વેદામૃત – વિનોબા

[ વેદો એ આપણા જીવનનું ‘Users Manual’ છે. એક ભ્રમ એવો છે કે વેદો માત્ર પૂજા કરવાને લાયક ધર્મગ્રંથો છે. હકીકતે એમ નથી. એ તો આપણા રોજિંદા જીવનની અત્યંત નિક્ટ છે. વેદોમાં ઉપાસના ઉપરાંત સમાજ વ્યવસ્થા, આરોગ્ય-ચિંતન, કુટુંબભાવ વગેરે વિષયો પર અનેક બાબતો પ્રકાશિત થઈ છે. અહીં ઋષિ વિનોબાજી વેદોના સારરૂપ કેટલાક મંત્રો વિશે અત્યંત સરળ ભાષામાં કેટલીક વાતો રજૂ કરી છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘વેદામૃત’માંથી આ મંત્રો સાભાર લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]

[1] दक्षिणावान ग्रामणीरग्रमेति ।

दक्षिणा – દાન મનુષ્યનું નિત્ય કર્તવ્ય છે. નિત્ય દાનથી સમ્યક વિભાજન થાય છે. જ્યારે દિલ ખોલીને દાન થાય છે, ત્યારે દેનારાના ચિત્તની ઉન્નતિ થાય છે. ભગવાને દરેકને કાંઈક ને કાંઈક આપી રાખ્યું છે. એ કરુણામય કોઈને આપ્યા વગર રહેતો નથી. કોઈની પાસે શ્રમશક્તિ છે, તો કોઈની પાસે બુદ્ધિ, સંપત્તિ, જમીન ! ભગવાને આ રીતના દાનને વિવિધતા માટે રાખ્યું છે. એ વિવિધતામાં વિસંવાદ ન થવો જોઈએ. એટલે દરેકે પોતાની પાસે જે કાંઈ છે, ભગવાને જે કાંઈ દાન આપ્યું છે, તે સમાજને આપી દેવું જોઈએ. દક્ષિણા માલિકી વિસર્જનનું પ્રતીક છે. દક્ષિણા એટલે મારા ખેતરનો માલિક હું નથી, આ ભાવ. સ્વામીત્વ-નિરસનના પ્રતીક રૂપે દર વર્ષે કાંઈક અપાતાં રહેવું.

दक्षिणा – દાન કેવી રીતે અપાય ? રૂપિયાને હમેશાં ધોઈને દાનમાં અપાય છે. રૂપિયો સૂકો છે. કોરો છે. એનામાં દ્રવ એટલે આર્દ્રતા, ભીનાશ (દ્રવરૂપી ભાવનાથી) પલાળવો પડે છે. દક્ષિણા કેટલી આપી એવો પ્રશ્ન નથી ઊઠતો. મહત્વની વાત આ છે કે એમાં આર્દ્રતા છે કે નહીં. દાન એક પવિત્ર ક્રિયા છે, પરંતુ એની સાથે જેટલો ઊંચો ઉદ્દેશ જોડાશે, તેટલું જ ઊંચું પરિણામ આવશે. દાન એટલે ફેંકી દેવાનું નથી, બલ્કે વાવવાનું છે. (જે ઉદારતાપૂર્વક દાનમાં દક્ષિણા આપે છે, કેવળ એ જ ગ્રામવાસીઓનો વિશ્વાસપાત્ર હોય છે. એ જ લોકોનો પ્રેમ, આદર પ્રાપ્ત કરે છે. લોકો સહેજે એનું માન કરે છે અને એને પોતાનો નેતા – ग्रामणी માનવા લાગે છે.)

[2] दमेदमे सप्त रत्नाः दधानः अग्निर्होता नि षसादा यजीयान ।

दम એટલે ઈન્દ્રિયોનું દમન કરવું, સંયમ કરવું. આ મંત્રમાં दम એટલે ઘર છે. ઘરમાં પરિવારજનો સૌ સભ્યો સાથે રહે છે, ત્યારે દરેક જણ સહજ સંયમ અને વિવેકપૂર્વક રહે છે. ઋષિ કહે છે કે दमे दमे सप्त रत्नाः – એટલે કે દરેક ઘરમાં સાત રત્નો હોય. (1) સારું ભરપેટ જમવાનું (2) સારાં કપડાં, હકીકતે એવું છે કે સારું ખાવાનું ન મળે તો એકાદ વાર નભી જાય, પરંતુ માણસને કપડાં તો જોઈએ જ કારણ કે એમાં સંસ્કૃતિનો વિચાર છે. (3) સારું આંગણવાળું ઘર. (4) સારી તાલીમ. જ્ઞાનનાં સાધનો જોઈએ. પુસ્તકો, ગ્રંથાલય, શિક્ષક, પ્રયોગશાળા જેવાં તમામ જ્ઞાનનાં સાધન જોઈએ. (5) દવા-આરોગ્યની સારી વ્યવસ્થા. (6) કામ કરવાને સારાં સાધનો અને (7) મનોરંજનનાં સારાં સાધન – આ સાત ચીજો મેળવવા માટે આપણે આપણા વિજ્ઞાનનો પણ ઉપયોગ કરવો જોઈએ. આ સાત રત્નો જ્યારે ઘેરેઘેર વહેંચાશે, ત્યારે ગ્રામ-સ્વરાજ્યની સ્થાપના થશે.

આટલી પાયાની જરૂરિયાતો તો સ્થાનિકરૂપે પૂરી પાડી દેવાય ત્યાર બાદ સગવડ મુજબ આખી દુનિયામાં ભલેને જાતજાતની વસ્તુઓનું ઉત્પાદન થાય. એક વાત પાક્કી છે કે એક વિશ્વની વ્યવસ્થા પણ આવાં સ્વાવલંબી એકમોથી જ નભાવી શકાશે. અને આવી વિકેન્દ્રિત વ્યવસ્થા જ અહિંસક રહી શકશે. આ બધા વિચારો નવા તો નથી, પરંતુ આ વિચારોના પ્રત્યક્ષ અમલની જરૂરિયાત ઉત્તરોત્તર તીવ્રતાપૂર્વક લાગવા માંડી છે. (ઘરઘરમાં સાત પ્રકારનાં રત્નો દેનારા, દેવોને આવાહન કરનારા, પરમ પૂજ્ય યજ્ઞાર્હ અગ્નિ વિરાજમાન થયા છે.)

[3] अहं राष्ट्री संगमनी वसूनां चिकितुषी प्रथमा यज्ञियानाम

એક યુગમાં સ્ત્રીઓને પૂર્ણ સ્વાતંત્ર્ય હતું. જે રીતે પુરુષો બ્રહ્મવાદી થઈ ગયા, એ જ રીતે સ્ત્રીઓ પણ બ્રહ્મવાદિની થઈ ગઈ. વેદોમાં સ્ત્રીઓનાં કેટલાંક સૂક્તો પણ આવે છે. એ જમાનામાં સ્ત્રીઓને વેદાભ્યાસનો અધિકાર હતો. ઋગ્વેદમાં અનેક સ્ત્રી-દેવત છે અને અનેક સ્ત્રીઓ ઋષિ પણ છે. સ્ત્રી ઋષિઓમાં અંભૃણી ઋષિની કન્યા વાગાંભૃણી શ્રેષ્ઠ છે. વાક એટલે વાણી. એ વાગાંભૃણીનું આ સૂક્ત છે. દશ હજાર વર્ષોથી મશહૂર એવું આ સૂક્ત છે. એ ઋષિ બ્રહ્મચારિણી હતી. વાગાંભૃણી પરમેશ્વર સાથે એટલી એકરૂપ થઈ ગઈ હતી કે ઈશ્વરનું ગૌરવ કરતાં એ કહે છે કે પરમેશ્વરની કૃતિ મારી જ કૃતિ છે. એ પોતાને રાષ્ટ્રદેવતા માને છે. પોતાનામાં સમસ્ત રાષ્ટ્રનો સમાવેશ કરીને ‘કુલ વિશ્વ હું છું’ – આવી વ્યાપક ભાવના રાખીને બોલી રહી છે. એ કહે છે કે હું સર્વવ્યાપી છું.

આ વેદવાણી પણ એ જમાનાની લોકભાષામાં એટલે કે વૈદિક સંસ્કૃતમાં પ્રગટ થઈ. अहं राष्ट्री संगमनी वसूनाम – હું છું રાષ્ટ્રદેવતા, આખા રાષ્ટ્રની વાણી. સૌના સૌજન્યનું, માંગલ્યનું સંગમ કરનારી – संगमनी । वसु એટલે ભલાઈ. દુનિયાભરમાં જે કાંઈ સૌજન્ય ફેલાયેલું છે, તે મેં ફેલાવ્યું છે. વૈદિક ઋષિ લોકભાષામાં ન ગાતા હોત તો अहं राष्ट्री આવો દાવો ન કરી શકત. ત્યાર બાદ શંકરાચાર્યાદિનાં ભાષ્યોમાં આપણે જે વિચારો જોઈએ છીએ – ‘તમામ વિશ્વો આપણામાં સંનિહિત છે, આપણે વિશ્વવ્યાપક છીએ, એક દેહમાં સીમિત નથી, બધા દેહોમાં આપણે જ છીએ !’ વગેરે અદ્વૈતવિચારનું દર્શન વાગાંભૃણીના આ સૂક્તમાં થાય છે. તાત્પર્ય એ કે સ્ત્રીશક્તિ માટે ભારતમાતા અનુકૂળ છે. એટલે આજના સ્ત્રી-સમાજમાં પણ આવી શક્તિ નિર્માણ થશે, એવી અપેક્ષા મેં રાખી છે. હિંદુધર્મનું મને જેટલું જ્ઞાન છે તે પરથી તો અગાઉ સ્ત્રીઓની ભારે ઈજ્જત હતી અને એને વધારે અધિકારો અપાયા હતા. એને પૂર્ણ સ્વાતંત્ર્ય હતું. લગ્ન ન કરવાનો અધિકાર જેટલો પુરુષને હતો, તેટલો જ સ્ત્રીઓને પણ હતો.

આજે પ્રાચીન કાળની સ્ત્રીઓ જેવી સ્ત્રીઓ સ્વપ્નવત થઈ ગઈ છે. આજે કોઈ સ્ત્રીનો પ્રભાવ સમાજ પર પડતો હોય એવું દેખાતું નથી. આજે એમનું સ્વતંત્ર વ્યક્તિત્વ જ નથી રહ્યું. આજે એ સ્વતંત્રરૂપે જીવતી જ નથી. એટલે પછી ફલાણાની પત્ની કે બહેનના નાતે જ એની ઓળખાણ અપાય છે. એને થોડી ઘણી સુખ-સગવડો અપાય છે. નિશાળોમાં શિક્ષિકા બને છે કે દફતરોમાં કામ કરે છે. કાનૂન દ્વારા હવે પુત્રીને દીકરીને દીકરા જેટલો હક્ક મળ્યો છે. પુરુષો સાથે સમાનતાપૂર્વક કામ કરી શકે છે. સિગરેટ પી શકે છે, હાથમાં બંદૂક પણ ઉઠાવી શકે છે. મતદાનનો અધિકાર પણ એમને મળ્યો છે. પરંતુ આટલા બધા અધિકારો ભલે એમને મળી ગયા હોય, તોય એનાથી એમનો ઉદ્ધાર થવાનો નથી. એમનો ઉદ્ધાર તો ત્યારે થશે, જ્યારે એ આધ્યાત્મિક અધિકારો પ્રાપ્ત કરશે.

[4] शतं जीव शरदो वर्धमानः शतं हेमंताच्छतमु वसंतान

વૈદિક સંસ્કૃતિમાં સો વર્ષ જીવવાની વાત આવે છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ કહ્યું છે – कुर्वन एव इह कर्माणी जिज़ीविषेत शतं समाः – કર્મ કરતાં કરતાં સો વર્ષ જીવવાની ઈચ્છા રાખીએ. પરંતુ વ્યર્થ જીવવાની નહીં, સાર્થ જીવવાની. સાર્થ જીવન એટલે નિરંતર સેવાકાર્ય કરતાં કરતાં જીવવું.

પરંતુ વેદોમાં જે આશીર્વાદ આપ્યા છે, તેમાં બીજી એક વાત છે. वर्धमानः । ફક્ત આટલું જ નહીં, ‘नित्य वर्धमानः’ કહ્યું છે. તમારી હિંમત, શક્તિ વધતી રહે. ચિત્તવૃત્તિઓ વિકસતી રહે, ચિંતનશક્તિ પાંગરી રહી છે, આવી સ્થિતિમાં સો વર્ષ જીવીએ. શારીરિક આયુષ્ય તો સૌનું વધે છે, પરંતુ એટલાથી સૌને ‘વર્ધમાન’ નહીં કહી શકાય. જેના આત્માનું આયખું વધે છે એ જ ‘વર્ધમાન’ છે. મનુષ્યનું બીજ છે એની બુદ્ધિ, આત્મસ્મૃતિ. એ ઉત્તરોત્તર મજબૂત થવી જોઈએ. અંદરનું ઉત્તરોત્તર પ્રખર, તીક્ષ્ણ થતું જાય અને બહારનું ઉત્તરોત્તર જીર્ણશીર્ણ થતું જાય. વર્ધમાન માણસ મરે છે તો એકદમ ઊંચે ચઢે છે. આવા માણસો દેહની બહાર રહીને પણ જ્ઞાન આપી શકે છે. જૈનોએ મહાવીરને ‘વર્ધમાન’ નામ આપ્યું. વર્ધમાન એટલે નિત્ય વધનારા. આજના કાલે નહીં, રોજેરોજ વિકસનારા. ચિત્તનો વિકાસ, ગુણોનો વિકાસ રોજ થઈ રહ્યો છે, આવી મહાવીરની સ્થિતિ હતી. વેદોમાં આમ પણ કહ્યું છે, भूयश्च शरदः शतम અને अ-दीनाः स्याम शरदः शतम । દીન ન થતાં સો વર્ષ જીવીએ. મહાભારતમાં પણ સૌથી વધારે આયુષ્ય બતાવ્યું છે. ઉપનિષદમાં આવે છે – स ह षोडशं वर्षशतं अजीवत – જે આ રીતે વિચારશે, તે 116 વર્ષ જીવશે.

[5] आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः

આખી દુનિયામાંથી ભદ્ર વિચાર, ભદ્ર સંકલ્પ, આપણે ત્યાં આવે. વેદ ભગવાનની આજ્ઞા છે કે આખા વિશ્વમાંથી મંગળ વિચારો આપણી પાસે આવે. આપણે એ સૌ વિચારોને આવકારીએ છીએ. આ વિચાર સ્વદેશી છે કે પરદેશી, પુરાણો છે કે નવો, આવું કશું ન જોતાં એ યોગ્ય છે કે નહીં એટલું જ વિચારીશું. યોગ્ય હોય તો પછી ભલે તે ગમે ત્યાંનો હોય, એ સ્વીકારાશે. પરંતુ જે વિચારો આપણી પાસે છે, અહીંનું જે વિકસિત શાસ્ત્ર છે, એને પણ પારખવાનું છે. અહીંનું હોય છે, તે અહીંની પરિસ્થિતિ અને ચારિત્ર્ય માટે અનુકૂળ હોય છે એટલા માટે આ જરૂરી છે. કોઈ વેપારી પોતાની જૂની મૂડી પર જ આધાર રાખશે તો એનો વેપાર વધશે નહીં, અને પુરાણી મૂડીનો અનાદર કરશે તો પણ વેપાર નહીં ચાલે. એ જ રીતે કોઈ દેશ પોતાની પુરાણી સંસ્કૃતિમાંથી મળેલાં મૂલ્યોની અવગણના કરશે તો એની પ્રગતિ નહીં થાય. એમાંથી ઉત્તમ અંશો સારી રીતે સંઘરવા પડશે, એમાં નવા સદઅંશ જોડવા પડશે. માનવજાતિને જે નવા સારા વિચારો સૂઝતા જશે એનો મોકળા મને સ્વીકાર કરવો જોઈએ. આ રીતે ચાળતાં રહેવાની પ્રક્રિયા સતત ચાલવી જોઈએ.

[6] इष्कृतिर नाम वो माता अथो यूयं स्थ निष्कृतीः । सीराः पतत्रिणीः स्थन यदामयति निष्कृथ ।।

ઋષિ કહે છે કે – ‘હે ઔષધિઓ ! ‘इष्कृति’ એટલે કે પ્રકૃતિ તમારી માતા છે. તમે તો રોગોને સારા કરનારી માત્ર ‘निष्कृति’ છો.’ આ મંત્રમાં ઔષધ અને પ્રકૃતિને સરખાવ્યાં છે. હકીકતે તો પ્રકૃતિ જ આરોગ્ય દેનારી શક્તિ છે. જે કાંઈક કરવાની છે તે ‘इष्कृति’ એટલે કે પ્રકૃતિ જ છે. એ ‘પ્રિવેંટીવ’-પ્રતિબંધક ઈલાજ છે. પ્રકૃતિમાંથી બધાં ઔષધો પણ બને છે અને પ્રકૃતિમાંથી માણસનું શરીર પણ બને છે. પ્રકૃતિ એ ભગવાનની એક વ્યક્ત શક્તિ છે. ‘निष्कृति’ એટલે કે ઔષધો ખૂબ થોડું કામ કરે છે. માંદગી આવે ત્યારે રોગને હટાવવામાં-ક્યુઅર-સાજા કરવામાં થોડીક મદદ કરે છે.

પહેલાં તો ઈષ્કૃતિ હોવી જોઈએ. રોગ જ ન થાય, શરીર નિરોગી કેવી રીતે રહે એનો જ મુખ્ય પ્રયત્ન થવો જોઈએ. રોગીઓ પર દવાઓનો જે મારો કરાય છે, તે ન થવો જોઈએ. ગામોમાં જે જડીબુટ્ટી હોય છે, તેમનો તાજો રસ લેવો જોઈએ. તો રોગ જ પેદા નહીં થાય. એક ડૉક્ટરે લખ્યું છે – ‘વી પુટ મેડિસિન ઑફ વિચ વી નો લિટલ, ઈન દ બૉડી ઑફ વિચ વી નો લેસ’ – જેના અંગે આપણને થોડીક જ જાણકારી છે તેવી દવા આપણે એવા શરીરમાં રેડીએ છીએ, જેના અંગે આપણને દવા કરતાં પણ ઓછી જાણકારી હોય છે. ઈષ્કૃતિનું, પ્રકૃતિનું ઉત્તમ જ્ઞાન ગામેગામ આપવું જોઈએ. હવા ઉત્તમ રહે, દૂષિત ન થાય એનો પ્રયત્ન થવો જોઈએ. લોકોને સંયમશીલ જીવન અને કુદરતી ઉપચાર શીખવવા જોઈએ. ઈષ્કૃતિનો આટલો વિચાર કર્યા પછી જો માંદગી આવે તો પછી નિષ્કૃતિ અને પ્રાર્થના. આપણે આ વાત ભૂલવી ન જોઈએ કે પરમેશ્વરની યોજનામાં એ દરેકને પૂરી રીતે પગભર બનાવી દે છે. જ્ઞાનનાં સાધન એણે દરેકને આપ્યાં છે, દરેકને અન્ન પચાવવાની શક્તિ આપી છે. દરેકને પરિપૂર્ણ શરીર આપ્યું છે. પ્રત્યેક માટે હવા-પાણી હાજર છે. તો પછી રોગનો ઈલાજ શી રીતે કરવો એનો રસ્તો પણ દરેકને આપ્યો હોવો જ જોઈએ. આજકાલ તો શરીરને થોડુંક અમથું કાંઈક થયું તો આપણે તરત એને દાક્તરના હાથમાં સોંપી દઈએ છીએ. એમાં સ્વતંત્રતા નથી રહી. આપણા શરીરના ભોમિયા આપણે જ બનવું જોઈએ. કુદરતી સારવાર એવી ચીજ છે, જેમાં આત્મા ઉપર ઊઠે છે. અહિંસાના વિકાસ માટે, આત્મવિદ્યા માટે અને સમાજના ઉત્થાન માટે એ ખૂબ જરૂરી છે. પરંતુ આજે આ નથી થઈ રહ્યું.

વનસ્પતિઓનો પણ ખૂબ આધાર લેવાની જરૂર ન રહેવી જોઈએ. માટીનો, પાણીનો ઉપચાર પણ થઈ શકે છે. વેદોમાં આવી રીતે સૃષ્ટિ દેવતાની ઉપાસના અનેક રીતે દર્શાવી છે. રોગોના ઈલાજમાં પાણીનો, સૂર્યકિરણોનો કેટલો ઉપયોગ છે, આ બધું વેદોમાં ભર્યું પડ્યું છે. આપણે થોડું પણ વિચારીએ તો ધ્યાનમાં આવશે કે આપણું આખું શરીર જ બ્રહ્માંડનું બનેલું છે. ત્યાં સુધી કે બહાર ભૂમિમાં જે સોના-લોઢાની ખાણો છે, તે પણ આપણા શરીરમાં છે. એટલે કે આપણા રક્ત વગેરેમાં જે ધાતુ હોય છે, તેમાં લોખંડ-તાંબું પણ છે અને સુવર્ણ પણ છે. શરીર જ જ્યારે બ્રહ્માંડનું બનેલું છે તો પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ આ બધી ચીજોનો ઉપયોગ ખૂબીપૂર્વક ડર્યા વગર, પ્રેમથી કરીએ તો ઘણાખરા રોગો મટાડી શકાય છે.

[કુલ પાન : 104. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન, હિંગલાજ માતાની વાડીમાં, હુજરાતપાગા, વડોદરા-390001. ફોન : +91 265 2437957.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous શું કામ લગ્નથી ડરવાનું ? – અવંતિકા ગુણવંત
છતાંય, જો બાળકોને અંગ્રેજીમાં ભણાવવાં છે તો… – મુકેશ મોદી Next »   

5 પ્રતિભાવો : વેદામૃત – વિનોબા

 1. shruti maru says:

  ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ કહ્યું છે – कुर्वन एव इह कर्माणी जिज़ीविषेत शतं समाः – કર્મ કરતાં કરતાં સો વર્ષ જીવવાની ઈચ્છા રાખીએ. પરંતુ વ્યર્થ જીવવાની નહીં, સાર્થ જીવવાની. સાર્થ જીવન એટલે નિરંતર સેવાકાર્ય કરતાં કરતાં જીવવું.

  ખુબ સરસ

 2. આટ્લો સરસ લેખ વાચિને ઘણોજ આનન્દ થયો,લખનાર ને તથા અહિયા આપનાર્ ને ઘનાજ ધન્ય્વાદ્

  • shirish dave says:

   શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટ ભૂમિપુત્રના પાક્ષિકમાં દરેક વખતે વિનોબા ભાવેના સંકલિત લેખો પ્રકાશિત કરે છે. બહુ સુંદર રીતે ચયન કરે છે.

 3. હજારો સંપ્રદાયોમાં વ્હેંચાયેલા, માત્ર બાહ્યાચાર, દંભ અને અંધશ્રધ્ધાને આશ્રય આપતા ધર્મને આજે રીવર્સ ગિયરમાં લઈ જવાની તાતી જરુર છે…. જે વૈદિક-કાળ તરફ લઈ જાય છે. સ્વામી દયાનંદ સરસ્વતી નામનાં ગુજરાતનાં મહાપુરુષે એ ભગીરથ કાર્યનો આરંભ કરેલો. તેમનાં આ યજ્ઞનાં કારણે ભારતનાં ઉતર-પશ્ચિમ તરફનાં રાજ્યોની સરહદો ને પાકિસ્તાનમાં જતાં બચાવી શકાઈ હતી. વૈદિક યુગની સમાપ્તિ બાદ પૌરાણિક યુગમાં શાસકોએ ધર્મ દ્વારા પ્રજાને કાબુમાં રાખવા આચાર્યો પાસે પુરાણોની રચનાઓ કરાવી અને પ્રજાને ભીરુ બનાવી…..એટલું જ નહી, તેને લાંબા સમય સુધી શાસનાધિન રાખી શકાય તે માટે જાતિ અને વર્ણ-વ્યવસ્થામાં વિખેરી નંખાઈ. જે આગળ જતાં વિદેશીઓ દ્વારા હજારો વર્ષની ગુલામી નું મોટુ કારણ બની. આ ઊપરાંત પણ અનેક નબળાઈઓનું ધીમું ઝેર પ્રજાને પીવડાવવામાં આવ્યું અને જે આજે પણ આપણી પ્રજામાં કે ધર્મમાં ઘણાં અંશે જોવા મળે છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.