થેંક્સ રાઘવ…. – અલ્પેશ પી. પાઠક

[ રીડગુજરાતી પર અન્ય સુવિધાઓ ઉમેરવાનું કાર્ય ચાલી રહ્યું હોઈ આજે ફક્ત એક જ લેખ આપવામાં આવ્યો છે. આ પ્રસ્તુત વાર્તા ‘અખંડ આનંદ’ ડીસેમ્બર-2011માંથી સાભાર લેવામાં આવી છે.]

રાઘવ…. આજે તું નથી અને મારી ચારે તરફ બસ તું જ છો. તું હતો ત્યારે હું માનતી કે મને તારો અભાવ છે. પણ આજે તારા ગયા પછી મને અભાવ શબ્દનો સાચો અર્થ સમજાય છે કે ભાવ વગર અભાવનું અસ્તિત્વ ન હોઈ શકે. તારા ગયા પછી એક પણ દિવસ એવો ગયો નથી કે જે દિવસે કોઈ ત્રીજી વ્યક્તિના મોઢે તારું નામ ન સાંભળ્યું હોય કે વખાણ ન સાંભળ્યાં હોય. એવું નથી કે તું મૃત્યુ પછી અચાનક ઊજળો થઈ ગયો. તું તો જે હતો તે જ હતો. પણ હું તને ઓળખી ન શકી. સાવ નજીકનું આપણે સ્પષ્ટ જોઈ શકતાં નથી ને….? એમ જ.

તારા ગયાના એક જ મહિનામાં ઘરમાં રાશન ખૂટી ગયું. આપણે મધ્યમવર્ગી કુટુંબ હતા. થેંક્સ ટુ તારી વધારે પડતી પ્રામાણિકતા…. ભીખુ ગાંધીની દુકાને ઘઉં લેવા ગઈ. પેટ માટે ના છૂટકે જવું પડ્યું. પૈસા નહોતા. ભીખુ ગાંધી ઉધાર આપશે કે નહીં એ અવઢવ હતી પણ બીજે ક્યાંયથી ઉધાર મળશે જ નહીં એની ખાતરી હતી. ઈન્સ્પેક્ટર રાઘવ કુલકર્ણી અને ભીખુ ગાંધી વચ્ચે છત્રીસનો આંકડો હતો, આખી ચાલી જાણતી હતી. પાંચ કિલો ઘઉં જોખાવી લીધા પછી ધીમા અવાજે કહ્યું,
‘ભીખુભાઈ પૈસા નથી… આવતા મહિને આવી જશે એટલે આપી દઈશ !’ આવતે મહિને પૈસા ક્યાંથી આવશે, મને નહોતી ખબર…. કદાચ નિયમોની ઉપરવટ થઈને તારું પેન્શન પાસ થાય પણ ખરું….

‘અરે ભારતીબહેન…. કાંઈ વાંધો નહીં. હોય ત્યારે આપજો ને… હું ક્યાં માંગુ છું ?’ ભીખુભાઈએ કહ્યું. આ મારી ધારણાથી તદ્દન વિરુદ્ધ હતું. હું તેની સામે તાકી રહી. આ માણસ સાચું જ બોલતો હતો ને…..?
‘અરે બહેન, સાચું કહું છું. મતભેદો હતા…. રાઘવ સાહેબ હતા ત્યાં સુધી. આજે એ નથી, એમના પ્રત્યે કોઈ કડવાશ પણ નથી.’ આ અભણ દુકાનદારના અવાજમાં ખરેખર આદર હતો, ‘…..અને રાઘવ સાહેબે એક આતંકવાદીને જીવતો પકડીને આ શહેરનું, આ દેશનું બચાવ્યું છે એટલું ના સમજું એટલો ના-સમજ હું નથી. બહેન, આવજો…. જ્યારે રાશન ખૂટે ત્યારે આવજો. અને પૈસાની ફિકર ક્યારેય ન કરતાં.’

એ રાત…. જે હવે 26/11ના નામથી જાણીતી થઈ છે, તે રાત તો એક સામાન્ય રાત જ હતી. કોઈનો મોબાઈલ આવ્યો…. અને તું નેટવર્ક પકડવા બહાર દોડી ગયો.
‘સાંભળ…. હેડક્વાર્ટરનો ફોન હતો.’ તેં ડ્રેસ પહેરતાં કહ્યું હતું. ‘મુંબઈ પર… આપણા શહેર પર આતંકવાદી હુમલો થયો છે. મારે જવું પડશે.’
‘અત્યારે….?’ મને ફાળ પડી. જો કે આ કંઈ નવું નહોતું. મહિનામાં બે વખત હેડકવાર્ટરનું તેડું તને આવતું હતું. તું એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ ઑફિસર હતો. પણ આવું તેડું માત્ર તને જ આવતું એની સામે મને વાંધો હતો.
‘હા અત્યારે….’ તેં બેલ્ટ ચડાવતાં કહેલું, ‘કારણ કે પોલીસ ઑફિસર કાયમ પોલીસ ઑફિસર જ હોય છે.’
‘તું પોલીસ ઑફિસર છે એ વાત તને કાયમ યાદ રહે છે’, મને તારી આ નોકરી જરાય ન ગમતી, ‘…પણ તું ભૂલી જાય છે કે તું એક પતિ પણ છે.’
‘ના….. મને યાદ છે. પણ તને ખબર હોવી જોઈએ કે હું લગ્ન પહેલાં પણ પોલીસ ઑફિસર હતો અને આજે આપણું ઘર ચાલે છે તે આ પોલીસની નોકરીના કારણે….’
‘પણ તું જ કેમ રાઘવ….. ?’ તેં જે આ ડ્યૂટીનું પૂછડું પકડી રાખ્યું હતું તે મને જરાય ન ગમતું. ‘બીજા પોલીસ ઑફિસરોએ તો કરપ્શન કરી-કરી ઘર ભરી લીધું છે. બંગલામાં રહે છે… એશ કરે છે… એમને તો કોઈ અરધી રાતે નથી બોલાવતું.’
‘તને ગર્વ હોવો જોઈએ કે હેડક્વાર્ટરને તારા પતિમાં વધુ વિશ્વાસ છે.’ તેં કેપ પહેરી હતી.
‘હેડકવાર્ટરના આ વિશ્વાસનો પાંચ હજાર વધુ પગાર મળશે ? આપણું ઘર બરાબર ચાલતું નથી રાઘવ….’ હું હંમેશાની જેમ તીખી થઈ ગઈ હતી. તું બહાર જવા ગયો. મેં તારો હાથ પકડી લીધો હતો.
‘પૈસો માપદંડ નથી, ભારતી….’ તેં ઉંબરો ઓળંગતાં કહેલું.
‘તો માપદંડ શું છે રાઘવ….?’ તારો હાથ મૂકી મેં ચીસ પાડી હતી, ‘રાઘવ… મને સમજાવ.’
‘સમજાવીશ ભારતી…..’ તું હંમેશાંની જેમ શાંત હતો. તેં મારા ગાલ પર ટપલી મારી કહેલું, ‘સમજાવીશ, ભારતી અત્યારે સમય નથી….’ અને મોટી ડાંફ ભરી તું ઘરની બહાર નીકળી ગયો હતો.

તારો એ આખરી સ્પર્શ નખશિખ યાદ રહી ગયો છે મને…. હું સૂઈ ગઈ. મને બનાવની ગંભીરતા નહોતી ખબર. ટીવી જોવાની ટેવ નહોતી. જોવું હોય તો પણ બાજુમાં કમલા આંટીને ત્યાં જવું પડતું. એ મને જરાય ગમતું નહોતું. આપણા ઘરમાં ટીવી ક્યાં હતું…..? ‘તારી પ્રામાણિકતાએ મને ટીવી પણ નથી આપ્યું…..’ હું તને ઘણી વખત સંભળાવતી. તું હસતા મોઢે સાંભળી લેતો…. તું હંમેશાં મારી સાથે, સાચો કે ખોટો વિવાદ ટાળતો. અને હું કાયમ તારી સાથે લડવાના મૂડમાં રહેતી. સાચું કહું રાઘવ…. આજે આ વાત પર ઘણી શરમ આવે છે.

વહેલી સવારે જાણ થઈ કે ઈન્સ્પેક્ટર રાઘવ કુલકર્ણી શહીદ થયા. મને ‘શહીદ’ શબ્દનું કાંઈ પણ ગૌરવ નહોતું. હું તો માનતી હતી કે મરવા જવાનું હતું ને હેડકવાર્ટરે તને પસંદ કર્યો. તારા પ્રત્યેનો રોષ એટલો હતો કે હું રોઈ પણ નહોતી. તારી અંતિમ ક્રિયા પછી મને ખબર પડી હતી કે તને શું થયું….. તેં આતંકવાદીઓની કારને રોકીને બે આતંકીઓને બાથમાં પકડી લીધા હતા. તે બંને મરણિયા પ્રયાસો છતાં છૂટી શકે નહીં એવી જોરદાર પકડ હતી તારી… પણ ત્રીજા આતંકીએ તને પીઠમાં ગોળી મારી. બે હાથમાં બે આતંકીઓને પકડી રાખી તું પાછળ ફર્યો. સામે વાળો આતંકવાદી તને છાતીમાં બે બુલેટ ધરબી માત્ર એકને જ છોડાવી શક્યો. અને બાકી એક એટલે વિશ્વનો એકમાત્ર જીવતો પકડાયેલો ત્રાસવાદી પરવેઝ. ઈનામ…. પણ મને આ કશામાં રસ નહોતો. મને તો તું હજી પણ મૂર્ખ જ લાગતો હતો. ડ્યૂટીનું પૂંછડું પકડી મરવા સુધી જઈ ચડે એવો મૂર્ખ…. જે શહેર માટે વિચારતાં પોતાના જીવ માટે ન વિચારી શકે એવો મૂર્ખ…. તારી નોકરી, તારી પ્રામાણિકતા, તારી બહાદુરીએ તને ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ એવું ભારેખમ અને માત્ર નામનું બિરુદ આપ્યું છે. પણ મને તો એમાંથી મળી છે માત્ર ગરીબાઈ, અને એક સાવ અવ્યવહારુ માણસની પત્ની હોવાનો રંજ…. એવું હું માનતી. હું ખોટી હતી રાઘવ….. યાદ છે પેલા શમીખાન વાળું ચેપ્ટર….? તે શમીનો આપણા અને આજુબાજુના વિસ્તારમાં ત્રાસ હતો. દુકાનોમાંથી હપ્તા ઉઘરાવવા, ગુંડાગીરી કરવી, ચોરી-લૂંટ, ખંડણી વગેરે તેનાં કામ હતાં. એક બે અપહરણમાં પણ સંડોવણી હતી. પણ દાઉદનું નામ તેની સાથે હતું તેથી પોલીસ અફસરો પણ તેનાથી ડરતા. એક તું હતો રાઘવ કે જેણે તેની સામે થવાની હિંમત કરી. એને એક બળાત્કારના કેસમાં જડબેસલાક ફસાવી દીધો. પણ પુરાવાના અભાવે અને તેના વકીલની હોશિયારીથી એ છૂટી ગયો. તારી સાથે બદલો લેવા એણે મારી સરેઆમ છેડતી કરી. હું શરમ અને ગુસ્સાથી ઘરે આવી રોઈ પડી. અને મેં ટાર્ગેટ બનાવ્યો તને…. તું મારા માટે સૉફટ ટાર્ગેટ હતો. સૉફ્ટ ઍન્ડ ઈઝી…. હું તારી સાથે લડી.

‘રાઘવ… જરાક વિચાર. તેં અને તારી બહાદુરીએ મને શું આપ્યું છે…? જોખમ સિવાય… શું જરૂર હતી એ શમી સાથે દુશ્મની કરવાની….? મને સમજાતું નથી કે તારા જેવા પોલીસ ઑફિસરો કરે છે એ શું કામ કરે છે….?’
‘અમે લડીએ છીએ ભારતની બીજી આઝાદી માટે…..’ તું પણ જરા ગુસ્સે થયો હતો. તેં મક્કમતાથી કહ્યું, ‘…અને રહી વાત શમી સાથે દુશ્મનીની. તો એની જરૂર હતી, ભારતી…’
‘કાલે કદાચ આપણાં બાળકો થશે તો એણે પણ શું મારી જેમ જ બીતાં-બીતાં જીવવાનું….?’ મેં ઈમોશનલ બ્લેકમેલિંગનો આશરો પણ અજમાવી જોયો.
‘કોઈને બીતાં-બીતાં ન જીવવું પડે એટલે તો હું આ બધું કરું છું, ભારતી…..’
‘પણ બદલામાં તને, આપણને શું મળે છે એ તો વિચાર…..?’
‘હું એટલો સ્વાર્થી નથી. અને તું યાદ રાખજે કે એક દિવસ તને જરૂર દેખાશે કે આપણી પાસે શું છે…? આપણે શું મેળવ્યું છે.’

તું નથી પણ આજે મને સમજાય છે કે મારી પાસે શું છે… મારી પાસે છે શહીદ ઈન્સ્પેક્ટર રાઘવ કુલકર્ણીની વિધવા હોવાનું સ્વાભિમાન… જે તેં, તારાં કાર્યોએ મને અપાવ્યું છે. તારા ગયાના ચાર મહિના પછી પણ…. ઘરમાં અપૂરતા પૈસા હોવા છતાંય મારું ઘર, આપણું ઘર ચાલે છે, રાઘવ…. કોઈને પણ કરગર્યા વિના… આજે મારી પાસે એક આછી-પાતળી નોકરી છે રાઘવ… હું બહુ એશથી તો નહીં પણ અભિમાનથી જીવી શકું છું. આજે હું પણ ગર્વ કરી શકું છું કે હું ઈ.રાઘવ કુલકર્ણીની વિધવા છું. તું લોકોની સ્મૃતિમાં હજી જીવે છે. અને મને મળે છે માથું ઊંચું રાખી જીવવાની તક.

….પછી તો ઉપરી અધિકારીને વિશ્વાસમાં લઈ તેં શમી ખાનનું એન્કાઉન્ટર ઠંડા કલેજે કરી નાખ્યું હતું. હું ખુશ થઈ હતી પણ આ ખુશી મીઠા શબ્દોમાં તારા સુધી ન પહોંચાડી શકી તેનો આજ રહી-રહીને મને અફસોસ થાય છે. 26/11 પછી મહિના સુધી હું તારા પ્રત્યે મને ઝેર હતું તે વાગોળતી રહી. એક સાંજે હું કૂકરમાં ખીચડી મૂકવા જતી હતી ત્યાં….
‘આવું બહેન….?’ જોયું તો એક ટિપિકલ ગુંડા ટાઈપનો માણસ… જોતાં જ ડર લાગે તેવો… દરવાજે ઊભો હતો.
‘આવો….’ મેં પણ શિષ્ટાચારથી હાથ જોડ્યા.
‘મારું નામ દેવુભા છે. મારી દારૂ ગાળવાની ભઠ્ઠી છે ધારાવીમાં….’ તેણે તેનો નફ્ફટ પરિચય આપ્યો.
‘રાઘવ તો હવે નથી.’ મને લાગ્યું કે તેને તારું કામ હશે.
‘મને ખ્યાલ છે, બહેન…. હું તેમના વિશે જ એક વાત કહેવા આવ્યો છું.’ મને કુતૂહલ થયું કે શું વાત હશે…? તે અંદર આવી ગયો. મારે હવે સાંભળવું જ રહ્યું.
‘દારૂની ભઠ્ઠી ભગવાનની દયાથી ઠીક-ઠીક ચાલે છે. પણ પાંચેક મહિના પહેલાં મારી બૈરીનું એપેન્ડીક્સનું ઑપરેશન કરાવવા પૈસાની જરૂર હતી તે ચોરી કરવી પડી.’ મને સમજાતું નહોતું કે એ આ બધું મને શું કામ કહી રહ્યો છે. ‘ઈન્સ્પેક્ટર કુલકર્ણીએ મને પકડી પાડ્યો. જેલમાં પૂરી દીધો. હું સળિયા પાછળથી રાડો પાડતો રહ્યો કે ઈન્સ્પેક્ટર, મને જવા દે…. મારી બૈરીનું એપેન્ડીક્સ ફાટી જશે… તે મરી જશે…. પણ એ નિષ્ઠુર માણસે મારી વાત ન સાંભળી….’ હા… કાયદા પાલનની વાતે તું બિલકુલ નિર્દય હતો… લગભગ જડ જેવો. શું આ માણસની બૈરી તારી જીદને લીધે મરી ગઈ હશે…? શું તેનો બદલો લેવા તે મને મારી નાખશે…? પણ મને બીક ન લાગી.

‘ત્રણ મહિના પછી હું જેલમાંથી છૂટ્યો અને જોયું કે મારી બૈરીનું ઑપરેશન થઈ ગયું હતું. રકમ બહુ નાની હતી પણ કામ બહુ મોટું હતું અને એ કામ તારા પતિનું હતું.’ મને અચાનક યાદ આવ્યું કે પાંચેક મહિના પહેલાં તેં પગારમાંથી મને સાડા ત્રણ હજાર ઓછા આપ્યા હતા અને મેં બહુ મોટો ઝઘડો કર્યો હતો. શું સાડા ત્રણ-ચાર હજારમાંથી ઑપરેશન પતી ગયું હશે કે તેં બીજા પણ ઉમેર્યા હશે…? આજે મારી આંખમાં તારા માટે આંસુ હતાં. 26/11 પછી કદાચ પહેલી વાર… દેવુભા ઊભા થયા. મને પાણી આપ્યું.
‘રો’મા બહેન… ઈન્સ્પેક્ટર રાઘવ આપણી વચ્ચે નથી એ સાચું પણ તેના જેવા માણસ ક્યારેય મરે નહીં… હું તને બહેન કહું છું અને બહેન માનું છું. જો તું મને ભાઈ માની શકે તો આ રૂપિયા સ્વીકાર….’ કહીને તેણે દસ હજાર રૂપિયા મારા પગ પાસે મૂકી દીધા. ‘અને હા… મારો મોબાઈલ નંબર આપું છું. ક્યારેય કાંઈ પણ કામ પડે તો ફોન કરજે… હું દિવસ-રાત નહીં જોઉં… આ રાજપૂતનું તને વચન છે, બહેન….’ મારા જવાબની રાહ જોયા વિના તે જવા લાગ્યો. ઉંબર સુધી જઈને તે પાછો આવ્યો, ‘બહેન… રાઘવ સાહેબની ઈચ્છા હતી કે હું દારૂની ભઠ્ઠી બંધ કરું. અત્યારે તો નહીં, પણ તને રાઘવ સાહેબ ગણી વચન આપું છું કે આવતા ત્રણ ચાર મહિનામાં હું બંધ કરી દઈશ.’ તે ઝડપથી મોઢું ફેરવી ચાલ્યો ગયો. કદાચ તે તેની આંખનાં આંસુ મારાથી છુપાવી રાખવા માંગતો હતો. તે તો ગયો પણ મને ચોધાર આંસુએ રડાવતો ગયો.

રાઘવ તેં ખોટા ખર્ચ કર્યા નથી કે મને નથી કરવા દીધા. આપણે ત્રણ કે ચાર મહિને થિયેટરમાં ફિલ્મ જોવા જતાં. છ મહિને એક વાર હોટલમાં જમવા જતાં, એની મને હંમેશાં ફરિયાદ રહી હતી. હું તને ન કહેવાનું કહેતી અને તું ન સાંભળવાનું સાંભળી લેતો. પણ આજે અહેસાસ થાય છે કે તેં માણસોમાં કેટલું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. તને હંમેશા રૂપિયા કરતાં માણસમાં વધુ ભરોસો હતો. મને કહેવા દે રાઘવ કે તારુ ઈન્વેસ્ટમેન્ટ પાકી રહ્યું છે. મને પાછું મળી રહ્યું છે અને એ પણ વ્યાજ સહિત…. દેવુભાએ દારૂનો ધંધો બંધ કરી દીધો છે અને મારી જરૂરિયાતોનું ખરેખર ધ્યાન રાખે છે. દેવુભા… ભીખુ ગાંધી…. અને ક્યાં ક્યાંથી તારી સારાઈનો પડઘો નથી મળતો…? અરે તારી ઑફિસનો ચપરાશી રામજી આપ્ટે પણ અઠવાડિયામાં બે વખત આવીને પૂછી જાય છે – ‘કુછ ચાહિયે… ભાભીજી….?’ તારા ગયાના થોડા દિવસો બાદ અહેસાસ થયો કે હવે ઘરે બેસી રહેવાનો કશો અર્થ નથી. અને ઘરને આવકની પણ જરૂર હતી. બાજુની સ્કૂલમાં ટિચર તરીકે એપ્લાય કર્યું. પહેલાં તો મારી એપ્લીકેશન રિજેક્ટ થઈ. પણ અઠવાડિયા પછી ખુદ સંચાલક ઘરે આવ્યા.
‘હમે માફ કર દિજીયે…. હમે માલૂમ નહીં થા કિ આપ શહીદ રાઘવ કુલકર્ણી કી વિધવા હૈં. આપ કલસે હી જોઈન કર સકતી હૈ.’ મને ખબર નહોતી કે ઈન્સ્પેક્ટર રાઘવની પત્ની હોવું એ પણ વધારાની લાયકાત ગણાતી હશે. હું આદત પ્રમાણે તીખી થઈ ગઈ.
‘કિસીકી વિધવા હોને સે મેરે ક્વોલિફિકેશન્સ મેં ક્યા ફરક પડતા હૈ બતાયેંગે આપ…?’ એ માણસનો જવાબ સાંભળવા જેવો હતો.
‘આપ ગુસ્સા મત હોઈએ, બહનજી…. ફરક આપકે ક્વોલિફિકેશન્સ મેં નહીં, આપકે વ્યક્તિત્વ મેં પડતા હૈ… ઔર ફિર રાઘવ સાહબને ઈસ શહરકો, ઈસ દેશ કો જો દિયા હૈ ઉસકા એક હિસ્સા લૌટાના હમારા ભી તો ફર્ઝ બનતા હૈ, એક શહીદ કી વિધવા કા અપમાન કરે ઈતને નાલાયક ભી નહીં હૈ હમ…. પ્લીઝ બહનજી, ના મત કહના.’

મારે શું દલીલ કરવી એ હું ભૂલી ગઈ હતી. એ માણસ સાચું કહી રહ્યો હતો. મેં નોકરી સ્વીકારી લીધી. મને બહુ તો નહીં પણ જરાક ટેકો અવશ્ય થઈ ગયો. અને સાચું કહું રાઘવ….. તારા પ્રત્યેનો રોષ તો હવે સાવ જ ઓગળી ગયો. થોડા દિવસ પહેલાં સ્કૂલથી ઘરે આવતી હતી ત્યારે આપણી ચાલીની નજીક જે શાક માર્કેટ ભરાય છે ત્યાંથી લીંબુ લીધાં. છોકરાને સાડા આઠ રૂપિયા આપવાના હતા. પર્સમાં છૂટા પૈસા ન નીકળ્યા. ‘અભી ઘર સે ભીજવાતી હૂં…..’ મેં કહ્યું પણ છોકરો અવઢવમાં લાગ્યો, ‘મેં યહી નઝદીક મેં વિનાયક ચાલ મેં રહેતી હૂં.’
‘ના, મેમસાબ…..’ તે બોલ્યો, ‘આપ ભૂલ જાઓગી તો ખામખા સાડે આઠ કા ચૂના લગ જાયેગા….. ઔર બાપ ડાંટેગા વો અલગ… નિંબુ રખ દિજીયે…..’
‘તું જાનતા હૈ પિન્ટુ તું કિસસે બાત કર રહા હૈ….?’ બાજુની રેંકડીવાળી બુઢ્ઢી ઔરત તેને ખીજાઈ, ‘યે રાઘવ સા’બ કી વાઈફ હૈ….! વો રાઘવ સા’બ જિસને તેરી બાપ કો યે રેંકડી ખરીદને મેં મદદ કી થી… યકિન રખ તેરે પૈસે કહીં નહીં જાયેગે.’
મેં લીંબુ પાછાં મૂકી દીધાં…. હવે પેલો છોકરો રોવા જેવો થઈ ગયો, ‘મેમસા’બ, અબ આપ નિંબુ નહીં લે જાયેગી તો મેરા બાપ મૂઝે ડાંટેગા નહીં… માર ડાલેગા. મૈં દિન મેં સાત બાર ઉસકે મુંહ સે રાઘવ સા’બ કા નામ સૂનતા હૂં. વો ક્યા હૈ કી મૈં આપકો પહચાનતા નહીં થા. સૉરી, મેમસા’બ…. રિયલી સોરી.’ અને તે છોકરાએ પ્લાસ્ટિકની થેલીમાં પૅક કરી મીઠી બળજબરીથી લીંબુ મારા પર્સમાં રાખી દીધાં. આવડો નાનકડો છોકરો જાણતો હતો કે ઈન્સ્પે. રાઘવ કુલકર્ણી કોણ હતા. મને યાદ આવ્યો એ દિવસ કે જ્યારે હું અને તું સાથે શાક લેવા ગયાં હતાં. તું યુનિફોર્મમાં હતો. તને યુનિફોર્મમાં જોઈ શાકવાળાએ પૈસા લેવાની ના પાડી. હું ખૂબ ખુશ પણ થઈ. પણ તેં મારી ખુશી પર ઠંડું પાણી રેડી દીધું. તેં શાકવાળાને ધમકાવીને પરાણે પૈસા આપ્યા. હું ખૂબ ગુસ્સે થઈ હતી. તને વેદિયો… પ્રામાણિકતાનું પૂછડું…. બુદ્ધિનો બ્રહ્મચારી… ઉલ્લુનો પઠ્ઠો… જેવાં કેટલાંય ઉપનામ આપ્યા હતાં. પણ આજે મને સમજાય છે રાઘવ… કે હું ખોટી હતી. આ રીતે ભેગા કરી-કરી આપણે ટીવી અને ફ્રીજ લઈ શક્યાં હોત પણ પછી આજે પેલા છોકરાની આંખમાં જોવા મળ્યો એવો આદર ન જોવા મળત.

અને રાઘવ આજે આ બધું યાદ કરવાનું કારણ એ કે આજે હું ગાયનેકોલોજિસ્ટ પાસે ગઈ હતી. તેણે મને સારા સમાચાર આપ્યા કે હું મા બનવાની છું. આવા સારા સમાચાર હું કોની સાથે શેર કરું…? તારી યાદો સિવાય મારું બીજું છે કોણ….? આપણે બે’ય તો અનાથ હતાં…. ન તારું કોઈ હતું, ન મારું કોઈ છે. પણ આપણા રાઘવને એવું નહીં હોય. હાં….હું તેનું નામ પણ રાઘવ જ રાખવાની છું. હું આપણા રાઘવને કહીશ કે તારો બાપ દુનિયાનો સૌથી સવાયો બાપ હતો. તેણે આ શહેર માટે, આ દેશ માટે, આ દેશના ભવિષ્ય માટે એ કર્યું છે કે જે સામાન્ય માણસો નથી કરી શકતા. હું એને કહીશ કે તારો બાપ ગરીબ હતો પણ ચોખ્ખો હતો, બિલકુલ મારાં આંસુ જેવો…. ફરીથી એક વખત તારી માફી માગું છું. તારો આભાર માનું છું… તેં મને આપેલા સ્વાભિમાન માટે…. આપણા રાઘવ માટે તેં કરેલા ઈન્વેસ્ટમેન્ટ માટે…. તેં મારા માટે જે કાંઈ કર્યું એ માટે… જે નથી કર્યું એ માટે પણ…. ખૂબ ખૂબ આભાર રાઘવ…. થૅંક્સ રાઘવ….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

32 thoughts on “થેંક્સ રાઘવ…. – અલ્પેશ પી. પાઠક”

Copy Protected by Chetan's WP-Copyprotect.