- ReadGujarati.com - http://www.readgujarati.com -

માણેકનાથ – જગદીશ વી. ભટ્ટ

[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે શ્રી જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jvbhatt54@yahoo.com સંપર્ક કરી શકો છો.]

સાવધાન અમદાવાદીઓ… ખબરદાર કર્ણાવતી શહેરના નાગરિકો… હોંશિયાર આશાવલી શહેરના સુધરેલા સિટિઝનો…. ન કભી આપને દેખા હૈ, ન કભી આપને કિસીકો દિખાયા હૈ… ન કભી સોચા હૈ, ન કભી સોંચેંગે… જરા નજર સંભાળી તમારા દિલના ધબકારા ગણી લો કેમ કે હું આપને દેખાડવા જઈ રહ્યો છું એવું એક સ્થળ કે જે અમદાવાદથી 160 કિ.મી. દૂર આવેલું છે. તે મા આરાસુરી અંબાના ડુંગરોમાં દટાયેલું છે. જ્યાં પહોંચતાં પગ થાકી જાય અને ‘રક્ષા કરજે મા… રક્ષા કરજે મા….’ જેવા શબ્દોનું સાચા દિલથી રટણ થવા માંડે.

આ એ સ્થળ છે જ્યાં અંધારી રાતે એક લાલઘુમ આંખોવાળો બાવો બેસતો. આખા દિવસ દરમિયાન અમદાવાદના બધાય કડિયાઓ ભેગા થઈને કિલ્લા ફરતે કોટને બાંધતા અને પેલો છંછેડાયેલો બાવો પળવારમાં બધું વેરણછેરણ કરી નાખતો. 1411ની સાલમાં આ બાવો અહીં આવીને હઠ પકડીને બેઠો. બાદશાહોના બાદશાહ…. શહેનશાહોના શહેનશાહ એવા અહમદશાહના અમદાવાદને તે પત્તાના મહેલની માફક વિખેરી નાખતો…

ડુંગરોની વચ્ચે ઘેરાયેલી આ ગુફાના સ્થળે પહોંચવા માટે તમારા પગમાં તાકાત જોઈએ અને કલેજામાં હિંમત. ખેડબ્રહ્માથી અંબાજી જવાના માર્ગે માંકણ-ચંપાના ઢાળથી અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ સ્થળ એટલે ‘માણેકનાથની ગુફા’. મોટી મોટી શિલાઓ વચ્ચે થઈને પસાર થતો રસ્તો…. ક્યાંક કાંટાય વાગે ને ક્યાંક કંકર… ઊતરી પડો ખીણમાં ક્યાંક તો ક્યારેક ચઢી જાવ ડુંગરા પર…. પાતળી લીલીછમ નેતરની સોટી સમજી હાથમાં ઉપાડવા જાવ ત્યારે ખબર પડે કે આ તો લીલી સાપણ હાથમાં પકડી લીધી. ફાટી ગયેલી ડોળાવાળી નજર જરાક ઉપર કરો તો રામના સૈનિકો વૃક્ષો પર બેઠાં બેઠાં તમારા સામે દાંતિયા કરતાં હોય…. દૂર પથ્થર ઓથે કોઈ અવાજ સાંભળીને ડોકીયું કરવા જાવ ત્યારે ‘બચાવજો મારા નાથ…. તારી ગાય છું… જીવતો જઈશ તો આવતી પૂનમે અમદાવાદથી અંબાજી પગપાળા ચોક્કસ જઈશ એવી બાધા તમારું મન તમને પૂછ્યા વગર જ લઈ લે….’ એવા અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું છે આ સ્થળ…

કુદરતી ગુફા છે અહીંયા… ગુફાની અંદર પણ ગુફા છે અહીંયા. ક્યાંક નમીને કે ક્યાંક સૂઈને તો વળી ક્યાંક બીજું કોઈ અથડાઈ ન પડે તેની ચિંતા સાથે અહીં પ્રવેશવું પડે છે. આ કોઈ આદિમાનવની ગુફા છે. આ ગુફા સાથે અનેક કથા-વાર્તાઓ જોડાયેલી છે. એક એવી લોકવાયકા છે કે જ્યારે અમદાવાદ નગરના ફરતે અહમદશાહ બાદશાહ કોટ બનાવતો હતો ત્યારે માણેકચોકમાં એક માણેકનાથ નામના બાવાની મઢી હતી…. બાદશાહના સૈનિકોએ એ ઝૂંપડીને હટાવી ત્યારથી માણેકનાથ બાવો છંછેડાઈને ચિપિયો પછાડતો ઉપડ્યો હતો આ માણેકનાથની ગુફા તરફ… અને અહીં ડુંગરો પાસે આવીને એણે હાથમાં વાંસની પટ્ટીઓ લીધી હતી. આખોય દિવસ અમદાવાદનો બાદશાહ કોટ ચણાવતો જાય અને આ બાજુ માણેકનાથ બાવો સાદડી ગૂંથતો જાય. રાત પડતાં જ બાવો પેલી સાદડી વિખેરી નાખે અને બસ, અમદાવાદનો કોટ પણ કડડડભૂસ થઈ જાય… વળી બીજો દિવસ… ત્રીજો દિવસ… આમ તો ઘણોય વખત ચાલ્યું. અંતે બાદશાહના હાથ હેઠા પડ્યા. માણેકનાથના સ્થાપકોની માનભેર સ્થાપના કરાઈ અને પછી બાવાએ હઠ મૂકી ત્યારે જ બની શક્યો અમદાવાદ ફરતે કોટ…. માણેકનાથની આ ગુફામાંથી જ બાવો અમદાવાદના માણેકચોકમાં નીકળતો અને પાછો આવતો… આજે તો જો કે આ માર્ગ પુરાઈ ગયો છે. આજના બુદ્ધિજીવીઓ અને તર્કવાદી માણસો કદાચ આ કથા નહીં માને. પરંતુ આજથી સો વર્ષ પહેલાંય બુદ્ધિજીવીઓ અને તર્કવાદી માણસો હતા. એમને કોઈ કહેતું કે અમદાવાદમાં બેઠેલો કોઈ માણસ અંબાજી બેઠેલા કોઈ માણસ જોડે જોરજોરથી બૂમો પાડીને લઢે છે… તો ત્યારે આવું કહેનારને લોકો મૂર્ખ માનતા કેમકે એ સમયે મોબાઈલની શોધ નહોતી થઈ…. પરંતુ હવે તો માનો છો ને આપ સર્વે !…. ફૂલોની સુગંધને તમે તમારી તરફ આવતી જુઓ કે ન જુઓ, સુગંધને એની ક્યાં પડી હોય છે ? શ્રદ્ધા હોય તો સમજાય આ બધી વાતો….

માણેકનાથનો ડુંગર એટલે ખેડબ્રહ્માથી અંબાજી જવાના હાઈવે પર નજર નાખો એટલે દૂર દૂર ભૂરો ઝાંખા રંગનો મુગટ જેવો દેખાતો ડુંગર. માંકણચંપાનો ઢાળ ચઢી અને સડક રસ્તે પહોંચાય છે માંકડી નામના આદિવાસી ગામમાં. ત્યાંથી 8 કિ.મી. આગળ જતા આવે છે લોટલ નામનું ગામ. આ ગામમાં પહોંચીને કોઈ નાના બાળકને પૂછશો તો પણ તમને બતાવી આપશે માણેકનાથની ગુફા તરફ જવાનો રસ્તો. હવે તો પ્રવાસનિગમને આ સ્થળ ધ્યાનમાં આવ્યું છે. આ સ્થળને મૂળ સ્વરૂપે જાણી લેવું હોય કે માણી લેવું હોય તો ત્યાં ઢગલાબંધ માણસોનો મેળો થઈ જાય અને સ્થળની સુંદરતાને આધુનિક, સુધરેલો માણસ બગાડી નાખે તે પહેલાં પહોંચી જાવ આ અમદાવાદના બીજા છેડાને જોવા…

કોને મળ્યા છે અહીં સાવ સીધા રસ્તા ?
ચાર ડગલા ચાલોને મળે ચાર રસ્તા.
લે હરીનું નામ ને પકડ એક રસ્તો,
ને પકડ પછી એમાંથી કાઢ રસ્તા.
બહારથી ઊંડાઈનો અંદાજ બાંધશો પણ,
જખમ અંદરથી શરૂ થાય છે, કેમ ના માપશો ?