શું કામ લગ્નથી ડરવાનું ? – અવંતિકા ગુણવંત

[‘અખંડ આનંદ’ દીપોત્સવી અંક-ઑક્ટોબર-2011 માંથી સાભાર.]

નિરાગ સંપત્તિવાન, શિક્ષિત, પ્રતિષ્ઠિત કુટુંબનો દીકરો છે. એક પ્રખ્યાત કોર્પૉરેટ કંપનીમાં એ ઊંચા પદ પર નોકરી કરે છે. સ્વભાવે સૌમ્ય અને દેખાવે સોહામણો છે નિરાગ. તેથી સંસ્કારી, સુશિક્ષિત, મોભાદાર કુટુંબની દીકરીઓનાં એના માટે માગાં આવે છે. પણ નિરાગ જરાય રસ લેતો નથી, શાણો અને આજ્ઞાંકિત દીકરો નિરાગ લગ્નની વાત કાને ધરતો જ નથી. માબાપે સૂચવેલા પાત્ર માટે એ જરાય વિચારતો જ નથી. કન્યા માટે એના માબાપે ઉચ્ચારેલા અભિપ્રાયો સાંભળતો જ નથી. એમની શીખામણ પર ધ્યાન જ નથી આપતો.

છેવટે એક દિવસ નિરાગની મમ્મી વિધાત્રી-બહેને પ્રેમથી નિરાગને પૂછ્યું, ‘બેટા, તારા મનમાં કોઈ છોકરી છે ? જો કોઈ છોકરી તને પસંદ હોય તો એને લઈ આવ, હું એને મારા સમગ્ર અસ્તિત્વના પ્રેમથી પોંખીશ. બેટા, આપણે નાતજાત કે ઊંચનીચ કે ગરીબ તવંગરના ભેદભાવમાં માનતા નથી. અરે, જીવનસાથી વિશે જે પ્રચલિત ખ્યાલ છે કે કન્યા ઉંમરમાં મૂરતિયા કરતાં નાની હોવી જોઈએ એવુંય હું માનતી નથી. તારી આંખ અને હૈયું ઠર્યું હોય એ પાત્ર લઈ આવ. દીકરા, તું જરાય સંકોચ ન રાખ, વિલંબ ના કર. હવે વધારે રાહ હું કે તારા પપ્પા જોઈ શકીએ એમ નથી. તારા લગ્ન માટે અમે અધીરાં બન્યાં છીએ.’
નિરાગ ધીમેથી હસ્યો અને બોલ્યો : ‘મમ્મી, હું લગ્ન કરવા માંગતો નથી, માટે મારા લગ્નનાં સ્વપ્નાં જોવાનું બંધ કરો.’

નિરાગ ધીમેથી બોલ્યો હતો પણ એના અવાજમાં એની મક્કમતા વરતાતી હતી. વિધાત્રીબહેનને દીકરાનો આવો આ અંતિમ નિર્ણય ના રુચ્યો. એમણે પ્રેમથી આગ્રહપૂર્વક કહ્યું :
‘દીકરા, નિઃસંકોચ પૂરેપૂરી નિખાલસતાથી તું તારી વાત કરને. લગ્ન કરવાની કેમ તું ના પાડે છે ?’
નિરાગે વિનયથી કહ્યું : ‘મમ્મી, લગ્ન કરવાની મને જરૂર નથી લાગતી.’
દીકરાના મોંએ આ પ્રકારનો ઈન્કાર સાંભળીને વિધાત્રીબહેન ચોંકી ઊઠ્યાં અને બોલ્યાં : ‘બેટા, કોઈ પ્રોબ્લેમ છે ? ડૉક્ટરને બતાવવું છે ? તું સંકોચ ના રાખ. તારી ટ્રીટમેન્ટ પરદેશમાં કરાવીશું. અહીંના સમાજમાં કોઈ જાણશેય નહિ. તું ડર્યા વિના મને કહે.’
વિધાત્રીબહેનનો ચિંતાતુર અવાજ સાંભળીને નિરાગ સહેજ મૂંઝાયો, એણે વિચાર્યું, મમ્મી કેટલી લાગણીશીલ છે. એ કેટલી બધી ચિંતા કરે છે, એને મારા માનસમાં ચાલતાં આંદોલનો કહેવાં જ પડશે. નિરાગ બોલ્યો :
‘મમ્મી, તું ચિંતા કરે છે એવું કંઈ જ નથી, મારે કોઈ પણ નિષ્ણાત ડૉક્ટરની સલાહ કે સારવારની જરૂર નથી. હું તદ્દન નૉર્મલ અને પરફેક્ટ છું…..’
‘તો પછી તું ના શું કામ પાડે છે ? દીકરા, તું અમારો એકનો એક દીકરો છે, આપણો વંશ….’

વિધાત્રીબહેન પૂરું બોલી રહે એ પહેલાં નિરાગ બોલ્યો, ‘મમ્મી, તું આવી પરંપરાગત માન્યતામાંથી બહાર આવ. હું મારો માત્ર મારો-આપણો વિચાર કરું છું. વંશને ચાલુ રાખવાનો નહિ. વંશવેલો ચાલુ રાખવાનો મોહ શું કામ ?’
‘દીકરા, વંશ-વિસ્તારની વાત બાજુએ મૂક, પણ સેંકડો હજારો વર્ષથી દુનિયાના દરેક દેશમાં લગ્નપ્રથા ચાલી આવે છે તેનું કંઈક તો મહત્વ હશે ને ! બેટા, જીવનમાં કોઈ સાથી હોય તો જીવન સાર્થક થાય. ઘર સાચા અર્થમાં સુંદર, મધુર બને. ઘરને તો સ્વર્ગ સાથે સરખાવાય છે. પત્નીને લક્ષ્મી મનાય છે, જેના પગલે પતિનું જીવન સુખ, સમૃદ્ધિ અને સામર્થ્યથી છલકાઈ ઊઠે.’ વિધાત્રીબહેન દીકરાને સમજાવે છે.
‘તારી વાત સાચી છે, મમ્મી. પણ જીવનભરની સાથી એ પત્ની જો વીફરે તો ઘર સ્મશાન થઈ જાય અને એમાં ક્ષણેક્ષણે મારાં આદર્શ, ભાવ, ભાવના ભડભડ બળે અને હું જીવતે જીવત રાખ થઈ જાઉં. મારું જીવન પાયમાલ થઈ જાય.’
‘ઓ બેટા, તું આવું અશુભ, અમંગળ કેમ બોલે છે ? લગ્ન તો પવિત્ર સંસ્કાર ગણાય છે એની હાંસી ના ઉડાવાય.’
‘મમ્મી, તું તારા ભાવવિશ્વમાંથી બહાર આવ, તારા આદર્શનાં ચશ્માં ઉતારીને તું જો, આજે લગ્નને કેટલા જણ પવિત્ર માને છે ? મમ્મી, ઘર તો હવે યુદ્ધક્ષેત્ર બનતું જાય છે. જ્યાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપો, હુંસાતુંસી, વિખવાદ, ઝઘડા થાય છે. ઝઘડાય કોઈ સામાન્ય ઝઘડા નહિ કે જે ઘડી પછી ભૂલી જવાય પણ મહાભારત યુદ્ધ જ જોઈ લો ! મમ્મી, તારે આપણા ઘરને રણમેદાન બનાવવું છે ?’
‘બેટા, એવું કોઈ અણસમજુ અસંસ્કારી દંપતી વચ્ચે થતું હશે, પણ આપણા જેવાના ઘરમાં, અરે પૂરા પરિચય પછી થયેલા લગ્નમાં, એવું ના થાય. તું કોઈ પાત્ર વિશે ઉતાવળો નિર્ણય લઈ લે એવું અમે નથી કહેતાં. તું શાંતિથી એ પાત્રને જાણી લે, સમજી લે પછી નિર્ણય લે, પણ તું લગ્ન કર. ખોટી શંકાકુશંકા ના રાખ.’

‘મમ્મી, તું પરિચયલગ્નની વાત કરે છે તો સાંભળ, હું કહું, મારી સાથે સ્કૂલ કૉલેજમાં ભણતાં યુવકયુવતીઓ પાંચ સાત વર્ષના પરિચય અને પછી પ્રેમની ઘનિષ્ટતા અનુભવીને નિકટ આવેલાં એ જુવાનિય જેઓને અન્યોન્યથી દૂર જવાનું જરાય ગમતું ન હતું, જેઓ ‘આઈ લવ યૂ’ અને ‘આઈ મીસ યુ’, ‘ડાર્લિંગ’ અને ‘હની’ કહેતાં થાકતાં ન હતાં, અરે, કેટલાંકે તો બધી મર્યાદા તોડી નાખી હતી તેઓ લગ્ન પછી ‘આઈ હેઈટ યુ.’, ‘હું તને ધિક્કારું છું’, ‘મારે તારું મોં નથી જોવું’ એવું બોલતાં થઈ ગયાં છે. તેઓ એકબીજા પર ગમે તેવા આક્ષેપો કરે છે, અને રાતદિવસ અન્યોન્યના દિલ વિંધાય એવા તીખા કટાક્ષો કરે છે, કડવા વેણ ઉચ્ચારે છે. એમનાં ઘરમાં પ્રગટેલી હુતાશનીમાં તેઓ શેકાયા કરે છે. મમ્મી, તું અત્યારે લોકઅદાલતમાં જુએ તો ખબર પડે કે કેવાં રૂડાંરૂપાળાં લગ્નો છૂટાછેડામાં પરિણમે છે. દિવસે દિવસે છૂટાછેડાની સંખ્યા વધતી જ જાય છે.’
‘બેટા, મનુષ્યનો સ્વભાવ જ એવો છે, જ્યાં સુધી એને કોઈની જોડે સારાસારી હોય ત્યાં સુધી એ વ્યક્તિ એને અતિ પ્રિય હોય છે. પણ જરા વાંકું પડ્યું એટલે એ જ પ્રિયતમ વ્યક્તિનાં બધાં જ કામમાં એને ખોટ દેખાય છે અને એ પ્રિય વ્યક્તિ એને દુશ્મન લાગવા માંડે છે. એક વાર તદ્રુપ થઈને જીવનાર બે વ્યક્તિઓ એકબીજાની દુશ્મન બની જાય છે. એમના લગ્નઉત્સવમાં 500 થી 1000 આમંત્રિતોને 600-700 રૂપિયાની થાળી પ્રેમથી જમાડી હોય, ડેકોરેટરને મંડપના સુશોભન માટે બે-પાંચ-સાત લાખ રૂપિયા આપ્યા હોય, અરે 100-200નું એક નંગ એવી કંકોત્રી છપાવી હોય. ફોટો અને વિડિયો શૂટિંગમાં હજારો રૂપિયા ખર્ચ્યા હોય, બેસુમાર દારૂખાનું ફોડ્યું હોય તેઓ એમના રોજિંદા જીવનમાંય બૉમ્બ ફોડે છે. જીવન એક તમાશો બની જાય છે, એમના ઘરનાં તો ખરાં જ પણ એમના પાડોશીઓય ત્રાસી જાય છે.’

‘મમ્મી, આવું બધું તું જાણે છે છતાંય મને એ તમાશામાં સામેલ થવાનું કહે છે ? મમ્મી, તને પેલો બંકિમ યાદ છે ? જે મારી સાથે ભણતો હતો, તેણે એની વહુના ત્રાસથી આપઘાત કરવા પ્રયત્ન કર્યો, પણ બચી ગયો. અત્યારે સાઈકાટ્રીસ્ટની ટ્રીટમેન્ટ ચાલુ છે. એની જૉબ પણ જતી રહી છે, અત્યારે તો એનાં માબાપ એને સાચવે છે પણ પછી શું ? લગ્નની નિષ્ફળતાના આઘાતમાં એના મગજનું બેલેન્સ એ ગુમાવી બેઠો છે. અને પેલો વિજય ઈન્ડિયા છોડી એકલો પરદેશ ભાગી ગયો છે. એનાં બે બાળકો અને એની વાઈફ શ્રુતિ અહીં ભારતમાં છે. પતિપત્ની વચ્ચે કોઈ કોન્ટેક નથી. બેમાંથી કોણે કોને છેતર્યા એ સવાલ છે. પણ આજે બેઉ વચ્ચે ધિક્કાર છે.’
‘બેટા, આજની પેઢીમાં ધૈર્ય, ઉદારતા, સમતા, સમજદારી, સંયમ રહ્યાં નથી તેથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. બાકી દરેક ધર્મમાં લગ્નને ટકાવવાનો જ ઉપદેશ છે. આપણી સંસ્કૃતિ લગ્નને એક પવિત્ર બંધન માને છે. ઈસ્લામધર્મી લગ્નને એક કરાર ગણે છે, અને દંપતીને લગ્નને ચુસ્તપણે વળગી રહેવાનો આદેશ આપે છે. ખ્રિસ્તીઓમાં તેઓ જ્યારે લગ્ન કરે છે ત્યારે પતિ પત્ની બંને જણ પ્રતિજ્ઞા લે છે કે મૃત્યુપર્યંત તારાથી અલગ નહિ થાઉં – એમના ધર્મમાંય છૂટાછેડાને ના છૂટકે લેવાતો વિકલ્પ ગણાવાયો છે.’
‘મમ્મી, તેં જે કહ્યું એ બધું માત્ર કાગળ પર સચવાયેલું છે. અત્યારે તો કોઈ રાહ જોવામાં સમય વેડફતું નથી. જો આજે અત્યારે નથી ફાવતું તો કાલે બધું સુધરી જશે અને ફાવશે એવા આશાવાદમાં કોઈ રાચતું નથી, તેઓ વધારે કડવાશ ઘૂંટાય એના કરતાં લગ્નનો અંત લાવવામાં શાણપણ સમજે છે અને બીજા પાત્ર સાથે નવજીવનનો આરંભ કરી દે છે. તેઓ ભૂતકાળને યાદ નથી રાખતાં.’
‘તારી વાત સાચી છે, દીકરા. ખરેખર તો પ્રેમના સંબંધો નિભાવવા માટે તમારે સતત તેમાં પોતાનાં સમય, ઊર્જા અને ભાવના સિંચતા રહેવું પડે છે. સતત પ્રેમની ખાતરી આપવી પડે છે, નહિ તો હૃદયમાં પ્રેમ હોવા છતાં અનેક સંબંધો ગેરસમજના કારણે તૂટી જાય છે. આધુનિક જીવનની આંધળી દોડધામમાં લાગણીઓ બરાબર સચવાતી નથી, અપેક્ષાઓ સંતોષાય નહિ એટલે અસંતોષ ઉદ્દભવે અને પછી ઝઘડા શરૂ…. કોઈ કોઈનું સાંભળે જ નહિ.’
‘મમ્મી, એટલે જ હું પરણવા નથી માગતો. લગ્ન વગર હું સુખશાંતિથી જીવી શકીશ એટલો મને વિશ્વાસ છે. મારું સુખ મારા હાથમાં છે. હું મારાં સુખનાં સૂત્રો બીજાને સોંપવા નથી માગતો.’

‘નિરાગ, દામ્પત્યજીવન સુખમય નહિ વીતે અને ઝઘડા થશે એવો ડર ના રખાય. દરેકના જીવનમાં લગ્ન નિષ્ફળ નથી જતાં. જે રીતે તું તારી જૉબમાં ધ્યાન આપે છે, જરાય બેદરકાર નથી રહેતો તેવી રીતે લગ્નજીવનનીય પૂરી કાળજી રાખવાની. એક મનોવૈજ્ઞાનિકની જેમ તારી જીવનસંગિનીના સ્વભાવ, આશા, અપેક્ષાને સમજવાનાં અને નાજુકાઈથી એને સાચવવાની, તો કોઈ વાંધો ન આવે. તારા પ્રેમની તારી જીવનસંગિનીને ખાતરી કરાવવાની. દીકરા, લગ્નસંબંધ એક જીવંત અને અનોખો સંબંધ છે, જેની હરઘડી માવજત કરવી પડે. અહીં તમારી જીદ, આગ્રહ કે કોઈ પૂર્વગ્રહ ના ચાલે. બંને વ્યક્તિઓએ સ્થિતિસ્થાપક થઈને જીવવું પડે છે, ત્યાં કોણે કેટલું છોડ્યું અને કેટલું મેળવ્યું એનો હિસાબ ના મુકાય. તમારું લક્ષ્ય દામ્પત્યજીવનને સમૃદ્ધ કરવાનું હોવું જોઈએ. લગ્ન કરીને વ્યક્તિ કશુંક છોડે છે તો કશુંક મેળવેય છે, અને જે મેળવે છે તે અદ્દભુત હોય છે – વિજાતીય સંબંધની તાજગી, નાવીન્ય અને રોમાંચનું મૂલ્ય ઓછું ના અંકાય. ઉંમર થાય એટલે દરેક વ્યક્તિને વિજાતીય સંબંધની ઈચ્છા જાગે છે. અને એ બધું સ્વાભાવિક છે. માણસને ઈશ્વરે આપેલી જે સાહજિક વૃત્તિઓ છે એને દબાવવાથી ક્યાંક ને ક્યાંક વિકૃતિ આવી જાય, માટે લાગણી અને વૃત્તિઓનો વિવેકપૂર્વક સ્વીકાર કરવાનો હોય.’

નિરાગ બોલ્યો, ‘મમ્મી, આપણી સંસ્કૃતિમાં બ્રહ્મચર્યને શ્રેષ્ઠ માન્યું છે. આપણા ઋષિમુનિઓને તું જો, એમની સિદ્ધિ તું જો…. હું એ રસ્તે જાઉં તો તને શું વાંધો છે ?’
‘દીકરા, ઋષિમુનિઓની સાથે તું તારી સરખામણી ના કર. તેઓ બ્રહ્મચર્ય પાળે છે કોઈ ઊંચા ઉદ્દેશથી. તેઓ સંસાર નથી માંડતા પણ તેઓ સંસારથી ડરતા નથી. તેઓ મોહ, આસક્તિને ત્યાગીને, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર પર વિજય મેળવીને આત્મા અને ઈન્દ્રિયો પર પણ વિજય મેળવે છે. અને તેઓ સંસારમાંથી દુઃખ ઓછું કરવા માગે છે. તેઓ કલ્યાણનો માર્ગ શોધે છે. જ્યારે તારામાં એવા કોઈ ઊંચા આદર્શ નથી. તું કોઈ બીજા પાત્ર સાથે જીવન જોડતાં ડરે છે. શું કામ બેટા, આવો ડર ? ઈશ્વર જન્મ આપે છે ત્યારે બાળક જાણતું નથી કે કોણ એનાં માબાપ હશે, કેવાં માબાપ હશે, પણ એ બાળક કેવી સરળતા અને સ્વાભાવિકતાથી એને મળેલા જીવનમાં ગોઠવાઈ જાય છે. બેટા, તું ઈશ્વરે આપેલી એ સરળતાને તર્કવિતર્કની ભુલભુલામણીમાં ખોઈ ના બેસીશ. તું શ્રદ્ધા રાખ, તારી જાતમાં શ્રદ્ધા રાખ અને લગ્ન કર. મનમાં એક નિર્ધાર કર કે જીવનમાં આવનાર પાત્રને સુખી કરીશ… એમ કરીશ તો તું જરૂર સુખી થઈશ, બેટા. તું સુખી અને તારો સંસાર સુખી તો અમે તારાં માબાપ પણ સુખી.’

માની વાત માનીને નિરાગે કન્યા જોવાનું ચાલુ કરી દીધું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

31 thoughts on “શું કામ લગ્નથી ડરવાનું ? – અવંતિકા ગુણવંત”

Copy Protected by Chetan's WP-Copyprotect.