ખટમીઠી ઉંમરનાં નખરાં અને નરી અલ્લડતા – પ્રજ્ઞા પટેલ

[‘વિચારવલોણું’ સામાયિક નવેમ્બર-2011માંથી સાભાર. આપ પ્રજ્ઞાબેનનો (ગાંધીનગર) આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9825438394.]

ખટમીઠું સોળમું વર્ષ – ટીન એજ – Sweet Sixteen ખૂબ સરસ, સંવેદનશીલ અને છતાં ઓછો ચર્ચાતો વિષય. આમ તો દરેક ઘર-પરિવારને સ્પર્શતો વિષય. સાંપ્રત સમસ્યાઓના અનેકાનેક, નિવાર્ય-અનિવાર્ય એવા દરેક મુદ્દે, પ્રશ્ને આપણે સહુ ખૂબ વાતો કરીએ છીએ, ચર્ચાઓ-ચિંતન કરીએ છીએ. આપણી નિસ્બત વ્યક્ત કરીએ છીએ. પણ આ વિષયે જાણે-અજાણે ખૂબ ઓછું લખાય-ચર્ચાય છે. કદાચ એમાં પણ પેલી ‘ટીન-એજ’ વચ્ચે આવી નડતી હશે ?! આમ પણ ટીન-એજનું એવું જ. નહીં બાળકમાં, નહીં યુવામાં કે નહીં પુખ્તમાં.

બાલ્યાવસ્થા, ખૂબ મજાના બાળપણનું છેલ્લું પગથિયું હજી હમણાં જ વટાવ્યું હોય અને આ સાવ અજાણી એવી ઉંમરના ઉંબરે મન-શરીર ઊભાં હોય. મન સાથે શરીરમાં પણ અવનવા ફેરફારો થતા હોય, કંઈ સમજાય નહીં. પોતે જ કંઈ સમજતાં ન હોય ત્યાં કોઈને કહે કે પૂછે પણ શું ? કઈ રીતે ? પોતાને, પોતાની જાતને જુદી રીતે જોવાની હોય, સમજવાની હોય. જીવનની આ ઋતુ તો ભારે મોજીલી, અલગારી, મસ્ત. આંખોમાં અવનવાં પતંગિયાં ઉડાઉડ કરતાં હોય, શ્વાસની હલનચલન સાથે તરંગ-તુક્કા-સપનાં દોડાદોડી કરતાં હોય. સ્વપ્નોની ફેરી સર્વિસ ચાલુ થઈ ગઈ હોય. સ્ફૂર્તિલું શરીર જરીકે જંપવા દેતું ન હોય. ઘરવાળાને મન તો હજુય તે પોતાના વહાલા, નાનકડા દીકરા કે દીકરી સમાન જ હોય. બાળપણથી જોયેલ રમાડેલ – તે જ સ્વરૂપે તે હોય…. અને આ ટીન-એજ ?!!

મમ્મી, પપ્પા કે પરિવારજન ક્યારેક અડે-તેડે-વ્હાલ કરે તે પણ ન ગમે. કંઈ બોલે, પૂછે, સમજાવે, શિખવાડે તે તો જરાય જ ન ગમે. વળી એ કોઈની હાજરીમાં તો અસહ્ય જ લાગે. આ ઉંમરના દીકરા-દીકરીઓને હવે પોતાના ખાસ ગમા, અણગમા ધીરે ધીરે સમજાતા, બંધાતા હોય છે. પોતાને ગમતું, પસંદગીનું, પોતાની ઈચ્છા મુજબનું તેમને મન સૌથી અગત્યનું. બાકી બધું જ સામા છેડાનું, સાવ તુચ્છ. વ્યક્તિઓ, પરિસ્થિતિઓ, વસ્તુઓને તે પોતાની રીતે જોતા-મૂલવતા હોય છે, તેવી મથામણમાં હોય છે. પોતાના અર્થો શોધવાની કદાચ એ શરૂઆત કરતા હોય છે. સામે હોય છે, એ જ વ્યક્તિ, પરિસ્થિતિઓ, વસ્તુઓ વિશે જાતભાતના અભિપ્રાય. સાચું શું ? સાચું પારખવાની દષ્ટિ હજુ ખીલતી જ હોય છે, પણ પોતાનો મત એમને મન પાક્કો અને એટલો જ સાચ્ચો બની જતો હોય છે. એથી અલગ કોઈ કહે, કરે એ એમના માટે સાવ જ અસ્વીકાર્ય બની જતું હોય છે.

એ જ વ્હાલા મમ્મી-પપ્પા, દાદા-દાદી, ભાઈ-બહેન કે સ્વજનો, એ જ ઘર કરતાં વિશેષ હવે એમને પોતાના મિત્રોની સોબત-સંગત વધુ ગમવા લાગે છે, પોતાની પસંદગીના માધ્યમો એ પછી ટી.વી. હોય કે પછી મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, આઈપોડ, વિડીયો ગેમ્સ વગેરે હોય એની સાથે સમય પસાર કરવો વધુ ગમવા માંડે છે. વાતેવાતે ચિડાઈ જાય, ગુસ્સે થઈ જાય, ખોટું લાગી જાય, અણગમો વ્યક્ત કરે – આવું કંઈ કંઈ થયા કરે. પોતાની વાતને હંમેશા તેઓ આગળ ધરવા મથતા રહે, પોતાની વાતને જ સાચી પુરવાર કરવા એ ઉત્સુક હોય. એમને જે ગમે છે એ જ કરવું હોય છે, સાંભળવું હોય એ જ સાંભળે. વળી એમ જ માને, સાવ સહજપણે કે એમને બધી જ ખબર છે. અમે બધું જ જાણીએ-સમજીએ-ઓળખીએ છીએ. આપણે એમની વાત માનવી જ પડે, કેમ કે એ તો ખટમીઠા સોળમા વર્ષની મોસમ. કેટલાક છોકરા-છોકરીઓ બાળપણમાં હોય તેથી સાવ જુદા જ આ ઉંમરે જણાય. તોફાની હોય તો એકદમ શાંત, ઓછાબોલા બની જતા હોય, તો ઓછાબોલા-શાંત બાળકો વધારે વાતોડિયાની જેમ વર્તતાં હોય. કેટલાંક વળી પોતાની ઉંમરના સાપેક્ષે ખૂબ વધુ ઠરેલ, ભાવુક, સમજદારની જેમ વર્તતા હોય. જવાબદારીની ભાવના સાથે, વધારે શિસ્ત સાથે. ખૂબ ઠાવકા લાગે, હોય પણ એવા જ. વાતો-વર્તન બધું ય શાણા માનવીની જેમ. પેલું ખટમીઠું સોળમું વર્ષ ક્યાંય જણાય નહીં જાણે. તો કેટલાક વળી સાવ જ અલ્લડ, અલગારી, પોતાની જ મસ્તીમાં મસ્ત, પોતાનામાં જ મુગ્ધ. એમની અલ્લડ મસ્તીની છોળોમાં ભીંજાવાનું આપણને ગમે. પણ આ જ ઉંમરે કેટલાંક બાળકો વધારે અશાંત, બેજવાબદાર, ઉછાંછળાં, અવિવેકી, જિદ્દી બની જતાં હોય છે. સ્વચ્છંદી બની જતાં હોય છે.

જીવનનો આ ખૂબ જ મહત્વપૂર્ણ, અત્યંત નાજુક, રમણીય અને ભરપુર શક્યતાઓનો સમયખંડ છે. અત્યંત સંવેદનશીલ અને લપસણો ઉંમર-તબક્કો. માતા-પિતા, સ્વજન તરીકે તેમના પરમ સ્વીકાર સાથે એમની સાથે હળવે હળવે ભળવાનો સમય. પરસ્પર વિશ્વાસ, દોસ્તી, પ્રેમ થકી જ સાથે વહી શકાય. જરૂર પડે ત્યાં પ્રશ્ન પણ પૂછવા, સલાહ-શિખામણ આપવા, પણ એમના મૂડ બરાબર પારખીને. તો જ એમને ગળે ઊતરશે. લડવા-ઝઘડવા કે હાથ ઉપાડવાની ભૂલ તો કરાય જ નહીં. ઉપેક્ષા-અપમાન તો એ સહેજે સહન નહીં જ કરે. એમના મનને સમજવું પડે. એમના નહીં બોલાયેલા શબ્દો-પ્રશ્નો-ભાવોને બરાબર ઓળખવા-સાંભળવા પડે. અને પૂર્ણ રૂપથી એમનો સ્વીકાર, એમના પ્રત્યેનો એવો જ નિર્મળ પ્રેમ. મિત્ર બનીને પડખે રહેવાનું છે. એમની અંદર ઉછળતા ઊર્જાના દરિયાને ઝીલવાનો હોય છે. એમનાં સપનાં, ઊર્મિઓ, તરંગ-તુક્કાઓ, ગમા-અણગમા, એમની આવડતો, એમના સામર્થ્ય અને ભ્રમ – આ બધાને સાચી રીતે જાણી-સમજી, સ્વીકારી, હળવે હળવે એમને એમની ગમતી સારી પ્રવૃત્તિઓ, રચનાત્મક કાર્યોમાં વાળવાથી એમને પણ ગમતું હોય છે, મજા પડતી હોય છે. આ ઉંમરે કોઈ વખાણ-પ્રશંસા કરે, પોતીકો ભાવ બતાવે એ સૌથી ગમતી બાબત હોય છે. વિરોધ તો સહેજે સહન નથી થતો. એમના જ પ્રશ્નોના ઉત્તર એમને પસંદ પડે એ માધ્યમે, એ રીતે સાવ સહજપણે આપણે આપવાના હોય છે. અને એ જ માતા-પિતા, પરિવારજનની, સમજણની એક કસોટીરૂપ કાર્ય બની રહે. પૂર્ણ ધીરજ, શ્રદ્ધા, સ્વસ્થતા. ઉતાવળા-આકરા થઈએ તો વાત સાવ જ વણસી જાય.

માતા-પિતા, સ્વજનોએ પણ પોતાના વિચાર, વાણી, વલણોમાં ઘણા ફેરફાર આણવા જરૂરી બની જાય છે. બંને પક્ષ જો એવા જ અલ્લડ, જક્કી, પોતાનો કક્કો ખરો કરાવનારા બને તો તો ઘર નાનું સમરાંગણ જ બની જાય. ટીન એજર બાળકોના ગમા-અણગમા, વિચાર-વલણ, માનસિકતા, એમના મિત્રો અને એમની સમગ્રતયા ભૂમિકા, શાળા-શિક્ષક સાથેના એમના વ્યવહાર, ઘરમાં અને બહારની તેમની પ્રવૃત્તિઓ, એમની વૃત્તિઓ, એ ઘરમાં કેવી રીતે વર્તે છે, કેવી ભાષા વાપરે છે; મિત્રો, બીજાઓ સાથેની તેમની વર્તણૂંકો – આ બધી જ બાબતોનું ચોકીદારની જેમ નહીં જ, પણ પરમ હિતેચ્છુની જેમ સાવ સહજપણે નિરીક્ષણ કરવાનું હોય. એવું ન બને કે, બધું સાવ ધ્યાન બહાર જ રહેતું હોય ને પછી જ્યારે તે પરિસ્થિતિ વરવું રૂપ ધારણ કરી સામે આવે ને મોટો આઘાત લાગે.

બની શકે તો ઘરનું વાતાવરણ એકદમ ખુલ્લું, ભાવનાત્મક, નિખાલસતાભર્યું, હળવાશભર્યું રાખવું જોઈએ. જેથી આ બાળકોમાં સંકોચ-ડર-છાનુંછપનું કરવાની, ખાનગીપણાની વૃત્તિ જાગે જ નહીં. એમને આ ઉંમરે સ્વતંત્રતા ખૂબ ગમતી હોય છે, એ જ એક માંગ હોય છે. ત્યારે પૂર્ણ સમજ સાથેની, શિસ્ત-જવાબદારીના ભાન સાથેની સ્વતંત્રતા તેમને માતા-પિતા ઘરના માધ્યમે જ આપી શકે. સ્વતંત્રતા ખરી, સ્વચ્છંદતા જરીયે નહીં. પોતાના બહોળા વિવિધ અનુભવોની વાતો દ્વારા આડકતરી રીતે તેમનું યોગ્ય ઘડતર કરી શકાય. જેવું વાતાવરણ ઘરમાંથી મળશે, એ દિશામાં એ જશે. સારી-પ્રેરક વાતો, સારા વાંચનની ટેવ, સાથે મળી સરસ પ્રવાસ કરવા, સગાસંબંધી-મિત્રોને મળવું, જરૂરિયાતવાળાને મદદ કરવી, ક્યાંય નકારાત્મકતા નહીં – જીવન પ્રતિનો હકારાત્મક દષ્ટિકોણ, સ્વાર્થ-સ્વકેન્દ્રી વૃત્તિઓ નહીં, સર્વ પ્રતિ સમભાવ, પ્રેમભાવ, જીવનને હર્યુંભર્યું રાખવાના વિવિધ શોખ, રસરુચિ…. સાદગી સાથેની કરકસર, બધી જ પરિસ્થિતિઓમાં આનંદમાં કઈ રીતે રહી શકાય ? – આવી બધી બાબતો માતા-પિતા-પરિવારજનો ઘરના માધ્યમે જ ટીનએજરોને કંઈ જ કહ્યા-શીખવ્યા વિના પણ સમજાવી શકે ને ?! જરૂર. ગમતું અને સારું, સારું અને સાચું પણ હોય – આવાં જીવનનાં મૂલ્યો, સંસ્કાર આપણે આ ઉંમરના બાળકોને ન આપી શકીએ તો કદાચ પછી આપણે એમનું ને આપણું ખૂબ મોટું અહિત કરી દઈએ.

અને પ્રેમ-વિશ્વાસ-શ્રદ્ધા એ તો સૌથી સર્વોપરી ભાષા. આ ભાષાથી આપણા ટીનએજરોનાં મન-હૃદય જીતી લઈએ, તો આપણે પણ ફરીથી એ જ ખટમીઠા સોળમા વર્ષના મધુર સ્વાદને માણી શકીએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “ખટમીઠી ઉંમરનાં નખરાં અને નરી અલ્લડતા – પ્રજ્ઞા પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.