મૂળ સોતા ઉખડેલાં – શરીફા વીજળીવાળા

[ શરીફાબેનના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘સંબંધોનું આકાશ’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે, જેમાં તેમણે સૂરતમાં આવેલા પૂર અંગે પોતાનો સ્વાનુભવ ખૂબ જ રસાળ શૈલીમાં હૃદયસ્પર્શી રીતે આલેખ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શરીફાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે skvijaliwala@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

‘પણ ભાઈ તું ચિંતા કાં કરે ? અમારી કૉલેજ સો વરસ જૂની છે અને હજી સુધી કોઈ દા’ડો પાણીએ અમારા કૅમ્પસમાં પગ નથી દીધો. ને ભાઈ, મેંય હવે તો સૂરતની ત્રણ-ચાર રેલ જોઈ છે…. એટલે તું તારે નિરાંતજીવે સૂઈ જા અને મને લખવા દે…..’ 6 ઓગસ્ટ, 2006ની મધરાતે હું ટી.વી. જોઈને ચિંતામાં પડેલા મારા ભાઈને ફોન પર ધરપત દેતી’તી. રક્ષાબંધન અને રવિવારની રજાને જોડીને હૉસ્ટેલની બધી છોકરીયું ઘર્યે ગઈ’તી. આમેય આ ભેંકાર હૉસ્ટેલમાં ભૂતની જેમ રે’વા હું ટેવાયેલી હતી. એ ભૂતિયા મકાનની સ્મશાન જેવી શાંતિમાં હું નિરાંતજીવે લખતી’તી ને રાત્યના દોઢેક વાગ્યે બારીમાંથી બૂમ પડી ‘મેડમ જાગો છો કે ? જરા બારા તો નીકળો… પાણી આવ્યું છે !’

લખવાનું પડતું મેલીને મેં હૉસ્ટેલનું બારણું ઉઘાડ્યું. બાજુની હૉસ્ટેલના બે-ચાર છોકરાઓ અને સાથે પીયૂષ…. (આમ તો કૉલેજનો પટાવાળો પણ છેલ્લાં સોળેક વર્ષથી ઘરના છોકરા જેવો જ.) રસ્તાની બેઉ નીકમાંથી ફૂંફાડા મારતું પાણી વેતું હતું. કૅમ્પસની બારા નીકળીને જોયું તો રસ્તા પર તો રીતસરની નદી જ વેતી’તી. આ પાણીએ કૅમ્પસમાં ક્યાંકથી જરાક જેટલો પગપેસારો કર્યો હોય એવું મને લાગ્યું. બાજુના ઘરમાં રે’તા પટાવાળાઓના ઘરનાને રાડ્યું પાડી પાડીને ઊઠાડ્યા. પછી હું ને પીયૂષ હૉસ્ટેલમાં પાછા આવ્યા. મને કાયમ પથારા પાથરીને લખવા બેસવાની ટેવ. લખવાના ખાટલા પર નજર નાખી તો ચારે બાજુ કાચા-પાકા લખાયેલા લેખ, ને ચોપડીયુંના ઢગ ખડકાયેલા હતા. ઘરમાં નજર કરી તો બાવાજીની લંગોટીની જેમ સુરતના છેલ્લા દોઢ દાયકાના નિવાસે માયાનું જગત કેટલું વિસ્તર્યું હતું એનું ભાન થયું. પાણી હૉસ્ટેલના ચાર પગથિયાં ચડશે ખરું ? શું ચડાવું ઉપર ? શી રીતે ચડાવું ? છેલ્લા પંદર વર્ષથી વાંકી તો વળી નો’તી. મારી જેમ જ નીચે રહેતી મારી 36 છોકરીયુંના સામાનનું શું થશે ? કંઈ સૂઝ પડતી નો’તી ને એમાં લાઈટ ગઈ. કાળાડિબાંગ અંધારામાં મેં અને પીયૂષે બેટરીના અજવાળે બૅંકની ચેકબૂક, પાસબૂક, પ્રમાણપત્રોની ફાઈલો અને રેડિયો એટલું ઉપર ચડાવ્યું ને એક રૂમનું તાળું તોડી બધું અંદર મૂક્યું.

ઉપરવાળા પર ભરોસો મૂકવા સિવાય હવે બીજો કોઈ રસ્તો હતો જ નંઈ. નિંદર તો હવે મારી ફરે…. અજવાળું થાય તેની વાટ જોતા હું અને પીયૂષ આંટા મારતા રહ્યા. જરાક અજવાળું થયું એટલે ઉતાવળે મેં હૉસ્ટેલનું બારણું ઉઘાડ્યું. ઉઘાડતાવેંત મારી તો રાડ્ય જ ફાટી રઈ. પાણી ચારેય પગથિયાં ચડી ગ્યું’તું ! આખાય કૅમ્પસમાં નાખી નજરે બસ પાણી જ પાણી હિલોળાઈ રહ્યું’તું. પાણી માલીપા છાલક મારે એને બસ અર્ધાએક ફૂટની જ વાર હતી. મેં અને પીયૂષે સફાળી હડી જ કાઢી. પીયૂષે ફટાફટ ચોપડાનાં આઠેય કબાટોની નીચેના એક ખાનાનાં ચોપડાં કબાટ પર ચઢાવવા માંડ્યાં. મેં લખવાના ખાટલા પરથી કાગળિયાં ને ચોપડીયુંના ઢગલાને ટેબલ ઉપર ચડાવ્યાં. પાંચ-સાત જોડી કપડાં ને સાડીયુંના પોટલાં વાળ્યા. પીયૂષ દોડતો’ક બધું ઉપરની રૂમમાં મૂકી આવ્યો. હજુ તો અમે દાળ-ચોખા, તેલ, ગેસનો ચૂલો વગેરે ઉપર લઈ જવાનો મેળ કરીએ ત્યાં તો સામેના દસેદસ ટોઈલેટોમાંથી ઉછળેલાં પાણી આખીય લોબીમાં ફરી વળ્યાં. ઘૂંટણભેર પાણી થયાં ત્યાં સુધી મેં અને પીયૂષે કાંદા-બટાકા, ચા-ખાંડ, મસાલા ઉપર ચડાવ્યા. પણ પછી ન તો પાણીનો વેગ સહન થતો’તો ન વાસ. થાકી હારીને અમે બેઉ ઉપર બેઠા. એક એક ચીજવસ્તુને, ચોપડીને પોતાની નિશ્ચિત જગ્યાએ મૂકનારી હું નજર સામે ઘરમાં ફરી વળતાં પાણીને જોઈ રહી. હૈયું ફાટી જતું’તું પણ આ કુદરતી કેર સામે શું કરી શકાય એમ હતું ?

ઉપરના માળે ખાલી બાથરૂમ જ છે અને ટોઈલેટ નથી એનું ભાન મને છેક આટલા વર્ષે થયું અને મારી ખાવાની ઈચ્છા મરી ગઈ. ઉપર ઊભી ઊભી હું ધસમસતા પાણીને જોતી-સાંભળતી હતી ત્યાં જ અમારા રસોડાના ત્રણેય છોકરા હૉસ્ટેલ ઉપર ચડી, આંબાના ઝાડ પર થઈને પાણીમાં પડ્યા. આગળનું બારણું હવે આમેય પાણી ઊતરે તો જ ખોલવા જવાય એમ હતું. હવે મારે અને પીયૂષે રાંધવાની કડાકૂટમાં નંઈ પડવું પડે ઈ વાતે હું રાજી થઈ પણ કમિશનર રાવ રેડિયા પર એકધારા બૂમો પાડી રહ્યા’તા : ‘પાણી હજી ચડશે, મે’રબાની કરી બધા 20 ફૂટ ઉપર ચાલ્યા જાવ…. 20 ફૂટ… 20 ફૂટ ઉપર….’ પીયૂષ, નગીન, ભાણો અને સુરેશ ચારેય મારી સામે જોયે રાખે. છેલ્લે નગીને કહ્યું, ‘બેન, પાણી ચડશે તો અમે તો આંબા પર ચડી જાશું પણ તમે ?’ કૅમ્પસમાં રે’તા આચાર્ય, ઉપાચાર્ય કુટુંબ સાથે સવારથી જ ઈજનેરી કૉલેજના બીજા માળે ચડી ગયેલા. કૉલેજની છત પરથી એકધારી રાડ્યું નાખી નાખીને એ લોકો મનેય હૉસ્ટેલ છોડવા કહી રહ્યા’તા.

આમ તો એ કૉલેજ માંડ 25-30 ડગલાં આઘી હતી પણ હવે રસ્તા પર છ ફૂટથીયે વધારે પાણી હતાં. જવું કેમનું ? ને આ ચારેય છોકરાઓએ મને ત્યાં મૂકી આવવાનું બીડું ઝડપ્યું. હૉસ્ટેલના પાછલા બારણેથી ઈજનેરી કૉલેજ માંડ દસ-ડગલાં દૂર હતી. એટલે અમે ત્યાંથી જ નીકળવાનું નક્કી કર્યું. વર્ષોથી આ બારણે એંઠવાડ અને તમામ ગંદવાડાના ઢગલા થતા એ હું જાણતી’તી ને તોય ત્યાંથી ગયા વગર છૂટકો નો’તો. અમે નીચેની લોબીમાં આવ્યા ત્યારે કમર સમાણાં પાણી હતાં પણ બારણું ઉઘાડી જેવો બારો પગ દીધો કે મારા પગ હેઠળની જમીન જ સરકી ગઈ ! ને એ ગંધાતા પાણીમાં હું આખેઆખી જ ગરક થઈ ગઈ. થોડું ઘણું પાણી પણ પી ગઈ. પણ એમ છૂટકારો થોડો જ થાય ? છોકરાઓને તરતાં આવડતું’તું. નગીને મારું માથું પકડીને બારું કાઢ્યું. પીયૂષે હાથ પકડ્યા. સુરેશ અને ભાણાએ પગ અને કમરથી ઊંચી કરી. જીવતેજીવ એ ચારેયના ખભે ઊંચકાઈને હું બીજે માળે પહોંચી ત્યારે મોવાળા અને કપડાંમાં જાતભાતની જીવાત ચડી ગયેલી. સ્લિપર ક્યારે તણાઈ ગયાં એની તો મને સરતેય નો’તી રઈ. છોકરાઓ તો મને મૂકીને પાછા નીકળી ગયા. મેં જોયું કે એક લોબીમાં બે કુટુંબ ઉપરાંત ચાર-પાંચ વૉચમેન તથા કૅમ્પસમાં કામ કરતા 20-25 મજૂર એમ કુલ 35-40 માણસ ઊભરાતાં’તાં. નીચે નજર નાખો’તો ધસમસતાં, ડહોળાં પાણી ફૂંફાડા મારતા’તા. પણ અહીં ઉપર કોઈ જાતનું પાણી જ નો’તું. આચાર્યશ્રી બે હાંડા લઈને ચડેલા એના ઉપર જ હવે બધાનો આધાર હતો. મને પારાવાર પસ્તાવો થયો. હું જ્યાં હતી ત્યાં સુખી હતી. ખાટલો-ગોદલું, ખાવું-પીવું બધુંય હતું ને અહીં ? ચોપાસ ગંદકી, માખી-મચ્છરનાં ઝૂંડ અને સાવ અજાણ્યું અંધારું…. હું જમીન પર બેસી કે સૂઈ ના શકું એટલે આખો દા’ડો આંટા મારું, ગપાટા મારું, પાણી જોયે રાખું અને રાત પડ્યે વર્ગની પાટલી પર આવડી મોટી કાયાને સમાવવાની મથામણ કરું. કાયમ દા’ડામાં બે વાર ના’વાની મને ટેવ…. ને હવે આ ગંધાતાં કપડાંમાં ખબર્ય નંઈ કેટલા દા’ડા કાઢવાના હતા ? પણ માણસ ગજબનું પ્રાણી છે. રોજ્ય સવાર પડતી’તી ને રોજ્ય રાતેય થાતી’તી. વૉચમેને બનાવેલા કાચા-પાકા દાળ-ચોખા ગળા હેઠળ ઉતારનારા બધાયને ઉપરવાળાએ એક લેવલે લાવી મૂકેલા…… અહીં કોઈ મજૂર નો’તા તો કોઈ માલિક નો’તા. આખો દા’ડો હું વારંવાર પાણી ઊતરે છે કે નંઈ ઈ જ જોયે રાખતી. હવે શા માટે જીવવાનું ? એવો વિચાર પણ વચ્ચે વચ્ચે ઝબકી જાતો’તો. ચોથા દા’ડે પાણી અને ખાવાનું બધુંય ખૂટ્યું. મારા ભાઈ અને મિત્ર કિરીટ દૂધાત બેઉ ત્રણ દા’ડાથી મથામણ કરતા હતા જેથી હૅલિકૉપ્ટર અમને કંઈક આપી શકે. (અત્યાર સુધીમાં હૅલિકૉપ્ટર અમારી છત પર ચારેક માણસોને બચાવીને મૂકી ગયેલું.) મારો પથરા જેવો મોબાઈલ પાણીમાં ગયા પછી હજીયે ચાલતો’તો અને બેટરીની છેલ્લી દાંડી હજીયે બચેલી હતી. ચોથા દા’ડે સંદેશો આવ્યો કે ‘બધા છત પર જાઓ, જેથી હૅલિકૉપ્ટર તમને શોધી શકે….’ બધા ઉપર ભાગ્યા. ભૂખ માણસ પાસે શું ન કરાવે ? છેલ્લા પંદર વરસથી હું વાંકી નો’તી વળી પણ હૅલિકૉપ્ટરે ફેંકેલા પાણીના પાઉચ, બિસ્કિટ, ચેવડાનાં પડીકાં લેવા હું વાંકી વળી ત્યારે મેં જોયું કે અમારા આચાર્ય પણ….. છેક 11-8ની સાંજે પાણી તસુભાર ઊતરતાં દેખાયાં ને મેં તરત જ પીયૂષના નામની બૂમો પાડવા માંડી. છએક વાગ્યે એ ચારેય છોકરા આવ્યા ને હું ઉપરવાળાનું નામ લઈને પાણીમાં ઊતરી. હજીયે ગળા સુધી પાણી હતાં એટલે અમે બધા આંકડા ભીડીને ચાલતા હતા.

હૉસ્ટેલમાં પગ મૂકતાવેંત મેં પેલું કામ મારી રૂમના બારણાં ઉઘાડવાનું કર્યું. હૈયું બેસી જાય એવું દશ્ય હતું. ખાટલાં-ખુરશીથી માંડીને તમામ ઘરવખરી તણાઈને ઉંબરે ભેળી થઈ’તી. છેલ્લી ઘડીએ દોડતા દોડતા જે ટેબલ પર લખવાનું ને ફાઈલો ને ચોપડિયું ખડકી ગયેલી ઈ ટેબલ પાણીમાં રહકાબોળ હતું. મારા આઠેય કબાટનાં ચાર-ચાર ખાનાં પાણીમાં ગયેલાં. માત્ર ઉપલાં બે ખાનાં જ બચ્યાં;તાં. ઘર આખામાં ગંધાતા કાદવના થર જામ્યા’તા. રસોડામાંથી માથું ફાડી નાખે એવી વાસ આવતી’તી. બંધ પડેલા ફ્રિજમાં જીવડાં ચાલતાં’તાં. અચાનક જ મારા ગુડા ગળી ગયા. આ જિંદગી હવે કદીયે પાટે ન ચડે એવી જાતને ખાતરી થઈ ગઈ. બે-ત્રણ વરસની મહેનતથી લખાયેલા લેખ કોરા કાગળ કે માવો થઈ ગયેલા. એક જ ઝાટકે જિંદગી ખબરનંઈ કેટલાં વરસ પાછળ ચાલી ગયેલી ? હવે આમાંથી બારા કેમના નીકળવું ? સાવ હારી ગયેલી જાત જોકે ‘શા માટે નીકળવું ?’ એવુંય પૂછતી’તી. મારા ઘરની હાલતથી મને મારી નીચે રેતી છોકરીયુંના રૂમોના હાલ-હવાલ વગર જોયે સમજાઈ ગયા. અમારો વીઘા એકનો બગીચો મારું અને મારી છોકરીયુંનું સહિયારું સર્જન હતો. પણ અત્યારે તો કાદવના ઘૂંટણડૂબ થરમાં લીલીછમ લોન કે ગુલાબ કે રજનીગંધા ક્યાં દટાઈ ગ્યા’તાં તેની કંઈ ગમ પડતી નો’તી. કાળો મેશ થઈ ગયેલો બગીચો કબ્રસ્તાનથી યે વધુ ભયાનક લાગતો’તો. છાતીનાં પાટિયાં બેસી જાય એવી હાલત હતી અંદરને બાર બધેય…. ‘કલ ચમન થા આજ યહાઁ વિરાં હુઆ….’ એવું ગાનારાના ભાગે આવી કારમી પીડા વેઠવાની નંઈ આવી હોય. ક્યાંય ઊભા રે’વાય એવું નો’તું. હોસ્ટેલની બરાબર સામે કાદવના થરમાં એક ભેંસ ફૂલીને ફાટી ગઈ’તી અને એની દુર્ગંધ હૉસ્ટેલની અંદરની દુર્ગંધને હંફાવી દે એવી હતી. કાંઈ સળ સૂઝતી નો’તી. ચારેય છોકરાઓ પૂરના પાણીથી જ હૉસ્ટેલના રસોડાને ધોવા મથી રહ્યા’તા. હું ઉપર ચડી. પાંચમે દા’ડે ગંધાતાં કપડાં બદલ્યાં અને ઊંઘની બે ગોળી લઈને બસ મરી જ ગઈ. ખુલ્લ-ફટાક, ગંધાતી હૉસ્ટેલમાં હું મડદાની જેમ જો ઘોંટાઈ ન જાઉં તો માથાં પછાડવાનું મન થતું’તું.

બીજી સવારે ઊઠી ત્યારે પીયૂષ અને પેલા ત્રણેય છોકરાઓએ નીચેની બધી રૂમોનાં તાળાં તોડી કાદવ ધોઈ કાઢેલો. છોકરીઓનો સામાન રહકાબોળ હતો. અમે બધી રૂમોમાંથી ગંધાતા-નીતરતાં ગાદલાં-ગોદડાં હૉસ્ટેલની બારા ફેંક્યા. ચોપડીયું-નોટો, પ્રમાણપત્રો વગેરે શોધી શોધીને અમે ઉપરની લૉબીમાં પાથરવાનું શરૂ કર્યું. સાડા-દસ અગિયાર થયા ત્યાં મિત્ર જવાહર પટેલ કો’કની બાઈક પર સવાર થઈને આવી પહોંચ્યા. હું જાણે કે વાટ જ જોતી’તી કો’કની રોવા માટે….. પેલા છોકરાઓએ મને કાયમ વાઘ જેવી જ જોયેલી. મારા આમ પોક મૂકવાને કારણે એ ચારેય તો ડઘાઈ જ ગયા. ચોથા માળે રે’તા જવાહરભાઈને તો મારે ત્યાં મૂકેલી કાર સિવાય બીજું કંઈ નુકશાન નો’તું ગયું. ‘ચાલો ઘેર’ એ મિત્ર આટલું જ બોલી શક્યા. પણ આમ બધું ઉઘાડું ફટાક મૂકીને હું કેમની જાઉં ? બારણાં એવાં ફૂલી ગયેલાં કે હૉસ્ટેલ બંધ થતી જ નો’તી. મારી ઉપરની 60 છોકરીયુંનો સામાન પણ નો જ બચે જો હું બંધ કર્યા વગર જાઉં તો. ‘સાંજે પાછો આવું છું’ કહીને એ મિત્ર બીજાની મદદે ઉપડી ગયા. બપોર થયા ત્યાં મારી બે-ત્રણ છોકરીયું એમનાં મા-બાપ સાથે ગામડેથી આવી પોંચી કાદવ ખૂંદતી….. બધાના હાથમાં ટિફિન, પાણીના બાટલા અને દૂધની બરણીયું હતી…. હું અવાચક…. નીતરતી આંખે આટલે દા’ડે પેટ ભરીને ખાધું. છોકરાઓએ રગડા જેવી ચા બનાવી. બધાએ પીધી. ‘તમે ચિંતા ના કરો બે’ન. કાલે અમે માણસો લઈને આવીશું. બીજું જોઈતું-કરાવતું હોય તો બોલો….. અમે બધું લઈને આવશું. હૉસ્ટેલને પાછી હતી એવી કરી દેશું બે’ન…. બસ તમે રડો નંઈ….’ પૂર્વી અને ભાવિકાના પપ્પા કોઈક રીતે મને શાંત પાડવા મથતા હતા….. ને ખરેખર જ બીજા દા’ડે એ લોકો ટ્રેકટરમાં પાણીની ટાંકીઓ ગોઠવી, ખાવાનું, કપડાં, અનાજ ને બીજી કેટલીયે જીવનજરૂરી ચીજો લઈ મજૂરો સાથે આવી પહોંચ્યા. મારી બીજી 10-15 છોકરીઓ પણ ટિફિન અને ઘરના વડીલો સાથે આવી પહોંચી. બધા જે હાથે ચડ્યું તે કામ કરવા મચી પડેલા…. દરેક પોતાની રૂમ સાફ કરતું’તું એવું નોતું. ઉપર રેતી છોકરીઓ પણ આવેલી…. બધાય ભેળા થઈ એક પછી એક રૂમ સાફ કર્યે જતાં’તાં. બપોરે બધા ઉપર જઈ ભેળા ખાવા બેઠા ત્યારે પૂર્વીના પપ્પાએ કહ્યું : ‘બેન, આ પાણી આવ્યું તેમાં અમને તમારી ભેળા બેહીને ખાવાની તક મળી… વાતો કરી…. અમારી દીકરીયું પાસેથી સાંભળીને ઘણુંય મન થતું તમને મળવાનું પણ…. તમારી બીક બઉ લાગતી….’ મોટા ભાગનાં મા-બાપ ભાઈએ એમની વાતને ટેકો આપ્યો એટલે આટલા દા’ડે છેક આજે અમે બધાં ખડખડાટ હસ્યા….. ખાઈને અમે ટાંકીઓમાં વધેલું પાણી-ખાવાનું અને કપડાં વહેંચવા પડોશમાં રહેનારાઓને બૂમ પાડી. કૅમ્પસમાં રહેતા પટાવાળાઓના તેરેય ઘર પર પાણી ફરી વળેલાં. અમે પેલા બધાને પાણી લઈ જવા કહ્યું. કપડાં-ખાવાનું વહેંચતી વખતે મેં બધાની આંખમાં એકસરખી પીડા અને કારમી લાચારી જોઈ અને સાવ અચાનક જ મને ટકવા માટેનો જાણે કે રસ્તો દેખાઈ ગયો ! મારી 36 છોકરીઓ અને આ 13 કુટુંબોને ફરી વસાવવા જાતે હામ ભીડી ને મારી દોસ્તાર રીટા, મારા ભાઈ, અમદાવાદથી રાજેન્દ્ર પટેલ અને બીજા કેટલાય મિત્રોએ ત્રણ જ દિવસમાં મારા હાથમાં બે લાખ રૂપિયા ભેળા કરી આપ્યા. કોઈ રસીદ નહીં, કશું જ નહીં….. ‘બસ તમારા હાથમાં આપ્યા… તમે જ્યાં વાપરો ત્યાં……’ હવે આંખ્યું ઊભરાણી પણ હરખના આંસુથી.

પૈસા તો આવ્યા પણ ચીજ-વસ્તુ લાવવી ક્યાંથી ? સૂરત તો 90 ટકા પાણીમાં ગયેલું. વળી ચમત્કાર… વલસાડથી હિમાંશી શેલતે તથા ભરૂચથી મીનળ દવેએ બીડું ઝડપ્યું ચીજવસ્તુ પહોંચાડવાનું. સૌથી મોટી મદદ કરી મિત્ર કિરીટ દૂધાતે. પૂરરાહતની એક ટ્રક અમારી બાજુ વાળીને…. એવી જ મદદ કરી વર્ષા ચૌધરીએ…. લગભગ 35 પેકેટ પૂરરાહતમાંથી અમને આપીને…. છોકરીઓ તડામાર હૉસ્ટેલ સાફ કરતી’તી. મારી કૉલેજના પાંચ-સાત છોકરાં ઊગતાથી આથમતા સુધી મારી સાથે અનાજ-લોટ-તેલ-દાળ-ચોખા વગેરેની વહેંચણી કરતા હતા, હિસાબો રાખતા હતા…. ઘરદીઠ શેતરંજી, ટુવાલ, સાબુ, પાવડર, ડોલ… વગેરેની વહેંચણી પણ એમના માથે જ હતી. સાંજ પડ્યે બધા પોતપોતાના ઘરે જતા અને હું ભેંકાર હૉસ્ટેલ વચાળે ઊભી રહી ‘હવે શું ?’ ના ચકરાવે ચડું એની પહેલાં જવાહરભાઈ આવી ચડતા લેવા માટે. આખો દા’ડો ઊભા રઈ રઈને પગ તો થાંભલા થઈ જતા…. ખાવા-પીવાના રોજ ઠેકાણાં ના પડતાં એટલે રાતે એમના ઘરે પહોંચી, નાઈ-ધોઈ, ખાઈને ઊંઘની દવા લઈ હું લાકડાની જેમ સૂઈ જતી. કામ અને ઊંઘને હવાલે જાતને સોંપી બેઠેલી હું કશો વિચાર કરવા જ નો’તી માગતી જાણે. મને ઊંઘ ન આવે ત્યાં સુધી ગીતાબહેન-જવાહરભાઈ બેઉ મારી પાસે બેસી રે’તાં. લગભગ 20 દિવસ આ બેઉ જણે મને આમ સાચવેલી. જો આ બેઉની હૂંફ ના હોત તો કદાચ હું ગાંડી થઈ ગઈ હોત.

બધી છોકરીયું માટે નોટ-ચોપડાંથી લઈને તમામ ચીજવસ્તુ વસાવ્યા પછી બરાબર 17-8 એટલે કે 10 દિવસ પછી મેં મારા ઘર તરફ નજર કરી. વચ્ચે આટલા દા’ડા ગયેલા એટલે હૈયું જરાક કાઠું પણ થયેલું. હળદર ને મીઠાથી જિંદગીને ફરીથી માંડવાની હતી. 10-15 છોકરીયું ઘરને ધોવા-સાફ કરવા મંડાયેલી હતી. છોકરાઓ ચોપડાના કબાટ ખાલી કરવા પાછળ લાગ્યા હતા. ચોપડીયું પલળીને એવી ફૂલી ગઈ હતી કે ત્રિકમ અને કોદાળીથી કાઢવી પડી. 8 કબાટના ત્રણ ખાનાં લેખે 24 ખાનાંનાં ચોપડાં અને એક કબાટ સામાયિકનું – આ બધાનો ઢગલો કર્યો ત્યારે વળી એકવાર આંખ્યું નીતરી પડી. હાથના દુઃખાવાને કારણે કાયમ હું શાહીવાળી પેન વાપરતી પણ મને એની બઉ મોટી સજા મળી. 1992થી લખતી આવેલી એ બધી નોટ્સ ભૂરાં કાગળિયાં બની ગયેલી. અર્ધા લખાયેલા, પૂરા થઈ ગયેલા બધા લેખ ફરી લખી શકાય એવા કોરા કાગળ બની ગયેલા. અંધારામાં હાથ લાંબો કરું તોય ચોપડી મળે એવી હું વ્યવસ્થિત. એના બદલે હતી નરી અરાજકતા. નીતરતી આંખ્યે, પલળેલા લેખ, નોટ્સ, સામાયિકોને અગ્નિને હવાલે કર્યા ત્યારે જાત ‘શું ગયું’ની ગણતરી છોડીને ‘શું બચ્યું છે’ની ગણતરી માંડી બેઠેલી. આ બધું ફરી લખાશે ? લખાયેલું એવું જ લખાશે ? જાત પૂછતી હતી. તાપી જિંદગીને કેટલાં વરસ પાછળ મૂકતી ગઈ એનો હિસાબ કરવાની હામ તો ક્યાં બચી હતી ? આના કરતાં ધરતીકંપ સારો એવું જાત કે’તી હતી. કૉલેજની, શહેરની સો વર્ષ જૂની લાઈબ્રેરીઓ ખલાસ થઈ ગઈ’તી. અચાનક જ આખુંય શહેર જાણે સાવ કંગાળ થઈ ગયું’તું ! છેલ્લાં કેટલાં વર્ષોથી મન જરાક ઉદાસ થાય કે હું તાપીના કાંઠે જઈને ઊભી રેવા ટેવાયેલી. તાપીનાં પાણી, એમાં ડૂબકાં ખાતો સૂરજ વગેરે જોઉં ને મારી અંદર ખદબદતું બધું શમી જતું. પણ જ્યારથી તાપી ઘરમાં ઘૂસીને મને મૂળિયામાંથી ઉખેડી ગઈ ત્યારથી મેંય એની સામે દુઃખ ઠાલવવાનાં બંધ કરી દીધાં છે.

આજે પાંચેક વરસ પછી ચોથા માળે બેસીને જ્યારે આ લખી રહી છું ત્યારે માણસ જાતની ટકી જવાની, વળી-વળીને મૂળિયાં રોપવાની ટેવ માટે માન થાય છે. રડવાનું છોડી માણસજાત કેટલી જલદી લડવા માંડે છે પરિસ્થિતિ સામે ! પાટેથી ઊતરી ગયેલી મારી જિંદગી ફરી પાટે તો ચડી છે પણ આ ભૂતાવળ જેવાં પાણી મને કેટલાં વર્ષ પાછળ ધકેલી ગયાં એ તે શેં ભૂલાય ?

[કુલ પાન : 71. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : સ્વમાન પ્રકાશન. આલ્ફા ભવન, 12, સુહાસનગર, સેલ્સ ઈન્ડિયાની પાછળ, ઑફ આશ્રમરોડ, દિનેશ હૉલ રોડના છેડે. સંકલ્પ રેસ્ટોરાંની સામેની ગલીમાં. અમદાવાદ-380009. ફોન : +91 9427606956. ઈ-મેઈલ : mdave.swaman@gmail.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “મૂળ સોતા ઉખડેલાં – શરીફા વીજળીવાળા”

Copy Protected by Chetan's WP-Copyprotect.