બુલબુલ સાથે દોસ્તી – યજ્ઞેશ દવે

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

પક્ષીઓને પીંજરે પૂર્યા વગર તેમનો સહવાસ, વિશ્વાસ ને સખ્ય બધાનાં નસીબમાં નથી હોતાં. કબૂતર ને ચકલી તેમાંથી બાકાત. તેમને પાળવાં, હેળવવાં ન ગમે તોય હક કરી ઘરમાં આવવાનાં જ. કબૂતર ઘરની અવરજવરની આમાન્યા રાખી ઘરની બહાર છજા પર માળો બાંધશે પણ ચકલી તો મનસ્વિની માનુની. તેને રોકી ન શકાય. કોઈ નિષેધાજ્ઞા તેમના માટે નહીં. બારીના સળિયાની જગ્યામાંથીય બેરોકટોક તેની આવનજાવન. કબાટ પર, મીટરબોક્સ પર, ફ્રેમ પાછળ, અભરાઈનાં વાસણ પાછળ જ્યાં નાનકડી જગ્યા મળી ત્યાં તમારી સાથે જ તેનો સંસાર માંડી દે. તમારી પેઢી સાથે તેમનીય અનેક પેઢીઓ ઊછરતી જાય.

બુલબુલનું એવું નહીં. પાળવું ગમે-પીંજરે પૂરવું નહીં. અને છતાં પાળવાની ઈચ્છા તો થયા જ કરે. મારાં ભાગ્ય ખૂલ્યાં ને હમણાં બુલબુલનો થોડો સહવાસ મળ્યો. ઉનાળામાં એકાદ મહિનો એક બુલબુલ દંપતી અમારા ઘરમાં ‘પેઈંગગેસ્ટ’ તરીકે રહ્યું. ભાડા પેટે અમે કશું માગ્યું નહીં તોય તેમણે ખુલ્લાગળે લહાણી કરી સ્થિર ઉદાસ હવાને ઝંકૃત કરી ભરી દેતા રેશમી ટહુકાઓની. કલગીદાર રજવાડી કાયામાંથી આવા પ્રેમાળ કુમળા ટહુકારો કેવી રીતે નીકળતા હશે ?

અમારો ત્રીજા માળે નાનકડો ફલેટ. ત્રીજા માળે લિફટ વગર ટાંટિયા તોડવા કોણ આવે ? તેથી જ એકના બદલામાં એક મફતની ભેટયોજનાની જેમ અમને મળી ફલેટની સાથે જ એટેચ્ડ ફલેટ જેવડી અગાશી. અગાશી એટલે અગાશી. એ અંગ્રેજી ટેરેસ નહીં, અમદાવાદી ધાબું નહીં, સંસ્કૃત ‘ચંદ્રશાળા’ નહીં. અગાશીને અગાશી કહી ઓળખું, ઉલ્લેખું ત્યારે જ તે મને પોતીકી લાગે. રાચરચીલું અને દીવાલો, વ્યક્તિઓને લીધે ફલેટ નાનો લાગે પણ અગાશી મોટી. અગાશીમાં અવકાશ. અગાશી થકી જ નાનું ઘર અમને વૈભવી વિશાળ લાગે છે. ડ્રોઈંગરૂમ જ અગાશીમાં ખૂલે એટલે ઘર-અગાશી એકાકાર. કામ હોય કે ન હોય થોડી થોડી વારે અગાશીમાં લટાર લગાવી થોડું આકાશ પી ઘરમાં આવી જવાનું. અગાશીમાં થોડો સામાન સચવાય ને નિરાંતે બેસી શકાય માટે અડધી અગાશી પર એસ્બેસ્ટોસનું છાપરું નાખ્યું. આમ આઉટ હાઉસની ઢળતી પરસાળ જેવું થઈ ગયું. ટેનામેન્ટ કે બંગલામાં રહેનારાઓની જેમ ખુલ્લી જમીન નથી મળી તો તેની ખોટ પંદરવીસ કૂંડાં લાવીને પૂરી. ધરતીની લીલાશને આવનવા છોડ-વેલા રૂપે ઉપર લઈ આવ્યા. અમદાવાદથી લાવેલ એક વેલ વધી વધી તે છાપરાના છેક પેલા છેડે પહોંચી ગઈ.

અમારા આ નાનકડા બગીચામાં જાસૂદ ખીલ્યું હોય ત્યારે સક્કરખોર અચૂક આવે ને હવામાં પાંખો વીંઝી હેલિકોપ્ટર સ્થિર થાય તેમ સ્થિર થઈ દોથા જેવા લાલ ફૂલમાં તેની લાંબી ચાંચ પરોવે, રસ ચૂસે ને ક્ષણાર્ધમાં તો ઊડી જાય. જોકે ફૂલ ચૂસતી વખતેય તે ઊડતું જ હોય. ઊડતી વખતે તેની ઘેરી નીલી પાંખો તો દેખાય જ નહીં. દેખાય માત્ર ગતિશીલ આવર્તનો. ક્યારેક હોલો આવે. આ ભગતને તો અમારા બગીચા સાથે કોઈ લેવાદેવા નહીં. ચોથા માળે અગાશીની ટાંકી પર છાતીસરસો નિરાંતે બેસી પરંતુ….તુ… પરંતુ…તુ એમ ઘૂઘવ્યા કરે. શિયાળામાં સાઈબીરિયાથી સૌરાષ્ટ્રના સાદ સાંભળી અહીંના ખેતર-તળાવડામાં રહેવા આવનાર મોંઘેરા મહેમાન કુંજડીઓની પંક્તિઓનો અવાજ રાત્રે ઘરમાંય સંભળાય ને તરત બહાર અગાશીમાં જવું જ પડે. અંધારામાં નિખિલ નભના વિતાન પર લહેરાતી લિપિ જેવી કુંજડીઓ ક્રેંકાર કરતી આકાશના પટ પર અદશ્ય આલેખી દિંગતમાં ટપકું થઈ જાય. અવાજના ફેડ આઉટ થવાથી જ વિસ્તીર્ણ અવકાશનો બોધ આ કુંજ પંક્તિઓ કરાવતી જાય.

આ બધાં તો ક્યારેક આવતાં કે દૂર રહેતાં પક્ષીઓ. તેમની સાથે માયા ન બાંધી શકાય. કોઈ પક્ષી સાથે રહેવાનું તો બને જ ક્યાંથી ? મારી આ ઝંખના એક બુલબુલ યુગલે જાણે અંતર્યામી બની સાંભળી ને મને કહ્યું તથાસ્તુ. ઉનાળાના શરૂઆતના દિવસો. માર્ચમાં ઘરઆખું છોકરાઓની પરીક્ષા આસપાસ પ્રદક્ષિણા કરતું હોય. બીજે બધેથી જાણે ધ્યાન ખેંચી લીધેલું. એવા સમયે અમારા ધ્યાન પર આવ્યું કે એક બુલબુલ દંપતી રોજ સવારે આઠથી નવની વચ્ચે અમારી અગાશીએ ઊતરી આવે છે. આ નાનકડા દેવદૂતો થોડી વાર છાપરા નીચેની લોખંડની ફ્રેમ પર બેસે, ક્યારેક કૂંડાં પર કે પાળી પર બેસે, થોડું ચહચહી ફરી ઊડી જાય. આ તેમની રોજની મુલાકાત. અમનેય એક ટેવ પડી ગયેલી. સવારે છાપું વાંચતો હોઉં ને અચાનક તેમના ટહુકાઓ સંભળાય. તરત બહાર આવીને નિરાંતે જોયા કરું. કલ્પના પણ અગાશીમાં કપડાં સૂકવવા, કૂંડાંને પાણી આપવા કે વોશિંગમશીન ચાલુ કરવા આવે ત્યારે તેમને પ્રેમથી જોયા કરે. તેમનાં દર્શનનો આ નિત્યક્રમ. મનમાં થયા કરે કે અમદાવાદમાં ઘરના દરવાજાના છજા પર લટકતી પડદાવેલમાં બુલબુલે માળો બાંધી અમને ન્યાલ કર્યા’તા તેમ અહીંયાય બાંધે તો ? એવા નસીબ તો પાંચે આંગળીએ પીપળો પૂજ્યો હોય તો જ મળે. ગયા જન્મે પીપળો પૂજ્યો હશે. અચાનક જ એપ્રિલમાં નસીબ ખૂલ્યાં. એક દિવસ અચાનક ધ્યાન ગયું કે છાપરાને આધાર આપતા એંગલ, તેના પર ચડી ગયેલી વેલ અને કપડાં સૂકવવાનો સળિયો એ ત્રણનો આધાર લઈ બુલબુલ માળો બનાવી રહ્યું છે. માળો હજી પ્રાથમિક તબક્કામાં જ હતો. નારિયેળના રેસા, પ્લાસ્ટિકની દોરીઓ, સૂતળીના કટકા, લીમડાની પાતળી સળીઓથી એક સરસ માળખું બનાવેલું. સરસ ગોળાકાર ગૌફ. બુલબુલ ત્યારે ન હતું તેથી બાંધકામમાં તેણે શું શું મટીરિયલ વાપર્યું છે તે જોયું. ઘરે ઘોડિયું બંધાયું હોય તેવો આનંદ થયો. બસ ત્યાર પછી તો અગાશીની પરસાળની સુવાંગ માલિકી બુલબુલ દંપતીની. અમે તેની આણ નહીં આમાન્યા-મલાજો જાળવતા. બેચાર દિવસમાં તો માળાને સુંવાળો-હૂંફાળો બનાવવા બુલબુલ દંપતી માળામાં પીંછાની પથારી પાથરવા ગૂંથવામાં લાગી ગયું. તેમના આ નીડનિર્માણ દરમિયાન અમારે અગાશીમાં અને પરસાળમાં અવરજવર કરવી પડતી તો જરૂર પૂરતી જ કરતા. બુલબુલને વિશ્વાસ બેસી ગયો હતો. બુલબુલ માટે અમારી અને અમારા માટે બુલબુલની હાજરી હોવા છતાંય છે જ નહીં તેમ અમે વર્તતા. બોલી શકીએ તેમ તો હતા નહીં તેથી અમારા વિશ્વાસભર્યા મૌનથી જ સંવાદ ચાલતો.

માળો બંધાઈ રહ્યા પછી બુલબુલ તેમાં બેસવા લાગ્યું. થયું કે હવે ઈંડાં મૂક્યાં હશે. માળો ભાગ્યે જ ખાલી હોય, વારાફરતી સેવતા હશે. બુલબુલનો માળો હાથ પહોંચી શકે તેટલો જ ઊંચો. દિવસેય બુલબુલ વિશ્વાસથી બેઠું હોય. અમારી હાજરીથી ઊડી જવાની કે ઊડી બીજે બેસવાની કોઈ ચેષ્ટા નહીં. તેમની નાડ હરિએ અમારા હાથમાં મૂકી હતી. માળા નીચેથી પસાર થઈએ તોય તે તો જરાય ફફડાટ વગર નિરાંત જીવે ત્યાં જ બેસી રહે. મોટા દીકરા કાર્તિકને સૂચના આપી હતી કે અગાશીમાં ક્રિકેટ ન રમવું અને તેણે તે સૂચના પ્રેમથી પાળી. નાનો તન્મય ગામમાં જ મોસાળે ગયો હતો. તેને સમાચાર આપ્યા તો તે ખુશ ખુશ. તેના માટે તો આ પહેલો જ પ્રસંગ હતો. રાત્રે અગાશીમાં પરસાળમાં વાંચતો હોઉં ત્યારે બુલબુલ માળામાં બેઠું જ હોય. એક હૂંફ લાગતી. તેનેય લાગતી હશે ? લાગતી હશે નહીંતર અહીંયાં માળો ન બાંધત. ક્યારેક ઈચ્છા થઈ આવતી કે લાવ જોઉં તો ખરો કે કેટલાં ઈંડાં છે. પણ વળી ડર લાગતો કે અડેલાં ઈંડાને એંઠાં ગણી બુલબુલ નહીં સેવે તો ? ના…ના… એવું પાપ નથી કરવું. ધીરજ ધરવા દે. ધોમધખતા તાપમાં છાપરા નીચે તેનું તપ ચાલતું હતું.

થોડા જ દિવસોમાં બચ્ચાં નીકળ્યાં. નવાઈ લાગે કે આવડાંક એવાં ઈંડામાં કેવી રીતે ગોટમોટ ભરાઈને રહ્યાં હશે ? બચ્ચાંના આછા ઝીણા ચીંચીકારથી છાપરું ભરાઈ ગયું. હજી એટલાં મોટાં ન હતાં કે તેને જોઈ શકાય. ક્યાંકથી પકડેલી ઈયળ કે જીવડું ચાંચમાં લઈ આવી બુલબુલ તેમને વારાફરતી ખવરાવતું. બચ્ચાં થોડાં મોટાં થયે તેમની મોટી પીળી કિનારવાળી ચાંચો મા આવતી ત્યારે ખૂલતી. ધ્રૂજતી પાતળી ગુલાબી ડોક, લંબાતી ચાંચો ખૂલતી ને બચ્ચાં માનો પ્રસાદ પામતાં. લાગતું કે પીળી કિનારવાળાં બેચાર ગુલાબી ફૂલો ડોલી રહ્યાં છે. મા જતી રહે એ ફૂલો બિડાઈ માળામાં ગોટમોટ સંતાઈ જતાં. સંતાનો આમેય ફૂલ હોય છે ને ! રાત્રે બુલબુલ માળા પર બેસી બચ્ચાંઓને પોતાની હૂંફમાં ઢબૂરી દેતું.

બચ્ચાં વધુ મોટાં થયાં ને પીંછાં આવ્યાં. લાંબી પૂંછડી અને કલગી વગરના બુલબુલનું જાણે વરવું રૂપ. માળામાં બચ્ચાં માંડ માંડ સમાઈ શકે છે તેથી બુલબુલ હવે માળા બહાર સળિયા પર બેસી રહે છે. નાનકડા માળામાંય બચ્ચાંઓ વચ્ચે કોઈ ઝઘડો નથી. બચ્ચાંઓ હવે પાંખો વીંઝવા લાગ્યાં છે. બે દિવસમાં તો બચ્ચાં ક્યારેક બહાર પણ નીકળતાં. અત્યાર સુધી અમારા પર વિશ્વાસ રાખતું બુલબુલ હવે તેનાં બચ્ચાં પાસે જતાં સાશંક થઈ ચિચિયારી પાડ્યા કરે પણ ચાંચો મારવાનું નામ નહીં. એક દિવસ અચાનક જ બચ્ચાં આ નિખિલ વિશ્વના સદસ્ય બની ક્યારે ઊડી ગયાં તેની ખબર ન પડી. રાત્રે છાપરા નીચે એંગલ પર બેસેલું જોયું. બીજાં ભાંડુઓ કે માબાપ ન હતાં. નિમાણું થઈ બેઠું હતું. સવારે મા આવી. તેને બહારના અવકાશ તરફ અફાટ જગત તરફ દોરી ગઈ ને માની પાછળ બચ્ચું ઊડી ગયું. માળો હવે ખાલી. સંતાનો મોટાં થયે દૂર જતાં રહ્યાં હોય તેવી લાગણી થઈ. થયું આજે તો બુલબુલનાં બચ્ચાં છે કાલે મારાં બાળકોનેય પાંખો આવશે ને ઊડી જશે. તૈયારી રાખવી પડશે.

હજી આજેય લગભગ રોજ બે બુલબુલ સવારે આઠથી નવ વચ્ચે અગાશીમાં આવી ટહુકા રેલાવી અમને ન્યાલ કરી ઊડી જાય છે. આ એ જ બુલબુલ દંપતી હશે ? તેનાં ઊછરી ગયેલાં બચ્ચાંઓ હશે ? જે હોય તે પણ સંબંધ સાચવવા આવે છે અચૂક. તેમની આ રોજની ઊડતી મુલાકાતથી એક આશા બંધાય છે કે આવતે ઉનાળે ફરી અમારા મહેમાન થઈ માળો બાંધી અમને અનુગ્રહિત કરશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “બુલબુલ સાથે દોસ્તી – યજ્ઞેશ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.