પોતાનું માણસ – અર્જુન કે. રાઉલજી

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

આખરે હું તેને છોડીને આવતી જ રહી. એ એના મનમાં સમજે છે શું ? પોતાના જીવનસાથી સાથે બનાવટ કરે એવા માણસનો વિશ્વાસ શી રીતે થાય ? એવું પણ નથી બન્યું કે રાતોરાત લગ્ન ઊભું કરી દીધું હોય અને તેને કહેવાનો ટાઈમ જ ના મળ્યો હોય ! છેલ્લાં ચાર ચાર વર્ષથી સાથે-ને-સાથે ફરતાં હતાં. પછી તેને કહેવાનો ટાઈમ ના મળ્યો હોય એવું કહેવું યોગ્ય ગણાય ખરું ? અજાણતામાં લગ્ન કર્યાં હોય તો આવી છેતરપિંડી થવાની શક્યતા રહે છે, પણ એવું તો બન્યું નથી એટલે આ તો નરી છેતરપિંડી જ ગણાયને ? અને આવી છેતરપિંડી બદલ તેને કેવી રીતે માફ કરી શકાય ?

બાકી બીજી બધી રીતે એ યોગ્ય હતો… મને ગમતો પણ હતો…. દેખાવડો, ઊંચો, મજબૂત બાંધો, પાતળો, ગોરો, એકવાર નજરે પડે એટલે નજર ખસવાનું નામ પણ ન લે એવું આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હતો મારો મિનેશ…! કૉલેજમાં પણ બધી જ બહેનપણીઓ મારી ઈર્ષ્યા કરતી હતી કે નિશા, તેં તો સ્વર્ગના ઈન્દ્રને પણ શરમાવે તેવો હીરો જેવો યુવક જીવનસાથી તરીકે શોધી નાખ્યો છે ! ખરેખર તું નસીબદાર છે ! હું પણ મારી જાતને નસીબદાર જ માનતી હતી…. પણ !? મિનેશ પણ મને દિલોજાનથી ચાહતો જ હતો ને ? હું પાણી માગું તો એ દૂધ હાજર કરતો હતો ! મારા માટે જીવ આપવા તૈયાર રહેતો હતો… એમાં તો ખોટું ના જ બોલાયને ? લગ્નજીવનમાં આ ચાર વર્ષ મેં રાજાશાહીમાં જ વિતાવ્યાં છે ને ?

તે કવિ હતો. ગુજરાતીનાં જાણીતા સામાયિકોમાં તેની કવિતાઓ અવારનવાર છપાતી હતી. વખણાતી હતી. હું પહેલેથી જ કવિતાની ચાહક હતી અને એની કવિતાઓ મને ખૂબ જ ગમતી હતી. એમાંથી જ અમારી મૈત્રી બંધાઈ હતી. વિકસી હતી. અને એની ચરમસીમાએ પહોંચી હતી. એને મારા વિના ચાલતું નહીં તો મને પણ એના વિના ઘડીભર પણ ચાલતું નહીં….. અને એટલે જ અમારો પ્રેમ લગ્નમાં પરિણમ્યો હતો ને ?

બે દિવસથી હું અહીં મારા પિયરમાં આવી છું પણ એણે એકપણ ફોન કરવાની તસ્દી પણ લીધી નથી…. એને મારા વિના કેમનું ચાલતું હશે ? હું તો માનતી હતી કે એ મારી પાછળ પાછળ જ દોડી આવશે. પણ એવું તો ના બન્યું. ઉપરથી એનો ફોન આવ્યો….? એમ તો પાછો સ્વમાની છે. કૂતરાની માફક પાછળ પાછળ પૂંછડી પટપટાવતો આવે એવો તો નથી જ ! મને એના આ સ્વભાવ પર ગર્વ થાય છે….! આમ તો આ વાતની મને ખબર પણ ના પડત, જો એના પેઢામાં લાગલગાટ ત્રણ-ચાર દિવસ સુધી ના દુઃખ્યું હોત. ગામના ડૉક્ટરની દવા કરી કરીને થાક્યાં….. ગામના ડૉક્ટરે પણ કોઈક યુરોલૉજીસ્ટને બતાવવા કહ્યું. એટલે હું તેને શહેરમાં જાણીતા યુરોલૉજિસ્ટ પાસે લઈ આવી. એ તો ના ના કરતો રહ્યો પણ એમ હું માનું એવી થોડી છું….? એમને એમ થોડું પડી રહેવા દેવાય….? વ્યવસ્થિત દવા તો કરાવવી જ પડેને ? પાછો એનો ભાંડો ફૂટી જશે એવી એને બીક લાગતી હશે એટલે જ ના પાડતો હશે !! ડૉક્ટરે તેને તપાસીને તરત જ કહી દીધું કે એની એક બાજુની કિડની જ નથી. એ તો એક જ કિડની પર જીવે છે. ત્યારે તેણે સાચી વાત કબૂલ કરી કે નાનપણમાં જ તે ગાડા ઉપરથી પડી ગયો હતો અને પેટના નીચેના ભાગમાં ખૂબ વાગ્યું હતું. એ દરમિયાન જ તેની એક કિડની એટલી બધી ડેમેજ થઈ ગઈ હતી કે એને કાઢી જ નાખવી પડી હતી. ત્યારનો તે એક જ કિડની પર જીવતો હતો…! મેં તેને કહ્યું કે મને જો આ વાત પહેલેથી કરી દીધી હોત તો હું કાંઈ તને છોડીને ના ચાલી જાત….. પણ તેં આ વાત મારાથી છુપાવી જ કેમ ? મને ત્યાં જ વાંધો હતો….. અને આ છેતરપિંડી જ ગણાય…! એટલે જ હું તેને છોડીને આવતી રહી….!

લગ્નજીવનની સફળતાનો આધાર જ આવી બધી બાબતો ઉપર છે ને ? પતિ કે પત્ની બેમાંથી કોઈએ પણ કોઈપણ વાત એકબીજાથી છુપાવવી ના જોઈએ….. નાની સરખી વાત પણ નહીં….! જ્યારે આ તો કેટલી મોટી વાત ગણાય….? અને આટલી મોટી વાત એ મારાથી છૂપાવે એ હું કઈ રીતે સહન કરું….? એટલે જ હું તેને છોડીને અહીં મારા પિયર આવતી રહી. મનમાં તો હતું કે એ મારી પાછળ દોડતો આવશે, પણ એણે તો ફોન કરવાની પણ તસ્દી ના લીધી, ખરેખર તો મારા સ્વમાનને ઠેસ પહોંચી હતી, પણ હવે થાય પણ શું ?

મારાં મમ્મી અને પપ્પા બંને મારા આવવાથી ખૂબ જ ખુશ થયાં હતાં. જો કે મેં એમને સાચી વાત જણાવી પણ નહોતી. અને સાચી વાત જણાવી હું એમને દુઃખી કરવા માગતી નહોતી. આવી વાત જાણી કયાં માબાપ દુઃખી ના થાય ? મારી મમ્મી તો મને હાથમાં જ રાખતી હતી. પાણી માગું ત્યાં દૂધ હાજર કરી દેતી હતી. મને કશુંયે કામ પણ કરવા દેતી નથી. કહેશે- ‘તારે તારી ઘેર તો આખો દિવસ કામ કરવું જ પડતું હશેને ? અહીં આવે ત્યારે તો મારી છોકરીને શાંતિથી રહેવા મળવું જોઈએને ? તારે અહીં આવે એટલે આરામ કરવાનો… કશું પણ કામ તારે કરવાનું નહીં…..!’ છેલ્લાં પાંચ દિવસથી કામવાળાં કોકિલાબહેન પણ આવતાં નથી. મમ્મી એકલી એકલી બધું જ કામ કરે છે. કચરા-પોતાં, વાસણ-કપડાં…. બધું જ ! અને હું બેઠી બેઠી જોયા કરું એ કેવું લાગે ? પણ મમ્મી મને કશેય અડકવા જ દેતી નથી, મારે શું કરવું ? તે તો મને મહેમાન જ ગણે છે. મારે એને કેવી રીતે સમજાવવું કે હું મહેમાન નથી અને કાયમ માટે તમારા માથે પડવા આવી છું ?!! પપ્પા પણ સવારમાં ઊઠે એટલે મને પૂછશે કે તારે શું ખાવું છે ? તારા માટે બજારમાંથી કંઈ લેતો આવું ? તને જે ભાવતું હોય, તારે જે ખાવું હોય તે તારી મમ્મીને કહેજે, તે જ બનાવશે…તારી મમ્મી ! મારે પપ્પાને કહેવું પડે કે પપ્પા, હું મહેમાન નથી. પણ એમ માને તો એ મારા પપ્પા જ નહીં. મને ભાવતી હોય એવી વાનગી બનાવડાવીને જ છોડે….!

તે દિવસે સાંજે હું કમ્પાઉન્ડમાં હીંચકે ઝૂલતી હતી અને મમ્મી ફૂલછોડને પાણી પાતી હતી. ત્યાં જ કોકિલાબહેન આવી ગયાં. તેમને જોતાં જ મમ્મીનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. મમ્મીએ લગભગ બૂમ જ પાડી…
‘ક્યાં ચાલ્યાં ગયાં’તાં આટલા બધા દિવસથી ?’
‘શું કરું મોટી બેન ? મારી રમલીને એનાં સાસરિયાં ખૂબ જ દુઃખ દેતાં હતાં, ખાવાનું પણ નહોતા આપતાં એવું મેં જાણ્યું એટલે એને તેડવા ગઈ હતી….’
‘તે તેડી લાવ્યાં કે નહીં ? એવા દુઃખમાં તો છોકરીને ના જ રખાયને !’
‘શું વાત કરું બેન ? મારી રમલી જ ના આવી. મને કહે : “જેવા છે તેવા પણ પોતાનું માણસ છેને ! પોતાનું માણસ એ પોતાનું કહેવાય. એને અડે એટલું બીજા કોઈને ના લાગે ! એને છોડીને હું નહીં જ આવું…..!”’

મારા મગજમાં તો બસ, આ જ શબ્દો ગૂંજ્યા કરતા હતા – પોતાનું માણસ…..પોતાનું માણસ ! અને મેં મારી બૅગ તૈયાર કરવા માંડી…..!


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઈસુ તથા ગાંધીને…. – વિપિન પરીખ
અવળસવળ – રવીન્દ્ર પારેખ Next »   

13 પ્રતિભાવો : પોતાનું માણસ – અર્જુન કે. રાઉલજી

 1. સારિ ચ્હે વાચવા લાયક અને સમજવા લાયક બાકિ……..

 2. Ruchir Gupta says:

  સારી વાર્તા છે. આમાં પણ કંઈક નવું છે અને વાર્તાની theme પણ સારી છે. પરંતુ હું માનું છું કે અહીં મિનેશ એ પોતાની પત્નીથી વાત છુપાવે છે અને એની પત્ની જયારે પિયર માં જાય ત્યારે ફોન પણ નથી કરતો એ તેની ભૂલ છે અને વાર્તામાં એને એની ભૂલનો અહેસાસ થાય એવું કંઈક હોવું જોઈએ.

 3. pratik modi says:

  સારી વર્તા

 4. સારુ થયુ કે “નીશા”મા છેલ્લે છેલ્લે પ્રકાશ થતા, નિશા બેગ રેડી કરવા લાગી.
  કેટલાયે કિસ્સામા અહેસાસ થવા છતા, મોટા અહમના કારણે લગ્ન વીચ્છેદ.
  અન્તે જીવનભરનો ભરનો પસ્તાવો ! ! !
  સુન્દર પ્રેરક વાર્તા.

 5. Jayshree Ved says:

  Good,nisha accepted the fact

 6. Meet panchal says:

  વાત સારિ અને સાચિ……
  મિનેશ નુ પાત્ર મને ખુબ ગમિયુ……

 7. Bharat bhutiya says:

  it’s a good decision for both …………………..

 8. Komal Dave says:

  સાચેી વાત પોતાનુ માણસ એટલે પોતાનું જ ગમે તેટલો ગુસ્સો કરિએ પણ એને છોડિને કદિ સુખેી ના રહિ શકાય એક બિજા પ્રત્યેનો પ્રેમ અને વિસ્વાસ પર તો લગ્નજેીવન ટકેલુ હોય છે તેમાં જ્યાર ઓટ આવે ત્યારે તેને ભરતિ માં બદલિ દેવેી જોઇએ નાનિ મોટેી તકલેીફ તો દરેક ના જેીવન માં આવતિ હોય છે પણ એનો સામનો બન્ને એ સાથે મળેીને કરવો જોઇએ તેવુ મારુ માનવુ છે અને આ મારો અનુભવ પણ છે

 9. Amrutlal Hingrajia says:

  સમજણપૂર્વક પાછા હટી શકવાની હિંમત એજ ખરી સમજણ.

 10. mamta says:

  પોતા નુ માનસ પોતા નુ જ રહેવા નુ ભલે કેઇ પન થાય્.

 11. Hemant says:

  How do you take out a kidney without leaving a big scar?

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.