આઠ પત્રો – દીવાન ઠાકોર
[તંત્રીનોંધ : 2007માં પ્રકાશિત થયેલો આ લેખ, અત્રે પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે. પત્રો આપણા સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મહાપુરુષોના પત્રજીવન પર અનેક પુસ્તકો ઉપલબ્ધ છે. પત્રો જે તે સમયની સમાજવ્યવસ્થા, રીતરિવાજો, ભાષા અને વિચારોનો પરિચય આપે છે. પત્રલેખન એક ઉત્તમ કળા છે જે આજે ઈ-મેઈલના જમાનામાં વિસરાતી જાય છે. ગમે તે હોય, પરંતુ પત્ર લખીને વ્યક્ત થતો આનંદ કંઈક ઓર જ છે ! પ્રસ્તુત લેખમાં છાત્રાલયમાં ભણવા ગયેલો દિયર, પોતાના ભાભીને પત્ર લખીને પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ વિશે જાણ કરે છે. સમય વીતતો જાય છે અને તે વ્યક્તિ ત્યાં અભ્યાસ પૂરો કરીને નોકરી કરે છે, લગ્ન કરે છે, પિતા બને છે અને વાત છેવટે તેની દીકરીના લગ્ન સુધી પહોંચે છે – આમ એક વ્યક્તિનું સમગ્ર જીવન પત્રોના માધ્યમથી વ્યકત થાય છે. આમાં સામેથી પત્ર આવે છે કે નહિ તે મહત્વનું નથી, અહીં મહત્વનું છે પત્રના માધ્યમથી કાળના પ્રવાહમાં થતા સુક્ષ્મ ફેરફારોને પકડવાનું. છેલ્લે પોતાની દીકરી એસ.એમ.એસથી કંઈક લખે છે – એમ કહીને અભિવ્યક્તિનું માધ્યમ બદલાય છે, પરંતુ લખવાનું ચાલુ રહે છે, એવો કંઈક નિર્દેશ આ લેખ દ્વારા મળતો હોય એમ જણાય છે. જેમ જેમ સમય બદલાય છે, પત્ર બદલાય છે, તેમ તેમ સંબોધન, પત્રનું સમાપન વગેરે બદલાતા રહે છે – તે સુક્ષ્મ વિગતો પણ અહીં નોંધવા જેવી છે. તો પ્રસ્તુત છે ‘આઠ પત્રો’ નો આ કંઈક અલગ પ્રકારનો લેખ ‘નવનીત સમર્પણ મે-2007’ માંથી સાભાર.]
પત્ર – 1
વહાલી ભાભી,
પ્રણામ. મોટા ભાઈ અને નાનો ગટુ સૌ કુશળ હશો. અહીં છાત્રાલયમાં અઠવાડિયા સુધી તો બરાબર જામતું ન હતું. એક બાજુ ઘર યાદ આવે અને બીજી બાજુ મનડું મૂંઝાય. મનની વાત કોને કરવી ? પણ… હવે ઠીક ઠીક ગોઠવાઈ ગયો છું. પહેલાં તો એમ થતું હતું કે પાછો ઘેર આવી જાઉં… પછી થયું કે ના… ના… એમ હિંમત હારવાથી કામ ન ચાલે. હવે ફાવી ગયું છે. તમારા હાથના રોટલા યાદ આવે છે. અહીં જમવાની તકલીફ છે. દાળ આપે છે તેય ભૂ જેવી. જોકે ગૃહપતિ ભટ્ટસાહેબ સારા માણસ છે. તે ખાવાના શોખીન છે. જેનો લાભ અમનેય મળે છે. બીજું લખવાનું કે ત્રણ-ચાર મિત્રો મળી ગયા છે. પરાગ શાહ, શંકર ત્રિપાઠી, મગન પરમાર અને અઠાજી મકવાણા. ચારેય ઘણા સારા છે. પરાગના પપ્પાનો કાપડનો મોટો ધંધો છે. એને બે ભાઈ અને એક બહેન છે. શંકર ત્રિપાઠી તેના પપ્પાનો એકનો એક દીકરો છે. એના પપ્પા કર્મકાંડ કરે છે. મગન પરમારના પિતા સ્કૂલમાં શિક્ષક છે. તેને એક ભાઈ અને બે બહેન છે. અઠાજીના પિતા ખેડૂત છે. તેને એક ભાઈ અને બે બહેન છે. અઠાજી ઘરમાં સૌથી નાનો છે. તેણે ભણવાની હોંશ હોવાથી તે અહીં આવ્યો છે.
મોટું શહેર છે. જ્યાં જુઓ ત્યાં મકાનો અને માણસો. અહીં રાત-દિવસ વાહનોની અવરજવરથી રસ્તા ધમધમે છે. એક છેડેથી બીજે છેડે જતાં બે કલાક થઈ જાય એવડું મોટું આ શહેર છે. અમારી કૉલેજ થોડી દૂર છે. હું કોઈક વાર ચાલતો અને મોટે ભાગે બસમાં કોલેજ જાઉં છું. અહીં ભણવાનો પુષ્કળ સમય મળે છે. તમારો મનીઑર્ડર મળી ગયો છે. કૉલેજની ફી ભરી દીધી છે. મેં એફ.વાય માં સિત્તેર ટકા ધાર્યા છે. પહેલેથી જ ખૂબ મહેનત કરવી પડશે. અહીં વાંચનાલય છે તેનો લાભ લઉં છું.
ભાભી, આ પત્ર લખતાં મુખ્ય વાત તો લખવાની રહી ગઈ. શનિવારે નીકળતાં પહેલાં જ્યારે હું આપણા ઘરના ઓટલે ઊભો હતો ત્યારે રમાકાકીના ઘરની બાજુના ઘરના કમ્પાઉન્ડમાં મેં એક છોકરી કપડાં સૂકવતી જોઈ હતી. મેં હસીને તેની સામે હાથ હલાવ્યો હતો. તે મને તાકી રહી હતી. મને લાગે છે કે એ લોકો નવા રહેવા આવ્યા છે. તમને કદાચ ખબર નહીં હોય. રમાકાકીને ખબર હશે. છોકરી મને તાકી રહી પછી નીચું માથું કરી ઘરમાં જતી રહી હતી. તમે તપાસ કરજોને એ લોકો કોણ છે ? ભાઈને કશું કહેતાં નહીં. તમારા પત્રની રાહ જોઈશ. ગટુને મારા વતી રમાડજો. આવજો. જયશ્રી કૃષ્ણ.
તમારો આજ્ઞાંકિત,
બંટી ઉર્ફે જિગરના વંદન.
પત્ર – 2
તા……….
પ્રિય ભાભી,
નમસ્તે. એક વર્ષ ક્યારે પૂરું થઈ ગયું કશી સમજ ન પડી. સાંજના સાડાપાંચ વાગ્યા છે. આકાશ સ્વચ્છ છે. થોડી ગરમી લાગે છે. મોટા ભાઈ મજામાં હશે. ગટુ ચાલતો થયો છે તે સમાચાર જાણીને આનંદ થયો. તેની કાલી કાલી ભાષા મમ…પપ…. સાંભળવી ગમે છે. મોટાભાઈને તો દુકાનના કામકાજમાંથી ફુરસદ નહીં મળતી હોય.
તમે અદ્દભુત છો, ભાભી. દિવાળી વેકેશનમાં તમે ગોઠવી આપેલી મુલાકાત પછી વંદનાના પત્રો આવે છે. અમારી ફ્રેન્ડશિપ જામી જશે તેવું લાગે છે. તમે ધ્યાન આપતાં રહેજો – રમાકાકીના ઘરે આવતાં-જતાં રહેજો. વચમાં કોઈ લંગસિયું ન નાખે તેનું ધ્યાન રાખજો.
એફ.વાયનું પરિણામ આવી ગયું છે. ધાર્યા કરતાં પાંચ ટકા ઓછા આવ્યા. એસ.વાયમાં ખૂબ મહેનત કરવી પડશે. આ વખતે પહેલેથી ઉજાગરા કરવા પડશે. પરાગના મામાના સ્ટોરમાં પાર્ટટાઈમ જોબ શરૂ કરી છે. ખિસ્સાખર્ચ નીકળી જાય છે. શંકર અને અઠાજી ભણવામાં ખૂબ હોશિયાર છે. તે બંને ખૂબ મહેનત કરે છે. પરીક્ષા વખતે બંને રાત-દિવસ વાંચે છે. મારાથી મોડે સુધી જગાતું નથી. હું ઊંઘણશી છું, તે તો તમે જાણો છો ભાભી. હું વધારે સમય જાગું તો બીમાર પડી જાઉં છું. વચમાં એક દિવસ તાવ આવી ગયો હતો. હવે સારું છે બહુ ચિંતા કરવા જેવું નથી. અત્યારે બીજી કોઈ તકલીફ નથી. તમારો મનીઑર્ડર મળ્યો હતો…. પણ હવે પૈસા ન મોકલશો. પૈસાની જરૂર હશે તો હું જણાવીશ. મારે મારા પગ પર ઊભા રહેવું છે. ગટુ માટે મેં મારા સ્ટોરમાંથી બહુ સરસ બાબાસૂટ ખરીદ્યો છે. તમારા માટે તમને ગમતા વાયોલેટ રંગની સાડી મેં પ્રદર્શનમાં જોઈ હતી તે ખરીદી લીધી છે. આ વખતે દિવાળી વેકેશનમાં આવીશ ત્યારે લેતો આવીશ.
ગટુની યાદ આવે છે. તેને રમાડવાની મજા પડતી હતી. ગટુનો ફોટો મેં પાકીટમાં રાખ્યો છે. શંકર લખાવે છે કે ભાભીના હાથના લાડુ ખૂબ ભાવ્યા છે. વંદના માટે ચોપડી મોકલું છું. તમે હાથોહાથ આપજો. તેને કોમ્પ્યુટરમાં રસ છે. આ ચોપડી સરળ ભાષામાં લખાયેલી છે. તેથી તેને ચોક્કસ ગમશે. અમે તમને ખૂબ યાદ કરીએ છીએ. પત્ર મળતાં પત્ર અવશ્ય લખજો. ગટુને બકી ભરજો. અટકું છું, જમવાનો ઘંટ વાગ્યો છે. હાથ-પગ ધોઈ જમવા જાઉં છું. રાધેકૃષ્ણ… આવજો.
તમારા આજ્ઞાંક્તિ,
જિગરના વંદન
તા.ક. : વંદનાને ચોપડી પહોંચાડવાનું ભૂલતાં નહીં.
પત્ર – 3
તા………..
માનનીય ભાભી,
નમસ્કાર. મોટો ગટુ અને નાની શિવાનીને વહાલ. મોટા ભાઈને પ્રણામ. હમણાંથી પત્ર લખી શક્યો નથી તેથી દિલગીર છું. અત્યારે સાંજના છ વાગ્યા છે. આકાશ મારા મનપસંદ રંગોથી છવાઈ ગયું છે. ખાસ તો એ દશ્ય જોઈને જ પત્ર લખવા બેઠો છું.
હમણાં અહીં હોસ્ટેલમાં ખૂબ ગરબડ ચાલે છે. નવા આવેલા રેક્ટર પટેલસાહેબ બહુ કડક છે. નવા નવા નિયમોને લીધે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. મોડે સુધી વાંચવાની મનાઈ કરી છે. કહે છે કે લાઈટબિલ વધારે આવે છે. ખાવા-પીવામાં પણ ફરિયાદો વધવા માંડી છે. હું ક્યારેક બહાર જમી લઉં છું. અહીં ખાવાનું પહેલાં જેટલું સારું મળતું નથી. બધા કહે છે કે સાહેબ પૈસા ખાય છે. અમે એક દિવસ હડતાળ પાડી હતી. ટ્રસ્ટીઓએ અમારી ફરિયાદો સાંભળી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે. એસ.વાય.નું પરિણામ ધાર્યા મુજબનું છે. હવે ટી.વાય. માં ખૂબ મહેનત કરવી છે. મેં જોબ છોડી દીધી છે. અહીં જોબ કરનારને હવે ચલાવી લેતા નથી. પરાગના બાપુજી મૃત્યુ પામ્યા ત્યારે અમે તેના ઘેર બેસણામાં ગયા હતા. તે કદાચ હોસ્ટેલ છોડી તેના પપ્પાનો ધંધો સંભાળશે.
વંદનાના પત્રો નિયમિત આવે છે. તેનાં મમ્મી-પપ્પા સાથે ફોન પર વાત થાય છે. જોકે મને ફોનને બદલે પત્રો લખવાનો વધારે આનંદ આવે છે. ભાભી, તમને એક મહત્વની વાત લખવાની રહી ગઈ. વચમાં મેં વંદનાને અહીં બોલાવી હતી. અમે સાથે પિકચર જોવા ગયેલાં. તેનાં મમ્મી-પપ્પાને કાંઈ ખબર નથી. પ્લીઝ તમે કોઈને કહેતાં નહીં. તેના અને મારા વિચારો ખૂબ મળતાં આવે છે. ભાભી, તમે હેલ્પ ન કરી હોત તો આખી વાત હવામાં જ રહી જાત. તમારો આભાર માનું એટલો ઓછો છે. હવે મોટા ભાઈ જાણે તો વાંધો આવશે નહીં. તમે છો તેથી બા-બાપુજીની ખોટ સાલતી નથી. તમે ભાભીના રૂપમાં મા જેવાં છો. તમારાથી હું કશું છુપાવતો નથી. હું નોકરી કરવા માગું છું. મારે મારા પગ પર ઊભા રહેવું છે. ભાભી, તમે યોગ્ય સમયે વંદનાના ઘરે વાત કરજો. એ લોકો ના નહીં પાડે. વંદનાની પણ એ જ ઈચ્છા છે. અમે એકબીજાનો જીવનભર સાથ નિભાવીશું.
ગટુ બાલમંદિરે જાય છે તે જાણી આનંદ થયો. શિવાનીને ગાલે બકી ભરજો. જય શ્રી કૃષ્ણ… રાધે કૃષ્ણ….
લિ. લાડકો દિયર
જિગરના વંદન
પત્ર – 4
તા………
માનનીય ભાભી,
નમસ્તે, બધાં મજામાં હશો. ગટુ (રાહુલ) વર્ગમાં ફર્સ્ટ આવ્યો તે જાણી આનંદ થયો. શિવાની બાલમંદિરે જાય છે તે સમાચાર જાણ્યા. મોટા ભાઈને તાવ મટી ગયો કે નહીં તે જણાવજો. કચરા-પોતાં-વાસણ માટે બાઈ રાખી તમે સારું કર્યું. મોટા ભાઈ પણ દુકાનમાં માણસ રાખી લે તો સારું.
હું અહીં વંદના સાથે ગોઠવાઈ ગયો છું. તમારા આશીર્વાદથી લગ્ન અને ફ્લેટ એમ બંને કાર્યો સરસ રીતે પતી ગયાં તેનો આનંદ છે. અહીં પડોશીઓ સારા છે. વંદનાનાં બા-બાપુજી પણ તમારાં ખૂબ વખાણ કરતાં હતાં. વંદનાએ કોમ્પ્યુટર કલાસમાં જોબ શરૂ કરી છે. મને પણ બઢતી મળી છે. હવે હપ્તો કાઢતાં ઘર ચલાવવાની તકલીફ પડતી નથી. ઘર બરાબર ગોઠવાઈ ગયું છે. તમને અમારો બે રૂમ-રસોડાનો ફલેટ પસંદ પડ્યો એ વાત વંદનાએ કરી હતી. થોડું ફર્નિચર લેવું છે પણ પછી… હમણાં ખર્ચ કરી શકાય તેમ નથી. વંદનાનાં બા-બાપુજી આવવાના છે. તેના મામાના મોટા દીકરા હસુભાઈના વચેટ દીકરા જતીનનાં લગ્ન અહીં શહેરમાં ગોઠવાયાં છે. બા-બાપુજીનો દિવસમાં એક વાર તો ફોન આવે જ છે. વચ્ચે મને ડાયેરિયા થઈ ગયો હતો, હવે સારું છે. ખાસ ચિંતા જેવું નથી. વંદનાના હાથની રસોઈ જમીને મારું વજન વધ્યું છે. તમે કહેતાં હતાં એમ લગ્ન પછી હું જાડો થતો જાઉં છું. હોસ્ટેલની હાડમારીવાળી જિંદગી સ્વપ્નવત્ લાગે છે. અઠાજીને બેંકમાં નોકરી મળી ગઈ છે. મગન પરમારે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો છે. એ બંનેનાં પણ લગ્ન થઈ ગયાં છે. મિત્રો ક્યારેક મળીએ ત્યારે તમને ખૂબ યાદ કરીએ છીએ. તમારાં આશીર્વાદ અને કૃપાદષ્ટિથી અમે સુખી છીએ, આવજો. જય શ્રી કૃષ્ણ
લિ.
જિગર અને વંદનાના પ્રણામ
પત્ર – 5
તા……..
માનનીય ભાભી,
પ્રણામ, સર્વે મજામાં હશો. હું અને વંદના મજામાં છીએ અને નથી. તમને થશે કે આમ કેમ લખ્યું છે ?
સાંજના પાંચ વાગ્યા છે. હવામાં બફારો છે. લાઈટ નથી, પવન પણ નથી. રસ્તા પર સૂનકાર છે. સૂરજનો તીખો તડકો બધે આગ ફેલાવી રહ્યો છે.
વંદનાના બાપુજી અહીં દવા કરાવવા આવ્યા ત્યારે તમે ફોન કરીને ખબર પૂછ્યા તે ઘણું સારું કર્યું. અત્યારે મોટા ડોકટરની દવા ચાલુ કરી છે. તેનાથી સારું છે. જો કે બાપુજી ઝાઝું ટકે એમ લાગતું નથી. તેમનું શરીર સાવ ઓગળી ગયું છે. વળી, વંદનાની ખૂબ ચિંતા કરે છે. વંદનાની દવા ચાલુ છે. બે-ત્રણ ડોક્ટર જુદી જુદી સલાહ આપે છે. લગ્નને સાત-આઠ વર્ષ થયાં. હવે જેમ જેમ ઉંમર વધતી જશે તેમ તેમ બાળકની શક્યતા ઘટતી જશે એવું ડૉકટરનું કહેવું છે. માટે દવા ચાલુ રાખ્યા વગર છૂટકો નથી. ભાભી, તમે અમારા વતીથી ભગવાનને ખાસ વિનંતી કરજો. ભગવાન તમારું સાંભળે છે. વંદનાનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. ક્યારેક નાની અમથી વાતે ઝઘડો કરી બેસે છે. હું તેની મન:સ્થિતિ સમજું છું. કુદરત આગળ આપણું કેટલું ગજું ? હવે આ વખતે શું રિપોર્ટ આવે છે તેના પર બધો આધાર છે.
મને મોટા ભાઈની ચિંતા થાય છે. એમને કહેજો દુકાનની ચિંતા છોડી દે. માણસો છે પછી ખોટી દોડાદોડી ન કરે. એ ડાયાબિટીઝને લીધે નખાઈ ગયા છે. શરીર પહેલાં જેવું રહ્યું નથી. મારો પગાર અને જવાબદારી બંને વધ્યા છે. વંદના પણ સારું કમાય છે. રાહુલ માટે કોમ્પ્યુટર ખરીદ્યું છે તે તેના જન્મદિવસે તેને ભેટ આપીશું.
ભાભી, અમે મોટો ફલેટ લેવાનું વિચાર્યું છે. અમારી કંપની અમને ઓછા વ્યાજે લોન આપે છે. ઘણા લાંબા સમયે નવરાશ મળી તેથી પત્ર લખું છું. ફોનની સગવડ છે પણ તમને પત્ર લખવાનો આનંદ વધારે છે. બીજું ખાસ લખવાનું નથી. હા…. એક વાત લખવાની રહી ગઈ. વંદના કલાસમાંથી પાછા વળતાં ડોક્ટરને ત્યાંથી રિપોર્ટ લઈને આવશે. કદાચ આ વખતે એ કોઈ સારા સમાચાર આપે. જય શ્રી કૃષ્ણ… જય અંબે…
લિ.
આપના જિગરભાઈનાં વંદન.
પત્ર – 6
તા…..
પૂજ્ય ભાભી,
નમસ્તે. મોટા ભાઈ, રાહુલ, શિવાની સૌ કુશળ હશો. આજે હું ખૂબ ખુશ છું. અત્યારે સાંજના સાડા છ થયા છે. આકાશમાં મારા પસંદગીના રંગો રેલાયા છે. તમે તો જાણો છો ને મારા પસંદગીના રંગો ? મરુન અને ગુલાબી. આજુબાજુ આછો જાંબલી કે ભૂરો. પશ્ચિમનું આખું આકાશ આજે મરુન અને ગુલાબી રંગોથી છલોછલ છે. બારીમાંથી દેખાતું આકાશ નિતનવા રંગો ધારણ કરે છે. તેને જોઉં છું અને મનમાં થાય છે આખું આકાશ માનવજાત માથે સુખની છત્રી બનીને ઊભું છે. હા, ભગવાન શ્રી કૃષ્ણે જે ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો એ જ આ આકાશ છે.
હું, વંદના અને દીપ્તિ મજામાં છીએ.
દીપ્તિ પા…. પા… પગલી પાડે છે. તેની કિલકારીઓથી ઘર ગુંજી ઊઠે છે. સુખનો સાગર હિલોળા લે છે. મોડા મોડા પણ ઈશ્વરે અમારી, તમારી, સૌની પ્રાર્થનાઓ સાંભળી. તમારા આશીર્વાદ ફળ્યા તેનો મને આનંદ છે. વંદના દીપ્તિને પળવારેય રેઢી મૂકતી નથી. હમણાં તેણે નોકરી છોડી દીધી છે. આખો દિવસ દીપ્તિની સારવાર કર્યા કરે છે. ભાભી, તમને વંદના વિશે ફરિયાદ કરવાની છે. ના… આ તો અમસ્તું જ… તે દીપ્તિનું ધ્યાન રાખવામાં મનેય ભૂલી જાય છે. એના ચહેરા પરનો આનંદ જોઈને જીવન સાર્થક લાગે છે. તેના ચહેરા પરની ગુલાબી ઝાંય મને આકાશી રંગોની યાદ અપાવી જાય છે. આકાશના એ રંગો તો અદશ્ય થઈ ગયા. હવે માત્ર ભૂરાં વાદળોનો ઢગ છે.
દીપ્તિ રડે છે. લખવાનું બંધ કરું છું. વંદના શાક લેવા ગઈ છે. દીપ્તિને રડતી સાંભળશે તો મને વઢશે. આવજો ભાભી…. તબિયત સાચવજો. ગોપાલકૃષ્ણ.
લિ.
જિગરનાં વંદન.
પત્ર – 7
તા……..
પૂજ્ય ભાભી,
નમસ્તે,
શું લખું ?
કેટલાય દિવસથી થાય છે કે ભાભીને પત્ર લખું… પણ શું લખું ? ભાભી, તમે હિંમતવાળાં છો. તમે પરણીને અમારા ઘરમાં આવ્યાં પછી મને ક્યારેય માતાપિતાની ખોટ સાલવા દીધી નથી. જે રીતે ભાઈના ગયા પછી તમે ધંધો અને ઘર સંભાળી લીધાં તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. તમને થશે કે જિગરભાઈ ભૂલી ગયા છે. પણ એવું નથી… ફોન પર વાત થાય છે તેથી લખવાનું બંધ થઈ ગયું છે. ગરમ હવા વહે છે. ગરમીથી અકળામણ થાય છે. આજે તબિયત ઠીક નથી તેથી રજા રાખી છે. કામનો થાક અને કંટાળો…. પગાર વધારે મળે છે, પણ મેનેજર તરીકેની જવાબદારીનો ભાર વધારે છે. બારીમાંથી આકાશનો ભૂરો રંગ શાંતિ આપે છે. વંદના કમ્પ્યુટર કલાસમાં ગઈ છે. દીપ્તિ હજુ કોલેજથી આવી નથી. કદાચ તેની બહેનપણીના ઘેર ગઈ હશે અથવા તેની મમ્મી પાસે પહોંચી ગઈ હશે.
રાહુલનાં લગ્ન સરસ ઠેકાણે થયાં છે. એનો આનંદ છે. હવે શિવાનીને સારું ઘર મળી જાય તો સારું. મને તેની ચિંતા થાય છે. ભાઈ વિના જિંદગી અધૂરી લાગે છે. તમારી હૂંફ મને જિવાડે છે. વંદના પણ તેનાં બા-બાપુજીના ગયા પછી એકલી પડી ગઈ છે. તેનાં ભાઈ-ભાભી કાયમ માટે અમેરિકા સ્થાયી થઈ ગયાં છે તે તમને સમાચાર મળ્યા હશે. મારે તો તમારો સહારો છે પણ વંદનાને મારા સિવાય કોઈ નથી.
ભાભી, સમય મળે તો એક દિવસ પણ અમારે ત્યાં આવી જાઓ. હમણાંથી તમે ક્યાંય નીકળ્યાં નથી. શિવાનીને સાથે લેતાં આવજો. અમે આવતા મહિને આવવાનું વિચારીએ છીએ.
અંધારું થવા આવ્યું છે. હજુ વંદના અને દીપ્તિ આવ્યાં નથી. લાગે છે કે આજે કામ વધારે હશે. મારે ફોન કરવો પડશે. તમે તબિયત સાચવજો. રાહુલની વહુ છે તે ઘર સંભાળશે. તમે બહુ ચિંતા ન કરશો. અટકું. જય શ્રી કૃષ્ણ.
લિ.
જિગરનાં વંદન.
પત્ર – 8
તા……
પૂજનીય ભાભી,
નમસ્તે.
કેટલાં વર્ષો વીતી ગયાં ?
આજે આકાશમાં મારા મનગમતા રંગોને જોઈ રહ્યો છું. તમે તો જાણો છો એ રંગોને. એ જ મરુન-ગુલાબી અને તેની આજુબાજુ ભૂરા-જાંબલી રંગોની ઝાંય. એ રંગ બહુ ટકતો નથી ભાભી. બહુ બહુ તો દસ મિનિટ. હું તેને મન ભરીને જોઉં છું. મારા હૃદયમાં અપાર શાંતિ અને આનંદ છવાયો છે. આ ક્ષણે હું તમને યાદ કરું છું ભાભી.
રંગ ઝાંખા થવા માંડ્યા છે. અરે…. અદશ્ય થઈ ગયા. આંખો બંધ કરી બે મિનિટ પ્રગાઢ શાંતિ અનુભવતો હું બેસી રહું છું જાણે તમારો વહાલભર્યો હાથ મારા માથે ફરી રહ્યો છે.
મોતિયો ઊતરાવો ત્યારે ફોન કરજો. હું અને વંદના તમારી ખબર પૂછવા ચોક્કસ આવવાનાં છીએ. શિવાની અને દીપકકુમાર ફલેટ લઈ જુદાં રહેવાં ગયાં તે સમાચાર મળ્યા. સારું થયું. શિવાનીની સાસુનો સ્વભાવ આકરો છે. રાહુલ તેના સસરાની ફેક્ટરીમાં જોડાઈ ગયો અને દુકાન કાઢી નાખી એ નિર્ણય પણ સારો છે. વંદના કલાસમાં ઓછું જાય છે. સ્વતંત્ર ક્લાસ કર્યા પછી દીપ્તિએ મોટા ભાગની જવાબદારી સંભાળી લીધી છે. ભાભી, મને રાતદિવસ દીપ્તિની ચિંતા થયા કરે છે. તેને યોગ્ય કોઈ સારું પાત્ર મળી જાય તો સારું. પેલા મનુભાઈના દીકરાની વાત તમે કરતાં હતાં તે તપાસ કરી જણાવજો. છોકરો અહીં છે કે ફોરેન છે ? તેની ખાસ તપાસ કરજો.
વંદનાને કમરનો દુખાવો રહે છે. આસન-પ્રાણાયામથી ફાયદો થયો છે. ડૉકટર કહે છે કે મણકો ઘસાઈ ગયો છે. મટે એમ લાગતું નથી. મારી તબિયત સારી રહેતી નથી. બ્લડપ્રેશરમાં વધઘટ થયા કરે છે. નિયમિત ગોળીઓ ગળું છું. દીપ્તિનું ઠેકાણું પડી જાય તો રાજીનામું આપવાનું વિચારું છું એ પછી જેવી ઈશ્વરની મરજી.
ભાભી ખાસ વાત તો લખવાની રહી જ ગઈ….. ગઈકાલે સાંજે મેં દીપ્તિને બાલ્કનીમાં ઊભેલી જોઈ હતી. તે બાલ્કનીમાં ઊભી ઊભી સામેના ફલેટની બાલ્કની તરફ તાકી રહી હતી. એ પછી તે નીચું મોઢું કરી ઘરમાં હસતી હસતી દાખલ થઈ. ત્યારબાદ મેં ધ્યાનથી જોયું તો તે મોબાઈલ ફોન પર કંઈક લખી રહી હતી. અટકું. દીપ્તિ આવે છે. જય સચ્ચિદાનંદ. જય શ્રી કૃષ્ણ.
લિ.
આપનો એ જ નાનકડો
બંટી ઉર્ફે જિગરના પાયલાગણ



સુંદર….જીંદગીના દરેક પડાવ પર હંમેશાં ‘મા’ બની રહેલા ભાભીને વંદન
સુંદર….જીંદગીના દરેક પડાવ પર હંમેશાં ‘મા’ બની રહેલા ભાભીને વંદન
really nice article..wanted to read more letter .
I am also very lucky I have bhabhi like this. Who become my friend/mohter/care taer …everything…
khub j saras lekh che. diwanbhai ni varta pan ghani saras hoy che. diwanbhai pase thi ghanu badhu sahitya ma janva male che. diwanbhai ne ek var achuk malvu jevu che.
Good Article, vanchavani khub j maja avi 🙂
ખુબ જ સરસ વાર્તા છે. આવી ભાભી મલવી તે ભાગ્યની વાત છે.
સરસલેખમ નસિબદાર ને આવિ ભાભ મલે
સાવ સાચું કહું તો આઠ પત્રો વાંચતા વાંચતા આંખોમાં “માવઠું” આવી ગયું…!
પત્રોની શરૂઆત તો મને મારા હોસ્ટેલકાળની યાદ અપાવી ગઈ.. ત્યારબાદ ના દરેક પત્રોમાં જીવનના મારા વિવિધ પડાવોનું દર્શન થયું..
ભાઈ જીગર, તું તો બહુ ભાગ્યશાળી …! પાંચે આંગળીઓ થી પુણ્ય કાર્ય હોઈ ત્યારે આવા ભાઈ ભાભી મળે..
પત્રો ખરેખર અદભૂત હતા, છે અને રહેશે .. તેમની તોલે કઈ જ ના આવે…! મારા હોસ્ટેલ નિવાસ દરમ્યાન દિવસ નો ઓછા માં ઓછો એક પત્રના મળે તો એટલો વસવસો રહેતો કે આજે કોઈ ને મારી યાદ ના આવી..
દીવાનભાઈ ઠાકોરને ખુબ ખુબ અભિનંદન..!
હિન્દી સિનેમા નું એક ગીત હતું. જીવન ચલનેકા નામ, ચલતે રહો સુબહ શામ. ચોપડી ના પાનાની જેમ પાના ફર્યા કરે અને જિંદગી ચાલતી રહે , દોડતી રહે. દરેક સમય ના અનુભવો યાદ રહે છે, સમય પસાર થઇ જાય છે. આનું નામ જીવન. દરેક ના જીવનની આજ કહાની છે. અંતે સુખી થવું એ જ દરેકનું ધ્યેય હોય છે. જીવન મેઘ ધનુષ્ય ના રંગો જેવું છે. સુખ, દુખ, આનંદ, શોક, રોમાંચ, રોમાન્સ, ચિંતા, વગેરે. આ બધામાં થી સુખ શોધવું અને આગળ વધવું તે જ જીવન.
ખૂબ સુંદર…સરળ ભાષામાં લખાયેલાં પત્રો. દિયર ભોજાય ના સ્નેહાળ સંબંધો તદ્નસ્ય થાય છે.