મા, બળતરા થાય છે ! – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર’માંથી સાભાર.]

‘કાં પસાભાઈ, તમારા ભરતાને બીટી કોટનના ખેતરમાં મજૂરીએ નથ મોકલવો ? આપણા સાંઢોસી ગામના પચ્ચી છોકરાઓ જવાના છે.’
‘મારો ભરતો તો બચાડો હાવ નાનો છે. એની માના પડખામાંથી ખસીને ક્યાંય ગ્યો નથ. ઈ વળી મજૂરી ક્યાંથી કરવાનો ?’

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું સાંઢોસી મોટે ભાગે દલિતોની વસ્તીવાળું ગામ. ત્યાંથી એક્સો એંસી કિ.મી. દૂર કુંવારવા સુધી છોકરાને મોકલવો હોય તો પસલાનો જીવ કેમ ચાલે ? હજી તો ભરતાને હમણાં બાર પૂરાં થઈ તેરમું બેઠું. એની મા પોતાના વ્હાલુડાને આટલો આઘે મોકલવા શેની તૈયાર થાય ? પણ રતનાએ જે વાત કરી એ પસલાનું મન પલાળી દે એવી તો હતી જ. ‘પસલા, રોજના રોકડા રૂ. સો મળવાના, જોયા છે કોઈ દિ’ ? ને વળી રોટલા ભલે જાતે ટીપવાના હોય પણ ખેડૂતને ઘેરથી બટાકાનું રસાવાળું શાક ને એ….ય ને ખાટી મજાની કઢી આવે. બોલ, જલસા જ પડે કે બીજું કાંઈ ?’

ગામમાંથી મજૂરી માટે છોકરાંઓને તૈયાર કરવા માટે રતનાને સારું એવું કમિશન મળવાનું હતું, પછી એ વાતમાં મોણ નાખવાનું શાનું બાકી રાખે ? સમજાવી પટાવીને એણે પસલા ડાભી પાસે ભરતને મોકલવાની હા પડાવી જ લીધી. ગામના પચ્ચી પચ્ચી ભાઈબંધો સંગાથે હોંશેહોંશે ગોવિંદકાકાના ખેતરમાં બીટી કોટનની મજૂરી કરવા કુંવારવા જતા ભરતને આવનારી મુસીબતોનો ક્યાં જરાય અંદાજ હતો ? ઘરે તો સૂરજદાદા માથે આવે ત્યાં સુધી નિરાંતે ઘોરતો રહેતો. મા કેટલીય વાર આવી આવીને માથે હાથ ફેરવી જતી અને ટહુકો કરી જતી. હાલ દીકરા, હાલ બેઠો થા ને સિરાવી લે (નાસ્તો કરી લે) એટલે હું ય પરવારીને બીજે કામે લાગું. હત્તર કામ બાકી પડ્યા છે.’ એને બદલે અહીં મળસ્કે પાંચ વાગ્યામાં તો ખેતરે પહોંચીને કપાસનાં ફૂલો તપાસવાનાં. બીટી કપાસનાં નાજુક ફૂલોની પાંદડીઓ પીંખાઈ જાય તો ખેડૂતને મોટું નુકશાન થાય. એટલે ફૂલો ચેક કરવામાં બહુ કાળજી રાખવી પડે. વાંકા વળીને એક એક ફૂલ ચેક કરતાં તો કમરના કટકા થઈ જાય. એમાં જો ભૂલેચૂકે બે ઘડી આરામ કરવા ગયા તો ખલાસ ! પડખામાં જોરદાર લાત પડે ને ‘ઓય મા’ કરતી રાડ નીકળી જાય.

જો કે, ગોવિંદકાકા ય બિચારા હું કરે ? મલ્ટિનેશનલ કંપની પાસેથી મોંઘા ભાવનું બિયારણ લઈને બેઠા છે. વળી હસમુખ ચૌધરી એમનો ભાગિયો છે. બેયને પોતાના દીકરા-દીકરીને દાક્તર ને ઈજનેર બનાવવા છે, પછી આ અછૂતોની દયા ખાધે ક્યાં પાર આવે ? ભરત જેવાં હજારો બાળકો માનસિક તાણને લીધે જીવતેજીવ આપઘાત કરવાની સ્થિતિમાં પોતાને જ કારણે મુકાઈ રહ્યાં છે એ જાણવા છતાં એમની એની સાથે કશી લેવા-દેવા નથી. સવારના પાંચથી આઠ ઊંધું ઘાલીને મજૂરી કર્યા પછી કાળી કોલસા જેવી ચા મળે. એ પીધી ન પીધી કે બાર વાગ્યા સુધી ફૂલોમાં પુંકેસર લગાવવાનું કામ કરવાનું. સાંજે એકબીજાનાં મોઢાં ય ન દેખાય એવું અંધારું થાય ત્યાં લગી કામે વળગી રહેવાનું. પતરાનાં ખખડધજ શેડ કે જેને એ લોકો ‘ઘર’ કહેતા ત્યાં જઈને ખાવાનું બનાવવાનું ને જમીને દિ’ આખાનાં મેલાંઘેલાં કપડાં ધોવાનાં. બધા ય પાસે ગણીને બે જોડી કપડાં છે. એક જોડી પહેરે ને બીજી ધુએ. આટ-આટલું થવા છતાં આજ-કાલ સાંઢોસીના આ બધા છોકરાવ ખુશ હતા. નરેશ, પ્રવીણ, મનીષ, ભરત બધાય અંદરઅંદર ગુસપુસ કરતા.
‘હવે અઠવાડિયામાં તો રક્ષાબંધનનો તેવાર આવવાનો. ગોવિંદકાકાને કઈને ચાર-પાંચ દિ’ની રજા મંજૂર કરાવી લેસું.’
‘હા, હા, ઈ કાંઈ ના નો પાડે. ઈ ય હમજે તો ખરા ને કે બધાયની બેનડીઓ વાટ જોઈને બેઠી હોય.’ પ્રવીણે કંઈક ખાતરીથી કહ્યું. પણ ગોવિંદકાકા તો એક જ વાત સમજતા હતા કે, કેમ આ છોકરાઓનો વધુ ને વધુ કસ કાઢવો.
‘હવે એમ છાસવારે ઘરે દોયડા કરસો તો આ ખેતરનું કામ કયો તમારો હગલો આવીને કરવાનો છે ?’
હસમુખે વળી હસતાં હસતાં કહ્યું : ‘કાકા, છોરાંઓને ખાવા-પીવા માટે જ ઘર યાદ આવતું હોય. આપણે ય હમજીએ તો ખરાને ! આ જુઓ, તણ કિલો ભજિયાં ઈ લોકોને હારુ લઈ આયવો છું. ભલે ખાતાં બચાડાં.’ ઘરે નહીં જવાના બદલામાં જે ભજિયાં મળ્યાં એ કોઈને ગળે ઊતરતાં નહોતાં. કદાચ મરચાંનાં ભજિયાં ખાવાને લીધે આંખમાંથી આંસુ ય ટપકતાં હતાં.

બીટી કપાસની જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર – ત્રણ મહિનાની સીઝન. ત્રણ મહિના પૂરા કરાવ્યા ત્યારે જ છોકરાઓને છોડ્યા. એકએકને ઑફિસમાં બોલાવીને રજિસ્ટરમાં પૈસા મળ્યા એવી નોંધ સામે અંગુઠો મરાવી લીધો. ‘પૈસા ક્યાં ?’ એમ પૂછવા ગયું એના ગાલ પર ધડાધડ ચપ્પલ પડી.
‘આ સવારે ઊઠો ત્યારથી આટલું ખાવા-પીવાનું મળે છે તે આકાશમાંથી ટપકી પડ્યું છે ? પૈસા માગતાં લાજો લાજો હવે. એમ કો’ કે આ તણ મહિના તમારા મા-બાપને માથેથી તમારો બોજો ઓછો કર્યો. કંઈ કદર જ નથી, સાલા, નગુણા. જાવ, હવે સીધેસીધા ઘર ભેગા થાવ.’

બધામાંથી સૌથી મોટા દિનેશે ખૂબ કાકલૂદી ને રકઝક કરી ત્યારે બધા છોકરાઓ વચ્ચે મળીને રૂ. 1500 ગણી આપ્યા. બીટી કપાસના દલિત બાળમજૂરોના સંઘને ઘરે જવા 180 કિ.મી.નું અંતર કાપવાનું હતું. ક્યાંક બસમાં તો ક્યાંક જીપમાં ઠેબાં ખાતાં ખાતાં અડધે પહોંચ્યાં. ભૂખ્યાં ડાંસ થયાં’તાં તે શીંગ ને ગોળ ખાધાં. હવે ? પૈસા તો ખૂટવા આવ્યા હતા. હવે ચાલો પગપાળા. બાર-તેર વર્ષનાં કુમળાં બાળકો થાકીને લોથ-પોથ થઈને હાઈ-વેની બાજુના રસ્તા પર જ સૂઈ ગયાં. આમ તો આ જ રસ્તેથી લોકો હજાર હાથવાળી અંબાજી માતાના દર્શને શ્રદ્ધાપૂર્વક જાય છે, જાતજાતની માનતાઓ પણ માને છે. પણ આ બાળકો પર ન તો માતાની કૃપા ઊતરી કે ન કોઈ ભક્તની. ખાવાની વાત તો દૂર રહી, રસ્તામાં કોઈ પાણી પીવડાવનારું ય ન નીકળ્યું. પડતાં-અખડતાં ત્રણ દિવસે ઘરે પહોંચ્યાં ત્યારે સુકાઈને હાડપીંજર થઈ ગયેલા છોકરાઓને જોઈને સૌ હેબતાઈ જ ગયા.

છોકરાઓ ત્રણ ત્રણ મહિના પછી ઘરે ગયા એટલે પરિવારજનો રાજી તો થયા જ, પણ મજબૂરીએ એમની પાસે બોલાવડાવ્યું, ‘પૈસા ક્યાં છે ?’ જવાબમાં છોકરાઓએ ઢોર મારથી હથેળી, પીઠ અને પેટ પર ઊઠેલા સોળ બતાવ્યા. ભરતની મા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગી. ભરતે ધીમેથી કહ્યું : ‘મા, રડ નહીં ને ! તારા આંસુ પડવાથી મારા ઘામાં બહુ બળતરા થાય છે.’

(રાજુ સોલંકી દ્વારા ‘દલિત અધિકાર’માંથી.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

20 thoughts on “મા, બળતરા થાય છે ! – આશા વીરેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.