- ReadGujarati.com - http://www.readgujarati.com -

વાંચનસરિતા – સંકલિત

[1] ધ ગ્રીન થિંગ – ડૉ. પ્રદીપ પંડ્યા

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

આજે પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ આવી ગયો છે અને જ્યાં નથી ત્યાં આવવાનો છે. એક મૉલમાં એક વૃદ્ધ મહિલાએ ખરીદી કરી અને પૈસા આપવા કેશિયર પાસે ગઈ. તે સમયનો સંવાદ છે.
‘બહેનજી, તમારે તમારી પોતાની બેગ લાવવી જોઈએ, કારણ કે પ્લાસ્ટિક બેગ પર્યાવરણ માટે સારી નથી.’
મહિલાએ માફી માગતાં કહ્યું : ‘આવી વસ્તુઓ અમારા જમાનમાં હતી જ નહિ.’
કેશિયરે કહ્યું : ‘એ જ તો મુશ્કેલી છે. તમારા જમાનાના લોકોએ ભવિષ્યનાં પર્યાવરણને સાચવવા પ્રયત્ન કર્યા જ ન હતાં.’

મહિલા સાચી હતી. તે સમયે આવી ગ્રીન થિંગ જેવી વસ્તુ હતી જ નહિ. તે સમયે આપણે દૂધની બોટલો પાછી મુકતા, દૂધવાળો લઈ જતો, તેઓ પાછી પ્લાન્ટમાં મોકલતા અને તેઓ સાફ કરીને તે જ બોટલમાં દૂધ ફરી ભરીને આપતા અને આવું બોટલ તૂટી ન જાય ત્યાં સુધી થતું એટલે તેઓ રિસાઈકલ કરતા અને એટલે આવી ગ્રીન થિંગ જેવી વાત હતી જ નહિ. આપણે દાદર ચઢીને ઉપર જતા, કારણ કે લિફ્ટ હતી જ નહિ. મૉલ હતા નહિ અને એટલે કોઈ પણ દુકાનમાં પહેલે કે બીજે માળે જવું હોય તો ચઢીને જતા કારણ કે લપસતી (એક્સલેટર) સીડીઓ હતી જ નહિ, જેથી 300 હોર્સપાવરની શક્તિ વેડફાતી નહિ. અમારી પાસે ગ્રીન થિંગ જેવી વાત હતી જ નહિ.

તે સમયે આપણે નાનાં બાળકોનાં બળોતિયાં ધોતાં અને ફરી ફરી ઉપયોગમાં લેતાં, તેને ફેંકી દેતાં નહિ. વસ્તુઓ સૂકવતાં અને નહિ કે મશીનમાં નાખીને ધોતાં અને તેમાં જ સૂકવતાં. તે મશીનો 220 વોલ્ટ વીજળી વાપરે છે, જ્યારે આપણાં વસ્ત્રો કુદરતી પવન અને સૂર્યશક્તિથી સૂકાતાં. બાળકો તેમનાં વસ્ત્રો તેમનાં મોટાં થઈ ગયેલાં ભાઈ-બહેનનાં વાપરતાં. તે મહિલા સાચી હતી. તે સમયમાં ગ્રીન થિંગ જેવી વસ્તુ હતી જ નહિ. તે સમયે અમારી પાસે એક જ ટીવી હતું અને નહિ કે દરેક રૂમમાં ટીવી. તે ટીવીનો સ્ક્રીન નાનો હતો. એક રૂમાલ જેટલો અને નહિ કે આજના 42 કે તેના એક રૂમ ભરાઈ જાય તેટલો મોટો. રસોડામાં હાથથી ખાંડતાં અને દળતાં અને નહિ કે ઈલેક્ટ્રિક બ્લેન્ડર વાપરતાં હતાં.

અમારે જ્યારે કોઈ તૂટે એવી વસ્તુ પોસ્ટમાં મોકલવી હોય ત્યારે જૂનું વર્તમાનપત્ર વાપરતાં અને નહિ કે પ્લાસ્ટિકનાં બબલ પૅક. તે સમયે અમે ઘાસ કાપવા માટે મશીનનો ઉપયોગ નહોતા કરતા. પણ હાથથી ચાલે એવી મોટર વાપરતા હતા. અમે કસરત કરતા હતા અને એટલે અમારે હેલ્થ કલબમાં જવું પડતું નહિ, જે ઈલેક્ટ્રિસિટી વાપરે છે. તે મહિલા સાચી હતી. તે સમયે ગ્રીન થિંગ જેવી વસ્તુ હતી નહિ. અમને તરસ લાગે ત્યારે અમે નળમાંથી પાણી પીતા અને નહિ કે એક વખત પીને ફેંકી દેવાના પ્લાસ્ટિકના ગ્લાસમાંથી. અમે પેનમાં સહી ભરતા અને બોલપેનમાં રિફિલ નાખતા હતા. બોલપેન નાખી દેતા ન હતા. અમે રેઝર બ્લેડ નવી નાખતા હતા. આખું રેઝર બ્લેડ નાખી દેતા ન હતા. અમારા સમયમાં ગ્રીન થિંગ જેવી વસ્તુ ન હતી.

તે સમયે લોકો બસ કે ટ્રામનો ઉપયોગ કરતા અને બાળકો સાઈકલ વાપરતાં કે ચાલતાં નિશાળે જતાં. અમારે કૉમ્પ્યુટરરાઈઝડ સાધનોની જરૂર પડતી નહિ અને પિત્ઝા હટ ક્યાં છે તે માટે સેટેલાઈટની મદદ લેતા નહિ. પણ અત્યારે તમે યુવાનો અમને બદનામ કરો છો કે અમે વૃદ્ધ માણસોએ નુકશાન કર્યું છે કે અમારી પાસે ગ્રીન થિંગ નહોતી, પરંતુ હકીકતે જવાબ તમારે આપવાનો છે, અમારે નહિ.
.

[2] સંપદ – ડૉ. વી. એન. જોષી

[‘પંચામૃત’ પુસ્તકમાંથી સાભાર.]

પૈસેટકે સુખી ડોસા ઓસરીમાં પાટ ઉપર બેઠા હતા. તે વખતે ઘરનો નોકર બજારમાંથી એરંડિયું ઘરકામ માટે મંગાવેલું તે લઈને ત્યાંથી ઘરમાં ગયો. જતાં જતાં તપેલીમાંથી એરંડિયાના થોડાં ટીપાં બહાર છલકાઈ ગયાં. ઘરડા ડોસાએ ઊભા થઈ ઓસરીમાં ઢળેલું એરંડિયું આંગળી વતી જોડા ઉપર ઘસ્યું. છોકરાની વહુ શ્રીમંત ઘરની છોકરી હતી. તે આ બધું જોતી હતી. તેના મનમાં થયું કે સસરા તો બહુ કંજૂસ લાગે છે. આટલી ઉંમરે થોડા એરંડિયા માટે ઊભા થઈ ઓસરીમાંથી લૂછીને જોડા ઉપર ઘસવાની શી જરૂર હતી ?

થોડા વખત પછી એક દિવસ છોકરાની વહુ ઘરમાં સૂતી સૂતી પેટ ઉપર હાથ મૂકીને રડવા માંડી. ડોસા ઊઠીને ઘરમાં ગયા ને પૂછવા લાગ્યા કે વહુ બેટા, કેમ રડો છો ? વહુ કહે કે બાપા, મને પેટમાં દુઃખે છે. ડોસા કહે કે તમે કહો તે ડૉક્ટરને બોલાવીએ ને દવા કરાવીએ. વહુ કહે કે બાપા, મારા બાપાને ઘેર મને પેટમાં દુઃખતું ત્યારે મારા બાપા સાચાં મોતી ખલમાં ઘૂંટીને મને તેનું પાણી પાતા તેથી મને મટી જતું. ડોસાએ તરત જ કેડેથી કૂંચીઓ કાઢી કબાટ ખોલી કોથળીમાંથી મૂઠી ભરી સાચાં મોતી કાઢી ખલમાં નાખી પાણી રેડી ઘૂંટવાની શરૂઆત કરવા માંડી કે વહુ કહે બાપા, હવે મને મટી ગયું છે. મોતી બગાડશો નહીં. ડોસાએ મોતી લઈ કોથળીમાં નાખી કબાટમાં મૂકી દીધાં.

વહુ કહે : ‘બાપા, એરંડિયાનાં થોડાં ટીપાં નકામાં ન જાય માટે આટલી ઉંમરે તમે ઊભા થઈને ઓસરીમાં એરંડિયું લૂંછીને આંગળી વતી જોડા ઉપર ઘસ્યું. અને આજે, હજારો રૂપિયાનાં સાચાં મોતી વાટી નાખતાં જરીકે ખચકાયા નહીં, એમ કેમ ?
ડોસા કહે : ‘વહુ બેટા, તું ના સમજી. લેખે લાખ ખરચીએ પણ અલેખે ટીપું કેમ જવા દઈએ ?’
.

[3] એ ભવ્ય ઉદ્દગાર – લલ્લુભાઈ મકનજી

[‘ગાંધીજીના પાવન પ્રસંગો’માંથી સાભાર.]

પ્રજાનો સંપર્ક કેળવવા માટે ગાંધીજીએ આખા રાષ્ટ્રમાં અનેક વાર પ્રવાસો કર્યા હતા. હિંદ છોડી એક વાર તેઓ સિલોનના પ્રવાસે ગયા હતા. તેમની સાથે પ્રવાસમાં કસ્તૂરબા પણ હતાં. તેઓ સિલોનમાં જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં ‘મહાત્માજીકી જય’ના હર્ષનાદોથી લોકોએ તેમને વધાવી લીધા હતા. પણ એક સ્થળે ગાંધીજીની રાહ જોતાં ટોળાંએ ‘માતાજી આવ્યાં, માતાજી આવ્યાં’ એવા પોકારો કર્યા. તેમનો કંઈક એવો ખ્યાલ હતો કે ગાંધીજી સાથે તેમનાં માતુશ્રી પણ આવ્યાં છે. એ ટોળાંને મોખરે એક અંગ્રેજ બાઈ હતી. તે ગાંધીજીની મોટર તરફ ધસી ગઈ અને મોટર પકડી સાથે સાથે થોડું દોડી. તેના આનંદનો પાર ન રહ્યો. ગાંધીજી જેવા મહાપુરુષની જનેતાનાં દર્શન ધરાઈને કરવાનો સંતોષ તેણે જ્યારે મોટર છોડી દીધી ત્યારે વ્યક્ત કર્યો. લોકો જુદા જ ભ્રમમાં હતા તે ગાંધીજી સમજી ગયા. પણ તેઓ ચૂપચાપ બેસી રહ્યા. ‘માતાજી આવ્યાં…’નાં સૂત્રો સાંભળતા જાય અને સ્મિત સાથે લોકોને વંદન કરતા જાય.

ગાંધીજીનું સ્વાગત કરનાર ભાઈ પણ આ ભ્રમમાંથી મુક્ત ન હતા. કસ્તૂરબાની ઓળખાણ પણ તેમણે ગાંધીજીનાં માતુશ્રી તરીકે જ આપી અને મળતી વેળા ગાંધીજીને પૂછ્યું કે, ‘કેમ કસ્તૂરબાને ન લાવ્યા ?’ ગાંધીજી સમજી ગયા કે હવે તો લોકોમાં પ્રસરેલો ભ્રમ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ગાંધીજી પણ ખુલાસો કરવાની રાહ જ જોઈ રહ્યા હતા. સ્વાગતનો જવાબ આપતી વેળા તેમણે એ તક ઝડપી લીધી અને શ્રોતાઓને હસાવવાને બદલે લગ્નજીવનના ઉચ્ચતમ આદર્શ વિશે લોકોને ઊંડો વિચાર કરતા કરી મૂક્યા.

ગાંધીજી બોલ્યા : ‘મારી ઓળખ આપનાર સદગૃહસ્થની થોડી ભૂલ થઈ છે. મારી સાથે મારી માતા નહીં પણ મારી પત્ની આવી છે. કસ્તૂરબાને મારી મા ધારી તેમાં તેમનો દોષ નથી. ભલે એ ભૂલ તેમણે કરી. પણ એક અર્થમાં એ મિત્રનું કહેવું સાચું છે. કારણ કે કેટલાંક વર્ષોથી એ મારી પત્ની મટી ગઈ છે. અને હું તેમને માતાની દષ્ટિએ જ નિહાળતો આવ્યો છું. અમે બંને એ વ્યવસ્થાને સ્વેચ્છાએ સંમત થયાં છીએ…. એનું રહસ્ય સ્ત્રીપુરુષો સમજશે તો બંને સુખી થશે. જીવન ભોગ માટે નથી પણ કર્મ માટે છે.’ લગ્નજીવનમાં સ્ત્રીના અનન્ય સ્થાન વિશે બાપુના કેવા ભવ્ય ઉદ્દગારો ! એવા ભવ્ય ઉદ્દગારો કાઢવાનો અને તે પ્રમાણે જીવન જીવવાને સતત પ્રયત્નશીલ અને જાગ્રત રહેવાનો યશ વિશ્વમાં કેટલાને મળતો હશે ?