ત્રણ પ્રસંગો – હંસા જાની

[ તંત્રીનોંધ : જેમ જેમ કાળ વીતતો જાય છે તેમ તેમ ગાંધી-વિચાર વધુ ને વધુ પ્રસ્તુત બનતો જાય છે. એથી જ કહી શકાય કે ગાંધી એ ‘શાશ્વત ગાંધી’ છે. આ શબ્દને સાર્થક કરતું ‘શાશ્વત ગાંધી’ નામનું સામાયિક તાજેતરમાં ભૂજથી શરૂ થયું છે. આ સામાયિકના તંત્રી શ્રી રમેશભાઈ સંઘવીનો પરિચય આપવો પડે તેમ નથી. કારણ કે આપણે સૌ તેમના ‘શાંત તોમાર છંદ’, ‘અમીઝરણાં’, ‘એક ઘડી આધી ઘડી’ પુસ્તકોથી પરિચિત છીએ. ગાંધીજી વિશેના સમગ્ર સાહિત્યમાંથી ચૂંટેલા સાહિત્યલેખોનું આ સામાયિકમાં પ્રકાશન કરવામાં આવે છે. અન્ય સામાયિકોમાં અગાઉ પ્રકાશિત થયેલા ગાંધીદર્શનના લેખોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે. ખરેખર, એક ઉત્તમ કક્ષાનું આ સામાયિક સૌ કોઈએ વાંચવા અને સ્નેહીજનોને વંચાવવા જેવું છે. આજે આ સામાયિકમાંથી શ્રીમતી હંસાબેન જાનીના ત્રણ પ્રેરક પ્રસંગો અહીં પ્રકાશિત કરવામાં આવ્યા છે. અગાઉ આ પ્રસંગો સૌપ્રથમ ન્યૂયોર્કથી પ્રકાશિત થતા ‘ગુજરાત ટાઈમ્સ’માં ઑક્ટોબર 1999માં પ્રકાશિત થયા હતા. તેની એક હરિફાઈમાં આ અનુભવકથાને ત્રીજું ઈનામ મળ્યું હતું. એ પછી તે અખંડઆનંદ ઑક્ટોબર-2001માં પ્રકાશિત થયા અને ત્યારબાદ ‘શાશ્વત ગાંધી’ના સૌપ્રથમ અંક એટલે કે ઑક્ટોબર 2011માં તે પુનઃપ્રકાશિત થયા છે. રીડગુજરાતીને આ સામાયિક ભેટ મોકલવા માટે શ્રી રમેશભાઈનો (ભૂજ) ખૂબ ખૂબ આભાર. વધુ પૂછપરછ માટે આપ તેમનો આ નંબર પર +91 9825191029 સંપર્ક કરી શકો છો. લવાજમ અંગેની ટૂંકી વિગત આ લેખના અંતે આપવામાં આવી છે.]

[1] મારા જીવનમાં ત્રણ પ્રસંગો બનેલા છે, જેના ઉપર ગાંધીજીની અસર પડી છે. બીજા શબ્દોમાં કહું તો એમની આત્મકથા વાંચીને લોકો પર અસર પડી છે. 12 ડિસેમ્બર, 1971ના મારી અઢી વર્ષની દીકરી આશિનીને લઈને હું અમેરિકા વસવા આવેલી. અમારા કરતાં મારા પતિ હરનિશ વહેલા આવી ગયા હતા. એ માંસાહારી ખોરાક લેતા થઈ ગયા હતા. એટલે તેમણે પહેલે જ દિવસે અમને શાંતિથી સમજાવ્યું કે મને અમેરિકન નોનવેજ ફૂડ ભાવે છે. જો તને એમાં રસ હોય તો એ ખાઈ શકે છે. અને ના ખાવું હોય તો દાળભાત કે અહીં જે શાકાહારી મળે છે તે તું ખાઈ શકે છે. પરંતુ આપણી દીકરીને હું નોનવેજ પૌષ્ટિક ખોરાક ખવડાવવામાં માનું છું. અને મેં એમાં કાંઈ વાંધો લીધો નહીં.

પહેલા જ દિવસથી આશિનીને સ્ક્રેમ્બલ્ડ એગ્ઝ અને બ્રેડ બટરના બ્રેકફાસ્ટથી શરૂઆત કરાવી દીધી. પછી તો કોઈ પણ જાતનાં મનદુઃખ કે વિરોધ વગર તે બંનેને ભાવે તે રસોઈ હું બનાવતી થઈ. મારા માટે રોટલી-શાક, પૂરણપોળી વગેરે ખોરાક રાંધતી અને તેમાં તેમનો સહકર રહેતો. આમ મારા ઘરમાં રોજ બે પ્રકારની રસોઈ થતી. ભારતીય દાળઢોકળી મારે માટે બને; સ્પગેટી મીટબોલ મારા સિવાયનાં ઘરનાં બીજાં બધાં માટે થાય. આગળ જતાં અમારા કુટુંબમાં બાળકો ઉમેરાતાં ગયાં. બેત્રણ બાળકો અને પતિ માટે અલાયદી રસોઈ વર્ષો સુધી થતી રહી. આમ કરતાં દીકરી આશિની કૉલેજનાં ચાર વર્ષ પૂરાં કરીને ગ્રેજ્યુએટ થઈ અને ઘરે આવી ગઈ. લગ્નની વાતો શરૂ થઈ. સારા મુરતિયાની શોધ આરંભાઈ.

એક દિવસ એક છોકરાની મા જોડે હું ટેલિફોન પર વાત કરતી હતી. આશિની ઠામવાસણો સાફ કરતી હતી. એ બહેને પૂછ્યું, ‘તમારી દીકરી વેજિટેરિયન છે કે નોનવેજ ફૂડ ખાય છે ?’ મેં જવાબમાં જણાવ્યું, ‘અમે વેજિટેરિયન છીએ, પણ તેને મીટ ખાવાનું આવે તો મોં મચકોડતી નથી. લંચમાં નોનવેજ ફૂડ ખાય છે. અને સાંજે આપણું ભારતીય ખાણું ખાય છે.’ હું થોડુંક જૂઠું બોલેલી. મને પોતાને ખરાબ લાગ્યું. ટેલિફોનની વાતચીત પછી આશિનીએ કહ્યું, ‘મમ્મી ! તું મને એવા ઘેર પરણાવજે કે જે લોકો નોનવેજ ખાતાં હોય. મને એકલા આપણા ફૂડથી સંતોષ થતો નથી. તીખું પણ લાગે છે. જો એ લોકો નોનવેજ ફૂડ નહીં ખાતાં હોય તો અમને બંનેને પ્રોબ્લેમ થશે. અને આ રોજનો પ્રોબ્લેમ છે.’ મેં મારી દીકરીને કહ્યું : ‘બેટા ! તારી વાત સાચી છે. હું ખોટું બોલી. પણ હવેથી હું જ એ લોકોને પૂછી જોઈશ અને પછી જ આગળ વાત કરીશ. મારી દીકરીના વિચારો જાણ્યા અને સમજ્યા પછી મને દુઃખ થયું. અને મેં એ બહેનને ટેલિફોન કરીને પછી વાત સમજાવી. લગ્ન માટેની વાત મેં આગળ ન વધારી.

આ પ્રસંગને બેત્રણ વર્ષ વીતી ગયાં હશે. એક દિવસ સાંજે હું ટીવી જોતી બેઠી હતી ત્યાં આશિની આવીને મને કહે : ‘મમ્મી ! કાલે શનિવારે તું ગ્રોસરી લેવા જાય ત્યારે તું મારા માટે મીટ, ચીકન વગેરે ન લાવતી.’ નવાઈ પામતાં મેં પૂછ્યું : ‘કેમ બેટા ? એકદમ તેં કેમ મને ના પાડી ? કંઈ થયું તને ?’ તે હસી પડી અને પછી કહે, ‘આ બુક વાંચીને હું પ્રભાવિત થઈ છું. મેં પણ ભગવાનને પ્રૉમિસ આપી દીધું છે કે હવેથી હું કોઈ પણ દિવસ હિંસા થાય તેવું ફૂડ નહીં ખાઉં !’ મેં પૂછ્યું, ‘એ કઈ ચોપડી છે ? વર્ષોની ટેવને ઘડીના છઠ્ઠા ભાગમાં તિલાંજલિ આપતો નિર્ણય લેવા કેવો ધક્કો અનુભવ્યો હશે એ મારે સમજવું હતું. માટે આ તે કેવી ને કઈ ચોપડી હશે તેની મને જાણવાની ઈંતેજારી હતી. જવાબમાં આશિની બોલી : ‘An Autobiography of M. K. Gandhi.’ પછી ગુજરાતીમાં બોલી : ‘મા, ગાંધીજીની આત્મકથા.’ આ સાંભળી હું ખૂબ ખુશ થઈ. મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. હું દીકરીને બાઝી પડી. મેં તેને ચુંબનોથી નવરાવી દીધી. મેં વિચાર્યું, દીકરીએ ગાંધીજીની આત્મકથા વાંચવા ખાતર વાંચી નહોતી. તેણે પચાવવા પ્રયાસ કર્યો છે. જીવનમાં કંઈક ઉતાર્યું છે. અને આમ મારા માનસપટ પર ગાંધીજીની પરમ છબી ઊભી થઈ. મારા હોઠ પર બાળપણમાં ગાયા કરતી એ કવિ પ્રદીપનું ગીત ગુંજવા લાગ્યું : ‘સાબરમતી કે સંત, તૂને કર દિયા કમાલ.’ અને પછી મોટે મોટેથી એ ગીત ગાતી રહી.

આટઆટલાં વર્ષોથી હું લોકોના આનંદ અને જરૂરિયાતો માટે તેમ જ પતિપત્નીના વિચારો જુદા તરી ન આવે તે માટે આવી રસોઈ કરતી રહી. ઘણી વાર મને દુઃખ થતું કે ભગવાન આ તે કેવી કસોટી કરાવે છે. બ્રાહ્મણના ઘરમાં આ તે કેવા ખેલ ? હવે તો દીકરીએ જાતે સમજીને છોડી દીધું. હું બહુ જ રાજી થઈ. મને ખૂબ જ આનંદ થયો. અને મહાત્મા ગાંધીને મનોમન હું પગે લાગી. આ મહાન આત્માના જીવનકવનની અસર આપણા ભારતીયો પર જ પડી છે તેવું નથી. પરદેશી લોકોએ પણ ગાંધીજીની વાત સમજી છે અને વિચારસરણી અનુસાર જીવન જીવવાનું રાખ્યું છે. તે અનુસાર ગાંધીપગલે ચાલવા પ્રયત્ન કરે છે. ગાંધીજીનું ઋણ એ દરેક પર છે અને તે ઋણ અદા કરવા પ્રયત્ન કરે છે.

[2] સન 1997ની 15 જૂને અમે અમારા દીકરા સંદીપને જનોઈ આપવાનો પ્રસંગ અમેરિકામાં યોજ્યો હતો. તે પ્રસંગની કંકોતરી ભારતમાં છપાવી હતી. એનું કદ 5 x 8 ઈંચનું સાધારણ લંબચોરસ હતું. આ કદની ટપાલ પોસ્ટવાળા નહીં સ્વીકારે તેમ બેચાર લોકોએ અમને કહેલું. પોસ્ટવાળાનું તમામ કામ કમ્પ્યુટર વાટે થતું હોઈ તેમને આ કદમાપથી પ્રોબ્લેમ થશે એમ તે બધાં કહેતાં હતાં.

ઉકેલ સારુ એ 200-250 કંકોતરી લઈને અમારી મુખ્ય પોસ્ટઑફિસે હું ચાલી ગઈ. કાઉન્ટર પરની કેશિયરને થોકડો આપ્યો અને કહ્યું કે આ ઈન્વિટેશન કાર્ડ છે. તો તે કહે, પોસ્ટખાતું આ મોકલી નહીં શકે. અને પછી ઉપર કહ્યાં તે તમામ કારણો તેણે કહી સંભળાવ્યાં. હું ખૂબ નિરાશ થઈ. હામ લઈને તે કેશિયરને મેં પૂછ્યું, ‘May I talk to your supervisor or officer ?’ તે અંદર ગઈ અને તેના બૉસને બોલાવી લાવી. તે અમેરિકન ગોરો માણસ હતો. લાગલો તે બોલ્યો : ‘Hello, young lady ! May I help you ?’ મેં જવાબમાં કહ્યું : ‘Yes Sir ! I need your kind help. I think only you can do this.’ મારા દીકરાના જનોઈ પ્રસંગની અને ધાર્મિક પરંપરા અને સંસ્કારની ઉપરછલી સમજણ આપી. એ પ્રસંગની આ કંકોતરી છે તેમ મેં જણાવ્યું. તે ભારતમાં છપાઈ છે અને હવે અહીં યુનાઈટેડ સ્ટેટ્સમાંથી આમંત્રણ માટે મોકલવાની છે. મૅનેજરે એક કાર્ડ હાથમાં લીધું. આમતેમ ફેરવીને જોયું અને મારા સામે જોઈ બોલ્યો : ‘Lady ! You are from india. That means Mahatma Gandhi’s country. He was a gentleman. He did good work for humankind. We cannot do this work by machine, but I will do this work by myself, manually. It will take one and a half hour. I think I am doing this work for that great man, Gandhi. Did you know that I have read his Autobiography twice, so far ? I have now bought that book for my home library. We can learn from his life.’ તેની વાતે મને ભારે ખુશી ઊપજી. મેં તેનો બહુ જ આભાર માન્યો તેના હાથ ઝાલીને તેનો આભાર માનતી જ રહી. તેણે મને ચિંતા ન કરવા જણાવ્યું. એ પછી હું પોસ્ટઑફિસેથી ઘેર ભણી જવા નીકળી. એ વખતે તો મને થયું : હાશ ! મારું કામ પતી ગયું. મારા વાકચાતુર્યથી કામ થઈ ગયું. કારમાં બેઠી અને ચલાવતાં વિચારે ચડી, આ જણે ગાંધીજીની કેવી સરસ વાતો કરી. ગાંધીજીથી એ કેવો પ્રભાવિત થયો હતો અને હમવતનીને નાતે તેનો લાભ મને મળી રહ્યો હતો. પછી મને સમજાયું કે એ મારું વાકચાતુર્ય નહોતું અને મારી કોઈ જ હોશિયારી ન હતી. આ કામ ગાંધીજીને નામે પાર પડ્યું હતું. મારી આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. મારી કારને બાજુમાં લીધી અને ઊભી રાખી. ગાંધીજી ફરી ફરી યાદ આવતા હતા. આંખમાંથી આંસુ વહેતાં હતાં. ગાંધીજીને નત મસ્તકે મનોમન વંદતી રહી. અને પેલી ગીતની કડી ફરીથી ગણગણતી રહી : ‘સાબરમતી કે સંત, તૂંને કર દિયા કમાલ.’ મેં આંસુ લૂછ્યાં. હસતી હસતી પછી ઑફિસે ગઈ.

મારા પિતા ગણપતિશંકર વ્યાસ મૂળે રાજપીપળાના અને ધંધે વકીલ હતા. પરંતુ તે તનમનથી ગાંધી રંગે રંગાયેલા હતા. ખાદી પહેરવી, પરદેશી વસ્તુને હાથ ન લગાવવો, તેવું તમને પણ હતું. આઝાદીની ચળવળોમાં સક્રીય ઝંપલાવેલું. રાજપીપળાના રાજાની સામેય બગાવત કરેલી. ગુલામીની સાંકળ તોડી નાખવાની તેમની લડતને પરિણામે રાજપીપળાના રાજાએ તેમની સનદ પાછી લઈ લીધી હતી. પરિણામે અંકલેશ્વરની બહાર વકીલાત કરવાની તેમને ફરજ પડેલી. આમ બચપણથી ગાંધીજીની અસર મારા જીવન પર પણ રહી છે.

[3] જાન્યુઆરીથી મે, 1999ના પાંચેક મહિનાઓ દરમિયાન ન્યૂજર્સી ઈન્કમટેક્સ ઑફિસમાં કામ કરવાની મને તક મળી. ઈન્કમટૅક્સ રિટર્ન ફૉર્મ મારે પ્રોસેસ કરવાનાં હતાં. પહેલે દિવસે હું ઑફિસમાં ગઈ. જૉબ શરૂ કર્યો. જોયું તો સહુથી વધારે કાળા લોકો ચોપાસ હતા. તે લોકો ઓછું ભણેલા હશે કે કેમ મોટે મોટેથી બોલ્યા કરે. વળી, ખુલ્લેઆમ ગંદી ગાળો બોલે. એટલે મેં સુપરવાઈઝરને વાત કરી. તે કહે અમે કાંઈ ન કહી શકીએ. જેમતેમ અઠવાડિયું કાઢ્યું. મને થયું કે આ બધું સાંભળવા કરતાં જૉબ છોડી દઉં. પણ પછી મેં બીજા વિભાગમાં જવાની રજા માગી અને હું નવા વિભાગમાં બેઠી. તો લોકો એના એ જ. એવી જ ભાષા અને એવી જ ગંદી ગાળો. કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો બોલે. મનમાં થાય કે આ લોકોને જઈને કહી દઉં કે આવી ગાળો તો ન બોલો. હિંમત ચાલી નહીં. ડર પણ હતો. આવા કાળા લોકો જોડે બાથ ન ભિડાય. હું ચૂપચાપ કામ કર્યા કરતી. અને પછી મને સમજાયું કે એ લોકોને પણ મારી જોડે વાત કરવી છે. મને વિદેશી ગણીને મારી પર છાપ પાડવા માગતા હતા. એક સમયે મને વાતાવરણ કાંઈક શાંત દેખાયું. હું તેમના ટેબલ પાસે ગઈ. મેં મારી ઓળખાણ આપી. મારું નામ જણાવ્યું અને પરિચય કેળવ્યો. મેં કહ્યું, હું ઈન્ડિયાથી આવું છું. તેમની જોડે પ્રેમથી હાથ મિલાવ્યા. એ લોકોનાં નામો જાણ્યાં. તેમના વિશે થોડીઘણી ઔપચારિક પૂછપરછ કરી. એવામાં એક છોકરાએ પૂછ્યું : ‘ઈન્ડિયા ક્યાં આવ્યું ? તું અહીં કેવી રીતે આવી ? ઈન્ડિયામાં કઈ લેંગ્વેજ બોલાય છે ? તું કેવી રીતે ઈંગ્લિશ શીખી ? આવા ઘણા સવાલોની આપલે થઈ. આવડે તેવા જવાબો મેં આપ્યા. પછી ધીરેથી મેં કહ્યું : ‘તમે લોકો આ ગંદી ગાળો બોલો છો એ સારું કલ્ચર ન કહેવાય. તમે લોકો આખો દિવસ ચારપાંચ ગાળો બોલ્યા જ કરો છો અને ખરાબ ભાષા વાપરો છો. આ રીતે કલાકો બગાડો છો એ શોભતું નથી. બીજી છોકરીઓ પણ તમારી સાથે વાતચીતમાં જોડાતા ખચકાય છે.’ આમ વાતચીત ચાલતી હતી તેવામાં કૉલેજમાં એક વર્ષ ગાળેલું તેવો ચેડ નામનો એક કાળો યુવાન વચ્ચે ટપકી પડ્યો. તેણે મને ગાંધીજી વિશેની તૂટીફૂટી વાતો કરી. હું તેના પર ખુશ થઈ ગઈ. મેં તેને ગાંધીજીની કેટલીક વાતો કરી. બધા મને સાંભળતા રહ્યા. પછી મેં ચેડને કહ્યું, ગાંધીજીની ઑટોબાયૉગ્રાફી તું વેચાતી લે અને વાંચ. એ મહાન માણસ વિશે તને વધારે માહિતી મળશે. તને એ ચોપડી વાંચવી ખૂબ જ ગમશે. તેણે પૂછ્યું, એ ચોપડી મને ક્યાંથી વેચાતી મળે ? મેં કહ્યું : ‘ચાલ, મારી પાસે તેની નકલ છે. હું તને વાંચવા આપીશ. વાંચી લે પછી તું મને પરત કરજે.’ તેણે કબૂલાત આપી.

બીજે દિવસે ગાંધીજીની આત્મકથાની અંગ્રેજી નકલ હું સાથે લઈ ગઈ. મેં ચેડને તે આપી. મને કહે, હું તને વાંચીને પાછી આપી દઈશ. પણ એ ત્રણ દિવસ સુધી દેખાયો નહીં. પછી ખબર પડી કે ચેડ નોકરી છોડીને જતો રહ્યો છે. તે ક્યાં રહે છે તેની કોઈનેય ખબર નહોતી. છોકરાઓ કહેતા હતા : ‘હંસા, તારી ચોપડી જતી રહી.’ જવાબમાં મેં આત્મવિશ્વાસ જાળવ્યો અને કહ્યું, એ ચોપડી જતી નથી રહી. એ ચોપડીમાંથી તે ઘણું શીખશે અને એમાંથી ઘણું તે પામશે. એ ચોપડી જરૂર પાછી આવશે.

એમ કરતાં પંદર દિવસ વીતી ગયા. સોળમા દિવસે સવારમાં નોકરીએ ગઈ. કાર પાર્ક કરી. દૂરથી જોયું કે એક માણસ અને સ્ત્રી છે. સાથે સ્ટ્રોલર છે. તે દંપતીની હું નજીક આવી. પુરુષે સરસ સૂટટાઈ પહેરેલાં હતાં. સ્ત્રીએ લાઈટ બ્લૂ રંગનું ટી-શર્ટ ને બ્લૂ રંગનું સ્કર્ટ પહેરેલાં હતાં. મને થયું કે કોઈક હશે. વધુ નજીકથી પસાર થઈ. દંપતીમાંથી પુરુષે આગળ આવી કહ્યું : ‘હંસા ! ગુડ મૉર્નિંગ.’ હું ચમકી. એ પુરુષને હું ઓળખતી નથી અને તે મને નામથી જાણે છે ? એ નજીક આવ્યો અને બોલ્યો, હંસા, તું મને ભૂલી ગઈ ? હું ચેડ ! પહેલાંનો ચેડ બેસબૉલની કાળી ટોપી ઊંધી માથે પહેરતો. કોઈ દિવસ દાઢી કરતો નહીં. Mecca ચીતરેલું કાળું ટી-શર્ટ અને કેડથી પણ નીચે ઊતરી જાય તેવાં જીન્સ પહેરતો. મારા મગજમાં તો આવો ચેડ હતો. આ ચેડ તો સૂટબૂટમાં સજ્જ. દાઢી કરેલી અને ટાઈ પહેરેલી. અમે ઓળખાણ તાજી કરી. તેણે ઔપચારિકપણે તેની પત્નીનો પરિચય કરાવ્યો. સ્ટ્રોલરમાં તેમની બે વર્ષની દીકરી હતી. તેની વાત કરી. તેની દીકરી નમણી મજાની હતી. ચેડે ગળગળા અવાજે કહ્યું, હંસા, મારાથી તારી ચોપડી આપવા ન જ અવાયું. એ માટે માફી માગું છું. તે મહાન માણસની એ ચોપડી માટે હું તારો ભારે આભારી છું. ચેડ પત્ની મેરિયન સામે જોઈને કહેતો હતો. પછી મેરિયનને કહે : તું હંસાને કહે. પછી મેરિયન બોલી : ‘હંસા, તને અમારી વાતો કરવી છે. ચેડ બહુ ઢીંચતો. ઢીંચ્યા પછી તે બહુ જ ગુસ્સે ભરાતો અને મને બહુ જ પીટતો, મારતો. ઘણી વખતે અમારી પાસે દૂધ લેવાનાય પૈસા ન હોય અને ચેડ દારૂ ઢીંચે. પરિણામે પ્રોબ્લેમ થાય. હંસા, તારો ખૂબ આભાર. તેં ગાંધીજીની ચોપડી આપી તે વાંચતો ગયો. તેના ત્રીજા દિવસે મારી પાસે આવીને કહે કે આ મહાન માણસની ચોપડી છે. તને વચન આપું છું. હવેથી હું કોઈ પણ જાતના દારૂ નહીં પીઉં અને તને હાથ પણ નહીં અડકાડું. અમે ચારપાંચ વર્ષથી સાથે રહીએ છીએ પણ એક ડૉલરની ચીજવસ્તુ મારા માટે લાવ્યો નથી. એમ છતાં આ વચન આપ્યા પછી મારે માટે એક ડઝન ગુલાબનાં ફૂલ લાવ્યો’તો અને હું ખૂબ ખુશ થઈ ગઈ હતી. છેલ્લા એક અઠવાડિયાથી તો હું બહુ રાજી છું. મેં આજે પહેરેલાં કપડાં ચેડ જાતે મારી સારુ લઈ આવ્યો છે. હંસા, તને બતાવવા માટે એ પહેરીને હું ચેડ સંગાથે આવી છું. હંસા, થૅન્ક યૂ. હવે અમારી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે.’ આટલું કહેતાંક ને તે મને વળગી પડી.

ચેડની સામે જોયું. તે તદ્દન નરમ માણસ દેખાતો હતો. તેના મોં પર નમ્રતા ને સચ્ચાઈ દેખાતી હતી. તેની આંખમાં આંસુ હતાં. મને તેણે ગાંધીજીની આત્મકથાની ચોપડી પાછી આપી. મેં તેનો આભાર માન્યો. પછી કહે : હંસા, તને સારા સમાચાર આપું. મને AT&Tમાં નવી નોકરી મળી ગઈ છે. એટલે નવાં કપડાં લાવ્યો છું. નવી નોકરી માટે મેં તેને અભિનંદન આપ્યા અને શુભ કામનાઓ આપી. એ બંનેને મેં આલિંગન આપ્યું. હું બહુ જ રાજી હતી. અને અમે છૂટાં પડ્યાં. ગાંધીજીની આત્મકથાની ચોપડી પાછી આવી એનો મને આનંદ હતો. મેરિયનને ચેડ નવું અને સારું શીખ્યો છે તેનો આનંદ હતો. સારી જિંદગી જીવવા મળશે તેની આશા તેને બંધાઈ હતી એમ સ્પષ્ટ લાગતું હતું. છૂટી પડી ને હું ઑફિસ ભણી ચાલવા લાગી. પાછળ ફરીને જોયું તો ચેડ અને મેરિયન હાથમાં હાથ ભીડીને ચાલતાં હતાં. મેં તે જોયું. મને પારાવાર આનંદ થયો. ફરી પાછા મેં મનોમન ગાંધીજીને યાદ કર્યા અને તેમને વંદન કરી બેઠી. પેલી ગીતની કડી ફરીથી મને યાદ આવી : ‘સાબતમતી કે સંત, તૂને કર દિયા કમાલ.’

જે માણસે મનોબળથી તથા સત્યના સિદ્ધાંતોથી બ્રિટિશ સરકારની હકૂમત હટાવી દેશને આઝાદ કરવા અગ્ર ભાગ ભજવ્યો તે જ મહાપુરુષે ચેડ જેવા માણસનું જીવન બદલી નાખવાય ફાળો આપ્યો. ગાંધીજીની આત્મકથા ખરે બળવાન ચોપડી છે. મા ભારતીના આ પનોતા પુત્રને લાખ લાખ પ્રણામ. Gentle way you can shake the world.

[ લવાજમ : ભારતમાં – રૂ. 150 વાર્ષિક. પરદેશમાં રૂ. 1000 વાર્ષિક. સંપર્ક : અક્ષરભારતી પ્રકાશન. 5, રાજગુલાબ, વાણિયાવાડ, ભૂજ-370001. ફોન : +91 2832 255649.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “ત્રણ પ્રસંગો – હંસા જાની”

Copy Protected by Chetan's WP-Copyprotect.