નિવૃત્ત થતા શિક્ષકનું ગીત – કિશોર બારોટ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

હૈયાંનાં દફતરમાં કાળજીથી સંઘરું હું કલરવનો કૂણો અજવાસ.
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ

રમવું ને લડવું ને રડવું ને રીસાવું પળભરમાં સઘળું એ ભૂલવું.
ભૂલીને સ્મિતતણી ફેલાવી પાંખડીઓ, તાજા ગુલાબસમું ખૂલવું.
મંદિરમાં નહીં, મેં તો બાળકની આંખોમાં જોયો છે ઈશ્વરનો વાસ.
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ

આંગળીમાં ઉગાડ્યો અક્ષરનો બાગ અને કંઠોમાં ઘડિયાના સૂર
ગાંધી અશોક બુદ્ધ શિવાજી કલાસમહીં પ્રગટેલા હાજરાહજૂર
મોહન-જો-ડેરોમાં ફેરવાશે સઘળું ને થઈ જશે મારો ઈતિહાસ
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ

નીરખી લઉં એક એક ઓરડાને મનભરી સ્પર્શી લઉં બારી ને બારણાં.
ફાગણમાં ફૂલ હોય ડાળી પર એમ, અહીં કણકણમાં લાખો સાંભરણાં
કાળ તણા હાથ વડે વાગ્યો છે બેલ અને બદલાયો જીવતરનો તાસ
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “નિવૃત્ત થતા શિક્ષકનું ગીત – કિશોર બારોટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.