[‘વિચારવલોણું’માંથી સાભાર.]
હીરા-માણેક-રત્ન-ખજાના…. બધ્ધું છે, જા અંદર ગોત !
સૂરજ-ચંદર ધ્રુવ ને તારા…. બધ્ધું છે…જા, અંદર ગોત !
આપત્તિના પહાડી કિલ્લા કંઈકને આડા આવ્યા છે,
અટકીશ મા, ધર બુદ્ધિ, સધ્ધર શક્તિ-સ્ત્રોત પુરંદર ગોત !
ડૂબવાનું છો હો નિર્માયું, તોય અલ્લા ! તું માટી થા !
છોડ ટાંકણી, ખાડા-કૂવા-નાળાં છોડ, સમંદર ગોત !
એક જ થાપે-આશીર્વાદે, એક જ મીટમાં ન્યાલ થઈશ,
પરચૂરણિયા મૂક નકામા, જોગી કો’ક કલંદર ગોત !
શુભ-અશુભ ને સાચ-જૂઠના જગત ખેલથી ક્યાં ભાગીશ ?
કશું ન સ્પર્શે એવું ખાખી-ભગવું એક પટંતર ગોત !
ઊપડ્યો છો તો કે’દીનો….. ને હલ્લેસાં પણ બહુ માર્યા,
ભલા આદમી ! ક્યાં જાવું છે ? પોતીકું ક્યાંક બંદર ગોત !
ભરતી-ઓટ-તૂફાનો… સઘળું… અનિવાર્ય કુદરતનો ક્રમ,
આસન તારું અડોલ રાખે એવું જબરું લંગર ગોત !
ઝાઝાં થોથાં, ઝાઝી બુદ્ધિ, ઝાઝા વાદવિવાદે શું ?
જડીબુટ્ટી તો આ સામે રહી : ‘સત્ય, શિવ ને સુંદર’ ગોત !
મળ્યા અને મળનારા જન્મે….. તસુ-તસુ પણ ચડતો જા,
પાછો નહીં પડતો….. જોગંદર ! અંતર ગોત…. નિરંતર ગોત !
3 thoughts on “ગોત ! – યોગેન્દ્ર વિ. ભટ્ટ”
સુંદર…..
આપણે જાત જાતની શોધો કરીએ છીએ પણ આપણી અંદર રહેલા તત્વને નથી શોધી શકતા…..
ભટ્ટ સાહેબ,
ખરું સમજાવ્યું કે …બહાર ફાંફાં માર્યા વગર તું “અંદર” ગોત!
સુંદર ગઝલ આપી. આભાર.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
No.1 Website For Finding Job In Kutch