તની અને કનૈયો – શ્રદ્ધા ત્રિવેદી

[તાજેતરમાં પ્રકાશિત થયેલ બાળવાર્તાના પુસ્તક ‘તની અને કનૈયો’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

[1] તની અને કનૈયો

એક વાર એવું થયું કે વરસાદ જ ના વરસ્યો. લોકો તો હેરાનપરેશાન ! વરસાદ ના પડ્યો હોય એટલે તળાવ સૂકાઈ ગયાં. કૂવા ઊંડા થઈ ગયેલા. બિચારાં પશુ-પંખી તો તરસે મરવા માંડ્યાં. ખેતરમાં અનાજ તો પાકે જ ક્યાંથી ? એટલે લોકોએ ભેગા થઈ ભગવાનને પ્રાર્થના કરવા માંડી. આખું ગામ ભેગું થાય. સહુ ભગવાનને પ્રાર્થના કરે કે, ‘હે ભગવાન ! વરસાદ આપો, અનાજ ઉગાડો, તળાવ-સરોવર ભરી દો.’ તેમાં તનીભાઈ પણ ખરા. ગામને પાદર કૃષ્ણનું મંદિર. લોકો રોજ સવાર-સાંજ ત્યાં જાય. ભગવાનને પ્રાર્થના કરે.

એક દિવસની વાત. સહુ પ્રાર્થના કરતા હતા. તનીભાઈ છેકછેવાડે ઊભેલા. આંખો બંધ. ત્યાં તેમને થયું : કોઈક તેમને બોલાવે છે. તેમણે આંખો ખોલી. આસપાસ જોયું. કોઈ નહોતું. ત્યાં તો પાછળથી અવાજ આવ્યો. તેમણે પાછળ જોયું તો એક ઝાડ નીચે કનૈયો ઊભેલો ને તેમને બોલાવતો હતો. તનીભાઈ તો ત્યાં દોડ્યા. કનૈયો કહે : ‘જા, લોકોને કહે, વરસાદ આવશે. અનાજ પાકશે. પણ પછી કોઈ પશુ-પંખી, ગરીબ-ઘરડાં ખાધાં-પીધાં વિના ના રહેવાં જોઈએ.’ બસ, આટલું કહી કનૈયો તો ગાયબ ! તનીભાઈ તો મૂંઝાયા. હવે ? હજી તો બધા લોકો આંખો બંધ કરી પ્રાર્થના કરતાં હતાં.

તે તો ગયા ઘેર. દાદાને કહ્યું : ‘દાદા, દાદા, મને કનૈયો મળ્યો હતો. તેણે કહ્યું છે કે વરસાદ પડશે પણ….’ હજી તે પૂરું કહે તે પહેલાં તો દાદા હસવા માંડ્યા. ‘વાહ ! તની, વાહ ! તની, તને કનૈયો મળ્યો. એણે તારી જોડે વાત કરી હેં ! તે તની, કનૈયો મંદિરના પૂજારીને ના મળ્યો ને તને મળ્યો ?’ કહી તે ફરી હસવા માંડ્યા. તની તો ખાસિયાણો પડી ગયો. ત્યાં તો દાદી કહે : ‘તે આમ હસો નહીં. પૂજારી પાખંડી હોય તો કનૈયો તેને ના મળે. મારો તની સાફ દિલનો છે તે તેને મળે. એમાં આમ હસો નહીં. તમે તનીને આમ હસો છો તો તમને તો ક્યારેય ના દેખાય.’ પછી દાદીએ તનીને પોતાની પાસે લીધો ને કહ્યું : ‘જો બેટા, કાલ સુધીમાં જો વરસાદ આવશે તો હું તારી વાત જરૂર સાચી માનીશ હોં.’ તની ખુશ થયો ને તેણે બધી વાત દાદીને કરી. તે રાત્રે ખૂબ વરસાદ પડ્યો. લોકોના આનંદનો પાર ના રહ્યો. તનીનાં દાદી તો ખૂબ ખુશ થયાં. દાદા કહે, ‘તની, તારી વાત સાચી. હવે તો કનૈયાએ કહ્યું છે તે બધાંએ કરવું જોઈએ.’ દાદા તરત મંદિરે ગયા. પૂજારીને બધી વાત કરી. પછી બે જણે નક્કી કર્યું કે મંદિરના નોટિસ બોર્ડ પર આ બધું લખવું. દાદાએ લખાવ્યું : ‘કનૈયાની આજ્ઞા છે કે તમારે આંગણે આવેલ પશુ-પંખી, ગરીબ-ઘરડું જે કોઈ ભૂખ્યું-તરસ્યું આવે તેને ખવડાવજો-પિવડાવજો. કોઈને ભૂખ્યું-તરસ્યું ના રાખશો. ભગવાન તો જ રાજી રહેશે.’

ધીમેધીમે આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. શરૂ શરૂમાં તો સૌ આંગણામાં પાણી મૂકે, ગાયને ઘાસ ને પંખીને દાણા નાંખે. કૂતરાં-બિલાડાંનેય ખવડાવે. કોઈ ગરીબ હાથ લંબાવે તે પહેલાં તેને ખાવાનું આપે. ઘરમાંય ઘરડાંઓને સારી રીતે રાખે. પણ… થોડા મહિના થયા કે ધીમે ધીમે લોકો આ વાત ભૂલવા લાગ્યા. એ વાતને થોડો સમય પસાર થયો. કનૈયાને થયું, લાવ જોઉં તો ખરો કે તનીનું ગામ શું કરે છે ? કેવું છે ? બધાંને સારી રીતે રાખે છે કે નહીં ? સૌથી પહેલાં તેમણે ગાયનું રૂપ લીધું. ને એક સારા દેખાતા ઘરને આંગણે ગયા. હજી તો ગાય માંડ ઊભી રહી કે ઘરમાંથી એક જણ આવ્યું ને ગાયને કાઢી મૂકી. થોડી વાર પછી તેમણે બિલાડીનું રૂપ લીધું. ને એક ઘરમાં ઘૂસ્યા. ઘરની બહેને તેને જોઈ. ‘અરે ! આ બિલાડીને કોઈ કાઢો. દૂધ પી જશે.’ ઘરમાં એક કાકા હતા. પાસે પડેલી સાવરણી તેમણે લીધી ને બિલાડી પર ફેંકી. બિલાડી ભાગી. પછી કનૈયાએ એક ઘરડી ભિખારણનું રૂપ લીધું. ડોશીમા ભીખ માંગવા લાગ્યાં. કોઈએ એકાદ રોટલી આપી, બાકી કોઈએ કંઈ ના આપ્યું. ફરતાં ફરતાં ડોશી તનીના ઘર પાસે આવ્યાં. જોયું તો તનીના આંગણે ચકલાં-કબૂતર હરેફરે ને ચરે. તનીની દાદી ગાયને રોટલી ખવડાવે. ત્યાં તો તેની મમ્મી બહાર આવી. એક તૂટેલી માટલી મૂકેલી. તેમાં તેણે પાણી રેડ્યું. ડોશીને જોઈ તનીના દાદા કહે, ‘અરે તની ! જા ઘરમાં જઈ દાળ-ભાત લઈ આવ. આ ઘરડાં બાને આપ.’ તની ડોશીને કહે, ‘માજી, અહીં ઓટલે બેસો.’ ડોશી તો બેઠાં. તની એક થાળમાં દાળભાત લાવ્યો. ડોશીએ તો ટેસથી ખાધાં. પછી પાણી પીધું ને જવા માટે ઊભાં થયાં. તનીની મમ્મી કહે : ‘તની, આ બા જાય એટલે તુંય આવ. આપણે ખાઈ લઈએ.’ તનીનાં મમ્મી, દાદા-દાદી બધાં ઘરમાં ગયાં.

તની એકલો જ બહાર રહ્યો હતો. ડોશી તનીની પાસે આવ્યાં ને પૂછ્યું, ‘તની, મને ઓળખ્યો ?’ તનીએ ધ્યાનથી જોયું ને પલકારામાં ડોશી કનૈયો બની ગયો. ને પલકારામાં પાછાં ડોશી બની ગયાં. તની તો ખુશખુશાલ ! તેણે બૂમ પાડી. કંઈક બોલવા જતો હતો ત્યાં ડોશીએ તેને રોક્યો, ને કહ્યું, ‘તની, સાચું કહું. તારું ગામ વચન ભૂલી ગયું છે, પણ તું વચન પાળે છે. તારું ઘર વચન પાળે છે. તેથી હું રાજી થયો. તું મને બહુ વહાલો લાગે છે. દર વરસે વરસાદ તો મોકલીશ. તારા પ્રતાપે, તારા ઘરના પુણ્યે ગામ સુખી થશે. તારા ઘરમાં કાયમ પ્રેમભાવ રહેશે. આનંદ રહેશે. મારી વાંસળી વાગતી રહેશે. તની, તું મારો સાચો દોસ્ત ! સુદામા જેવો. આવજે. મંદિરમાંય હું તને મળીશ ને ક્યારેક હું અહીં તારે ઘરે પણ આવીશ. હવે આવું તો માખણ ખવડાવીશ ને ?’
‘હા, જરૂર, જરૂર ! મનેય રોટલા ને માખણ બહુ ભાવે છે તારી જેમ.’ હજી તની કંઈક આગળ કહે તે પહેલાં તો ડોશીમા ગયાં.

ત્યાં સૌને લાગ્યું કે અરે ! આ વાંસળી ક્યાં વાગે છે ? તની ખુશ હતો. તે તો ઠેકડા ભરતો ગયો ઘરમાં. ને જાણે તે જ વાંસળી વગાડતો હોય તેમ દાદીને થયું. દાદી કહે : ‘આ મારો કનૈયો જ વાંસળી વગાડે છે.’ ને તેમણે તનીને ખૂબ વહાલ કર્યું. સૌએ ખુશી ખુશી ખાધું, પીધું ને મજા કરી.

[2] તનીભાઈને પાઠ મળ્યો

તોફાની તનીભાઈનાં પરાક્રમોની વાતોનો તો પાર નથી. તેની દાદીને પૂછો તો કહે કે, ભાઈ, મારો તની તો હનુમાનજીનેય આંટી મારે તેવો છે. તેના તો દહાડાનાં દોઢસો પરાક્રમો ! તનીભાઈને હાથે કાયમ ચળ ઊપડેલી જ હોય ! તની બહાર નીકળે ને જો સરસ મજાનો નાનકડો પથ્થર દેખાય કે તે લઈ જ લે. ને પછી કોઈને ખબર પણ ન પડે તેમ કોઈના બરડે કે કોઈની ટોપી પર ફેંકે ! જો દૂધવાળો સાઈકલ લઈને મસ્તીથી જતો હોય તો તેના દૂધ ભરેલા કેન પર મારે. એક વાર તેનો ભાઈબંધ નવી નવી સાઈકલ લઈને નીકળેલો. તનીએ જરા મોટો પથ્થર ખોળીને લીધો ને દૂરથી ભાઈબંધની સાઈકલ પર ફેંક્યો. તેનો ભાઈબંધ તો ગભરાઈ ગયો ને ફટાક દઈને સાઈકલ છોડી નીચે ઊતરી ગયો ! તેને આવો ડરેલો જોઈ દૂર રહ્યે રહ્યે તનીભાઈ તાળીઓ પાડી હસવા લાગ્યા. તેના ભાઈબંધને બહુ ખરાબ લાગ્યું. કહે, ‘તની ! તારી આ રીત સારી નથી હોં ! કોઈને ગમે ત્યાં વાગી જાય તો ?’…. પણ સાંભળે કોણ ? તનીભાઈ તો એમની તાનમાં બસ ફર્યં કરે ને અટકચાળા કર્યાં કરે.

એક વાર તની દૂર દૂર ફરવા નીકળ્યો. તેની સાથે તેનો ભાઈબંધ પણ હતો. એવામાં તનીએ એક સરસ મજાનો ચળકતો પથ્થર જોયો. પથ્થર જોયો નથી કે તનીએ ઉપાડ્યો નથી. તેનો ભાઈબંધ કહે, ‘તની, પથ્થર લીધો તો ભલે લીધો, પણ કોઈના પર ફેંકીશ નહીં !’ તનીભાઈએ તો કંઈ જવાબ જ ના આપ્યો. થોડી વાર બંને વાતો કરતાં કરતાં ચાલતા રહ્યા. એનો ભાઈબંધ તો તનીના હાથમાં પથ્થર છે એ વાત પણ ભૂલી ગયો. થોડી વારે ભાઈબંધને યાદ આવ્યું એટલે કહે : ‘તની ! મારે તો મારા દાદા માટે વૈદજીને દવાખાનેથી દવા લઈને ઘેર જવાનું છે. હું તો જઉં છું. તારેય આવવું હોય તો આવ.’ તની કહે : ‘ના, હજી હું તો મંદિર જઈશ. તળાવકિનારે ફરીશ. પછી ઘેર જઈશ.’ પેલો ભાઈબંધ તો ગયો તેના કામે. ને તનીભાઈ ચાલ્યા આગળ.

ત્યાં તો દૂરથી એક બસ આવતી દેખાઈ. તનીભાઈ જરા મલકાયા. જેવી બસ નજીક આવી કે તનીએ હાથમાંનો પથ્થર જોરથી બસ પર ફેંક્યો ને પછી ધમધમાવીને દોડી ગયો મંદિરે ! એકાદ કલાક પછી તે ઘેર ગયો. જોયું તો ખુરશીમાં બાપુજી બેઠેલા ! માથે મોટો પાટો ! તની કંઈ બોલે તે પહેલાં જ તેની માએ કહ્યું : ‘તારા બાપુને પથ્થર વાગ્યો છે. કોઈ અવળચંડાએ તેમની બસ પર પથ્થર ફેંક્યો. તે પથરો તારા બાપુજીને આંખ પાસે કપાળ પર વાગ્યો. તે તો સારું થયું કે નજીક જ દવાખાનું હતું. તે બસના મુસાફરો તેમને દવાખાને લઈ ગયા. બાકી એટલું બધું લોહી…..’ ને કહેતાં કહેતાં મા રડી પડી. તનીને બધું સમજાઈ ગયું. તે માને વળગી પડ્યો ને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મા તેને છાનો રાખતાં કહે, ‘તું શું કામ આટલું રડે છે ? તારા બાપુ તો પંદર દિવસમાં સાજા થઈ જશે. ભગવાનની કૃપા કે આંખ બચી ગઈ. બાકી તો…. પણ એ પથરો મારનાર ભાગી ગયો. કોણ હતું તે ખબર ના પડી. બાકી બસના પૅસેન્જરો એટલા ગિન્નાયા હતા કે તેને છોડત નહીં, બરોબરનો ધીબી નાંખત.’ આ સાંભળી તની તો ધ્રૂજવા લાગ્યો ને ફરી ધ્રુસકે ચઢ્યો.

ધીમે રહી તેના બાપુ બોલ્યા : ‘બેટા ! મને લાગે છે કે પથરો તેં જ માર્યો હોવો જોઈએ. મારે બદલે મારી બાજુમાં બેઠેલાં માજીને વાગ્યો હોત ને તો…તો….; ને તે પૂરું બોલી ના શક્યા. તની સડક થઈ ગયો. તેની માએ કહ્યું : ‘બોલ તની ! હવે આવી દુષ્ટતા ક્યારેય કરીશ ?’ તની ફરી રડવા લાગ્યો. આ પછી તેણે ક્યારેય એક નાનો સરખો પથ્થર કોઈ પર ફેંક્યો નથી.

[કુલ પાન : 76. કિંમત રૂ. 40. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “તની અને કનૈયો – શ્રદ્ધા ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.