અવળસવળ – રવીન્દ્ર પારેખ

[‘નવનીત સમર્પણ’ ડિસેમ્બર-2011માંથી સાભાર.]

રીના ઘરે આવી. પર્સ ફગાવતી તે બેડ પર ફસડાઈ પડી. રડવું આવતું હતું, પણ રડવું ન હતું. રડીનેય શું ? આ કંઈ એવું તો હતું નહીં કે કોઈએ તેને કહ્યું હતું ને તેણે કરવું પડ્યું હતું ! જે કંઈ કર્યું તે તો તેણે તેની મરજીથી ! પણ આ મરજી તેની તો નો’તી જ ! તેણે ક્યારે ઈચ્છ્યું હતું કે નિકેત તેની સાથે ન હોય ! કે નિકેતે ક્યારે કહ્યું હતું કે- એ તો બિચારો છેવટ સુધી કાલાવાલા કરતો રહ્યો. કોઈક રીતે પણ રીના માને તો…. પણ કંઈ પણ માનવાની છૂટ રીનાને ક્યાં હતી ?

કપાળ પર આડો હાથ રાખીને થોડી વાર મરી ગઈ હોય તેમ તે પડી રહી. આમ તો આ મૃત્યુ જ હતુંને ! કદાચ નવો જન્મ પણ હશે આ ! હવે નવેસરથી વિચારવાનું હતું. આમ તો રોજ જ એને મોડું થઈ જતું હતું. રીનાને કશુંક ખોટું થઈ રહ્યાનું પણ લાગતું હતું, પણ નિકેત પણ ખોટો ક્યાં હતો ? બેચાર દિવસે કલાકેક સાથે ગાળવાનો તેને હક નો’તો ? તે શું વધારે માગતો હતો ? પણ ઘણી વાર તો મિનિટોનાં ફાંફાં પડી જતાં હતાં, ત્યાં- ઘરે જ્યારે પણ આવતી ત્યારે રીનાને થતું કે પાંચેક મિનિટ વહેલી આવી ગઈ હોત તો પિન્કી દાદર પરથી પડી ગઈ ન હોત ! પપ્પાએ બજારમાંથી ટિફિન લાવવું પડ્યું ન હોત. રાકેશે ટ્યુશને જવાના અખાડા કર્યા ન હોત ! શર્લી તેના બોયફ્રેન્ડ જોડે…..

આજે ખાસી વહેલી આવી ગઈ હતી ઘરે. પણ ન તો પિન્કી રડતી હતી કે ન તો પપ્પા બજારે ગયા હતા. રાકેશ પણ દોડ્યો ન હતો તેની તરફ, તેને આવતી જોતાં ! કદાચ ટ્યુશને ગયો હતો. શર્લી પણ ઘરમાં જ હતી. બાકી, આ સમયે તે ઘરમાં ન દેખાય. તેના બોયફ્રેન્ડ જોડે જ ક્યાંક રખડતી હોય. રીના તો કહી કહીને થાકી હતી.
‘સુધર, જરા સુધર ! શર્લી ! તારો બોયફ્રેન્ડ બે જગ્યાએ લપટાયેલો છે. રખડાવી મારશે તને.’ પણ શર્લી ગાંઠતી ન હતી. વાત તો પપ્પા સુધી પણ પહોંચી હતી.
‘રીના, આ નાનીનું કંઈ સમજાતું નથી જો !’
રીના હસતી, ‘કંઈ નથી, પપ્પા ! ડોન્ટ વરી.’
‘પણ તે આમ રખડે છે તે….’
‘હવે જુવાનિયા નહીં રખડે તો તમે રખડવા જવાના હતા ?’ રીના હસતી, પણ તેને લાગતું કે ખોટું હતું. પપ્પા, ફિક્કું રડી દેતા, ‘આજ તારી મમ્મી હોત તો…. આમ દીકરીઓ….’ રીનાને લાગ્યું કે પપ્પાએ શર્લીને ગાલે ઉપાડેલો હાથ તેના ગાલે અથડાયો છે. રીનાનો હાથ અનાયાસ જ ગાલ પર ઘસાઈ ગયો. પપ્પા જાણતા હતા, નિકેતને. રીનાને તે ગમતો હતો તે પણ તેમનાથી અજાણ્યું નો’તું. બંનેને પરણાવી જ દીધાં હોત, જો સુલેખા આમ અચાનક…. કોઈએ ધાર્યું નો’તું કે મમ્મી આમ જ ચાલી જશે.

રીનાને એકદમ જ મમ્મીનું મૃત્યુ જાગી ગયું. તે બેઠી થઈ ગઈ. ત્યારે એટલું રડેલી કે અત્યારે રડવું હતું, પણ આંસુ આવતાં નો’તાં. ક્યાંક ઊંડે રડવાનું ચાલતું હોય ને આંખો કોરી ધાકોર હોય તેવું રીનાને ઘણી વાર બનતું. તેને કારણે બોજ બેવડો થઈ જતો. આજુબાજુની હવા પણ ભારે થઈ જતી. વાદળ ઘેરાતાં ખૂબ, પણ વરસતાં નહીં. કેવું બધું સમુંસૂતરું ચાલતું હતું. પપ્પા નોકરીએ દોડતા. મમ્મી બધાને માટે કંઈ ને કંઈ બનાવતી હોય. શર્લી, રીના પાસે વાળ ઓળાવતી હોય, રાકેશ ખૂણે બેડ પર દાખલા ગણતો હોય ને પોતે નોકરીએ જવાની તૈયારી કરતી હોય. બધું કેવું ગોઠવાઈ ગયું હતું ! અને એકાએક આખું ઘર કોઈએ ક્યાંક હડસેલી દીધું હતું. ઊભી ઊભી રસોઈ જ ગરમ કરતી હતી પપ્પા માટે ને એકદમ દાળની તપેલી છટકી, સાણસી પ્લેટફોર્મ પર જ પછડાઈ અને એકદમ છાતી દબાવતી મમ્મી ફર્શ પર પડી. પડી ને પડી જ ! ડોક્ટરને બોલાવવાની તક પણ ન આપી ને બીજે દિવસે તો તે ફોટોફ્રેમ થઈ ગઈ ! માણસને જવાની આટલી ઉતાવળ પણ હોય ! રીના ક્યાંકથી તણખલાની જેમ તૂટી ગઈ. પછી તો રોજ જ ક્યાંક ને ક્યાંક તણખલાં તૂટતાં જ રહેતાં હતાં.

એ વાતનેય ખાસ્સું વરસ થઈ ગયું હતું. વરસ સુધીમાં તો રીના જ મા થઈ ગઈ હતી. મમ્મીના જતાં જ ઘર તેને વીંટળાઈ વળ્યું હતું. એકાએક કોઈ સકંજામાં આવી ગઈ હતી તે ! તેને ખ્યાલ તો ત્યારે આવ્યો જ્યારે નિકેત સાથે રખડવાનો, ફિલ્મો જોવાનો, હોટેલમાં જવાનો સમય એકાએક કપાઈ ગયો હતો. મમ્મીના મૃત્યુને આગલે દિવસે રીના અને નિકેત પિક્ચર જોવા ગયાં હતાં. તે જ પાપ ! તે પછી ખાસ્સું વરસ થઈ ગયું. ભટકવાનું રખડી પડ્યું હતું. કાલે જ નિકેત બોલેલો, ‘રીનુ, વરસ થવા આવ્યું, આપણે નિરાંતે બે કલાક ક્યાંક બેઠાંયે નથી.’
‘નિકેત, એ વાત તો તું હવે ભૂલી જ જા !’ રીનાએ તેના ગાલ ચૂમતાં કહ્યું હતું. ‘હવે ઘર જોવાનું છે.’
‘પ્લીઝ, વરસ પહેલાંના ડાયલોગ રિપીટ ન કરીશ.’
રીના હબકી ગઈ.
છેલ્લા મહિનાથી તો રોજ જ નિકેત સાથે ઝઘડો થતો હતો. રોજ જ નિકેત પૂછતો, ‘શું વિચાર્યું તેં ?’
રીના રોજ જ કહેતી, ‘વિચારવાનું શું છે ? તું કહે છે તેવું શક્ય નથી.’
‘આખી જિંદગી ઘરકૂકડી થઈને રહેવાની છે ?’
‘બીજો વિકલ્પ તું બતાવને ! તેમ કરું.’
‘વિકલ્પ એક જ ! લગ્ન….’
‘પછી મારા ઘરનું શું કરું ?’
‘ઘર તને ઘરડી કરીને છોડશે રીના !’
‘ઘર છોડી દઉં ?’
‘હા. મમ્મી નથી તો તારે મમ્મી બનવાની જરૂર નથી.’
‘એ બધાને પડતા મેલીને તારા ભેગી ચાલી આવું ?’
‘હા. તારા પપ્પાને કહે કે રસોયણ રાખી લે. ધોબણ રાખી લે. કામવાળી રાખી લે. પણ દીકરીનો ભવ બગાડવાનું પડતું મૂકે.’
‘કેવી રીતે તું આટલી નિષ્ઠુર રીતે વર્તી શકે છે તે જ નથી સમજાતું.’
‘સમજાશે ત્યારે પેન્શન ચાટતી હશે.’

નિકેત થોડો રુક્ષ હતો, પણ તે ખોટું કહેતો ન હતો. તેને પોતાને પણ હતું કે માત્ર ઘર ચલાવવા તેણે નિકેતને ના પાડવાનો કોઈ અર્થ નથી. પણ તેનું મન માનતું નહોતું. ઘરને આમ પારકાને ભરોસે છોડી દેવાનું ? જોકે પપ્પા, પણ હવે તેનાં લગ્નની વાત કાઢતા નો’તા. તેમનેય થઈ ગયું હતું કે દીકરી સમજુ નીકળી ને થોડા જ વખતમાં તો ઘર માથે લઈ લીધું. બીજી કોઈ છોકરી હોત તો ઘર ક્યારનું ઓવારી નાખ્યું હોત. અરે ! શર્લી જ હોત તો એ તો તેના બોયફ્રેન્ડ જોડે ભાગી જ ગઈ હોત. રીના જાણતી હતી કે પપ્પાને તેને માટે ખૂબ લાગણી હતી. તેમણે જ કેટલા બધા મુરતિયાઓ ખોળી કાઢેલા, પણ પછી જાણ્યું કે રીનાનું મન તો નિકેત સાથે…. પછી છોકરાઓ ખોળવાનું બંધ થયું. રીનાને હતું કે પપ્પા જ પૂછશે, ‘કેમ ચાલે છે તમારા બંનેનું ?’ પણ તેને બદલે પપ્પાએ જુદું જ પૂછ્યું :
‘તેં પછી નિકેતને પૂછ્યું કે નહીં ?’
‘પપ્પા, સો વાર પૂછ્યું હશે. પણ તે તૈયાર નથી.’
‘ભારે કરી આ નિકેતે તો ?’ પપ્પા દાઢમાં બોલ્યા.
‘એમાં ભારે શું કરી ?’ રીના તડૂકી, ‘તે ઘરજમાઈ થવા તૈયાર નથી.’
‘તેને વાંધો શો છે ? એ અહીં રહે તો આ ઘર પણ સચવાયને !’
‘પણ એને એનું ઘર છે. તેના ઘરમાં તે એકમાત્ર સંતાન છે. તમે તો જાણો છો, પછી….?’
‘હા, એ ખરું ! એનાં માબાપ એને શું કામ અહીં આવવા દે.’
‘તમે તમારી દીકરીને તેને ત્યાં જવા દેવા તૈયાર છો ?’
‘હું તો છું, પણ…..’
રડી પડ્યા, પપ્પા ! ‘તારી મમ્મીએ દગો…..’ નાક લૂછતાં તે રસોડાની બહાર નીકળી ગયેલા. તે સાથે જ રીનાને એક ફેન્ટાસ્ટિક વિચાર આવેલો.

તે સીધી પપ્પા પાસે દોડેલી,
‘પપ્પા ! એક વિચાર આવ્યો છે, કહું ?’
‘બોલને ?’
‘પપ્પા, તમે બીજાં લગ્ન કરો તો ?’
પપ્પાની આંખો ભરાઈ આવી, ‘મશ્કરી કરે છે, બાપની !’
‘ના, પપ્પા ! આઈ એમ ડેમ સિરિયસ.’
‘તારે નિકેતને પરણવું હોય તો….. તું ઈચ્છે ત્યારે ઘર છોડીને જઈ શકે છે. અમે અમારું ફોડી લઈશું, પણ આમ મારી મશ્કરી ના કર, દીકરા !’
રીનાએ પપ્પાની આંખો લૂછતાં કહેલું, ‘પપ્પા, તમને છોડીને હું ક્યાંય જવાની નથી, પણ તમે આમ શું કામ જીવો ? પચાસ વર્ષ કંઈ એવી ઉંમર નથી કે….’
‘તું આ વાત બંધ નહીં કરે તો મારું મરેલું મોં જોઈશ.’
‘ઓ.કે, હવે કદી આ વાત નહીં કાઢું, બસ ?’ પપ્પાએ, રીનાને ગળે વળગાડી લીધેલી. એ જ ઘડીએ રીનાએ નક્કી કરેલું કે હવે નિકેતને તે ના પાડી દેશે. સહેલું ન હતું. મન મારવાનું હતું ને બીજા કોઈએ નહીં, પોતે મારવાનું હતું.
‘સોરી, નિકેત ! આપણે હવે નહીં મળીએ.’
‘સારું. જેવી તારી મરજી. મેં પણ યુએસ જવાનું નક્કી કરી લીધું છે. રોજ રોજ તારી ખુશામત કરવી તે કરતાં ત્યાં બીજાઓ પાસે ખુશામત કરાવવાની મજા જ આવશે.’ નિકેતે સંભળાવેલું.
‘ક્યારે જવા ધારે છે ?’
‘તું ના પાડે તેટલી જ વાર ! રાતની ફલાઈટ છે.’
‘હા પાડું તો.’
‘ટિકિટ કેન્સલ !’
‘તું મને જ કેન્સલ કર !’ રીના દુખતું હસી.
‘ઓ.કે. એઝ યુ પ્લીઝ !’
‘લગ્ન કરીને જાને !’
‘આવે છે ? મંદિરમાં પરણી જઈએ.’
‘મારી તો તું વાત જ છોડ ! હું એટલી નસીબદાર નથી.’
‘ઠીક છે ! અમેરિકા જઈને પહેલું કામ લગ્ન કરવાનું કરીશ. કદાચ બે-ત્રણ દિવસમાં જ…’
‘છોકરી જોઈ છે ?’
‘ચાલશે. ફોટો જોયો છે.’
એકદમ રડી પડતાં નિકેતે કહ્યું, ‘શું કામ નરકમાં ધકેલતી હોઈશ મને. તું કહેતી હોય તો તારી ખુશામત કરું. તારા બાપાના ટાંટિયા પકડું, પણ શું કામ…..?’ નિકેત ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, ‘તારા વગર હું અધૂરો છું, રીના !’
‘મને પણ આ બધું કરવાનું ગમે છે ? પણ સંજોગો જ….’
રીના, નિકેતની હથેળી ગાલ પર દબાવતી અટકી ગઈ. ‘પાછો ક્યારે આવીશ ?’
‘આવીનેય શું કરું ? છોકરીનું ફેમિલી અમેરિકાનું છે ને અહીં આવવાનું કોઈ કારણ પણ હોવું જોઈએને !’
‘મારી યાદ નહીં આવે ?’
‘નહીં આવે એટલે તો જાઉં છું.’
નિકેત ગયો. એક વખત પણ પાછું વળીને તેણે જોયું હોત તો તેનો ચહેરો અંકિત કરી લીધો હોત, પણ…’
****

ટીવીના મોટા અવાજે રીના ચમકી. શર્લીને બહુ જ ખોટી ટેવ હતી. ટીવી ફુલ વોલ્યુમમાં ચાલુ કરવાની, રીના બેઠી થઈ. પર્સ ઊંચકીને ડ્રોઅરમાં મૂક્યું. ઊભા થવાની ઈચ્છા જ નહોતી. પડી રહેવું હતું, પણ પિન્કીના દૂધનો વખત થયો હતો. તે રસોડામાં આવી. દૂધ પણ ગરમ કરવાનું બાકી જ હતું.
‘શર્લી !’ રીના બરાડી.
‘શું છે ?’
‘આટલું દૂધ પણ ગરમ ન થાય તારાથી ?’
‘ન થાય. હું પણ હમણાં જ આવી.’
‘રાકેશ આવ્યો નથી ? એ શું કરતો હતો ?’
‘તે એને ખબર !’
‘પપ્પા ? પપ્પા ક્યાં ગયા છે ?’
‘એ મામાને ત્યાં ગયા છે.’
‘મામાને ત્યાં ?’
‘હા.’
રીનાને થયું કે પપ્પાએ ત્યાં કંઈ ઊંધું માર્યું જ હશે. પપ્પા જ્યારે પણ મામાને ત્યાં જતા ત્યારે કંઈ ને કંઈ બખેડો થતો જ. પપ્પાનું બધું સારું હતું, પણ મમ્મીનાં પિયરિયાં તેમને ખાવા દોડતાં ! બાકી હોય તે બે મામાઓ-શકુનિ ને કંસ- પૂરું કરતા. પપ્પાનો કોઈ ભાવ પૂછતું નો’તું ને જ્યારે પણ જતા ઝઘડો કરીને જ આવતા. રિંગ વાગી.
‘હલો !’ રીનાએ પૂછ્યું.
‘પપ્પા !’
‘બોલો !’
‘સવારે આવીશ.’
‘બહુ ગરબડ છે શું ?’ રીનાને ઘણા અવાજો અથડાતા સંભળાયા.
‘આવીને કહીશ. તમે લોકો રાહ ન જોતાં. હું સવારે અથવા તો બપોરે આવી જઈશ.’
‘સારું !’
રીનાએ રિસીવર મૂકી દીધું.
*****

સવારે ના’વાનું પાણી મૂક્યું ત્યાં તપેલું છટકી ગયું. આખાયે કિચનમાં પાણી પાણી થઈ ગયું. ગેસ ચાલુ હતો તે હોલવાઈ ગયો. આખાય કિચનમાં પોતું મારતાં જ રીના ઢગલો થઈ ગઈ. રાત્રે બરાબર ઊંઘ પણ આવી નો’તી. નિકેતના પ્લેનની ઘરઘરાટી સંભળાયા કરતી હતી. એક અવાજ સતત રીનાને સંભળાતો હતો, ‘તેં સારું નથી કર્યું, રીના ? સારું નથી કર્યું.’ એ અવાજ રહી રહીને આર્તનાદ થઈ ઊઠતો હતો. હા, ખોટું તો કર્યું જ હતું. પણ તે પોતે પણ તો મરજી વિરુદ્ધ જ વર્તી હતીને ! સુકાવા નાખેલાં કપડાંનો ઢગલો ઊંચકીને તે બેડ પર લાવી. પિન્કી હજી ઊંઘતી હતી. રાકેશ ટ્યુશને નીકળી ગયો હતો. શર્લી ટીવી પર ચોંટી હતી. રીનાને થતું હતું કે બધું રૂટિન થઈ જાય તો સારું. સાડાનવ થવા આવ્યા હતા. રીનાએ આમ જ બારણા બહાર સડક પર નજર નાખી. એક રીક્ષા ધીમી પડી ને પછી પસાર થઈ ગઈ.

તડકો નીકળ્યો ન હતો. આઠ દિવસથી વરસાદ ઘેરાયેલો હતો, પણ પડતો ન હતો. પવન એટલો ફૂંકાતો હતો કે બારણામાંનું પારિજાત રોડ પર કેસરી દાંડલીઓ રહી રહીને વરસાવતું હતું. થોડી થોડી વારે રિક્ષા, સ્કૂટર, કાર તેના પરથી દડી જતાં હતાં ને ટાયર પર કેસરી કાળાશ ચોંટી જતી હતી. પવનની એક લહેરખી આવી. રીનાએ થોડાં પારિજાત ખોબામાં ઝીલ્યાં. જાણે ફોરાં ! એ ખોબો રીનાએ ગાલે દાબ્યો. થોડી વાર તો લાગ્યું કે નિકેતની હથેલી દબાઈ છે. રીનામાં નિકેત ઊભરાની જેમ ઊઠ્યો ને તેની આજુબાજુ ફરી વળ્યો.
નિઃશ્વાસ મુકાઈ ગયો, રીનાથી !
તે ઘરમાં આવી. કદાચ ક્યારની રિંગ વાગતી હતી. રીનાને લાગ્યું કે પપ્પા જ હશે. રિસીવર ઉપાડતાં જ બોલી, ‘બોલો, પપ્પા !’
‘પપ્પા તો નડિયાદ ગયા છે. હું મધુમામા બોલું છું.’
‘બોલો.’
‘પપ્પાએ કહેવડાવ્યું છે કે તે રાત સુધીમાં ઘરે આવી જશે.’
‘પણ, નડિયાદ શું કામ….?’
‘તારે માટે નવી મમ્મી લેવા…..’
‘શું ?’ રીનામાં વણી તણખલું તૂટ્યું. હાથમાંથી રિસીવર છટકતાં રહ્યું, ‘શું કહો છો, મામા ?’
‘જો રીના, બહુ હોહા કરવાની નથી. તારા પપ્પા તો માનતા જ નો’તા. જેમ તેમ તેમને મનાવ્યા છે…’

-ને એવું તો મામા ઘણું ઘણું બોલ્યા, પણ રીના તો ‘નવી મમ્મી’ આગળ જ અટકી ગઈ હતી. રીનાએ પોતાની જાણ બહાર જ રિસીવર મૂકી દીધું. બહાર વરસાદ વરસવો શરૂ થઈ ચૂક્યો હતો….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “અવળસવળ – રવીન્દ્ર પારેખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.