વાચન-વૈવિધ્ય – સંકલિત

[1] પરણ્યા પછીનું પહેલું પુસ્તક – યશવન્ત મહેતા

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]

આપણા ગુજરાતીમાં માણસના અવસાન પછી કાં ભગવદગીતા, કાં ભજનસંગ્રહ, કાં કર્મનો સિદ્ધાન્ત ભેટ આપવાનો રિવાજ છે. એ મરણ પછીનું પહેલું પુસ્તક. ઘણા માને છે કે મરણ પછી આવું પુસ્તક વહેંચાવું જોઈએ. તો પરણ પછીનું પહેલું પુસ્તક કયું હોવું જોઈએ ? મને ખબર છે કે ઘણાખરા વાચકોની પસંદગી ક્યા પ્રકારના પુસ્તક પર ઢળશે. એ છે લગ્નજીવન અંગેનું પુસ્તક. બરાબર ને ? પણ એ પસંદગી ખોટી છે. લગ્નજીવન અંગેનું પુસ્તક તો લગ્નથી ઘણા સમય અગાઉ વંચાઈ અને સમજાઈ જવું જોઈએ.

વાસ્તવમાં, પરણ્યા પછીનું પહેલું પુસ્તક રસોઈકળાનું હોવું જોઈએ. ના, આ વિધાનના અનુમોદનમાં અમે કોઈ વિદ્વાન કે વિવેચકનું અવતરણ નહિ ટાંકી શકીએ, કારણ કે વિદ્વાનો અને વિવેચકો પોતે જેને ‘સાહિત્ય’ માને છે એને જ વિશે લખવા-વિચારવા તત્પર હોય છે. પણ હમણાં અમે ‘ધી ટેબલ કમ્સ ફર્સ્ટ’ નામના પુસ્તક વિશેની નોંધ અખબારમાં વાંચી અને એમાં એક વિખ્યાત રસોઈયાનું વિધાન વાંચ્યું કે યુવા દંપતી જિંદગીની શરૂઆત સોફા કે ટેલિવિઝનની ખરીદી દ્વારા કેમ કરે છે, એ મને સમજાતું નથી; કારણ કે વાસ્તવમાં પ્રથમ ખરીદી રસોઈના પુસ્તકની અને રસોઈ પીરસવાના ટેબલની હોવી જોઈએ ! આ પુસ્તકના લેખક ભોજનની ગુણવત્તાનો મહિમા કરતાં કહે છે કે પ્રેમ-સંવનન, કર્મચારીઓની ભરતી, કર્મચારીઓની છટણી, છૂટાછેડા સુધી પહોંચતી તકરાર વગેરે બધું જમવાના ટેબલ પર નિર્ણીત થાય છે. એ નિર્ણય-પ્રક્રિયામાં ટેબલ પરની વાનગીઓનો ફાળો ઘણો મોટો હોય છે. માટે વાનગીકળાનાં કે પાકશાસ્ત્રનાં પુસ્તકોનો મહિમા પણ ઘણો મોટો છે.

આપણી ભાષામાં વાનગીઓ કે રસોઈકળાનાં પુસ્તકોનો મહિમા ઘણો મોડો સ્વીકારાયો. વીસમી સદીના સાઠના દાયકા સુધી તો વાનગીઓનાં માંડ બે-પાંચ પુસ્તક હતાં. એમાં ક્રાંતિ કરી વડોદરાનાં સુધાબેન દેસાઈએ. સાઠના દાયકાની શરૂઆતમાં એમણે નાના કદનાં 160 પાનાંનું પુસ્તક ‘રસસુધા’ પ્રગટ કર્યું. બદલાતા યુગમાં એને અપૂર્વ આવકાર મળ્યો. નવપરિણીત કન્યા માટે એ ઉત્તમ ભેટ બની રહ્યું. પછી તો બહેને એમાં સતત સુધારા અને વધારા કર્યા. આજે કદાચ એની વીસમી આવૃત્તિ હશે. એમાં 1,200 ઉપરાંત વાનગીઓની રીત ઉપરાંત આહારશાસ્ત્ર, પોષણશાસ્ત્ર, ગૃહ-સંચાલનના ય સોનેરી પાઠ સમાવાયા છે. મોટા કદનાં 400 ઉપરાંત એનાં પાનાં છે. રસોઈકળાનાં પુસ્તકો ક્ષેત્રે ક્રાંતિ કરનારા બીજાં બહેન તરલા દલાલ છે. એમણે વધારે સમૃદ્ધ અને વધારે આધુનિક દંપતીઓને લક્ષમાં રાખીને પોતાનાં પુસ્તકો તૈયાર કર્યાં છે. પછી તો વહેતી નદીમાંથી ઘડો પાણી ભરી લેનાર અનેક નીકળ્યાં. એ બધાંનો નવપરિણીતોએ આભાર માનવો રહ્યો.

[2] અગાશી – હિરલ વ્યાસ ‘વાસંતીફૂલ’

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે હિરલબેન વ્યાસનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hiralthaker@gmail.com સંપર્ક કરી શકો છો.]

ખા….સ્સો વખત થઈ ગયો અગાશી પર જવાયું નથી. અગાશી ભલે ઘરની અંદરનો ભાગ નથી પણ હજીયે હૈયાની અંદર મોકળી બની ગયેલી એક જગ્યા તો છે જ. અગાશી સાથે જોડાઈ છે અસંખ્ય ઘટનાઓ, અસંખ્ય વિચારો અને અસંખ્ય લાગણીઓ.

પહેલાં ધોરણમાં બા-દાદા સાથે રહેતી ત્યારે દાદા ભણાવતા ને કવિતા ગોખવા કહેતા. ત્યારે અગાશી પર જઈ મોટે-મોટેથી ‘ચાલો રમીએ હોડી હોડી….’ ગોખતા. જાણે કોઈ સ્ટેજ કે સભાગૃહ હોય ને કેટલાય લોકો મને સાંભળતા હોય ! એ જ અગાશીમાં ચોરી છૂપીથી બધાની નજરથી સંતાડીને રાખેલી વાનગીની મિજબાની પણ માણી છે. સમજણા થયા પછી ઉનાળામાં રાત્રે તો ધાબા પર જ અડ્ડો. પહેલા પથારી પાથરી ને ઠરવા દેવાની અને એ પછી પરવારીને પહોંચી જવાનું ચંદ્ર-તારાઓની લગોલગ. સૂતાં સૂતાં ચંદ્ર અને તારાઓને જોવાનાં. સપ્તર્ષિની ઓળખાણ પુસ્તકની પહેલાં અગાશીએ કરાવી. સોળ-સત્તર વર્ષની ઉંમરે દરરોજ સાંજે સંધ્યાના રંગ માણવા અગાશી પર પહોંચી જાઉં. ત્યારે પણ મોટે-મોટેથી ગીતો ગાઉં. પક્ષીઓ સિવાય કોઈ મને સાંભળવા રાજી ન થાય ! ઉત્તરાયણમાં સવારથી પહોંચી જવાનું અગાશી પર. ચાદરનો ચંદરવો બનાવી દેવાનો. પતંગ ચગાવતાં તો આવડે નહિ પણ ચીક્કી-મમરાના લાડુની મોજ માણવાની.

શિયાળામાં ચોખાની પાપડી થાય તેનો ચૂલો પણ અગાશીમાં. મમ્મી સાથે સાથે હું પણ પાપડીઓ વણવામાં ને સૂકવવામાં જોતરાઈ જઉં. દિવાળી સમયે ઘરના ગાદલા-ગોદલા તપાવવા એક અગાશીનો જ આશરો. મુગ્ધવયે વરસાદની ઝરમર પણ અગાશીમાં માણી છે. મારી મા ની જેમ અગાશી પણ સાક્ષી છે મારા મનોભાવની ! સમય ચાલતો રહ્યો ને સાથે સાથે અગાશી સાથે જોડાયેલું લાગણીનું પોત પાતળું થતું ગયું. મારા લગ્નની વડીઓ મૂકાઈ ત્યારે એ જ અગાશી પર ઘરના સૌ ભેગાં થયેલાં. ઘરમાં આવેલા ઉત્સવનો પડઘો મારી અગાશીમાં પડેલો. હવે મોટા મોટા ફલેટમાં અલાયદી અગાશીઓ ન મળે પણ અગાશીની પ્રતિકૃતિ જેવી દીકરી ‘બાલ્કની’ મળે. સાવ જગ્યાનો અભાવ સર્જાયો હોય ત્યાં એની સૌથી નાની દીકરી ‘સ્ટેન્ડીંગ બાલ્કની’ મળે ! હવે મારા સાંજના સૂર્યને ગળી જાય છે મારી ખાનગી કંપનીના ‘વર્કીંગ અવર્સ’….. સૂર્યની સાથે સાથે જાણે અગાશી સાથેનો સંબંધ પણ ડૂબવા લાગ્યો છે !

[3] હું, વાચન અને ગાંધીજી – રવિ પટેલ

[ રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા માટે શ્રી રવિભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ravipatel122788@gmail.com સંપર્ક કરી શકો છો.]

આ વાત છે એ રાતની જ્યારે મારી આંખો ઘેરાવાનું નામ નહોતી લેતી. મારા દિલમાં જેટલો ઉમંગ હતો એનાથી વધારે મને નવા દેશમાં જવાની ચિંતા હતી. શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમેરિકા જવાનો પ્રયાસ કર્યો હતો. ભાંગ્યું-તૂટ્યું અંગ્રેજી બોલીને ઈન્ટરવ્યૂ પાસ કર્યો અને હવે ભારતની ભૂમિ પર મારે છેલ્લી રાત વિતાવવાની હતી. છેલ્લા અઢાર વર્ષથી રોજ સવારે મમ્મીનો ચહેરો જોનારો હું, હવે કાલથી વિખૂટો પડવાનો હતો. એ આખી રાત મેં મારી જાત સાથે વાતો કરવામાં વિતાવી.

મધ્યરાત્રીએ અચાનક મને યાદ આવ્યું કે બે-એક વર્ષ પહેલાં મેં ‘સત્યના પ્રયોગો’ વાંચી હતી એમાં મોહનદાસ ગાંધી જ્યારે પ્રથમ વખત ઈંગ્લેન્ડ જવાના હતાં ત્યારે એમની ઉંમર પણ કંઈક અઢાર વર્ષની આસપાસ જ હતી. ગાંધીજીના માતા પુતળીબાઈ એ વખતે મોહનને વિદેશ મોકલવા તૈયાર ન હતા. જુવાન મોહને માતાને ખૂબ આજીજી બાદ મનાવ્યા હતા. પુતળીબાઈએ એક શરત મૂકી હતી કે મોહને માંસાહાર, પરસ્ત્રીગમન અને મદ્યપાનથી દૂર રહેવું પડશે. એક પળનો પણ વિલંબ કર્યા વિના મોહને વચન આપ્યું હતું. ઈતિહાસ સાક્ષી છે કે ગાંધીજીએ માતાને આપેલા વચનનું આજીવન પાલન કર્યું હતું. આ પ્રસંગને યાદ કરતાં રાત તો વીતી ગઈ.

બીજે દિવસે સાંજની મારી ટિકિટ હતી. સવારથી જ મહેમાનો અને સગાસંબંધીઓની ઘરમાં ભીડ જામી હતી. મારા દાદી મને ભીડથી દૂર એકાંતમાં લઈ ગયા. એ મને વળગીને રડી જ પડ્યાં. એમના ભાવથી ભીંજાઈને હું પણ મારી આંખના આંસુ ન ખાળી શક્યો. થોડીવાર રહીને એમણે મને ગાંધીજીનો એ જ જીવનપ્રસંગ સમજાવ્યો જેનો મેં મધ્યરાત્રીએ વિચાર કર્યો હતો. એ પ્રસંગ મારા મનમાં ઘૂંટાતો રહ્યો અને દિવસ પસાર થઈ ગયો. સાંજ પડી અને મારે જવાનો સમય નજીક આવ્યો. મેં પરિવારની વિદાય લીધી પરંતુ જતાં જતાં આ પ્રસંગનું સ્મરણ વારંવાર થવા લાગ્યું. મને થયું કે નક્કી આમાં કંઈક કુદરતનો સંકેત છે. મેં તુરંત જ મનમાં દ્રઢ નિશ્ચય કર્યો કે હું પણ ગાંધીજીની જેમ જ પવિત્ર રહેવા પ્રયત્ન કરીશ. એ પછી તો સમય વીતતા અમેરિકામાં એવા અનેક અવસર આવ્યા કે જ્યારે મિત્રોએ અન્યો દ્વારા મને વ્યસન માટે દોરવવાનો પ્રયત્ન કર્યો હોય કે પછી ક્યારેક પરસ્ત્રીગમન અથવા માંસાહાર માટે લલચાવ્યો હોય. આ બધાથી હું જેટલું દૂર રહેવા માંગતો હતો એટલી વધુ પરીક્ષા થતી. પરંતુ મેં ચપળતાથી મારી જાતને આ તમામ પ્રલોભનોથી બચાવી રાખી છે.

આજે જો કે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસાર્થે આવ્યા બાદ આ વાતને ચાર વરસ થયાં છે. મેં મારો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે અને મારી આ સફળતામાં જેટલો હાથ મારા સ્નેહીજનો-કુટુંબીજનોનો છે એટલો જ હાથ મારા વાચનના શોખનો અને મહાત્મા ગાંધીજીનો પણ છે.

[4] વાંસ – અનુ. હરનીશ કંસારા

[‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.]

વાંસ વિશે વિચારો. વાંસના છોડને ઊછરતો તમે જોયો હશે. તેના થડ ઉપરના ભાગે તે ગાંઠ બનાવતો બનાવતો આગળ વધે છે. તમે કદાચ એમ વિચારશો કે તે ગાંઠ તેની એક ગોઠવણીરૂપે હશે. જ્યારે તેને જોઉં છું ત્યારે વિચારું છું કે વાંસના છોડને તે ગાંઠ બનાવતાં કેટલી મુશ્કેલી પડે છે. વાંસના થડ પર દર આઠથી બાર ઈંચના ગાળામાં એક ગાંઠ હોય છે અને દરેક ગાંઠ ઘણી મજબૂત હોય છે. નીચેના ભાગમાં ગાંઠ મોટી અને મજબૂત હોય છે અને ઉપરની તરફ જતાં ગાંઠ નાની અને પ્રમાણમાં નબળી બનતી જાય છે, જે પવનમાં વળતી હોય છે. જો કે સમય જતાં નાની અને નબળી ગાંઠ મોટી અને મજબૂત બનતી જાય છે, અને છોડ વધુ ઊંચે વધતો જાય છે. વાંસનો છોડ એકધારો, એક પછી એક ગાંઠ બનાવતો વધતો રહે છે. હું તેનાથી ઘણો અભિભૂત થયો છું. તે ત્રીસ ફૂટનો થાય કે સાઠ ફૂટનો પણ તેનું વિશિષ્ટ પાસું છે – ગાંઠો.

વાંસ પવનનો પ્રતિકાર કરે છે. ગમે તેટલો જોરદાર પવન હશે તો પણ વાંસ જલ્દી તૂટશે નહીં. તે એક છોડ છે. મોટા ઝાડ જેવો તે મજબૂત નથી, છતાં તેની સ્થિતિસ્થાપકતાને કારણે તે નબળો પણ સાબિત થતો નથી. પવનના સુસવાટા વચ્ચે-ધોધમાર વરસાદ વચ્ચે પણ તે વધવાનું ચાલુ જ રાખે છે. તેના થડ પર તેના વિકાસની નિશાનીરૂપે ગાંઠો વધતી જાય છે. ગાંઠો બનાવતી વખતે વાંસ શું વિચારતો હશે ? મને લાગે છે દરેક ગાંઠ બનાવતી વખતે તે વિચારતો હશે – ‘હું આટલો ઊંચો વધવામાં સફળ થયો.’ મને ખાતરી છે આ વિચારથી તેને પરિપૂર્તિની સુખદ લાગણી થતી હશે. જિંદગીનું ઘડતર ઘણી રીતે વાંસને મળતું આવે છે. મોટામાં મોટો વાંસ પણ પહોળાઈમાં માંડ આઠ થી દસ ઈંચ હોય છે. તેનાથી વધુ જાડા તે થઈ શકતા નથી. વાંસ જમીનમાંથી એક અંકુરરૂપે બહાર આવે છે અને ત્યાર પછી એકધારી રીતે વધતો જ જાય છે. તે તેની મૂળ લવચીકતા (ફેરફારને પચાવી જવાની શક્તિ) ગુમાવતો નથી કે નથી ગુમાવતો તે તેની શક્તિ. લવચીકતા અને શક્તિ એક સાથે સુસંગત રહીને અસ્તિત્વ ધરાવે છે. આ વિકાસ માટે જરૂરી ચીજ છે.

બીજા શબ્દોમાં, અપરાજેય વિચારશૈલી તમને જીવનના સારા અને નબળા – બન્ને સમયમાં આગળ વધતા રહેવાનું શીખવે છે. વાંસનો વિકાસ આ જ રીતે થાય છે. વાંસમાં મજબૂતાઈ છે, પણ માત્ર મજબુતાઈ જીવનમાં પૂરતી નથી. વાંસ સ્થિતિસ્થાપક પણ છે, તેને વાળી શકાય છે. પર્સીમનનું ઝાડ મજબૂત છે, પણ વાંસની જેમ તે વળી શકતું નથી અને તેથી તે જલ્દી બટકી જાય છે. વાંસનું ઝાડ કડાકા સાથે તૂટી પડતું નથી, પર્સીમનનું ઝાડ કડાકા સાથે તૂટી પડે છે. જે વધુ મજબૂત દેખાય છે તે હકીકતમાં નબળું હોઈ શકે અને કડાકા સાથે તૂટી શકે, જે સ્થિતિસ્થાપક છે, બદલાતી પરિસ્થિતિને સ્વીકારી-પચાવી શકે છે તેને તોડવું મુશ્કેલ છે. આ દુનિયામાં પણ પવનના સૂસવાટા અને ગાંડાતૂર વરસાદની જેવી મુશ્કેલીઓ છે જ. તેની સામે ટકી રહેવા માટે તમારામાં સ્થિતિસ્થાપકતા – બદલાતી સ્થિતિને અનુરૂપ થવાની શક્તિ – હોવી ખૂબ જરૂરી છે, નહીં તો તમે ગમે તેટલા મજબૂત હશો પણ પરિસ્થિતિની સામેનું તમારું વલણ ‘અક્કડ’ હશે તો કડાકાભેર તૂટી પડવાના દિવસો પણ તમારા જીવનમાં આવશે. (‘Invincible Thinking By Ryuho Okawa’ ના ગુજરાતી અનુવાદ પરથી. અનુ. હરનીશ કંસારા.)

[5] દુનિયામાં વિવિધતા – ‘ભૂમિપુત્ર’

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.]

એવું મનાય છે કે, દુનિયામાં ત્રણેક કરોડ જેટલાં વિવિધ પ્રકારનાં સજીવો વસે છે, જેમાંથી માત્ર 13 લાખ જેટલાંઓનું જ વર્ગીકરણ થયું છે અને તેમનો અભ્યાસ કરી શકાયો છે. વર્ગીકૃત કરાયેલ વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓ પૈકી 7 લાખ 50 હજાર જાતના કીટકો છે, 3 લાખ 60 હજાર પ્રકારના સૂક્ષ્મ જીવો છે, 2 લાખ 50 હજાર પ્રકારની વનસ્પતિ છે અને 40 હજાર પ્રકારના કરોડરજ્જુધારી પ્રાણીઓ છે. ભારત 1 લાખ 20 હજાર પ્રકારના સજીવોનું ઘર છે. ભારતમાં વસતાં 75 હજાર જાતિનાં પ્રાણીઓમાંથી 50,000 પ્રકારનાં કીટકો છે, 4000 પ્રકારના મોસ્ક, 2000 પ્રકારની માછલીઓ, 1200 પ્રકારનાં પક્ષીઓ અને 340 પ્રકારનાં સ્તનધારી પ્રાણીઓ છે. ભારતની વાનસ્પતિક સૃષ્ટિમાં 45,000 પ્રકાર જોવા મળે છે, જે પૈકી 15,000 પ્રકારની સપુષ્પ વનસ્પતિ, 5000 પ્રકારની લીલ, 2700 પ્રકારની બ્રાયોફાઈટ, 2500 પ્રકારની ઔષધીય વનસ્પતિઓ, 2000 પ્રકારની ફૂગ અને 250 પ્રકારના ખેતપાકો છે.

વિવિધ કારણોસરના વાતાવરણીય ફેરફારો અને માનવ હસ્તક્ષેપને કારણે પેદા થતી ખલેલને લીધે કુદરતી પર્યાવરણ તૂટી રહ્યું છે અને આ વિવિધતાને માથે મોટું જોખમ ઊભું થયું છે. એમ મનાય છે કે, ગત સદીના અંત સુધીમાં 1,650 પ્રકારનાં સજીવો નામશેષ થઈ ગયાં હશે, જેમાં 1500 પ્રકારની વનસ્પતિ, 80 પ્રકારનાં સ્તનધારી પ્રાણીઓ, 44 પ્રકારનાં પક્ષીઓ, 15 પ્રકારનાં સરિસૃપો અને કેટલાંક ઉભયજીવી પ્રાણીઓનો સમાવેશ થાય છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous માણેકનાથ – જગદીશ વી. ભટ્ટ
બુલબુલ સાથે દોસ્તી – યજ્ઞેશ દવે Next »   

10 પ્રતિભાવો : વાચન-વૈવિધ્ય – સંકલિત

 1. Karasan says:

  દુનિયામા વિવિધતા પ્રમાણે….
  આપણી ૮૪ લાખ યોનીની માન્યતા જોડે આક્ડાકીય રીતે ક્યાયે મેળ નથી પડતો!!!

 2. vijay says:

  ‘સત્યના પ્રયોગો’

  >> Everybody should read this as early in the life as possible (and re-read it many times).

 3. સુંદર સંકલન.

  ૧,૩,૪ ખુબ જ સુંદર.

 4. Jay Patel says:

  very good living style catch from Mahatma Gandhi Ravi Patel keep it up for smooth & soft life. Thanks for best writing prectice.

 5. Jay Patel says:

  very good living style catch from Mahatma Gandhi, Ravi Patel keep it up for smooth & soft life. Thanks for best writing prectice.

 6. vagadiya dharmesh says:

  very good

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.