બુદ્ધિમાન બનવાનો ઉપાય – રમેશ સંડેરી

[રીડગુજરાતી પર વધુ એક નવી સુવિધા ઉમેરવાનું કાર્ય ચાલી રહ્યું હોઈને આજે ફક્ત એક જ લેખ આપવામાં આવ્યો છે, જેની નોંધે લેશો. મહાપુરુષોના સુવાક્યો પર જીવનનું આગવું ચિંતન રજૂ કરતાં ‘વિચારોનાં ઝરણાં’ પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

થોડું વાંચવું, વધુ વિચારવું,
થોડું બોલવું, વધુ સાંભળવું,
આ જ બુદ્ધિમાન બનવાનો ઉપાય છે. – ટાગોર

થોડું વાંચવું એટલે વાંચવાનું ઓછું કરવું ? સારું જ વાંચવું ? વાંચીને ભૂલી જવું ? વાંચવાની વૃત્તિ ઓછી કરવી ? આપણે ખોરાક લઈએ છીએ એના જેવું વાંચનની બાબતમાં પણ નહિ હોય ? શ્રમજીવીને વધુ ખોરાક જોઈએ, પણ બેઠાડુ જીવન જીવનારને ઓછો ખોરાક માફક ન આવે ? શારીરિક સ્વાસ્થ્ય માટે પરિશ્રમ હોવો જરૂરી છે. એમ માનસિક સ્વાસ્થ્ય માટે સારા વિચાર જરૂરી નથી ? વળી સારા વિચારો માટે સારું વાચન અને શ્રવણ પણ જરૂરી નથી ?

ખાતાં બહુ બહુ તો અડધો કલાક લાગે, પણ એને પચાવતાં તો ચારેક કલાક લાગે જ ને ? એમ વાંચવા કરતાં વિચારવામાં વધુ સમય લાગે એ જરૂરી હશે ને ? પચે એટલું જ કામનું. ખોરાક પચાવવાના સંદર્ભે કહીએ તો દરેકની પાચનશક્તિ ભિન્નભિન્ન હોવાની. તો પછી વાચનની પાચનશક્તિ પણ ભિન્નભિન્ન નહિ હોવાની ? અહીં આપણે વાચનના સંદર્ભે જાણવા માગીએ છીએ ત્યારે વિચારવાની બાબતનું મહત્વ પણ ઓછું તો ન અંકાય ને ? ‘પચે તો પોષે, નહિ તો પીડે’ એના જેવું વાંચવાની બાબતમાં પણ કહી શકાય. જરૂર કરતાં ઘણું વધારે ખાઈએ તો પચે નહિ, એટલે ઊલટી કે ઝાડા થાય, એમ જરૂર કરતાં વધારે વાંચીએ એટલે એ પણ પચે નહિ અને બહાર નીકળી જાય. ન પચેલું વાચન બોલવાને માર્ગે બહાર નીકળી જાય. ક્યારેક કોઈ સાંભળનાર ન હોય તો લખવાના માર્ગે પણ બહાર નીકળી જાય. બહુ લખવાથી કદાચ લેખક બની શકાય, તોપણ ગુણવત્તાયુક્ત લેખક બનવા માટે વાંચવા કે લખવાની જરૂરિયાત કરતાં વિચારવાની વિશેષ જરૂર રહે છે.

બોલવાની અને સાંભળવાની બાબતમાં પણ સાંભળવાની બાબતને વધુ મહત્વ આપવું જોઈએ એવું નથી લાગતું ? જે કંઈ સાંભળવામાં આવતું હોય છે એમાંથી શીખવાનું તો ત્યારે જ શક્ય બને, જ્યારે એ પણ પચી જાય. વાંચેલું કે સાંભળેલું બોલીને કાઢી નાખીએ તો સ્મૃતિની દષ્ટિએ કદાચ વધુ યાદ રહે, તોપણ એ પોપટિયું જ્ઞાન બની જાય. સાંભળવાની વૃત્તિ વધુ હોય અને બોલવાની વૃત્તિ ઓછી હોય ત્યાં અહંકાર પણ ઓછો હોય. વાંચ્યા કે સાંભળ્યા પછી વિચારવાની વધુ જરૂર હોય છે. વાંચેલું કે સાંભળેલું ખરાબ, સારું કે ઉત્તમ તો હોઈ શકે, પરંતુ જ્યારે એ શબ્દો આપણા મનની અંદર રમતા થાય છે ત્યારે જ એ કેવા છે એનો ખ્યાલ આવે છે. આ શબ્દોની વૈચારિક-માનસિક કસરતથી એમાંની અસલિયત પ્રકટ થતી રહે છે. એટલે બુદ્ધિમાન બનવા માટે વધુ વિચારવું અને વધુ સાંભળવું એ એક સારો ઈલાજ છે. વિચારવું અને સાંભળવું એ પણ એક કલા છે, જો વિચારતાં અને સાંભળતાં આવડે તો. અલબત દરેક કલાકાર માટે આ કલાની વિવિધતા અને વિશેષતા અલગઅલગ (નોખી) હોઈ શકે. એક અરબી કહેવત છે કે ‘મૌનના વૃક્ષ પર શાંતિનાં ફળ થાય છે.’ ખરેખર શાંતિ જોઈતી હોય તો મૌનને કેળવવું પડે. મૌન કેળવાતું જાય એમ બોલવાનું તથા વાંચવાનું છૂટતું જાય અને સાંભળવાનું તથા વિચારવાનું વધતું જાય. મૌન ખુદ એક શક્તિ છે પણ એ શાંત શક્તિ છે. બોલી શકતા હોવા છતાં ન બોલીને, સાંભળવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી, વાણી-શક્તિનો હ્રાસ થતો અટકાવી શકાય છે. આમ, ખર્ચાયા વગરની વાણી-શક્તિનો ઉપયોગ સાંભળવામાં વહેતો કરી શકાય છે. એટલે જ પંખીઓનો કલરવ, સમીરનો ધ્વનિ, વહેતા પાણીનો હાસ્યધ્વનિ જેવા કુદરતી ધ્વનિને મૌનમાં જ માણી શકાય છે.

એવી રીતે કોઈ સુંદર પુસ્તક વાંચતી વખતે જે વિચારો ઉદ્દભવતા હોય છે એના કરતાં વાંચ્યા પછીના મૌનમાં એ વિચારો વિશેષ ખીલી ઊઠે છે. અલબત્ત, વાંચતી વખતે પણ મૌન તો હોય છે, છતાં એ વખતે વિવિધતાસભર વિવિધ વિચારોની હારમાળા હોય છે. એના બદલે એ વાંચી રહ્યા પછી કોઈ એક વિચાર પર મનન થાય છે ત્યારે એ વધુ તેજસ્વી બને છે. વિચારનું જેટલું વધુ મનન, એટલું વધુ પાચન. ‘ઓછું વાંચવું’ કહેવામાં વાંચવાનું મહત્વ અવગણવું એમ તો નહિ જ. શરૂઆતમાં તો વાચન જોઈશે જ. પછી ગુણવત્તાયુક્ત વાચન પસંદ કરવું પડશે અને ત્યાર પછી એવા સુંદર વાચન સાથે એના મનન માટે તો એથીય વધુ સમય આપવો પડશે એમ કહેવાનું તાત્પર્ય છે. એનો અર્થ એ કે વાચન કરતાં એનાં મનન-ચિંતન (એની સમજપૂર્વકની તલસ્પર્શી વિચારણા)ને વધુ મહત્વ આપવું પડશે. અહીં વિવિધ વિચારો પર ફેલાઈ જઈને વિખેરાઈ જતી વૈચારિક શક્તિ કોઈ એક વિચાર પર કેન્દ્રિત થવાથી મનન કે ચિંતનનું મહત્વ વધી જાય છે. આમ, વાચન કરતાં મનન-ચિંતન અને બોલવા કરતાં શ્રવણનું મહત્વ વધુ હોઈ મનન અને શ્રવણ વડે બુદ્ધિમત્તા વધારી શકાય છે. અલબત્ત, કેવા પ્રકારનું મનન-ચિંતન અને કેવા પ્રકારનું શ્રવણ છે એના પર બુદ્ધિમાનીનો આધાર ખરો જ. ઉત્તમોત્તમ લેખકો, કવિઓ, શાયરો, નાટ્યકારો, સંગીતકારો, વૈજ્ઞાનિકો, કેળવણીકારો ઈત્યાદિ જે-તે ક્ષેત્રના બુદ્ધિમાનો જ છે ને ? આવા બુદ્ધિમાનો અન્યને દોરે છે. સંસ્કૃતિ ખીલવવામાં આવા બુદ્ધિમાનોનો ફાળો નોંધપાત્ર હોય છે.

લુકમાન તો કહેતા કે, ‘પશુ ન બોલવાને કારણે દુઃખી થાય છે, જ્યારે માનવી બોલવાને કારણે.’ કહેવાની જરૂર જ હોય છતાં કહી શકવાની વાચા ન હોય, ત્યારે બિચારાં પશુ દુઃખી જ હોવાનાં ને ? પશુઓને કેટલીય તકલીફો હશે, પરંતુ એમની વાચાને આપણે સમજી શકતા નથી, એટલે એઓ દુઃખી જ થવાનાં. એથી ઊલટું માનવીને વાચા છે, પણ આ વાચાનો વધુ પડતું બોલવામાં દુરુપયોગ કરીને એ દુઃખી થાય છે. આપણે બોલબોલ કરીને દુઃખને જ આમંત્રણ આપીએ છીએ. બોલવાનું મહત્વ તો છે જ, પણ એની અતિશયતા અહંકાર જગાવે છે. વધુપડતું બોલીને આપણે ‘નિંદા’ નામના અવગુણને વિકસાવવા સિવાય નવું શું કરી શકીએ છીએ ? નિંદા કરીને શું આપણે પણ નિંદાપાત્ર નથી બનતા ? ‘ખાલી ઘડો વાગે ઘણો’ એમ બોલબોલ કરનાર માટે પણ કહી શકાય. દુઃખી થવાનાં ઘણાંબધાં કારણો પૈકીનું એક કારણ છે બોલબોલ કરવું તે. ઓછામાં ઓછું બોલવાની આવડત કેળવી હોય એની વાણી ગંભીર, સચોટ, શાંત, મધુર અને સાંભળવાનું મન થાય એવી હોવાની, કેમ કે એ બોલે છે ત્યારે એની તમામ સંગ્રહિત શક્તિ એની વાણીમાં ઊતરી આવે છે. સામેની વ્યક્તિનું એ વિશેષ સાંભળે છે, એટલે સામેની વ્યક્તિનું દિલ પણ એ જીતી લે છે.

આંધળા માણસની શ્રવણશક્તિ તેજસ્વી હોય છે. લૂલા-લંગડાના હાથ મજબૂત હોય છે. બહેરા માણસનું નિરીક્ષણ સારું હોય છે. જરૂરિયાત કરતાં થોડુંક ઓછું ખાનારની પાચનશક્તિ તેજ હોય છે. આમ, કોઈ એક બાબતની ઊણપ બીજી કોઈ બાબતમાં એની શક્તિને વધારી દે છે અને સમતુલા જાળવવાનો પ્રયાસ કરે છે. આંખો હોવા છતાં કૃત્રિમ અંધત્વ ધારણ કરીને જ અંધત્વ શું છે એનો અનુભવ કરી શકાય. બહેરાપણાના અનુભવ માટે પણ આમ જ. તો પછી વાણીશક્તિ હોવા છતાં મૌન વડે મૂંગાપણાનો અનુભવ ન કરી શકાય ? આંધળો, લૂલો-લંગડો, બહેરો કે મૂંગો કદાચ પોતાની ગુમાવેલી એ શક્તિને બીજી કોઈ શક્તિમાં ઉમેરી શકે એટલું જ. પરંતુ આંખો હોવા છતાં અંધત્વ ધારણ કરીને, શ્રવણશક્તિ હોવા છતાં બહેરાપણું ધારણ કરીને કે વાચા હોવા છતાં મૂંગાપણું ધારણ કરીને આપણે આપણી વિચારશક્તિને વધુ તેજસ્વી અને ધારદાર બનાવી શકીએ છીએ. અહીં આપણું મન જે તે વિચારને વધુ ઊંડાણથી સમજી શકે છે. પરંતુ એથી વિશેષ કહેવું હોય તો કહી શકાય કે, ‘મન હોવા છતાં મનના વૈચારિક પડતરમાં વિરાટ શક્તિ પ્રકટી શકે છે.’ બે વિચારો વચ્ચેના સમયગાળાને વૈચારિક પડતર કહેવાય છે. આ પડતર જેટલું વધારે એટલી શક્તિ પણ વધારે. આ વૈચારિક પડતરને ‘મનનું મૌન’ પણ કહી શકાય. ટાગોર, ગાંધીજી, ટૉલ્સ્ટૉય, આઈન્સ્ટાઈન, રમણ મહર્ષિ, ગૂર્જિએફ, બુદ્ધ કે જે. કૃષ્ણમૂર્તિ જેવાઓએ સીધી કે આડકતરી રીતે મનના મૌનની શક્તિ વિકસાવીને દુનિયાને ઉત્તમોત્તમ વિચાર અર્પણ કર્યા હતા. આવા પ્રખર બુદ્ધિમાનો વાંચવા કરતાં વિચારવાને અને બોલવા કરતાં સાંભળવા અને આચરવાને મહત્વ આપનારા હતા. મૌન-મંદિરો ઊભાં કરી મૌનની શક્તિ વિકસાવવા પૂજ્ય મોટાએ પણ મહાન કાર્ય કર્યું હતું, એ ભૂલવા જેવું નથી.

બૅકનનું એક વિધાન બહુ સમજવા જેવું છે. એઓ કહેતા કે, ‘બોલી મનનું ચિત્ર છે, કલમ મનની જીભ.’ આપણી બોલી એ આપણા મનનું ચિત્ર છે. જેટલી સુંદર, સાત્વિક, મધુર અને નમ્ર બોલી એટલું એના મનનું ચિત્ર સૌંદર્યવાન ગણાય. એથી ઊલ્ટું, જેટલી ખરાબ, કર્કશ, તીખી અને બડબડાટવાળી બોલી એટલું એના મનનું ચિત્ર ખરાબીયુક્ત ગણાય. પરંતુ આપણા મનની જીભ (એટલે કે આપણા મનનું વક્તવ્ય) તો કલમ (એટલે કે મનન-ચિંતન) છે. સુંદર અને માત્ર સુંદર વિચારોથી સુશોભિત મનનું વક્તવ્ય જીભ વડે બહાર પડે ત્યારે શબ્દપુષ્પો મહેકી ઊઠે છે. એથી ઊલટું, અકળાવનાર, અહંકારી અને પ્રદૂષિત વિચાર-રૂપે જીભ વડે મનનું વક્તવ્ય બહાર પડે ત્યારે ગંદકી જ ગંધાઈ ઊઠે છે. અમલીકરણમાં વણાયેલા સુંદર વિચારોનું મહત્વ કોઈથી પણ ઓછું ગણી શકાય ? શું સારું વાંચવા કરતાં સારું વિચારવાનું મહત્વ વધારે ન ગણાય ? એમ સારું બોલવા કરતાં સારું સાંભળવાનું અને સારું આચરવાનું મહત્વ પણ વધારે ન હોઈ શકે ?

[ કુલ પાન : 214. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “બુદ્ધિમાન બનવાનો ઉપાય – રમેશ સંડેરી”

Copy Protected by Chetan's WP-Copyprotect.