ગમ્મતનો ગુલદસ્તો – જગદીશ ત્રિવેદી

[સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર અને હાસ્યલેખક એવા શ્રી જગદીશભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ગમ્મતનો ગુલદસ્તો’માંથી પ્રસ્તુત હાસ્યલેખો સાભાર લેવામાં આવ્યા છે. અભ્યાસમાં ડબલ પી.એચ.ડી. કર્યા બાદ હાસ્યક્ષેત્રે દેશ-વિદેશના કાર્યક્રમો સહિત તેઓ અખબારો અને સામાયિકો દ્વારા હાસ્ય-લેખક તરીકે પણ એટલી જ લોકચાહના પામ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી જગદીશભાઈનો (સુરેન્દ્રનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825230903 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] જમ જેવા જમાઈની જફા

જમાઈને દસમો ગ્રહ કહેવામાં આવ્યો છે કારણ નવ ગ્રહોને પોતાના ઢોલીયા સાથે બાંધી દેનારો રાવણ પણ જમાઈ નામનાં દસમા ગ્રહથી દુઃખી દુઃખી થઈ ગયો હતો અને ઘોઘાનો વર લંકાની લાડીને બઠાવી ગયો હતો, ઘણાં પરિવારોમાં જમાઈ અને જમ (યમરાજ) વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગયેલી હોય છે અને જમાઈ મોટેભાગે ભારતીય રેલગાડી જેવો હોય છે, આમ બધી રીતે વખાણવાલાયક પણ ક્યારે ઉથલી પડે એનું કંઈ જ નક્કી નહીં.

બાપ ગરીબ હોય તે દુર્ભાગ્ય ગણાય અને સસરા ગરીબ હોય તે મુર્ખામી ગણાય તે વાતને બરાબર સમજીને એક યુવાન હિંમત કરીને પોતાની પ્રેમિકાનાં અમીર પિતા પાસે જઈને ધડામ કરતો બોલ્યો કે હું તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું, આ સાંભળીને ગુસ્સે થવાને બદલે હોલસેલનો વેપારી બાપ બોલ્યો કે જોઈએ તો આખી લઈ જા બાકી હું છૂટક આપવા માંગતો નથી. જોકે જમાઈનાં નસીબ આટલા બધા સવળાં હોય એવું ભાગ્યે જ બનતું હોય છે.

એકવાર એક સસરા બિમાર પડ્યા. સસરા માંદા પડે અને દોડાદોડ કરી મૂકે એવા જમાઈ ઘણાં હશે પરંતુ સસરાની બિમારીથી સાચા હૃદયથી દુઃખી થાય એવા જમાઈની ટકાવારી બહુ ઓછી છે. બાકી પત્ની અથવા સાળીને રાજી રાખવા માટે દોડાદોડ કરવી એ પુરુષનો લગ્નસિદ્ધ અધિકાર છે. પેલા સસરા માંદા પડ્યા એટલે તબિયત પૂછવા જવું પડે નહીંતર ઘરની શાંતિ જોખમાય એટલે જમાઈ બિચારો અનિચ્છાએ તૈયાર થયો. જમાઈની સમસ્યા એક જ હતી કે એ બન્ને કાને બહેરો હતો. તથા દામાદનાં કાન માત્ર ચશ્માની દાંડલી ખોસવા માટે જ છે આ વાત સસરાનાં કાન સુધી પહોંચી નહોતી. જમાઈ નેતાની પેઠે પોતાની નબળાઈ જાહેર કરવા માગતો નહોતો એટલે એણે આઈડીયા માર્યો, જમાઈએ નક્કી કર્યું કે ત્રણ સાદા સવાલો એવા કરવા જેનો જવાબ દરેક દર્દી પાસેથી સરખો જ આવે. પહેલા પૂછવું કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’ જવાબ પૂરો થાય એટલે કહેવું કે ‘બસ એ જ ચાલુ રાખો.’ બીજો સવાલ કરવો કે ‘જમવામાં શું લ્યો છો ?’ સસરાનાં હોઠ ફફડતાં બંધ થાય એટલે કહેવું કે ‘તમારા માટે એ જ બરાબર છે.’ ત્રીજો અને છેલ્લો સવાલ કરવો કે ‘ક્યા દાક્તરની દવા લ્યો છો ?’ જવાબ મળે એટલે કહેવું કે ‘એનાથી વધુ અનુભવી કોઈ નથી.’

આ રીતે તૈયારી કરીને બહેરાકુમાર દવાખાને પહોંચ્યા. પ્રથમ સવાલ કર્યો કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’ સસરો થોડો આખાબોલો નીકળ્યો એટલે જવાબ આપ્યો કે ‘દવાનું બિલ ભરવામાં અડધું ફર્નિચર વેચાઈ ગયું છે.’ એટલે જમાઈ બોલ્યો : ‘બસ, એ જ ચાલુ રાખો એટલે સાવ રાહત થઈ જશે.’ જમાઈનો જવાબ સાંભળી સસરાની આંખે અંધારા આવી ગયા છતાં ગમ સાથે પપૈયુ પણ ખાતા રહ્યા. જમાઈએ બીજો ઘા કર્યો કે ‘શું જમો છો ?’ આ વખતે સાસુ બોલ્યા કે પથરાં ખાય છે અને ધૂળ ફાકે છે.’ જમાઈ કહે, ‘એ જ ચાલુ રાખો. તમારા માટે એ જ યોગ્ય છે.’ હવે સાસુનું બી.પી. વધવા માંડ્યું હતું ત્યાં જમાઈએ ત્રીજો પ્રહાર કર્યો કે ‘આ ક્યા દાક્તરની દવા ચાલે છે ?’ આ વખતે તો સલમાનખાન જેવો સાળો ઊભો થઈને બરાડ્યો કે, ‘જમરાજાની દવા ચાલે છે.’ અને તરત જ જમ જેવો જ જમાઈ બોલ્યો કે, ‘એમનાથી અનુભવી બીજું કોઈ નથી. એમની ચાલુ રાખો એટલે સાવ શાંતિ થઈ જશે.’ પછી જમાઈનું શું થયું એ ખબર નથી પણ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સસરાનાં રૂમની બાજુનાં રૂમમાં જ દાખલ કરેલા છે.
.

[2] લાખનાં બાર હજાર

એક દિવસ ભોગીલાલને પોક મૂકીને રડતો જોઈને ગભરાટમાં મારાથી પૂછાઈ ગયું કે ‘મારા ભાભી સ્વધામ ગયા લાગે છે.’ આ સાંભળી ભોગીલાલ રડતાં રડતાં બોલ્યો કે, ‘મારા જેવા બાળોતિયાનાં બળેલાનાં એવા સારા નસીબ ન હોય, હું તો કલકત્તામાં મારા કાકા ગુજરી ગયા એટલે રડું છું.’ મેં દુઃખી થવાનો અભિનય કરીને આગળ પૂછ્યું કે , ‘કાકા કેવી રીતે ગુજરી ગયા ?’
ભોગી બોલ્યો, ‘આમ તો કાકા કડેઘડે હતાં. એક પછી એક એમ ત્રણ કાકી ચાલ્યા ગયા પણ કાકા જવાનું નામ લેતાં નહોતા. એક દિવસ બિચારા દૂધ પીતાં પીતાં પતી ગયા.’ મેં આશ્ચર્યથી પૂછ્યું કે ‘કોઈ દૂધ પીતાં પીતાં કેવી રીતે મરી જાય ?’ ત્યારે એણે ખુલાસો કર્યો કે, ‘અચાનક ભેંસ બેસી ગઈ, એમાં ઉકલી ગયા. ત્રણ પત્ની કરવામાં સફળ થયેલા કાકા સંતાન પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા હતા એટલે એમનો એક કરોડનો વારસો મને મળ્યો.’
આ સાંભળી મેં તાળી પાડતાં કહ્યું કે ‘આ તો પાર્ટી આપવા જેવા સમાચાર છે છતાં તું શા માટે રડે છે ?’
એટલે ભોગીલાલે ચોખવટ કરી કે ‘કાકા તો ત્રણ વરસ પહેલા જતાં રહ્યા છે પરંતુ મારા સગામાં હજુ બે-ત્રણ વ્યક્તિ નિર્વંશ જાય એવું છે. છેલ્લા ત્રણ વરસથી એમાંથી કોઈ મરતું નથી એટલે રડવું આવે છે.’

ભોગીલાલને એક કરોડની અણધારી લોટરી લાગી એટલે વધારે લોભ જાગ્યો. કરોડનાં બે કરોડ કરવા માટે એણે કંડક્ટરની નોકરી છોડીને ઉદ્યોગમાં ઝંપલાવ્યું. પચીસ લાખ રૂપિયાનું રોકાણ કરીને વોટરપ્રુફ ટુવાલનું પ્રોડક્શન શરૂ કર્યું. એવા ટુવાલ બનાવ્યા કે પાણીમાં પાંચ કલાક પલાળી રાખો તો પણ પલળે નહીં. પરંતુ ટુવાલનું કામ પાણી લૂછવાનું હોવાથી પચીસ લાખ પાણીમાં ગયા ! ત્યારબાદ એણે નવતર ધંધા માટે ફરી દિમાગ દોડાવ્યું. એક વરસનાં ઊંડા અધ્યયન બાદ એવી આઈટમ બનાવી કે ચીન કે જાપાન તો શું પણ દુનિયામાં કોઈ બનાવતું નથી. એણે પેડલવાળી વ્હીલચેર બનાવી. ભોગીલાલનો આશય એવો કે સગાંવહાલાં હાજર ન હોય તો દર્દી જાતે પેડલ મારીને હરીફરી શકે. પરંતુ ઉતાવળમાં એક નાનકડી વાત વિચારવાની રહી ગઈ કે જેનામાં પેડલ મારવાની પહોંચ હોય તે વ્હીલચેરમાં બેસે જ નહીં. બીજા પચીસ લાખ પેડલમાં ગયા. ત્યારબાદ એને થયું કે અત્યારે ગાડીનો જમાનો છે. અત્યારે લાડી પણ ગાડી હોય તો જાડી બુદ્ધિ સાથે પરણવા રાજી થઈ જાય છે. ત્રીજી આઈટમમાં એણે એવી હેડલાઈટ બનાવી જે સૂર્યપ્રકાશથી સળગે. પણ નાનકડી શરત એટલી કે સૌરઊર્જાનો સંગ્રહ થતો નહોતો એટલે જ્યાં સુધી તડકો હોય ત્યાં સુધી સળગે. કારની હેડલાઈટની દિવસે ખાસ જરૂર ન હોવાથી ત્રીજા પચીસ લાખ અંધારામાં ગયા.

હવે છેલ્લા પચીસ લાખ હોવાથી બુદ્ધિ ચલાવવી ફરજિયાત હતી. એમાં આપણાં મુખ્યમંત્રીએ ‘વાંચે ગુજરાત’ અભિયાન શરૂ કર્યું અને ભોગીલાલને પ્રોડક્ટ મળી ગઈ. એણે વિચાર્યું કે જે લોકોને વાંચતા આવડે છે એ તો વાંચતા થઈ જશે પણ જે લોકો અભણ છે એમને વાંચતા કરવા માટે શું કરવું જોઈએ ? નિરક્ષર લોકોને વાંચનનાં અભાવે શું શું ગુમાવ્યું એની હૃદયસ્પર્શી વાતોનું પુસ્તક અત્યારે છાપી રહ્યો છે. માત્ર નિરક્ષરો માટેનાં પુસ્તકનું શીર્ષક છે : ‘અભણ રહીને તમે આટલું ગુમાવ્યું.’ ભોગીલાલને આશા છે કે આ પુસ્તકનું વિશ્વની ઘણી ભાષાઓમાં ભાષાંતર થશે જેથી વિશ્વનાં તમામ અભણ એ પુસ્તક વાંચી શકે. આ પુસ્તક વર્લ્ડની બેસ્ટ સેલ બુક બનીને ગુમાવેલા પંચોતેર લાખ પાછા અપાવશે. કદાચ એવું ન થાય તો ભોગીલાલ વધુ એક સગાંનાં મૃત્યુની રાહ જોશે.

[કુલ પાન : 139. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

20 thoughts on “ગમ્મતનો ગુલદસ્તો – જગદીશ ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.