સ્ટોરરૂમ – મોહમ્મદ માંકડ

[‘ગુજરાત’ સામાયિક, ‘દીપોત્સવી અંક’માંથી સાભાર.]

માલતી ઢીલા પડી જતા અવાજે બોલી, ‘ચીકુડી ન કપાવી નાખ. તારા બાપુજીએ પોતે વાવી છે. બહુ ઊંચી જાતની છે – કાલી પત્તી.’
‘ન કપાવું તો શું કરું ?’ રાકેશ બા સાથે દલીલ કરવા લાગ્યો, ‘તું જ કહે – બીજી કોઈ જગ્યા છે આપણી પાસે ?’
‘પણ ઈસ્ટોર રૂમની જરૂર શું છે ? ઘરમાં ત્રણ તો મેડા છે.’
રાકેશ હસી પડ્યો, ‘કેવી વાત કરે છે ! સ્ટોરરૂમ વિના તે ચાલતું હશે ? અને આ ચીકુડીને ચીકુ જ આવતાં નથી. સાવ નકામી છે.’

‘નકામી નથી, ભાઈ, તારા બાપુજીએ પોતે જ વાવી છે. આ ખારા પાટમાં ઝાડ થાય છે ક્યાં ?’
‘હું ય એ જ કહું છું ચીકુ આવે નહિ એવી ચીકુડી શું કામની ?’
‘આવશે. ઓણ નહિ, તો પોર આવશે. એ આશાએ તો ઉછેરીને આવડી કરી છે.’
‘આને ક્યારેય ચીકુ આવવાનાં નથી. બે વરસથી તો દુકાળ છે.’ માલતી બોલી, ‘તો ય ગયે વર્ષે તો થોડાંક બેઠાં’તા.’
‘સોપારી જેવડાં !’ રાકેશ હસ્યો, ‘કઢોરિયાં અને દુષ્કાળ આ ઝાડને શું નડે ? આને તો નળનું પાણી મળે છે.’
‘દુકાળ તો બધાંયને નડે.’ માલતી બોલી.
‘જો બા હું તો ચીકુ ખાતો નથી, તને ખબર છે. તારે ખાવાં હશે તો ગામમાં ક્યાં ઓછા મળે છે ?’

માલતીને આઘાત લાગ્યો. આઘાતના માર્યા જ એનાથી બાજુમાં જોવાઈ ગયું. બાજુમાં જ એની પુત્રવધૂ ઊભી હતી. માલતીનો ચહેરો કાળોધબ થઈ ગયો. પીઠ ફેરવીને એ અંદર જતી રહી.
‘તને ગમે તે કર.’
રાકેશ બા પાછળ ઘરમાં ગયો, ‘આવી જીદ શું કામ કરો છો ?’
માલતીએ દીકરા સામે જોયું. જે દીકરાને એણે દૂધ પાયું હતું, જે દીકરાને એણે બોલતાં શીખવ્યું હતું, જે દીકરાને એણે જિંદગીના રસ્તા પર ડગલાં માંડતાં શીખવ્યું હતું, એ દીકરો આ નહોતો. એના ખોળામાં રમતો હતો, બાથમાં સમાઈ જતો હતો, એ દીકરો આ નહોતો. ધીમેથી એણે મોં ફેરવી લીધું. પતિની યાદ એને આવી ગઈ. બોલી, ‘ચીકુડી ન કપાવ તો સારું. પછી તો તારી મરજી.’ મનમાં એને ખાતરી થઈ ગઈ કે ચીકુડી કપાઈ જ જવાની.
‘તો સ્ટોરરૂમ ક્યાં બનાવશું ?’ રાકેશે જૂનો પ્રશ્ન ફરીથી કર્યો.
નહોતું બોલવું, બોલવાનો કોઈ અર્થ નહોતો, છતાં માલતી બોલી ગઈ, ‘આજ સુધી ઈસ્ટોર-રૂમ વિના ચાલ્યું. એની જરૂર શું છે ?’
રાકેશ હસી પડ્યો : ‘તને એ નહિ સમજાય બા.’
માલતીથી વળી રસીલા ઊભી હતી એ દિશામાં જોવાઈ ગયું. કપાળે હાથ દઈને એ રાકેશને ઈશારો કરતી હતી, ‘મૂકોને માથાકૂટ.’
‘તું જા, ભાઈ.’ માલતી બોલી, ‘કપાવી નાખ, ચીકુડી.’ રાકેશ ભારે પગલે બહાર ગયો અને ચીકુડી કાપવા બોલાવેલા માણસને ના કહી દીધી.

માલતીએ એ સાંભળ્યું, પણ એનાથી એને કોઈ આનંદ ન થયો. એને લાગ્યું કે ચીકુડી તો કપાઈ ગઈ હતી. હવે માત્ર એના ઉપર કુહાડી ચલાવવાનું જ બાકી હતું. એવું એને કેમ થયું, કોણ જાણે, પણ મોડે સુધી એવું જ થયા કર્યું. બે-ત્રણવાર તો બહાર જઈને જોઈ પણ આવી. ચીકુડી સલામત હતી. રાકેશને બે વરસ પહેલાં પરણાવ્યો ત્યારથી માલતી જોતી હતી, કે રસીલા રાકેશ ઉપર કબજો જમાવવા કોશિશ કરતી હતી. ઘરમાં એનું જ ધાર્યું થાય એ રીતે વર્તતી હતી. પોતાના મનને એ ઘણું મનાવતી હતી કે, એ બન્ને વચ્ચે પ્રેમ વધે તો એથી મારે ખુશ થવું જોઈએ, છતાં કોણ જાણે કેમ, મન વારંવાર ચચરી ઊઠતું હતું. અને ચીકુડીને રસીલાએ જે રીતે ઝપટમાં લીધી હતી એ જોઈને તો એનો જીવ કળીએ કળીએ કપાતો હતો. એક દિવસ રસીલા ચીકુની ડાળીઓ ભાંગતી હતી. માલતીએ અવાજ સાંભળ્યો એટલે ત્યાં જઈને કહ્યું :
‘વહુ બેટા, ચીકુડીની ડાળીઓ શા માટે તોડો છો ?’
‘રસ્તામાં આડી આવે છે.’ રસીલા બોલી.
‘આપણે જરાક ફરીને ચાલવું. આ ચીકુડી તમારા સસરાએ વાવી છે. બહુ સારી જાતની છે. કાલી પત્તી. હવે એકાદ બે વરસમાં તો એને ફળ આવશે.’
રસીલા સહેજ મોં બગાડીને ગણગણી, ‘ચીકુ તો….. બજારમાં ઘણાંય મળે છે.’
માલતીએ એ શબ્દો સાંભળ્યા. મનમાં જવાબ ઊગી આવ્યો – બજારનાં અને ઘરનાં…. અને આ તો રાકેશના બાપુજીએ પોતે….. પણ બોલવાનું એને જરૂરી ન લાગ્યું….. મનમાં ખાતરી થઈ ગઈ, વહુને ચીકુડી ઉપર ચીડ છે.

પછી ઘણીવાર એ જોતી હતી કે, રસીલા ચીકુની ડાળીઓ કાપી નાખતી હતી. એનો ફાલ મોરી નાખતી હતી. ફળ બેસે ત્યાં જ વેડી નાખતી હતી. એને જાણે એ એક જ કામ હતું. ચીકુડીની એ જાણે વેરી હતી. અને થોડા દિવસથી આ સ્ટોરરૂમની વાત ઊભી થઈ હતી. માલતીને એમ જ લાગતું હતું કે, રસીલાએ જ એ વાત ઊભી કરી હતી. ઘર નાનું હતું. ઘરમાં સ્ટોરરૂમ નહોતો. વાત સાચી, પણ સ્ટોરરૂમની જરૂર શું હતી ? માલતીને સમજાતું નહોતું. આટલાં વરસ સ્ટોરરૂમ વિના ચાલ્યું. ઘરમાં બે રૂમ હતા, નાનકડી ઓસરી હતી, રસોડું હતું અને ત્રણ તો મેડા હતા. ઘર નાનું હતું, પણ આવડું ય અત્યારે કેમ બને છે ? રાકેશને પગાર તો એના પિતા કનુભાઈ કરતાં પાંચગણો વધારે છે, પણ ચટણી થઈ જાય છે ! રાકેશના પિતા કનુભાઈએ ઘર બનાવ્યું છે, એમાં ખોડખામી કાઢવાનો અર્થ શું ? પણ રસીલાને તો આ ઘર જાણે ઘર જ નથી લાગતું. ક્યારેક કહી પણ દે છે – ભીંતડાં છે, ભીંતડાં ! ઘર તે આવાં હોતાં હશે ? કોઈ સગવડ નહિ, કોઈ પ્લાનિંગ નહિ, (અંગ્રેજી ભણેલી છે ને રસીલા !) કોઈ ફર્નિચર નહિ, કોઈ સારા માણસો મળવા આવે તો એમને બેસાડવા ક્યાં ? અરે, કમ સે કમ કચરો સંઘરવાની જગ્યા તો હોવી જોઈએ ને ? સ્ટોરરૂમ વિનાનું ઘર ? હું તો વિચાર પણ નથી કરી શકતી.

બસ, એમાંથી જ આ સ્ટોરરૂમની હોળી શરૂ થઈ હતી. અને ચીકુડી સપાટે ચડી ગઈ હતી. માલતીએ નારાજ થઈને એકવાર તો રાકેશને કહી દીધું હતું, ‘પૈસા હોય તો ઉપર માળ ચણાવને. તારા બાપુજી તો બિચારા શિક્ષક હતા. એમનાથી બન્યું એ કર્યું : તું તો સાહેબ છો. ઉપર માળ બનાવ અને જરૂર લાગે તો એકના બદલે આઠ સ્ટોરરૂમ બનાવ.’ રાકેશ તો કશું બોલ્યો નહોતો, પણ રસીલા પાડોશમાં જઈને હસી આવી હતી, ‘ઉપર સ્ટોરરૂમ ! માણસોનાં ભેજાં પણ હોય છે !’ રાકેશ મામલતદાર ઑફિસમાં હેડકલાર્ક હતો. રસીલાને લાગતું હતું કે, એનો પતિ આવા મહત્વના હોદ્દા ઉપર હોવા છતાં કોઈ સારા માણસને પોતાના ઘરે બોલાવી શકતો નહોતો, સારા સંબંધો બાંધી શકતો નહોતો, પ્રગતિ કરી શકતો નહોતો, કારણ કે ઘરનાં કોઈ ઠેકાણાં નહોતાં ! અરે ઘરમાં સ્ટોરરૂમ પણ નહોતો ! અને રાકેશે આખરે સ્ટોરરૂમ બનાવવાનું સ્વીકારી લીધું હતું, પણ નાના ઘરમાં એ માટે જગ્યા નહોતી. નાના ફળિયામાં એ માટે જગ્યા થઈ શકે તેમ હતી. રસીલા કહેતી કે, ચીકુડી નકામી જગ્યા રોકતી હતી. બીજી જગ્યાએ સ્ટોરરૂમ સાવ નાનકડો થાય, પણ ચીકુડી કપાવી નાખવાથી બધું સરસ રીતે ગોઠવાઈ જાય એમ હતું.

પણ એની બા જીદ લઈને બેઠી હતી. એની વાત સાચી હતી. રાકેશના બાપુજીએ બહુ પ્રેમથી એ વાવી હતી. આ ખારાપાટમાં ઝાડપાન જ ઓછાં હતાં, પણ કનુભાઈ શોખીન હતાં. પોતે તરસ્યા રહીને ઝાડને પાણી પાય એવા હતા. દસ ગુલાબના છોડ, એક મોગરાની વેલ, એક ચંપો એ તો બધાં એમના મૃત્યુ પછી બળી ગયાં હતાં. એક ચીકુડી બચી ગઈ હતી. પણ હવે રાકેશને લાગતું હતું કે, નાનકડા ફળિયામાં એક ચીકુડી હોય તોય શું અને ન હોય તોય શું ? એની બા એવી સાદી વાત સમજતી નહોતી. સ્ટોરરૂમની વાત ઉપર બીજા છ મહિના પસાર થઈ ગયા. પાડોશમાંથી ત્રણ કુટુંબો જાત્રાએ જતાં હતાં. હરિલક્ષ્મીબહેને માલતીને આગ્રહ કર્યો, તમે પણ આવોને બહેન, કાલની કોને ખબર છે ? આજે સગવડ છે. દીકરો ને દીકરાની વહુ ઘર સાચવે એમ છે. સૌનો સંગાથ છે. આવો ને. કાયાનો શું ભરોસો ? વાત તો, હરિલક્ષ્મીબહેનની વિચારવા જેવી હતી. કાયાનો શો ભરોસો ? રાકેશના પિતાને પણ કેટકેટલી હોંશ હતી – પણ બિચારા અધવચ્ચે જ ચાલ્યા ગયા. દીકરાનાં લગ્ન જોવા ય ન રહ્યા ! કાલની કોને ખબર છે ? આજ કાલ કરતાં એ વાતને ય પાંચ વરસ થઈ જશે ! વખત તો વેરી છે, ક્યારે છેતરી જાય, કે’વાય નહિ !

માલતીએ પાડોશીઓ સાથે જાત્રાએ જવાનું નક્કી કરી લીધું. રાકેશને વાત કરી. એણે હા પાડી. દીકરાને અને વહુને ઘર સાચવવાનું કહીને માલતી જાત્રાએ ગઈ. જો કે, જેટલી વાર એ ઘર સાચવવાની ભલામણ કરી એટલી વાર એને ચીકુડી જ યાદ આવ્યા કરી, પણ એ શબ્દ એણે ઉચ્ચાર્યો નહિ. પણ જાત્રા કરીને પાછી ફરી ત્યારે ફળિયામાં દાખલ થતાં જ એની નજર ચીકુડી ઉપર પડી. ચીકુડી કપાઈ ગઈ હતી. એક ખૂણામાં એનાં થોડાક ડાળખાં પડ્યાં હતાં. એના ઉપર હજી થોડાંક સૂકાં પાંદડાં વળગી રહ્યાં હતાં. ચીકુડીની જગ્યાએ સ્ટોરરૂમનું ચણતર શરૂ થયું હતું – નકામો કચરો રાખવાની જગ્યા તો જોઈએ ને ? ફળિયું વટાવીને માલતી માંડ-માંડ ઓસરી સુધી પહોંચી. કશું બોલી નહિ. દીકરાને અને વહુને આશીર્વાદ આપ્યા. બીજું કશું બોલી નહિ.

રાત્રે રાકેશે દબાયેલા અવાજે વાત કરી : ‘બા, તું ગયા પછી, કોણ જાણે શું થયું, કોઈ રોગ આવ્યો કે પછી બીજું કંઈક થયું, ચીકુડી એકાએક જ સૂકાવા માંડી. અમે ઘણું કર્યું, દવા છાંટી, નિયમિત પાણી પાયું, તો ય સૂકાતી જ ગઈ. સૂકાઈને ઠુંઠું થઈ ગઈ. પછી તો અમે કાઢી નાખી.’ માલતી એ વાત સાંભળી હસી. પિતા ગુજરી ગયા ત્યારે રાકેશે બાને છાતીફાટ રડતી જોઈ હતી, પણ આવી રીતે હસતી તો ક્યારેય જોઈ નહોતી. રાત્રે જ માલતીને તાવ ચડ્યો. ડૉક્ટરે કહ્યું કે, પ્રવાસના થાકને લીધે તાવ આવ્યો હોય એવું બને. કોઈ રોગનાં ચિહ્નો દેખાતાં નથી. બીજે દિવસે સવારે એ ધીમો અસ્પષ્ટ લવારો કરવા લાગી. વારે વારે હાથ ઊંચો કરીને ક્યાંક જવું હોય એવી નિશાની કરવા લાગી.
‘બા’ રાકેશ એના કાન પાસે નમીને પૂછવા લાગ્યો, ‘શું કહો છો, બા ? ક્યાંય જવું છે ?’ માલતીએ માથું ધુણાવીને ના કહી, પણ વળી એણે બબડાટ ચાલુ કર્યો. હાથથી સંકેત કર્યો.
રાકેશે ફરી પૂછ્યું. ફરી ફરીને પૂછ્યું. માલતીએ ઊંડો શ્વાસ લીધો. બીજો, ત્રીજો. થોડીવાર શાંત થઈ ગઈ. વળી હાથ ઊંચો કર્યો. રાકેશે વળી પૂછ્યું. માંડ માંડ જીભ કાબૂમાં આવી હોય એમ માલતી કંઈક બોલી.
‘ક્યાં જવું છે ?’ રાકેશ નજીક ઝૂક્યો.
‘ઈસ્ટોર રૂમમાં….’ અને વળી બોલતી બંધ થઈ ગઈ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “સ્ટોરરૂમ – મોહમ્મદ માંકડ”

Copy Protected by Chetan's WP-Copyprotect.