- ReadGujarati.com - http://www.readgujarati.com -

કહો કેટલી ઘડી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

[ડો.નિરંજન રાજ્યગુરુ ગુજરાતના જાણીતા કવિ, સાહિત્યકાર, સંશોધક, લોકવિદ્યાવિદ્, લોકગાયક અને દૂરદર્શન ટી.વી.-રેડિયોના જીવંત પ્રસારણોમાં લાઇવ કોમેંટ્રી આપનારા તજજ્ઞ કલાકાર છે. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે તથા પી.એચ.,ડી ના પરીક્ષક તરીકે પણ માન્યતા ધરાવે છે. તેમના સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાસંશોધન-અભ્યાસના ફળસ્વરૂપે વીસેક જેટલા પુસ્તકો પ્રકાશિત થયાં છે. ગોંડલથી સાત કિલોમિટરના અંતરે ગોંડલ-આટકોટ સ્ટેટ હાઇવે પર આવેલા તેમના ‘આનંદ આશ્રમ’માં સાત હજાર અપ્રાપ્ય પુસ્તકોનું સંદર્ભ ગ્રંથાલય, હસ્તપ્રતભંડાર, ૬૦૦ જેટલી કેસેટસમાં પરંપરિત ભક્તિસંગીત-લોકસંગીતનું ધ્વનિમુદ્રણ સચવાયાં છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે satnirvanfoundation@gmail.com સંપર્ક કરી શકો છો.]

આ શ્વાસ-ઉચ્છવાસ, કહો કેટલી ઘડી ?
નેણાં મહીં ઉજાસ, કહો કેટલી ઘડી ?

…………કંઇ કંઇ તુમાખી તોર, ભરીને ઘણું ભમ્યા
…………ફુગ્ગામાં વાગી ફાંસ, કહો કેટલી ઘડી ?

અધિકાર લઇ ઊભા’તા, કરવાને દિગ્વિજય
દમનો દિવાને ખાસ, કહો કેટલી ઘડી ?

…………પુષ્કળ પ્રતીતિ હોય કે આ દાવ જીતશું
…………ત્યાં ફેકવાને તાસ, કહો કેટલી ઘડી ?

ગુલજારમાં, ફૂલોમાં, અત્તર બજારમાં
મૂર્દા કીડીની વાસ, કહો કેટલી ઘડી ?

…………સિજદા, સલામી ખૂબ ઝીલંતો રહ્યો ભલા !
…………બાંધ્યો નનામી વાંસ, કહો કેટલી ઘડી ?

ચક્કર ભમે છે બાજ, ઇ ચકલીને ક્યાં ખબર ?
ચીં ચીં ના પાડે ચાસ, કહો કેટલી ઘડી ?

…………વાંભું ભરી કટારી લઇ કાળજું ચીરે
…………વાહ ! દુશ્મની આભાસ, કહો કેટલી ઘડી ?