ચિંતન સરવાણી – રેણુકા દવે

[‘તથાગત’ સામાયિકમાં પ્રકાશિત થતા તંત્રી લેખોના સંકલનમાંથી કેટલાક લેખો અહીં ‘ચિંતન સરવાણી’ શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યા છે. રેણુકાબેન હાલમાં આ સામાયિકના તંત્રી પદે સેવા આપી રહ્યા છે. રીડગુજરાતીને આ લેખો મોકલવા માટે રેણુકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879245954 સંપર્ક કરી શકો છો.]

[1]
જેના હાથમાં પહેલીવાર આંખ ખોલી ને વિશ્વ જોયું હતું…. જેના ખોળામાં રહીને જિંદગીનું પહેલવહેલું સ્મિત પહેર્યું હતું, તે માએ મારા જ હાથમાં પોતાનું અંતિમ સ્મિત ધરી કાયમ માટે આંખ બંધ કરી દીધી ! પણ મન વારંવાર પૂછે છે, માનું કદી મૃત્યુ થતું હશે…? માએ વિદાય લીધી ત્યારે બહાર ઉત્સવનું વાતાવરણ હતું. સૂરજ દેવે કુમળા કિરણોની જાજમ બિછાવી રાખી હતી મા માટે… ધૂળેટીના ઘેરૈયાનાં ઢોલ નગારાં જાણે કે માનું સ્વાગત કરતાં દેવદૂતો હતા… બાળકો રંગોની પિચકારીથી જાણે ગુલાલ છાંટી રહ્યાં હતાં મા પર… ભારે ઠાઠ હતો વિદાયનો ! પણ કેમ ન હોય ? જેણે અમારા સહુના જીવનમાં રંગોની રંગોળી પૂરી હોય… અમારી પ્રત્યેક પળને સૂરમયી બનાવી હોય તેને તો આવી જ વિદાય છાજેને…!

મા ઝાઝું ભણેલી નહી, પણ એની કોઠાસૂઝ અને એના મેનેજમેન્ટ સામે અમારા બધા ભાઈ-બહેનોની ડિગ્રીનો સરવાળો કરીએ તોય ઓછો આવે. પિતાના સો રૂપિયાના પગારમાંથી સહુથી પહેલા પચાસ રૂપિયા જુદા કાઢીને સાસુ સસરાને મનીઑર્ડર કરાવતી માએ આદર્શનાં એવાં ઊંડાં મૂળ રોપ્યાં કે તેના કોઈ સંતાનોને જીવનમાં ક્યારેય કશી ગૂંચ ન નડી. માએ આણામાં પોઝિટિવ થિંકિંગના થોડા સિક્કા મૂકેલા તે આજ સુધી વટાવ્યા કર્યા છે પણ હજુ ખૂટ્યા નથી. જીયાણામાં માતૃત્વની મહિમાની જે સમજ પાલવના છેડે બાંધી આપી હતી તેની મહેંક આજેય જીવનમાં મધુરતા પ્રસરાવી રહી છે. માના દિવસભરના… અરે, જીવનભરના બધાં જ કાર્યો અને કાર્યક્રમો કે પછી યોજના અને આયોજનો ‘તારા પપ્પા’ કહે તે પ્રમાણે થાય. પણ ક્યારેય એવું લાગ્યું નહીં કે તે ‘અબળા નારી’ છે. ક્યારેક અઘરી પરિસ્થિતિનો ઉકેલ તેના હાથની એક કપ ચાથી આવી જતો ને તે અમારા બધાના ‘Hats off’ની દાવેદાર બની રહેતી.

આમ અમસ્તી પડોશમાંય જાય તો કેટલીયે સૂચનાઓ આપતી કે જેથી પોતાની ગેરહાજરીથી કશી તકલીફ ઊભી ન થાય. ને આમ કોઈને કશો જ અણસાર આપ્યા વિના આટલી દૂર ચાલી જાય તે કેવું આશ્ચર્ય…! પણ માતાનું કદી મૃત્યુ થતું નથી હોતું. મા જીવિત હોય છે આપણી દરેકે દરેક સફળતામાં… મા જીવિત હોય છે કુટુંબની શાખમાં… ભાઈના સ્વભાવમાં…. બહેનના ચહેરામાં…. પૌત્રોની વાર્તા સૃષ્ટિમાં અને…. અને પાછળ રહી ગયેલા પિતાની આંખોની શૂન્યતામાં… મા જીવિત હોય છે.

[2]
…..પછી નિશારાણીએ કેડે ઝૂલતા કૂંચીના ઝૂડામાંથી સોનેરી કૂંચી વડે ખોલ્યાં દ્વાર સૂરજદેવના શયનખંડના… ને છેક છેવાડે ખૂણે પોઢેલા સૂરજદેવ તરફ પગલાં માંડ્યાં. ધીમે પગલે ચાલ્યાં આવતાં નિશારાણીની પાનીએ ઝૂલતી તારલાની પાયલનો ઝીણો રણકાર હવામાં ગુંજી રહ્યો. ઝાકળભીનાં પુષ્પોની અધબીડેલી પાંખડી હળવેથી ઊઘડી…. ને તેમાંથી સુરભિનું ટોળું ધસી ગયું છે..ક ઉપર…. ને…. સૂરજદેવના ઢોલિયાની આસપાસ અદબપૂર્વક વીંટળાઈ વળ્યું. આકાશના શાંત રસ્તાની સુરભિત હવામાં ભળી રહ્યો વહેલી ઊઠીને નીકળી પડેલી કર્મઠ પંખીઓની ટોળીનો ધીમો ધીમો કલબલાટ.

‘નાથ, હવે પગલાં માંડો પૃથ્વી પર….!’ નિશારાણીએ સમજાવટના સ્વરમાં સૂરજદેવને જગાડતાં કહ્યું. પણ ‘ઊહું…’ કરીને સૂરજદેવે તો વાદળની રજાઈ મુખ સુધી ખેંચીને મુખ ઢાંકી દીધું. ખૂણામાં ઊભેલો પવન નિશારાણીની દ્વિધા પારખી ગયો ને દોડતોક આવીને સૂરજના મુખ પરની વાદળની રજાઈ ખેંચીને હસતો હસતો દૂર દૂર ચાલ્યો ગયો. અલસાતી આંખો હળવે હળવે ખોલીને સૂરજદેવે નજર માંડી. ત્યાં તો પૃથ્વી પર ભળભાંખળા પ્રકાશની ચાદર પથરાઈ ગઈ. ધીરે ધીરે ઊંઘ ઉડાડી સૂરજદેવે સપ્તરંગી કિરણોનાં વસ્ત્રો ધારણ કર્યા ને મસ્તક પર મૂક્યો ઝાકળ જેવા હીરલે મઢેલો ઝળહળતો મુકુટ. સાત ઘોડાના રથ પર સવાર સૂરજદેવનું જાજરમાન રૂપ નિશારાણી પ્રેમપૂર્વક નીરખી રહ્યાં. પછી મીઠો ઠપકો આપતાં બોલ્યાં, ‘ઓછા તપતા હો તો…! પૃથ્વી બિચારી રૂંવે રૂંવે પરસેવો સારે છે.’ મર્માળુ હસતાં સૂરજદેવે એક કિરણને આજ્ઞા કરી, ‘જા, ગઈ સાલનાં બાકી બચેલાં થોડાં કાળાં વાદળ લઈ આવ ને રથમાં મૂકી દે. આજે પૃથ્વી પર મેઘરાજાનાં વધામણાં મોકલીએ….’ પછી નિશારાણી સામે જોઈને બોલ્યા, ‘લ્યો હવે, તમે પાંપણ ઢાળો તો હું પ્રકાશ પથરાવું….’

હસતાં હસતાં નિશારાણી પોતાના શયનખંડ તરફ ચાલ્યાં… ને પૃથ્વી પર ફરી એક નવો દિવસ આશાનાં અઢળક કિરણો સાથે ઝળહળી ઊઠ્યો….!

[3]
દર વરસે દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ નજીક આવે તે અરસામાં આ ધોરણનાં બાળકોના ઘરેથી ભાગી જવાના, માનસિક તાણનો ભોગ બનવાના કે પછી આત્મહત્યાના કિસ્સાઓ છેલ્લાં લગભગ દસેક વર્ષથી અનિવાર્યપણે બનવા લાગ્યા છે. જાણીને ઊંડા દુઃખની લાગણી થઈ આવે છે. શા માટે આમ બને છે ? જે શિક્ષણનો હેતુ જીવનને સુપેરે ઘડવાનો છે તે જ શિક્ષણ ખુદ જીવનને જ છીનવી લે તે કેવી વિડંબના કહેવાય ! કારણમાં તો માત્ર એટલું જ કહી શકાય કે ક્યાં તો આપણે આ ‘પરીક્ષાઓ’ ને બરાબર સમજ્યાં નથી અને આપણાં બાળકોને સમજાવી શક્યાં નથી અથવા તો ખુદ ‘જીવન’ ને સમજવામાં અને સમજાવવામાં જ આપણે નિષ્ફળ નીવડ્યાં છીએ.

પૂરા જીવનના વ્યાપને નજર સમક્ષ રાખીએ તો આ પરીક્ષાઓનું મહત્વ 0.1% જેટલું હશે કદાચ…! તેમાં સારા માર્કસ ન આવે તે જરા પણ દુઃખની કે હારી જવાની વાત નથી એ વાત સૌથી પહેલાં માતાપિતાએ સમજવી જોઈએ. સમાજ જો માત્ર ડૉક્ટર્સ કે એન્જિનિયર્સને જ માનથી જોતો હોય તો કંઈક નવું કરી, કરાવીને બતાવી દો ને સમાજને કે તે કેટલું ટૂંકું અને સીમિત વિચારે છે ! દરેક શાણા માતાપિતાએ સમાજની બનાવેલી આવી ‘રેડીમેડ’ માન્યતાને બાજુ પર મૂકી પોતાની અને પોતાના બાળકની અલગ માન્યતાને મૂર્તિમંત કરવાની છે. દરેક બાળકમાં એક ઉમદા માનવ બનવાનું બીજ રહેલું છે. માતા પિતાનું કામ માત્ર આ બીજને સાંગોપાંગ ખીલવવાનું છે, નહીં કે પોતાના અધકચરા અભિપ્રાયો તેમના પર થોપી ને આ બીજની ખીલવાની તાકાત હણી લેવાનું. તેમણે તો બાળકની ઈચ્છા અને શક્તિને પારખી, તેના માથે પ્રેમપૂર્વક હાથ મૂકી તેને કહેવાનું છે, ‘તું આગળ વધ બેટા, અમે તારી સાથે છીએ….!’

સાચું કહું, આ વલણમાં માતાપિતાની 80% મહેનત, એટલો જ તણાવ અને ઘણો મોટો ખર્ચ પણ બચી જશે. પરંતુ એથીયે મહત્વનું એ કે બાળક અને બાળકની જિંદગી બચી જશે, ખરું ને ? વિચારજો….!!

[4]
ઘટનાઓ… ઘટનાઓ… ઘટનાઓ !!
છાપાના પહેલા પાના પરના ‘મંત્રીશ્રીઓ’ અને ‘ગુરુજીઓ’ના કૌભાંડોનો થડકારો શમે ના શમે ત્યાં પછીના પાને એક પછી એક એવા અનેક ધક્કાઓ આપતા સમાચારોની વણઝાર…! ઝગડા, ખૂન, બળાત્કાર, ગેંગરેપ, અકસ્માતો, અપમૃત્યુ, આત્મહત્યા, ગ્લેમરની ગંદકી…! કેટલું બધું…!’ એટલી બધી નકારાત્મક ઘટનાઓની ભીડ કે બસ….! ઉત્સાહી પત્રકારો પણ પોતાની બધી જ આવડતને ઠાલવી દેવા તૈયાર બેઠા હોય તેમ દરેક બનાવની ઝીણામાં ઝીણી વિગતો શોધી લાવે. અને એ બધું પાછું સચિત્ર છપાય પણ ખરું…!

આવા સમાચારો તથા તેના ફોટાઓનો ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ થતો હોય છે. તેથી આવા સમાચારોની ભયજનક અસરો વિશે વિચારવું જોઈએ. પહેલી દષ્ટિએ નિઃસાસા કે અરેરાટી દર્શાવનાર અણસમજુ વાચકોના સુષુપ્ત મનના ખૂણામાં ક્યારેક તેમની જ જાણ બહાર આવી અઘટિત ઘટનાની સ્વીકાર્યતાનો એક કણ છુપાઈને બેસી જાય છે. પછી ઉચિત પ્રસંગ આવતાં આ વિચાર-અણુ ‘આ બધું તો કરાય.’ ‘બધાં આવું જ કરતા હોય છે.’ કે પછી ‘આમ કરતાં આટલું આટલું ધ્યાન રાખવું !’ ના સ્વરૂપે ઍટમબૉમ્બ બની અનહોની સર્જે છે….! અને ફરી ફરીને આવી દુઃખદ ઘટનાઓ બનતી જાય છે. તમને નથી લાગતું કે છેલ્લાં થોડાં વર્ષોથી સમાજમાં આવી નકારાત્મક ઘટનાઓનું બનવું સામાન્ય બનતું જાય છે ? ભારતમાં 31 માર્ચ 2007ના આંકડા મુજબ 65032 દૈનિક સમાચાર પત્રો પ્રકાશિત થાય છે. આ દરેક પત્રોની લાખો નકલો લગભગ દરેક શિક્ષિત વ્યક્તિના હાથ સુધી પહોંચે છે. તો જેટલો આ ફેલાવો વધુ તેટલી જ ગંભીર આ સમસ્યા છે.

ડિપ્રેશનનો ભોગ બનેલા દર્દીને જેમ વધુ ને વધુ ખુશીની વાતો કહેવામાં આવે છે તેમ ડિપ્રેશનની ગર્તામાં ધકેલાઈ રહેલો આ સમાજ પણ હવે કોઈ તેને બરડે હાથ ફેરવીને આનંદદાયક વાતો અને સમાચારોના મીઠા ઘૂંટડા પીવડાવે તેવું ઝંખી રહ્યો છે. શું માનવું છે તમારું ? વિચારજો.

[5]
થોડા સમય પહેલાં ‘તપનસ્મૃતિ કેન્દ્ર’ની લાયબ્રેરીમાં બે બાળકોને લઈને તેમના પિતા આવેલા. બાળકોએ લાયબ્રેરીમાંથી પુસ્તકો પસંદ કર્યાં. ભાઈએ એક મોટું પુસ્તક લીધું અને બહેને એક નાનકડું સચિત્ર પુસ્તક લીધું. પિતા બહેનને તે મૂકીને બીજું પુસ્તક લેવા સમજાવી રહ્યા હતા. મદદરૂપ થવાના ઈરાદાથી મેં ‘શી તકલીફ છે ?’ તેમ પૂછ્યું. ‘આટલાં બધાં મોટાં પુસ્તકોમાંથી મીનુ આ સાવ નાની અમથી ચોપડી લે છે તેથી તેને બીજી લેવા સમજાવી રહ્યો છું !’

‘સારું….સસ્તું… નમતું અને ઉધાર…..’ મેળવવું એ ગુજરાતીની ખાસિયત છે એવું કટાક્ષમાં આપણાં માટે કહેવાય છે. આપણી આ માનસિકતા ‘વાંચન’ જેવી બાબતને પણ અસરકર્તા બને તો તે ચિંતાનો વિષય છે. દરેક બાબતની જેમ આપણે વાંચનના ‘દેખીતા’ અને ‘તરત’ના ફાયદાની અપેક્ષા રાખીએ છીએ. આને કારણે જ બાળકોને મફત સેવા આપતાં ગ્રંથાલયો મોટેભાગે ખાલી રહે છે અને ‘પંદર દિવસમાં ગણિત શીખો’ કે ‘એક મહિનામાં કડકડાટ અંગ્રેજી બોલતાં શીખો’ જેવી જાહેરાત આપી તગડી ફી વસૂલનાર વર્ગો ઉભરાતા રહે છે. પંદર વર્ષની ઉંમરનાં પચાસ બાળકોને ‘તેનો પ્રિય લેખક/કવિ કોણ ? તેમનું કયું પુસ્તક તેણે વાંચ્યું છે ?’ એ એક જ સવાલ પૂછીને સર્વે કરવામાં આવે તો તેમની વાંચન વિમુખતાનો સાચો અંદાજ મળી શકશે. વાંચન એ સૂક્ષ્મ પ્રક્રિયા છે. શુષ્ક જમીન પર ટીપે ટીપે પાણી ઝમે અને ધીમે ધીમે તેના બંધારણમાં, તેની ફળદ્રુપતામાં અને તેની મહેંકમાં જે આમૂલ પરિવર્તન આવે છે તેવી અસર હોય છે વાંચનની. આજના પરિણામલક્ષી અભ્યાસમાં વાંચનની પ્રક્રિયા એટલી કંટાળાજનક બની છે કે બાળકો ઈતર વાંચનથી વિમુખ બની ગયાં છે. આ પરિસ્થિતિ છેક યુવાનો સુધી લંબાયેલી છે જે ખરેખર ચિંતાનો વિષય છે.

ઘણાં કુટુંબોમાં કેટલીક ટી.વી. સિરિયલો નિયમિતપણે જોવાય છે. ઘડિયાળના ટકોરે જેમ ટી.વી.ની સ્વિચ ઑન કરીએ છીએ તેમ કેટલોક સમય ઘરનાં સહુ સાથે બેસીને શાંતિથી વાંચવાનો સમય ફાળવીએ તો બાળકોય ધીરે ધીરે તેમાં જોડાશે. માતા-પિતાએ આ રીતે ફાળવેલો સમય તેના ‘કલાસીસ’ની મોંઘી ફી કરતાં ઘણો વધારે કીમતી હતો – તેવું આ જ બાળકો થોડા વર્ષો પછી કબૂલશે. તો આવો, સંકલ્પ કરીએ વધુ ને વધુ વાંચવાનો… વંચાવવાનો…..!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ચિંતન સરવાણી – રેણુકા દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.