતું મોહિત સ્મિત અત્યારે જાણે વિલાઈ ગયું છે. ચહેરા પર દુખ, ચિંતા, અને વ્યગ્રતા સ્પષ્ટ દેખાઈ છે. પરમપિતાના મનમાં કૈક ગંભીર મનોમંથન ચાલુ છે.

બ્રહ્માજી સ્વગત બોલ્યા : ‘આ ધર્મદેવ હજી ન પધાર્યા ?’
‘સંદેશો તો ક્યારનો મોકલાવ્યો છે…..પણ….’
‘અરે ભાઈ કોઈ શીધ્ર પ્રસ્થાન કરી ધર્મદેવને બોલાવી આવો…’ બ્રહ્માજીએ દેવદૂતને આદેશ આપ્યો.
ત્યાં જ યમરાજજી બ્રહ્માજીની બાજુમાં પ્રગટ થયા. બે હાથ જોડીને કહ્યું, ‘આદેશ પ્રભુ !’
‘સાંભળ્યું ? સાંભળ્યું તમે યમરાજજી ? બ્રહ્માજીએ યમરાજ સામે જોયા વગર જ ઉતાવળથી, ઉશ્કેરાટથી કહ્યું અને ઉમેર્યું, ‘સાત અબજ થઇ, સાત અબજ !’
‘હા પ્રભુ, મને આજે સવારે જ ખબર પડી કે પૃથ્વીની વસ્તી સાત અબજ થઈ’ યમદેવે ઠંડો પ્રત્યુતર આપ્યો.
‘આ મનુષ્યોનું કૈક કરવું પડશે ! મનુષ્યોના પાપોના ભારથી આ સુંદર પૃથ્વીનો નાશ તો થતા થશે પરંતુ એ પહેલાં તો આ મનુષ્યોના ભારથી જ પૃથ્વીનો નાશ થઇ જશે ! મેં ખુબ મહેનત, લગન અને પ્રેમથી આ અદ્દભુત, મનોરમ્ય અને સુંદર સૃષ્ટીનું સર્જન કર્યું છે. પૃથ્વીને બચાવવી પડશે ! કંઈક રસ્તો વિચારો ધર્મદેવ, નહીંતર આ ક્યાં જઈ અટકશે ?’ બ્રહ્માજીએ કહ્યું.

‘ક્ષમા પ્રભુ, પરંતુ હાલ હું પૃથ્વી વિશે કશું પણ વિચારી શકું એવી સ્થિતિમાં નથી.’ યમદેવે હાથ જોડી કહ્યું.
‘શું કહ્યું આપે યમદેવ ?’ બ્રહ્માજીએ આશ્ચર્યથી પૂછ્યું.
યમદેવના આવા પ્રત્યુતરથી બ્રહ્માજીને આશ્ચર્ય થયું પરંતુ એથી પણ વધારે આશ્ચર્ય તો યમદેવના હાલહવાલ જોતાં બ્રહ્માજીને થયું. યમદેવ થાકેલા લાગતાં હતાં. અસ્તવ્યસ્ત પોષક, આંખોમાં ઉજાગરો, મુખ પર ચિંતા, ભાર અને થાક સ્પષ્ટ દેખાઈ આવતાં હતાં.
‘અરે ધર્મદેવ, આ શું ? આપની આ દશા ?’ બ્રહ્માજીએ યમદેવની પૃચ્છા કરી.
‘માફ કરશો પ્રભુ, પરંતુ હાલ નર્કની સ્થિતિ અત્યંત વણસી ગઈ છે. ભૂતકાળમાં નર્કના પ્રશ્નો અંગે મેં એક-બે વાર મૌખિક અને એકવાર મુદ્રિત આવેદન આપને આપેલું.’
‘હં, હા બરાબર. આપે એ વાત મને કહેલી.’ બ્રહ્માજીને યાદ આવ્યું, ‘પણ નર્કની સ્થિતિ આટલી હદે વણસી જવાનું કંઈ કારણ….?’ બ્રહ્માજીએ પૂછ્યું.
‘એ જ પ્રભુ, એ જ, વસ્તીવધારો ! નર્કમાં ભયંકર હદે વસ્તીવધારો થયો છે અને ઉત્તરોત્તર ચાલુ જ છે. આ વસ્તીવધારાને કારણે નર્કમાં બીજા અનેક અવનવા પ્રશ્નો ઉભા થયાં છે. પ્રભુ ! નર્કમાં વ્યવસ્થા અને વહીવટ કરવામાં મને નાકે દમ આવી ગયો છે. મને અને મારા અપૂરતા સ્ટાફને ઘડીની’ય નવરાશ નથી. નર્કમાં આવનારા અવનવા નમૂનાઓ સાથે લમણાઝીંક કરીને મારું માથું પાકી ગયું છે. એમાંય પાછાં ઘણું ભણેલા મનુષ્યો તો વિચિત્ર પ્રશ્નો પૂછીને અમને મૂંઝવી નાખે છે. પ્રભુ, હાલ થોડા દિવસોથી તો ‘કમ્યુનિકેશન’નો પ્રશ્ન ઉભો થયો છે. બધી ભાષાના જાણકાર ‘ચિત્રગુપ્ત’ જીદે ચડ્યા છે અને કામનો બહિષ્કાર કર્યો છે. તેથી મારી મુશ્કેલીમાં વધારો થયો છે.’ યમદેવે પોતાની વ્યથા કહી.
‘કેમ ? ચિત્રગુપ્ત શેની જીદે ચડ્યો છે ? કામનો બહિષ્કાર કરવા બદલ તેની વિરુદ્ધ આપે શાં પગલાં લીધા છે ?’
‘પ્રભુ વાત એમ છે કે પૃથ્વી પરથી નર્કમાં આવેલા અમુક મનુષ્યોએ ચિત્રગુપ્તને કાન ભંભેરણી કરીને કહ્યું કે તમે ચોપડાનાં થોથા ઉથલાવી ઉથલાવીને અધમુઆ થઇ ગયા. આને બદલે પેલું યંત્ર… શું નામ કહ્યું તું ? (યમદેવ મનમાં યંત્રનું નામ યાદ કરવા માંડ્યા. થોડીવારે યાદ આવતા તેઓ બોલ્યા…) હા, ‘કોમ્પ્યુટર’ વસાવી લ્યો ને ! એક સ્વીચ દબાવો એટલે જે તે વ્યક્તિનો આખો ડેટા આપણી સામે આવી જાય. બીજી કોઈ માથાકૂટ નહીં. કામ એકદમ સરળ અને ઝડપી. હાલ આપ એક દિવસમાં જેટલા કેસોનો નિકાલ કરો છો તેના કરતાં દશગણા વધારે કેસોનો નિકાલ થઈ જશે. એ પણ આરામથી… બસ પ્રભુ, ત્યારથી ચિત્રગુપ્તએ યંત્ર માટે જીદે ચડ્યા છે. રહી વાત પગલાં લેવાની…. તો, ચિત્રગુપ્તનો આમાં કશો વાંક નથી. હજારો વર્ષોથી નર્કના કર્મચારીઓ અવિરતપણે પોતાની સેવાઓ આપે છે. નર્કના કર્મચારીઓને ક્યારેય રજા કે આરામ નહિ. ઉલટું, તેઓને સતત અને સખત કામ કરવું પડે છે. એમાંય છેલ્લાં કેટલાક વર્ષોથી તો કામનું ભારણ ખૂબ વધી ગયું છે. તેથી હવે તેઓ થાક્યાં હોય તે વ્યાજબી છે. પ્રભુ, નજીકના ભવિષ્યમાં પાપીઓની સંખ્યા ઘટે એમ નથી એવું જાણ્યાં પછી તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા છે. પાપીઓને ચાબુક મારી મારીને યમદુતોના હાથમાં ચાઠા પડી ગયા છે. એકાદ મહિના પહેલાં જ થોડા યમદુતોએ તેમના હાથોમાં પડેલા ચાઠા બતાવીને મને પૂછેલું કે ‘મહારાજ, તમે પૃથ્વી પરથી આવતા પાપીઓને સજા આપો છો કે અમને ?’ તેઓને સમજાવતાં મને જીભે ચાઠા પડી ગયા હતા ! આવી ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિમાં હું તેઓ પર પગલાં ભરવાનું વિચારું તો બળવો થયા વિના નહિ રહે પ્રભુ…’ યમદેવે પોતાની પરિસ્થિતિ વર્ણવી.

‘હં, તો પછી આપ….. શું નામ કહ્યું પેલું ? એ યંત્ર લાવી આપોને ચિત્રગુપ્તને ! તેનાથી કામમાં ઝડપ થશે, એટલી રાહત રહેશે આપને…’ બ્રહ્માજીએ સુચન કર્યું.
‘મેં એ યંત્ર વિષે તપાસ કરેલી પ્રભુ. પરંતુ માત્ર એ યંત્રથી વાત નથી પૂરી થતી. એ યંત્ર ચલાવવા વીજળી જોઈએ. ચાલો, વીજળી તો દેવલોકમાંથી મળી પણ જાય પરંતુ એ સિવાય સોફ્ટવેર, ઈન્ટરનેટ, મેમરી, સ્ટોરેજ, વાઈરસ વગેરે જેવા બીજા ઘણાં પ્રશ્નો છે. મેં સાંભળ્યું છે કે એ યંત્ર પર સતત કામ કરવાથી આંખોને અને શરીરના બીજા અંગોને નુકસાન થાય છે. ચિત્રગુપ્તને આવું કોઈ નુકસાન થાય તે મને ન પરવડે પ્રભુ. અને સાચું કહું તો મને ‘ફેસબુક’ અને ‘ટ્વીટર’ નો પણ ભય છે. ચિત્રગુપ્ત જો તેને રવાડે ચડી જાય તો મારું તો કામ જ રખડી પડે ને !’ યમદેવે કહ્યું.
‘ફેસબુક ને ટ્વીટર ! એ શું છે વળી ?’ બ્રહ્માજીએ આશ્ચર્યથી પૂછ્યું.
‘પ્રભુ, પૃથ્વી પર આને સોશિયલ સાઈટ્સ કહે છે. પેલા યંત્ર દ્વારા સંદેશાની આપ-લે, ચિત્ર, ચલચિત્ર વગેરેની આપ-લે માટે તે વપરાય છે. આ બંને એ પૃથ્વી પર સ્થળ, સમયનો ભેદ મિટાવી દીધો છે. મનુષ્ય આ બંને સાઈટ્સ પાછળ ઘેલો બન્યો છે અને તેની આ ઘેલછાને કારણે મનુષ્યના વ્યવસાય, કુટુંબ વગેરે પર અવળી અસરો પડી છે. આ કારણોસર હું પેલું યંત્ર ચિત્રગુપ્તને લાવી આપતો નથી.’ યમદેવે સાચી વાત કહી.
‘આપની વાત તો સત્ય છે ધર્મદેવ. પરંતુ એમ પૃથ્વી પર અને નર્કમાં અંધાધૂંધી ફેલાય એ કેમ ચાલે ? તમે કોઈ બીજા ઉપાયો શોધો. નર્કમાં રહેતાં કેદીઓને યમદૂતોનું કામ સોંપો, જેથી આપણા યમદૂતો પર કામનો ભાર ઓછો થાય.’ બ્રહ્માજીએ સુઝાવ આપ્યો.
‘એ પ્રયોગ પણ અજમાવી જોયો પ્રભુ, મેં દશ-દશ પાપીઓની ટુકડીઓ બનાવીને તેના સરદારપદે આપણાં એક યમદૂતની નિયુક્તિ કરી. પાપીઓ પાસેથી કામ કરાવવાનો પ્રયાસ કરી જોયો. પરંતુ મનુષ્ય વિચિત્ર પ્રાણી છે. ત્યાં પૃથ્વી પર તે સરહદ, ધર્મના નામે લડતો રહે છે પણ અહીં જયારે આપણા યમદુતે તેઓ પાસે કામ કરાવવાની ચેષ્ટા કરી તો એ દશેય મનુષ્યોએ એકસંપ થઈને આપણા યમદૂતની ધોલાઈ કરી નાખી ! બિચારો આપણો યમદૂત મનુષ્યોની માર ખાઈને અધમુઓ થઈ ગયેલો, છતાં તેને એક દિવસની રજા પણ હું આપી શક્યો નહીં. એ સમયે મને ખરેખર લાગી આવેલું. બીજા થોડા પાપીઓને વ્યવસ્થિત ટ્રેનીંગ આપીને પૃથ્વી પર બીજા મનુષ્યોનાં પ્રાણ હરવા મોકલેલા. જેમાંના ઘણા તો એક વ્યક્તિનો જીવ લઈને બે-ત્રણ દિવસે આરામથી પાછા ફરેલાં. બીજા બે પાપીઓને શોધવા માટે અહીંથી અન્ય બીજા બે પાપીઓને મોકલવા પડેલાં. વળી, નર્કમાં માનવઅધિકાર પંચવાળા બધાં પાપીઓને વારંવાર ઉશ્કેરે છે. વકીલોએ દલીલ કરી કરીને અમને મૂંગા કરી દીધાં છે. નર્કમાં પાપીઓનું સંખ્યાબળ ખૂબ જ વધી ગયું હોવાથી તેઓ અવનવા આયોજનો કરતાં રહે છે. સંખ્યાબળને કારણે તેઓ હવે નર્કમાં પણ સારું ખાવાનું, વ્યવસ્થિત પોષક અને બીજા હક્ક-હિસ્સાઓ માંગતાં થયાં છે. એ તો ભલું થજો એ રાજકારણીઓનું કે જેના કારણે હજી તેઓમાં એકતા સ્થપાઈ નથી. આ પાપીઓને મૂંગા રાખવા અને પેલા માનવઅધિકાર પંચવાળાની માંગણીને કારણે અમારે નર્કમાં દર અઠવાડિયે ‘મુન્ની અને શીલા’ના કાર્યક્રમો રાખવા પડે છે.’ ધર્મરાજાએ નર્કની સ્થિતિનો અહેવાલ આપ્યો.

‘હં, પૃથ્વીની જેમ જ નર્કની સ્થિતિ પણ ગંભીર છે.’ બ્રહ્માજી કંઈક વિચારતા બોલ્યાં, ‘આપણે એક કામ કરીએ. પૃથ્વીપર જેઓએ ઓછાં પાપ કરેલાં હોય અને હાલ નર્કમાં જેઓનો વ્યવહાર સારો હોય તેવા મૃતાત્માઓને આપણે સ્વર્ગમાં શિફ્ટ કરીએ. આ ઉપાયથી તમારે નર્કમાં થોડી સંખ્યા ઓછી થશે.’
‘પ્રભુ, નર્કના વસ્તીવિસ્ફોટથી ત્રાસી જઈ મેં સ્વર્ગ અને નર્કને જોડતી દીવાલ પાસેના તમામ સુરક્ષાદૂતોને ખસેડી લીધેલા. મેં એવું વિચારેલું કે આમ કરવાથી કદાચ નર્કનાં થોડા પાપીઓ સ્વર્ગમાં જતાં રહે તો થોડી ઉપાધિ ઓછી. પરંતુ મારી ધારણા વિરુદ્ધ, સ્વર્ગમાંથી મનુષ્યો નર્કમાં ઘુસપેઠ કરવાં માંડ્યા ! એટલે હવે સ્વર્ગમાંથી કોઈ મનુષ્ય નર્કમાં ઘૂસી ન જાય તે માટે મારે તે દીવાલ પર પાછા સુરક્ષાદૂતો નિમવા પડ્યાં છે. આ બાબત મેં ઇન્દ્રદેવને એક ફરિયાદ પત્ર પણ લખેલો. પ્રભુ, આવું શા માટે બન્યું તેની તપાસ કરતાં માલુમ પડ્યું કે સ્વર્ગમાં રહેલાં મોટાભાગના મનુષ્યના મિત્રો, કુટુંબીઓ, સહકર્મચારીઓ વગેરે બધાં નર્કમાં છે તેથી સ્વર્ગમાં રહેલા વ્યક્તિને ત્યાં એકલવાયું લાગે છે. તેથી તે વારંવાર સ્વર્ગમાંથી નર્કમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે.
પ્રભુ, હમણાં બે મહિના પહેલા જ સ્વર્ગમાં રહેલા બે કવિઓ સ્વર્ગના દેવદૂતને ફટકારી, સ્વર્ગની દીવાલ ઠેકીને નર્કમાં ઘૂસી ગયેલા ! તેઓ કહેતા હતાં કે સ્વર્ગમાં તેમને શ્રોતાઓ મળતાં નથી. આમ તો બે વ્યક્તિઓનાં વધારાથી નર્કમાં બહુ ફેર ન પડે, પરંતુ ખોટી પ્રથા ન પડે એ માટે હું જાતે એ બેઉ કવિઓને એમની ના હોવા છતાં, સ્વર્ગમાં સોંપી આવેલો.

પ્રભુ, ત્યાં સ્વર્ગમાં નર્ક કરતાં વિપરીત પરિસ્થિતિ છે. સ્વર્ગમાં વસ્તીલોપનો મહાપ્રશ્ન ઊભો થયો છે. હાલ સ્વર્ગમાં મનુષ્યોની આવક નહિવત છે. ત્યાં પુષ્કળ પ્રમાણમાં રહેલી વિવિધ વસ્તુઓનાં ઉપભોક્તાઓનો અભાવ છે. વિપુલ પ્રમાણમાં જમીન, આવાસો છે પણ રહેવાવાળું કોઈ નથી. સ્વર્ગના રસ્તાઓ, શેરીઓ સાવ નિર્જન, ભેંકાર લાગે છે. સારું ભોજન છે પણ ખાનાર નથી. સેવા કરવા માટે દેવદૂતો હાજર છે પણ સેવા લેનારાની કમી છે. કશું કામ ન હોવાથી દેવદૂતો સાવ નવરા પડ્યાં રહે છે. આવી નવરાશને કારણે ઘણા દેવદૂતો કવિતાઓ લખવા માંડ્યા છે. આ જાણીને ઇન્દ્રદેવ ખૂબ જ ગભરાઈ ગયા છે. પૂરતું ઓડિયન્સ નહીં મળવાને કારણે મેનકા, ઉર્વશી વગેરે અપ્સરાઓએ પોતાના મનોરંજનના કાર્યક્રમો રદ કરી નાખ્યા છે. પ્રભુ, ઇન્દ્રદેવે સાવ નિરાશ થઈને મને કહેલું કે ધર્મરાજજી, જો આમ જ ચાલતું રહેશે તો અમારે સ્વર્ગને તાળાં મારવા પડશે. પ્રભુ, ત્યારે મને વિચાર આવેલો કે જો આપ સ્વર્ગનો અર્ધો વિસ્તાર નર્કમાં ભેળવી આપો તો અમારી ગીચતાનો પ્રશ્ન થોડો હાલ થાય ખરો.’ ધર્મરાજાએ પોતાના મનની વાત કહી દીધી.
‘સ્થિતિ ખરેખર ગંભીર છે. સ્વર્ગ, નર્ક અને પૃથ્વી – ત્રણેય વિનાશને આરે ઊભા છે.’ બ્રહ્માજી ઊંડું મનોમંથન કરતાં બોલ્યા.
‘હા, પ્રભુ. એમાંય પાછા આપ પૃથ્વીનું ભારણ ઘટાડવાનું વિચારી રહ્યા છો તો દેખીતું છે કે પૃથ્વી પરથી એ બધાં સીધા મારે ત્યાં જ આવવાના. પ્રભુ ! મારા પર થોડી તો દયા ખાવ !’ ધર્મ જાએ દરિદ્રમુખે બ્રહ્માજીને આજીજી કરી. બ્રહ્માજીએ એક નજર ધર્મદેવ સામે જોયું. પછી પોતાના પંકજ આસન પર બિરાજમાન થઈ, આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા. યમદેવને આશા બંધાઈ.

થોડી ક્ષણો પછી બ્રહ્માજીએ આંખો ખોલી ધર્મરાજને કહ્યું :
‘જુઓ ધર્મદેવ, સ્વર્ગ ખાલી છે, નર્કમાં હવે જગ્યા નથી અને પૃથ્વીની વસ્તી ઘટાડવી જરૂરી છે. ત્રણેય લોકની સમસ્યાના સમાધાન સારું મારી પાસે એક યોજના છે.’
‘શીધ્ર કહો પ્રભુ, શીધ્ર !’ યમદેવે ઉત્સાહથી કહ્યું.
‘પૃથ્વી પરથી વસ્તી ઓછી કરવી પડશે.’ બ્રહ્માજીએ કહ્યું.
ધર્મરાજાને ધ્રાસકો પડ્યો, ‘પ્રભુ, એ તો મેં જણાવ્યુંને કે બધાં નર્કમાં આવશે તો….’ ધર્મરાજા આગળ બોલવા જતાં હતાં ત્યાં જ બ્રહ્માજીએ તેમને અટકાવ્યાં અને કહ્યું, ‘ધર્મરાજ, આપ સમજ્યા નહીં. પૃથ્વી પર જેઓ સ્વર્ગને લાયક છે તેઓને સ્વર્ગમાં પહોંચતા કરો. આ પગલાથી પૃથ્વી પર વસ્તી ઓછી થશે ને સ્વર્ગમાં નવી ભરતી થશે.’
‘પ્રભુ, આપનો ઉપાય તો સારો છે. પરંતુ પૃથ્વી પરના મનુષ્યો તેમનું આયુષ્ય પૂરું કરે તે પહેલાં તેઓને સ્વર્ગમાં મોકલવા યોગ્ય છે ? અને આમ પણ પૃથ્વી પર સ્વર્ગને લાયક બહુ ઓછા મનુષ્ય છે.’ ધર્મરાજાએ થોડું વિચારીને કહ્યું.
‘પૃથ્વી પર નિવાસ કરતાં સ્વર્ગને લાયક મનુષ્યોને નિયત સમય પહેલાં સ્વર્ગમાં મોકલવાથી તેઓને બહુ ફર્ક નહિ પડે. ઉલટું, તેઓ હાડમારી અને હેરાનગતિથી બચશે. રહી વાત તેઓની અલ્પ સંખ્યાની તો આ આપણી યોજનાનું પ્રથમ ચરણ છે. યોજનાના બીજા ચરણમાં આપણે એવા લોકોને પૃથ્વી પરથી પાછા બોલાવી લઈશું કે જેઓ પ્રત્યક્ષ રીતે પૃથ્વી પર ‘પોપ્યુલેસન કંટ્રોલ’માં કશી મદદ કરતા નથી.’ બ્રહ્માજીએ વાત કહી.
‘ક્ષમા કરો પ્રભુ, પણ હું કંઈ સમજ્યો નહિ.’ ધર્મદેવે કહ્યું.
‘જુઓ, પૃથ્વી પર કવિઓ, લેખકો, શિક્ષકો, પ્રોફેસરો, વૈજ્ઞાનિકો વગેરે જેવા વ્યવસાય કરતાં લોકોનો એક વર્ગ છે કે જેઓ માનવકલ્યાણ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે પરંતુ પ્રત્યક્ષ રીતે તેઓ વસ્તીનિયંત્રણમાં મદદ કરતાં નથી. હું તેઓનું આયુષ્ય ટૂંકું કરીશ, પરંતુ માનવકલ્યાણ પ્રવૃત્તિઓ કરવા માટે હું તેઓને સ્વર્ગમાં સ્થાન આપીશ. તેઓના પ્રાણ હરવા નર્કમાં રહેલા પાપીઓને મોકલો. તેઓ આવા કામોમાં પારંગત છે, આથી આપને ત્યાં અવ્યવસ્થા ઓછી થશે. ઉપરાંત, પૃથ્વી પર વસ્તી ઘટાડવા માટે પૃથ્વી પરના પાપીઓ અને પૃથ્વી પર વસ્તીનિયંત્રણમા મદદ કરી શકે તેવા મનુષ્યોના આયુષ્યમાં હું વધારો કરીશ.’ બ્રહ્માજીએ પોતાની યોજના કહી.

‘પ્રભુ, પ્રભુ ! આપ આ શું કરો છો ? આવી રીતે તો પૃથ્વી પર અંધાધૂંધી ફેલાઈ જશે. પાપીઓને છૂટ્ટો દોર મળશે. પૃથ્વી પર જો સજ્જનો નહિ રહે તો પૃથ્વીનો વિનાશ થશે.’ ધર્મદેવે ભય બતાવ્યો.
‘આપ સત્ય કહો છો ધર્મદેવ. મારા આ પગલાંથી આપ કહો છે તેમ પૃથ્વી પર અંધાધૂંધી અને અરાજકતા ફેલાઈ જશે. માનવતા અને પ્રેમ નો હ્રાસ થશે. પૃથ્વીની સ્થિતિ અત્યંત કરુણ અને દયાને પાત્ર થશે. પરંતુ જે રીતે છોડમાં નવી અને નિર્દોષ કુંપળોનો માર્ગ મોકળો કરવા માટે છોડની જૂની અને સડેલી શાખાઓ કાપવી પડે છે તેવી જ રીતે પૃથ્વી પર સ્થાયી થઈ ગયેલ દુર્ગુણોને દુર કરવા માટે આ જરૂરી છે. હું પૃથ્વી પરના ભલા અને સજ્જનોને સ્વર્ગમાં સ્થાન આપું છું અને નર્કમાં રહેલા પાપીઓને પાછા મનુષ્ય અવતારે પૃથ્વી પર મોકલીશ. એમ કરવાથી નર્કમાં વસ્તી ઓછી થશે અને એ પાપીઓ પૃથ્વી પર જઈને અંદરો અંદર ધર્મ, નાતજાત, સરહદ, ઈર્ષા, રંગભેદ વગેરે જેવા કારણોસર લડી મરશે અને પોતાના કર્મોની સજા પૃથ્વી પર જ ભોગવશે. આવી રીતે જયારે પૃથ્વી પર પાપીઓ નામશેષ થશે ત્યારે હું સ્વર્ગમાં રહેલા મનુષ્યોને પાછાં મનુષ્ય દેહે પૃથ્વી પર મોકલીશ જેથી પૃથ્વી પર ફરી એકવાર પ્રેમ, માનવતા, ભાઈચારો, નીતિ મહેંકી ઊઠશે. પૃથ્વી ફરી પાછી નંદનવન થશે. પૃથ્વી ફરી એકવાર સ્વચ્છ અને સુંદર બનશે.’ બ્રહ્માજીના શબ્દોમાં સુંદર સ્વપ્ન મલકાઈ ઉઠ્યું.

‘ઉત્તમ પ્રભુ, અતિ ઉત્તમ !! પ્રભુ, આપની આ યોજનાથી તો ત્રણેય લોકનું કલ્યાણ થશે.’ યમદેવ ઉત્સાહથી બોલી ઉઠ્યાં.
‘હં, પરંતુ એ પહેલાં આપણે એક યાદી બનાવવી પડશે કે જેમાં કોનું આયુષ્ય ટૂંકું કરવું અને કોનું આયુષ્ય લાંબુ કરવું તે વિષે નોંધ હોય.’
‘ચોક્કસ પ્રભુ, ચોક્કસ.’ ધર્મરાજ ઉત્સાહમાં હતાં, ‘પ્રભુ, સર્વપ્રથમ તો આપ ડોક્ટરોનું આયુષ્ય ટુંકાવી દો. તેઓ દર્દીને અમારા હાથમાંથી પાછા લઈ જાય છે.’
‘એવી કશી જરૂર નથી ધર્મદેવ કારણ કે ટૂંક સમયમાં જ ડોક્ટરોની ‘ફી’ સાંભળીને જ ઘણા દર્દીઓ મૃત્યુને શરણે થશે, જે પૃથ્વી પર વસ્તીનિયંત્રણમા આપણને મદદ કરશે.’
‘આપની વાત તો બરોબર છે. એ ઉપરાંત આંતકવાદીઓનું આયુષ્ય લાંબુ કરો, પ્રભુ. તેઓ પૃથ્વી પરથી ઘણાને સાફ કરીને અમારે ત્યાં મોકલી દેશે.’ ધર્મદેવે કહ્યું.
‘એની પણ જરૂર નથી કારણ કે આંતકવાદીઓ એક વર્ષમાં જેટલાંને સાફ કરે છે તેનાં કરતાં અનેકગણા વધારે પૃથ્વીપરના ડ્રાઈવરો સાફ કરે છે. દશ પંદર મુસાફરો ભલે મરે પણ એક ડ્રાઈવર મરવો ન જોઈએ. હું ડ્રાઈવરોનું આયુષ્ય લાંબુ કરું છું. એ ઉપરાંત, ધર્મગુરુઓ અને તેના શિષ્યો, રાજકારણીઓ, જ્ઞાતિવાદીઓનું આયુષ્ય પણ લાંબુ કરું છું. આ બધાં પણ પૃથ્વી પર વસ્તીનિયંત્રણ કાર્યક્રમમાં મોટો ફાળો આપે છે.’ બ્રહ્માજીએ કહ્યું.
‘સરસ પ્રભુ. આ સિવાય દારૂ અને તમાકુના ઉત્પાદકો-વિક્રેતાઓ, દવા ઉત્પાદકો, ભેળસેળિયા, કાળા બજારિયા, ભૂમાફિયા, તેલ-માફિયા, ભ્રષ્ટ અધિકારીઓ, બેકારો વગેરેના આયુષ્યમાં પણ વધારો કરો. આ બધાં પણ આપણને આપણા ‘મિશન’માં ઉપયોગી થશે.’ યમદેવ ઉત્સાહમાં હતાં.
‘અવશ્ય, અવશ્ય, ધર્મદેવ ! આ ઉપરાંત અગ્નિદેવ, વરુણદેવ, મેઘરાજા, ભૂકંપદેવ, જ્વાળામુખીદેવ – એ બધાં દેવોની ફરજો હું આપની સત્તા હેઠળ મુકું છું. અને હા, છેલ્લા બે-ત્રણ વર્ષથી આપણી સાથે જોડાયેલા પેલા બેન…. શું નામ એમનું ? હા, ‘સુનામીબેન’ને પણ સાથે લેતાં જાવ અને પૃથ્વીને શુદ્ધ કરો.’ બ્રહ્માજી આદેશ આપ્યો.
‘જેવો આપનો આદેશ. અને હા પ્રભુ, નર્કમાં રહેલી શીલા, મુન્ની, જલેબી ઉપરાંત ઘણી બીમારીઓ પણ પૃથ્વી પર આવી પહોંચી છે. આપ આજ્ઞા આપો તો તેણીઓને પણ આ કાર્યમાં સાથે રાખું.’ ધર્મદેવે આજ્ઞા માંગી.
‘આપને જે યોગ્ય લાગે તે કરો. પરંતુ તુરંત પ્રસ્થાન કરો અને આજથી બલ્કે, અત્યારથી જ આપણી યોજના પર અમલ ચાલુ કરી દો.’
‘જેવી આજ્ઞા પ્રભુ..’ કહેતાં ધર્મરાજાએ નર્ક તરફ ઉતાવળા પગલે પ્રસ્થાન કર્યું.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઘર : ત્રિકોણ દષ્ટિકોણ – તેજસ જોશી
મોરારીબાપુ : રામકથા, સારપની ખેતી – જયદેવ માંકડ Next »   

13 પ્રતિભાવો : સૃષ્ટિનું નવસર્જન – મનસુખ કલાર

 1. Preeti says:

  સરસ હાસ્ય લેખ 🙂

 2. Pragnesh says:

  બહુ સરસ લેખ મોક્લ્વ બદલ અભર્

 3. vipul vss says:

  બહુજ સરસ્ વાર્તા

 4. Jay Shah says:

  LOL! Can you imagine Lords are having this conversation… But one thing is for sure, if they are hiring, I am willing to work there… Job Security people!!! 😀

 5. મનસુખભાઈ,
  આપનૉ સુંદર અને હાસ્યસભર લેખ વાંચવાની મજા પડી. જાણે સત્ય હકીકત. બ્રહ્માજી અને ધર્મરાજે જે પ્લાન બનાવ્યો છે એ એકદમ અમલમાં હોય એમ જ લાગે છે. પ્રુથ્વીને બચાવવાનો આ જ ઉપાય છે?

 6. Hitesh Mehta says:

  BAHUJ SARAS.. VANCHAVANI MAJA AVI GAI….

 7. hirav says:

  જોરદાર

 8. બહુ સરસ રિતે રજુ કરિ મજા આવિ ચિત્રગુપ્ત નિ માગ્નિ computer માતે યોગ્ય લાગિ અને સામે તે પુરિ કેમ ના કરવિ એનુ ધ્ર્મરાજ નુ કારન પન સરસ અને સાચુ લાગ્યુ

 9. rishi jadeja says:

  બહુ સરસ મજા પડી ગઈ

 10. Pranav Trivedi says:

  એક્દમ મૌલિક લાગે છે. ખુબ સરસ કલ્પના તથા રજુઆત છે.

 11. ખુબ જ સરસ હાસ્યરસ સહિત વર્તમાન માનવજાતના વીચાર વર્તન વ્યવહારર્ની ઠેક્ડી ઉડાવતો લેખ્. કલ્પનાની સુદર હારંમાળા પીરસવા બદલ્ ખુબ્ અભીનદન !!!

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.